નીમાના જીવનમાં અતુલ્યના આગમનથી પ્રેમ અને સુખની નવી આશા જાગે છે. અંશ આજે અતુલ્યમાં પિતાનો પ્રેમ અનુભવે છે. નેપાલની યાત્રા પહેલાં ભૂતકાળના કડવા સંસ્મરણો વચ્ચે ત્રણે નવું જીવનનું સપનું જુએ છે, પરંતુ આગળ કુદરતનો કહેર રાહ જોઈ રહ્યો છે.
ઇલસ્ટ્રેશન
‘અતુલ્યસર... તમે!’
રવિની સવારે ઊઠતાંવેંત અતુલ્યને ભાળીને અંશ ઊછળીને તેને વળગી પડ્યો. અંશને ચૂમી ભરતાં અતુલ્યની નજર દરવાજે ઊભેલી નીમા તરફ ગઈ, ‘તું કહેતી હો નીમા તો અતુલ્યને આજે હું રેડી કરી દઉં?’
‘એમાં તમારે પૂછવાનું ન હોય અતુલ્ય... સર.’ નીમા મલકી, ‘પણ જોજો, આ બદમાશ પોતે નહાવાની સાથે તમને અડધા ભીંજવી દેશે.’
‘ડોન્ટ વરી...’ નીમા સામે હસીને અતુલ્યે અંશને આંખ મીંચકારી : હું પણ બાથરૂમને વૉટરપાર્ક જ સમજું છું.’
બેઉએ ક્લૅપ ઠોકી, અંશે મમ્મીને ડિંગો દેખાડ્યો અને દીકરાની ખુશી હૈયે સમાવતી નીમા રસોડા તરફ વળી.
સિંગલ પેરન્ટ બાળકને માબાપ બેઉનો પ્રેમ આપે તો પણ બાળક જે નથી એની કમી મહેસૂસ કરતું જ હોય છે. અંશને એ ખાલીપો હજી કળાતો નહીં હોય, પરંતુ અતુલ્યના સંગાથમાં એની પૂર્તિ થતી હોવાનું મને તો સમજાય છે.
અને અતુલ્ય પણ આજે કેવો પ્રસ્તાવ મૂકી બેઠા.
અવનમાં કૉફીનો મગ મૂકતી નીમાએ હોઠ કરડ્યો.
આમ તો પાછલા બે-ચાર દિવસથી જૉગિંગમાં મળતા અતુલ્ય કશુંક કહેવા માગે છે પણ કહી નથી શકતા એટલું તો પરખાતું હતું. તેમના હૈયાની વાત શું હોઈ શકે એનો અણસાર પણ હતો, પણ પોતાના જવાબની હજીયે ખાતરી નહોતી એટલે તેમનું મન ખોતરવાથી દૂર રહેતી. જોકે આજે જૉગિંગમાં મળતાંની સાથે અતુલ્યે ટૂરનું બ્રોશર થમાવીને એકશ્વાસે કહી દીધું: નીમા, શ્રાવણમાં પશુપતિનાથનાં દર્શને જવાની ઇચ્છા છે. તને અને અંશને સાથે લઈને જવાની ઇચ્છા છે અને તારી હા હોય તો પશુપતિનાથના મંદિરમાં તારી માંગમાં સિંદૂર પૂરવાની પણ ઇચ્છા છે.
ઇચ્છાઓનો હવાલો આપીને અતુલ્ય મને નીરખી રહ્યા એમાં પહેલી વાર સંકોચ, શરમ યા માન-મર્યાદાનો અંચળો નહોતો. પ્રીતમ તેની પ્રિયતમાને નીરખે એવી એ નજર હતી જેણે મારાં નેત્રો ઝુકાવી દીધાં, શરમ પરમાણુ બનીને લોહીના અણુએ અણુમાં ફરી વળી.
