Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > અષાઢી બીજ - એક ગાથાના આરંભથી અંત સુધી (પ્રકરણ ૩)

અષાઢી બીજ - એક ગાથાના આરંભથી અંત સુધી (પ્રકરણ ૩)

Published : 15 July, 2026 03:39 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

બહાર વીજ ઝબૂકી. એના ચમકારે પલંગ પરથી ઊતરી તે ઉઘાડા પગે કક્ષમાંથી બહાર દોડી. તેની પાયલના રણકારે બાજુના કક્ષમાં કુંવરને જોવા ઊઠેલાં દેવયાનીબા ચમક્યાં.

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


સંધ્યાટાણું છે. એભલની ઓરડીની ગોખલાબારીમાંથી આવતાં આથમતા સૂરજનાં સોનાવરણી કિરણો ગુલાબના દેહને દમકાવી રહ્યાં છે. થોડા મહિનાના સહેવાસમાં એભલ-ગુલાબ વચ્ચે પ્રીતનો રંગ પાકો ચડ્યો છે, જનમ-મરણના કૉલ દેવાયા છે. દરબારગઢમાં પાંગરેલી પ્રણયકથા કોઈની આંખે ચડે નહીં એની તકેદારી બેઉએ બરાબર રાખી છે. એકાંતનો અવસર હોય ત્યારે ગુલાબના જોબનના ઓરતા બોલકા બની જાય, પણ એભલ મેરુ જેવો અડગ રહે : ‘તારા કોઈ ઓરતા અધૂરા નહીં રહેવા દઉં ગુલાબ, ધરપત રાખજે. બાકી ચોરીના ચાર ફેરા વિના તને અડું એ પણ અભડાવ્યા બરાબર ગણાય.’

આવા સાયબા પર ગુલાબ કેમ ઓવારી ન જાય!



‘પણ હવે સંજોગો પલટાવાનાં એંધાણ છે... પ્રસૂતિ માટે પિયર ગયેલાં દેવયાનીબાએ ગયા મહિને કુંવરને જન્મ આપ્યો અને આવતા મહિને મા અહીં આવી જશે...’ ગુલાબે ઓઢણીનો છેડો આંગળીમાં વીંટ્યો, ‘આવીને પહેલું કામ તે મારા વેવિશાળનું કરવાની. તું તો જાણે છે, કદમનગરના ધણી ગણાતા સુરેન્દ્રસિંહજીના દીકરા જીવણસિંહ પિતાશ્રીના મનમાં મારા માટે વસી ચૂક્યા છે. હું કદમનગરની વહુ બનું એવી મનસા એક-બે વાર મારા મોસાળમાં બોલી પણ ગયા છે... મા આવતાં જ બધું પાકું થઈ જવાનું.’


એભલને ગુલાબની ગંભીરતા સમજાઈ. બાસાહેબ પિયર જતાં ગુલાબે આખા દરબારગઢનો ભાર ઉપાડી લીધો હતો. સૌ એકઅવાજે કહેતા : દીકરીબા એકદમ ઠકરાણાની પ્રતિકૃતિ જેવાં છે – એવાં જ મમતાળુ ને માયાળુ!

બે-ત્રણ જગ્યાએથી ગુલાબનાં માગાં પણ આવ્યાં છે...


‘તો હવે શું કરવું છે ગુલાબ?’

‘બીજું તો શું, અવસર જોઈને હું પિતાશ્રીને વાત કરું છું. પછી જે થાશે એ જોયું જાશે!’

– પણ ગુલાબ મોડી પડી. તેને અવસર સાંપડે એ પહેલાં માતા નાના કુંવર સાથે દેવગઢ આવી ગયાં. એના ત્રીજા અઠવાડિયે રંગેચંગે કુંવરના નામકરણનો ઉત્સવ જામ્યો. બિરાદરીના માનવંતા મહેમાનોની હાજરીમાં સજાવેલા શામિયાણામાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ કુંવરનું નામ રખાયું. એના અભિવાદનના પડઘા શમે એ પહેલાં વીરસિંહે ઊભા થઈને કદમનગરનાં ધણી-ધણિયાણીની સંમતિથી ગુલાબ-જીવણસિંહનું સગપણ જાહેર કરી દીધું!

અણધારી જાહેરાતથી ગુલાબ પૂતળા જેવી થઈ ગઈ. વીરસિંહ-દેવયાનીબાની પાછળ કુંવરને તેડીને ઊભેલો એભલ ધ્રૂજી ગયો. માબાપ સાથે બિરાજેલા જીવણે ગુલાબને જોઈ મૂછોને તાવ દીધો.

ગુલાબે નજર ફેરવી લીધી.

lll

‘પછી? પછી શું થયું?’

જુહી ઉત્સુકતાભેર પૂછી બેઠી, ‘પછી તમે મંગેતર સાથે શું કર્યું?’

