Mumbai – Goa Highway Accident: ગોવાથી પરત ફરી રહેલા એક જ પરિવારના ત્રણ સભ્યોના, રત્નાગિરી જિલ્લામાં લાંજા નજીક તેમની કાર આગળ જઈ રહેલા ડમ્પર સાથે પાછળથી ભટકાઈ જતાં કરુણ મોત નીપજ્યા છે; અકસ્માતમાં જાન ગુમાવનારાઓમાં બે મહિલાઓ અને એક બાળકનો સમાવેશ
અકસ્માતની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ છે
મહારાષ્ટ્ર (Maharashtra)ના રત્નાગિરી (Ratnagiri) જિલ્લામાં લાંજા (Lanja) નજીક મુંબઈ-ગોવા હાઈવે (Mumbai – Goa Highway) પર બુધવારે સવારે એક પૂરપાટ ઝડપે જતી કાર આગળ જઈ રહેલા ડમ્પર સાથે પાછળથી ધડાકાભેર અથડાતાં એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત નીપજ્યા છે. ગોવા (Goa)થી મુંબઈ (Mumbai) પરત ફરી રહેલા આ મૃતકોમાં બે મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે. બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની માહિતી પણ છે.
બુધવારે સવારે મુંબઈ-ગોવા હાઈવે પર રત્નાગિરીના લાંજા પાસે જોરદાર અકસ્માત (Mumbai – Goa Highway Accident) થયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ પરિવાર કારમાં મુંબઈ તરફ જઈ રહ્યો હતો ત્યારે લાંજા શહેર નજીક હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો. કાર આગળ ચાલી રહેલા ડમ્પર સાથે પાછળથી જોરદાર ભટકાઈ હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો, જેના કારણે કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે બે લોકો ગંભીર ઘાયલ થયા હોવાના અહેવાલ છે. તેમની સારવાર નજીકની હૉસ્પિટલમાં ચાલી રહી છે.
ADVERTISEMENT
પોલીસ અને ઈમરજન્સી ટીમો ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ સ્થાનિક રહીશો તાત્કાલિક અકસ્માત સ્થળે દોડી ગયા હતા અને વાહનની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. મૃતકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે.
આ અકસ્માતને કારણે વ્યસ્ત મુંબઈ-ગોવા હાઈવે પર થોડા સમય માટે વાહનવ્યવહારને અસર થઈ હતી, જ્યારે પોલીસે બચાવ કામગીરી હાથ ધરીને ક્ષતિગ્રસ્ત વાહનને રસ્તા પરથી હટાવ્યું હતું.
કશેડી ઘાટ પર ભૂસ્ખલનથી વાહનવ્યવહાર ખોરવાયો
બીજી તરફ, રાયગઢ (Raigad) જિલ્લામાં મુંબઈ-ગોવા હાઈવે પર આવેલા કશેડી ઘાટ પર ભારે ચોમાસાના વરસાદને કારણે ભૂસ્ખલન (લેન્ડસ્લાઈડ) થતાં મહત્વપૂર્ણ કોંકણ (Konkan) માર્ગ પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. પોલાદપુર (Poladpur) તાલુકાના ધામણદેવી (Dhamandevi) ગામની હદમાં આ ભૂસ્ખલન થયું હતું, જેમાં રસ્તા પર મોટા પ્રમાણમાં માટી અને કાટમાળ આવી જતાં કોંકણથી મુંબઈ તરફનો માર્ગ બંધ થઈ ગયો હતો. આ ઘટના બાદ સત્તાવાળાઓએ તાત્કાલિક અસરગ્રસ્ત લેન બંધ કરી દીધી હતી અને રસ્તો સાફ કરવાની કામગીરી શરૂ કરી હતી.
પોલીસ, મહેસૂલ અધિકારીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને જેસીબી સહિતની ભારે મશીનરીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. જ્યાં સુધી બંધ થયેલી લેન ફરી શરૂ ન થાય ત્યાં સુધી, પોલીસની દેખરેખ હેઠળ મુંબઈથી ગોવા તરફના માર્ગ પરથી જ બંને તરફનો વાહનવ્યવહાર ચલાવવામાં આવી રહ્યો છે.
સત્તાવાળાઓએ જણાવ્યું છે કે, ભૂસ્ખલનનો કાટમાળ હટાવીને વાહનવ્યવહાર સામાન્ય કરવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો ચાલુ છે, જ્યારે કોંકણ વિસ્તારમાં સતત પડી રહેલા વરસાદ (Konkan Rains)ને ધ્યાનમાં રાખીને વાહનચાલકોને સાવધાનીપૂર્વક વાહન ચલાવવાની સલાહ આપવામાં આવી છે.