અતુલ્યને ઇનકાર હોય જ નહીં. તોય હું ક્યાંય સુધી મૂંગીમંતર બની રહેલી. ભીતર વલોણું ભમતું હતું : ભૂતકાળમાં એક કન્યાને કારણે અતુલ્યનો મોહભંગ થઈ ચૂક્યો છે. તેમની વાગ્દત્તા સગપણ ફોક કરીને તેના ઘરેથી ભાગી ગયેલી એ બધું હું જાણું છું તો શેખરના લાપતા બન્યાને હજી ૭ વર્ષ પૂરાં નથી થયાં એ કાયદાની મર્યાદા અતુલ્યથી છૂપી નથી. જોકે અતુલ્યને જવાબ ન આપવા પાછળ કેવળ શેખરના આગમનની અવધિની અડચણ નથી. કડવા અનુભવને વિસારીને અતુલ્ય જીવનમાં હવે આગળ વધવા માગતા હોય એ પહેલને વધાવવાની જ હોય, પણ પછી એવુંય થાય કે તેમણે શા માટે મારા જેવી એક દીકરાની માને પરણવું! બલ્કે તેમની સાથે શોભે એવી કોઈ કુંવારી કન્યા મારે શોધી આપવાની હોય.
હું આની અવઢવમાં અટવાણી હતી કે સહેજ ઝંખવાતા અતુલ્ય બોલી ઊઠેલા : મને લાગ્યું હતું કે આમાં તારી પણ મરજી હશે. એવું ન હોય તો ચિંતા ન કરીશ, મારા તરફથી કોઈ દબાણ કે આગ્રહ નથી નીમા.
‘તમારો સાથ કોઈ પણ કન્યાનું સદ્ભાગ્ય ગણાય અતુલ્ય, મારા જેવી છંડાયેલી સ્ત્રીને બદલે કોઈ કુંવારી...’
‘કુંવારી કન્યાનો મને કેવો અનુભવ છે એ તું કેમ વીસરી જાય છે?’ મારી ચૂપકીનો મતલબ સમજાતાં અતુલ્યની કીકીમાં વળી એ જ પ્રણયતિખારો ઝળકી ઊઠેલો, ‘વાગ્દત્તાના એ એક વારના અનુભવ પરથી હું એટલું શીખ્યો છું નીમા કે બે જીવના એક થવામાં મનનો મેળ વધુ અગત્યનો છે.’
ત્યારે મેં પણ દ્વિધા ખંખેરી નાખેલી : ભલે, પણ વિધિવત્ સગાઈની જાહેરાત માટે શેખરના ૬ મહિના પૂરા થવા દઈએ.
સાંભળીને અતુલ્ય કેવા ખીલી ઊઠેલા, ‘તારો પતિ થવામાં મારે ભલે ૬ મહિનાની વાટ જોવી પડે, અંશનો પિતા તો હું આજથી જ બની જવા માગું છું.’
અને મારી સાથે ઘરે આવીને અંશને નવડાવવા પણ બેસી ગયા.
વિશ્વાસ રાખ નીમા... અવનના કાળા કાચમાં ઊપસતા પોતાના ચહેરાના પ્રતિબંબને તેણે મનમાં જ કહ્યું : તારા સુખનો પ્રવાસ હવે ખરેખર શરૂ થઈ રહ્યો છે.
lll
અતુલ્ય ગયા.
રાત્રે પથારીમાં લંબાવતી નીમાને ન સમજાય એવો સૂનકારો ઘેરી વળ્યો. આજે રવિવારનો દિવસ ખરા અર્થમાં ફૅમિલી ડે બની રહ્યો. સવારે લંચ બહાર લીધું, પછી મૉલ-મૂવીમાં ગયાં, સાંજે અતુલ્ય અંશને પાર્કમાં લઈ ગયા. ડિનરમાં અતુલ્યે બનાવેલું ચાઇનીઝ અંશને તો કેટલું ભાવ્યું.
‘અતુલ્ય, તું અહીં જ રોકાઈ જાને!’