અરેનને થોડું અજીબ લાગ્યું : જુહીને પ્રેમીજન કરતાં મંગેતરમાં કેમ રસ પડ્યો!

‘કન્યાની મરજી પૂછવા-જાણવાનો તો ત્યારે રિવાજ જ નહોતો, દીકરી ને ગાય દોરે ત્યાં જાય એ મુજબ જીવણ સાથે મારી વિધિવત્ સગાઈ થઈ... બધા ખુશ હતા. મારામાં એનો ઉત્સાહ-ઉમંગ નહોતા એનો અર્થ એવો કઢાયો કે છોકરી પિયર છોડવાના વિચારે શોષાય છે!’

‘ઓહ, પછી?’

‘પછી અષાઢી બીજ આવી... અમારા પ્રથમ મિલનની પહેલી તિથિ!’

ગુલાબબા સમક્ષ દૃશ્ય ઊપસ્યું.

lll

‘હું શું કરું? કઈ રીતે પિતાને કહું કે...’

ગુલાબ શય્યામાં કરવટ બદલે છે. જીવને સુકૂન નથી. હૈયે એભલ છે ને હથેવાળો જીવણ સાથે થવાના સંજોગ છે...

જીવણ.

ગુલાબનું મોં કટાણું થયું. સગાઈના બીજા અઠવાડિયે પગફેરાની વિધિ નિમિત્તે પોતે બે દિવસ કદમનગર રહી આવી એમાં જીવણસિંહનું પોત પરખાઈ ગયું. જરા એકલા પડીએ કે વારે-વારે તે મારો હાથ પકડી લેતો, મને બાથમાં લેવાની કોશિશ કરતો... નફ્ફટ! ને પાછો શરાબી.

તેના શ્વાસોમાં ગંધાતી મદિરાની વાસથી હું ભડકી જતી : ‘તમે નશો કર્યો છે જીવણ?’

એથી લાજવાને બદલે તે મલકાતો : ‘શરાબનો નશો તારા શબાબના નશા આગળ કંઈ નથી રાણી!’

– નહીં, કદમનગરમાં તો મેં યેનકેન પ્રકારે તેને ટાળ્યો, પણ આવા સાથે મારો જન્મારો નહીં જાય!

ગુલાબ પથારીમાં બેઠી થઈ ગઈ : ‘પિતાશ્રીની તપાસમાં જીવણનાં અપલક્ષણો ઊઘડ્યાં નહીં હોય તો મારે તેમના ધ્યાન પર લાવવાં રહ્યાં... અને આટલું કરવું જ હોય તો એભલ સાથેની પ્રીત પણ કબૂલી કેમ ન લેવી!’

બહાર વીજ ઝબૂકી. એના ચમકારે પલંગ પરથી ઊતરી તે ઉઘાડા પગે કક્ષમાંથી બહાર દોડી. તેની પાયલના રણકારે બાજુના કક્ષમાં કુંવરને જોવા ઊઠેલાં દેવયાનીબા ચમક્યાં. ઝરૂખે આવી જોયું તો દીકરી એભલની ઓરડીનું દ્વાર ખખડાવતી દેખાઈ. દરવાજો ખૂલતાં જ ગુલાબે એભલનો હાથ પકડી લીધો એ જોઈ છાતીમાં કળતર થયું : ‘આ શું ગજબ કરે છે છોકરી!’

ત્યાં તો અષાઢી બીજનો ઘેરાયેલો વરસાદ તૂટી પડ્યો ને વરસતા મેહુલામાં એભલનો હાથ પકડીને પોતાના નિવાસ તરફ આવતી ગુલાબને જોઈને દેવયાનીબા કક્ષમાં દોડીને ધણીને ઢંઢોળવા લાગ્યાં : ‘જાગો દરબાર, ન ધારેલું કંઈક બનવા જઈ રહ્યું છે!’

આંખો ચોળીને વીરસિંહ જાગૃત બન્યા ત્યાં બારણું ઠોકાયું ને વળતી પળે દીકરીને એભલ સાથે પ્રવેશતી જોઈને વીરસિંહની કમરમાં સટાકો બોલ્યો, દેવયાનીબા સમસમી ગયાં.

‘મા-પિતાશ્રી, હું એભલને મનથી વરી ચૂકી છું.’

જાણે દરબારગઢ પર વીજળી ત્રાટકી.

‘હાય-હાય!’ દેવયાનીબાથી ન રહેવાયું, દીકરી તરફ ધસી જઈને તમાચો વીંઝ્યો, ‘આટલી બેશરમી દાખવતાં પહેલાં ઝેર ખાતાં ન આવડ્યું?’

‘બેશરમ તો જીવણ છે મા...’ સાસરીના અનુભવ કહીને ગુલાબે ગરદન ટટાર કરી, ‘જ્યારે એભલની બહાદુરીથી આપણે અને આપણો કુંવર જીવતાં છીએ.’