અતુલ્યે સવાર-સવારથી જ અંશને પોતાને નામથી અને તુંકારે બોલતો કરી દીધેલો. અંશને પણ એ કેટલું સહજ લાગ્યું! જોકે રાતે બેડટાઇમ સ્ટોરીમાં અંશનું ધ્યાન નહોતું. પોતે સૂતાં જ અતુલ્ય જતો રહેશે એની ધારણાથી છોકરાની પાંપણ ભીંજાયેલી.
‘મારે સ્કૂલનું થોડું હોમવર્ક બાકી છે બેટા... યા, અમારે સર લોકોએ પણ હોમવર્ક કરવું પડે. પણ સન્ડે આવી જઈશ.’ અતુલ્યે તેને હળવેથી પૂછી
લીધેલું : આપણે ત્રણે આમ સાથે રહીએ તો તને ગમેને?
‘બહુ ગમે.’ અંશ અતુલ્યને વીંટળાઈ ગયેલો અને તેને વળગીને જ પોઢી ગયેલો.
બહાર આવીને અતુલ્ય સોફા પર ગોઠવાયેલા, ‘નીમા, મેં આપણું ટૂર-બુકિંગ કરાવી દીધું છે. મુંબઈથી કાઠમાંડુ બાય પ્લેન અને ત્યાંથી કારમાં આખું નેપાલ ફરીશું.’
‘અંશ પહેલી વાર પ્લેનમાં બેસશે. તે તો કદી મુંબઈની બહાર પણ ગયો નથી અતુલ્ય. હી વિલ બી મોર ધૅન હૅપી.’
‘મને એ જ જોઈએ. અંશની ખુશીથી વિશેષ આપણા માટે શું હોય?’
ત્યારે સંકોચ છોડવાની પહેલ કરીને હું અતુલ્યના પડખે સરી હતી, તેમના ખભે માથું ટેકવેલું : તમે આવા જ રહેજો અતુલ્ય!
થોડી પળો એમ જ મદહોશીમાં વીતી. ક્ષણ પૂરતો તેમનો હાથ મારા માથામાં ફર્યો ને પછી મારી પેશાની ચૂમીને તે ઊભા થઈ ગયેલા : મારે હવે નીકળવું જોઈએ.
આવું કહેનારા અતુલ્ય મર્યાદાપુરુષ સમાન લાગ્યા હતા.
અત્યારે પણ તેનો ઉમંગ શ્વાસોમાં ભરતી નીમાના કાને ગતખંડમાંથી વહી આવતું અટ્ટહાસ્ય સંભળાયું : યુ
વિલ નેવર ફાઇન્ડ અ મૅન લાઇક મી!
પતિના શબ્દોએ થથરી જતી નીમાએ માથે ઓઢી લીધું.
lll
‘આખરે ઈશ્વરે તારી સામે જોયું.’
તારાબાઈ ખુશ હતી. અતુલ્યનું નામ મા-દીકરાની વાતોમાં પડઘાતું રહેતું. ગઈ કાલે તેને જોઈ-મળીને આનંદ જ થયેલો. તેની હાજરીમાં તો ખૂલીને વાત થાય એમ નહોતી, પણ સોમની સવારે કામે આવતાંવેંત નીમાએ સામેથી ફોડ પાડતાં તારાબાઈનો હરખ છલકાયો : હું તો કહીશ કે હવે શેખરની અવધિનું બંધન તોડીને પશુપતિનાથની નિશ્રામાં અતુલ્ય જોડે ફેરા ફરી લે.
‘હં. આટલાં વર્ષે ફરી બહારગામનો યોગ સર્જાયો ત્યારે ડરું છું કે ફરી ક્યાંક...’
‘શીશ. ખોટા વિચાર ન કર. એને બદલે પૅકિંગ શરૂ કર. જવામાં હવે દહાડા કેટલા રહ્યા!’
એ જ વખતે નીમાનો ફોન રણક્યો. કોઈ સ્પૅમ કૉલ હતો. નીમાને સાંભરી
ગયું : લગ્નના ત્રીજા વર્ષે સાસુ-સસરાનું શ્રાદ્ધ સરાવવા જવાનું હતું. પોતે એની તૈયારીમાં હતી ત્યારે માનો ફોન આવેલો...
lll
‘બસ મા, પૅકિંગ જ કરું છું. કાલે નીકળવાનું છે. સવારની ફ્લાઇટ છે. તીર્થસ્થાન નજીકના ગેસ્ટહાઉસમાં રૂમ રાખવાના છીએ. બીજી વહેલી સવારે સરાવવાની વિધિ પતાવીશું અને મોડી સાંજની ફ્લાઇટમાં પાછા.’
‘પાછા આવવાની આટલી શું ઉતાવળ. લગ્નના હનીમૂન માટે તમે શિમલા ગયેલા ત્યાર બાદ ઠેઠ ૩ વર્ષે જમાઈબાબુને બૈરીને બહાર લઈ જવાની ફુરસદ મળી - એય તેનાં માબાપના શ્રાદ્ધકર્મ માટે. તે પોતે નોકરીના બહાને દેશ આખામાં ફરતો રહે એનું કંઈ નહીં. દીકરી, તું સાસરે સુખી તો છેને?’
lll
મા દર વખતે પૂછતી. આ સવાલનો જવાબ મારાથી માને ક્યારેય અપાયો નહોતો.
અત્યારે વર્તમાનમાં ઝબકતી નીમાએ હળવો નિ:શ્વાસ નાખ્યો.
ના, સાસરામાં બીજી કોઈ વાતનું દુખ નહોતું.
શેખર સાથે મારાં અરેન્જ્ડ મૅરેજ હતાં. દેખાવડો જુવાન, હીરાબજારમાં ડિલિવરી મૅન તરીકે સેટલ્ડ, અંધેરીમાં પોતાનો બે બેડરૂમનો ફ્લૅટ અને પરિવારમાં વિધવા મા. ગ્રૅજ્યુએટ થયેલી મારા જેવી વિધવા માની એકની એક દીકરી માટે તો આ પ્રસ્તાવમાં ઇનકારનું કોઈ કારણ હતું જ નહીં. બલ્કે મુંબઈના છોકરાએ સૌરાષ્ટ્રના વતન નજીકના ગામની કન્યા પસંદ કરી એનું જરાતરા અચરજ થયેલું.
આનું કારણ પરણીને નવા ઘરમાં ગોઠવાતી ગઈ એમ સમજાતું ગયું. શેખરનાં માતા લકવાગ્રસ્ત હતાં. ગામડાની છોકરી ઘર સાથે બીમાર સાસુને પણ સાચવી જાણશે એવી ગણતરીએ શેખર મને પરણ્યો હતો.
ના, બીમાર સાસુની સેવાનો વાંધો હોય જ નહીં. બોલી ન શકતાં તે બિચારાં મારો આંખોથી મારો ગણ માનતાં. તેમને મૂકીને મારે ક્યાંય જવાનું નહીં, પણ શેખર બિન્દાસ રવિની રાજાના દહાડેય યારદોસ્તો સાથે હરવા-ફરવા ઊપડી જાય, ઝવેરશેઠની પેઢીએથી હીરાનાં પડીકાં ઇન્દોર કે જયપુર આપવાનાં હોય તો ત્યાંથી બીજે ફરીને આવે.
‘તમને મારા વગર ફરવાનું ગમે કેમ...’ ક્યારેક હું સોડમાં ભરાઈને રીસ જતાઉં, ‘મારી યાદ નથી આવતી?’
જવાબ આપવાને બદલે શેખર મારાં વસ્ત્રોને ઉઘાડે. હું પીઠ ફરી જાઉં : તમને તો બસ મારા શરીરનો જ ચાવ છે!