‘એ ઉપકારનું સાટું એભલ તારો હાથ માગીને વસૂલવા માગે છે?’

‘એભલ એટલો હલકો નથી બાપુ!’ ગુલાબનો રણકો ઊપસ્યો, ‘આજ સુધી તેણે મારી મરજાદ જાળવી છે, મને જીવણની થવા સમજાવે છે; પણ મારું મન નથી માનતું. જીવણ બત્રીસલક્ષણો હોત તોય મારું મન ન મળત, જ્યારે અહીં તો તેના ચારિત્ર્યમાં જ મને શ્રદ્ધા નથી રહી.’

વીરસિંહ ઘડીભર દીકરીને જોઈ રહ્યા. ‘ના, એભલને યોગ્ય ઠેરવવા ગુલાબ જીવણમાં ખોટ ઊપજાવે એ સંભવ નથી. એટલું તો જાણું છું મારી દીકરીને. ગુલાબ મને જીવથી વહાલી છે.’

‘જીવણમાં ખોટ હોય તો હું તને તેની સાથે નહીં જ પરણાવું, પણ એનો અર્થ એ પણ નહીં કે તને એભલ જોડે પરણાવું.’

‘કેમ નહીં બાપુ! એભલ પણ છે તો આપણી જ બિરાદરીનોને.’

‘પણ તે ગરીબ છે, આપણો ચાકર છે... તેની સાથે આપણો મેળ કેમ બેસે?’

‘બાપુ...’ પહેલી વાર એભલ બોલ્યો, અદબથી, હાથ જોડીને બોલ્યો, ‘મારા સ્વીકારમાં મારી ગરીબી જ આડે આવતી હોય તો મને થોડો સમય આપો. શહેર જઈ મારા પુરુષાર્થના બળે અમીરીમાં તમારો સમોવડિયો થઈને આવું પછી તો ગુલાબનો હાથ મને સોંપશોને!’

 ‘અને આપના પિતાશ્રી માની ગયા?’ અરેને પૂછ્યું.

‘તરત તો નહીં... તેમણે વિચારવાનો સમય લીધો. એક બાજુ જીવણ વિશે ઊંડી તપાસ કરાવી. એમાં તેના શરાબી, ઐયાશપણાનો પુરાવો મળતાં સગાઈનું શ્રીફળ પાછું મોકલાવ્યું, એ પણ એભલના હાથે. સાથે સુરેન્દ્રસિંહના નામે એક પત્ર પણ હતો...’

‘મિત્ર સુરેન્દ્રસિંહજી,

કદમનગર સાથે દેવગઢના સંબંધ વધુ ગાઢ કરવાની ઇચ્છાથી મારી દીકરીનું સગપણ તમારા ચિરંજીવી સાથે કર્યું, પણ અફસોસ સાથે લખવું પડે છે કે આ સંબંધમાં આગળ વધાય એવું રહ્યું નથી. તમારા કુંવરનાં અપલક્ષણો તમે જાણતા જ હશો, અમે હમણાં જાણ્યાં. મારી દીકરીને શરાબી, ઐયાશ સાથે પરણાવવા હું હરગિજ તૈયાર નથી એટલે વેવિશાળનું શુકન પાછું કર્યું છે. આશા છે એથી આપણી મિત્રતાને આંચ નહીં આવે.

લિખિતંગ,

વીરસિંહ પોતે.’

પત્ર વાંચીને સુરેન્દ્રસિંહે કાગળ મુઠ્ઠીમાં મસળ્યો. હવેલીના દીવાનખંડમાં ઠકરાણા અને જીવણ પણ મોજૂદ હતાં. વીરસિંહના પત્રે તેમને સમસમાવી દીધા.

‘તેમની હિમાકત તો જુઓ. સગાઈનું શુકન કાસદના હાથે પાછું કર્યું! આવું અપમાન! હવે જુઓ, તેમની બત્રીસલક્ષણી દીકરીને કેવી બદનામ કરું છું...’

‘ખબરદાર!’ એભલસિંહનું લોહી ધગી ઊઠ્યું, ‘ગુલાબબા કે અમારા દરબાર વિરુદ્ધ એક શબ્દ બોલ્યા તો અહીં જ ધીંગાણું રચાઈ જશે.’

‘બે બદામના કાસદ, તારી આ મજાલ!’ જીવણસિંહ એભલ તરફ ધસ્યો કે એભલે કમરે લટકાવેલી તલવારની મૂઠ પર હાથ ભીંસ્યો, ‘આવી જા મેદાનમાં!’