‘તું મને પીઠ દેખાડે છે...’ પાનમસાલાથી ગંધાતું મોં નજીક લાવીને શેખર મારા વાળ ખેંચે છે, ‘આવો ઍટિટ્યુડ મારી આગળ નહીં ચાલે... ઘરની સંભાળ, માની ચાકરી ને મને સંતોષ આ ૩ જ તો તારાં કામ છે. એમાંય તું આડી ફાટે છે.’
સટાક. શબ્દો સાથે વીંઝાયેલા તમાચાએ હૈયે સોળ ઊપસાવી દીધા. શેખરને ઘરવાળીના રૂપમાં કામવાળી કમ ધંધેવાલી જોઈતી હતી. પત્ની, જીવનસંગિની, સહધર્મચારિણી જેવા શબ્દો કદાચ તેના ભાષાકોશમાં જ નહોતા.
એ રાતે મૂંગાં આંસુ સારતી હું પતિનો અત્યાચાર સહેતી રહી.
લગ્નના આઠમા મહિને સાસુમા પાછાં થયાં ત્યારે આશા બંધાઈ કે હવે હું થોડી મુક્ત... બેશક, મને હવે ફુરસદ રહેતી, પણ એથી શેખરનું માનસ બદલાયું નહોતું કે નહોતી તેની દિનચર્યા બદલાઈ. એકાદ રવિવારે બહાર જતા શેખરને સાથે લઈ જવા કહ્યું તો તે હસેલો : તારા જેવી ગામડાની ગમારને લઈ જઈને મારે દોસ્તોમાં હાંસીપાત્ર નથી ઠરવું.
પોતે કોઈ અર્થમાં ગામડાની ગમાર નહોતી. અંગ્રેજી તો હું શેખરથી સારું સમજતી, સાડી-ડ્રેસ પહેરવાની મારી સ્ટાઇલની આજુબાજુની મહિલાઓ તારીફ કરતી. પોતાનામાં જ મસ્ત રહેતા શેખરને આમાંનું કંઈ જ પરખાતું નહીં હોય?
‘જમાઈરાજ પણ ખરા છે. તને પિયર મોકલતા નથી, ક્યાંક ફરવા પણ લઈ જતા નથી...’ મા ફોન કરીને ચિંતા જતાવતી, ‘દીકરી, તું સાસરે સુખી તો છેને?’
lll
આજે કહું છું મા... હું મારાં પહેલાં લગ્નમાં સુખી નહોતી, પણ હવે સુખ મને શોધતું આવ્યું હોય એવું લાગે છે ખરું.
અત્યારે ઊંડો શ્વાસ લઈને નીમાએ ઇરાદો ઘૂંટ્યો : એને તો હવે હું સરકવા નહીં જ દઉં.
lll
‘વાઉ, આપણે પ્લેનમાં જવાના! અતુલ્યની સાથે!’
નીકળવાની આગલી રાતે અંશને જાણ કરતાં તેણે ધમાચકડી મચાવી દીધી.
અને બીજી બપોરે અતુલ્ય ટૅક્સી લઈને મા-દીકરાને લેવા આવી પહોંચ્યો. દહીંનું શુકન કરાવીને તારાબાઈ ત્રણેને વિદાય આપે છે કે ગલીમાં ગણપતિબાપ્પાના આગમનનાં પડઘમ સંભળાયાં.
‘લો, જવા ટાણે વિઘ્નહર્તાદેવની પધરામણીનાં શુકન થયાં... હવે તમારી યાત્રામાં કોઈ વિઘ્ન નડવાનું નહીં.’
વાજતે-ગાજતે લવાતી બાપ્પાની વિશાળ મૂર્તિને વંદન કરીને ત્રણે ટૅક્સીમાં ગોઠવાયાં.
‘ફરીને જલદી પાછા આવજો.’ હાથ હલાવીને તારાબાઈ કહે છે. તેને કે કોઈને ક્યાં ખબર હતી કે નેપાલમાં કુદરત કેવો વિનાશક કહેર વર્તાવાની છે.
(ક્રમશઃ)