તેણે જે રીતે તલવાર પકડી હતી એ જોઈને જીવણ બે ડગલાં દૂર જ અટકી ગયો. સુરેન્દ્રસિંહ પણ સમજી ગયા, ‘સબૂર જીવણ!’ તેમણે દીકરાની આબરૂ સાચવી લીધી, ‘ઘરે આવેલા સંદેશવાહક પર આક્રમણ ન થાય... આ તો બિચારો ચિઠ્ઠીનો ચાકર.’ કહીને એભલને નિહાળ્યો, ‘તું નીકળ ભાઈ. તારા ધણીને એટલું કહેજે કે ગુલાબની સગાઈ હવે ક્યાં કરો છો એ જાણવાની અમને જિજ્ઞાસા રહેશે. સિધાવો!’

lll

‘આવો બહાદુર હતો મારો એભલ!’ ગુલાબબાએ કડી સાંધી, ‘તેના પાછા થવા સુધીમાં પિતાશ્રીએ પણ અમારા સંબંધ બાબતે નિર્ણય લઈ લીધો હતો...’

lll

‘હું તને ૩ વર્ષ આપું છું એભલ...’

વળી પોતાના કક્ષમાં પત્ની-દીકરીની હાજરીમાં વીરસિંહે ફેંસલો સુણાવ્યો, ‘અમારી શાખની તોલે આવે એવી ઈમાનદારીના રસ્તે અમીરી મેળવી બતાવ, જેથી મને ખાતરી રહે કે મારી દીકરી રાજરાણીની જેમ રહેશે.’

એભલે પડકાર ઝીલી લીધો. ગુલાબની આંખો વરસી પડી. સમાજની સામે દીકરીના હૈયાને સમજતાં માવતર બિરાદરીમાં જૂજ જોવા મળે છે. ‘સામે મારો એભલ પણ ઊણો નહીં ઊતરે અને ૩ વર્ષ તો ચપટીમાં વીતી જશે!’

lll

‘અને એભલ દેશાટન જવા નીકળ્યો...’ ગુલાબબા કહે છે ત્યાં જ...

જુહીનો ફોન રણક્યો. ગુલાબબા ઝબકી ગયાં, અરેનને પણ એ વિક્ષેપ ખટક્યો.

પણ જુહી મહોરી ઊઠી, ઊભી થઈને દૂર દોડી.

ગુલાબબા ઝીણવટભરી નજરે તેને નિહાળી રહ્યાં એટલે અરેનને કહેવું પડ્યું : ‘તેની મમ્મીનો ફોન લાગે છે... અહીં આવવા નીકળ્યાં ત્યારની રાહ જોતી હતી.’

ગુલાબબાને જુવાન ભોળો લાગ્યો. માનો ફોન હોય તો છોકરીએ આમ દોડીને જવાની શી જરૂર!

‘તમારી હાજરીમાં તેની માનો ફોન પહેલી વાર તો નહીં જ આવ્યો હોય... જે માના ફોનથી આટલી ખુશ છે તે તમારા ફોને તો ઊછળી પડતી હશે!’ હજીયે દૂર જઈને વાળની લટ રમાડતી જુહીને નિહાળતાં તેમણે મોઘમ કહ્યું.

અરેન ઓઝપાયો. યા માના ફોન દિવસમાં ચારેક વાર આવ્યા, પણ જુહી કંઈ આમ ખીલી નહોતી ઊઠી. બલકે મમ્મી-પપ્પાને કારણે તેની ભીતર વિદ્રોહ વસતો હોવાનું તે જ બોલી ગયેલી... તેની કોઈ અંગત સખી પણ નથી. તો પછી કોના ફોને તે આમ ખીલી ઊઠી!

‘શંકા ન કરીએ અરેન, પણ કોઈ આપણા સ્વભાવનો ગેરફાયદો ઉઠાવી ન જાય એટલા સાવધ તો જરૂર રહીએ.’

ગુલાબબાના શબ્દો અરેનના ચિત્તમાં અંકાઈ ગયા.

– ત્યારે મુંબઈથી માનવ જુહીને કહી રહ્યો હતો : ‘અરેનને મારવાનો પ્લાન દિમાગમાં બેસી ગયો છે... બોલ, તેના તૈયાર થતા પેન્ટહાઉસની ટેરેસ પરથી તેને ધક્કો દઈને ઉપર પહોંચાડવાનો આઇડિયા તને કેવો લાગે છે?’

પોતે અરેનને પાંત્રીસમા માળે આવેલા પેન્ટહાઉસની અગાસીમાંથી ધક્કો દઈ રહી હોવાનું કાલ્પનિક દૃશ્ય જુહીને કમકમાવી ગયું, પણ પ્રેમીને પામવા મંગેતરને હટાવ્યા વિના છૂટકો ક્યાં હતો એ વિચારીને મન મક્કમ કરી લીધું : ‘સૉરી અરેન, યુ હૅવ ટુ ક્વિટ!’

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

15 July, 2026 03:39 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK