રિસર્ચમાં મારે બહુ મોટી ટીમ નહોતી કરવી. મને પૅશનવાળા ઉમેદવાર ખપતા અને તે ભારતીય હોય એ અનિવાર્યતામાં પણ કાવેરી ફિટ બેસતી હતી.
ઇલસ્ટ્રેશન
લતા મંગેશકરના કંઠે મઢેલી ગણેશસ્તુતિથી વાતાવરણ મંગળમય થઈ ગયું. ભરતગઢના મહેલમાં સવાર આમ જ ઊગતીને.
કૉફીની સિપ લઈને સિલિકૉન વૅલીની મોંઘેરી વિલાના ઝરૂખેથી સામેના લેક પર નજર નાખતાં તેણે ઊંડો શ્વાસ ભર્યો : કોણે ધાર્યું હતું કે ગુજરાતના રજવાડાનો એકનો એક રાજકુંવર ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીના આટાપાટામાં માસ્ટર થઈને અમેરિકામાં અડિંગો જમાવશે.
ADVERTISEMENT
‘રાજા-મહારાજાના જમાના ગયા... તલવારની અણીએ હવે યુદ્ધ પણ ક્યાં લડાય છે? તોપની જગ્યા મિસાઇલે લીધી છે... આવતી સદી ટેક્નૉલૉજીની છે. એમાં જે એક્સપર્ટ હશે તે જગત પર શાસન કરશે.’ પિતાશ્રી કહેતા.
અમાત્યની કીકીમાં ગર્વ ઊપસ્યો : ભરતગઢના મહારાજા દિવાકરસિંહ પ્રજાવત્સલ તો ખરા જ, પણ રાજપૂતાનામાં તેઓ વિઝનરી ગણાતા. રાજની ગ્રાન્ટમાંથી ચાલતી સ્કૂલો-કૉલેજોમાં નિયમિતપણે વિજ્ઞાનમેળા થતા રહે એવો તેમનો આગ્રહ રહેતો. તેજસ્વી તારલાઓને સ્કૉલરશિપ આપી વિદેશ ભણવા પણ મોકલતા. નાનપણથી પિતાજી મને તેમના કાર્યક્રમોમાં જોડે રાખતા. માને કહેતા પણ ખરા : ‘સ્કૂલના બંધ ઓરડા કરતાં દુનિયાને
જોઈ-જાણીને કુંવર વધુ શીખશે.’
અને ખરેખર પિતાશ્રી સાથે મજા આવતી. વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો સાથેની ચર્ચા ત્યારે દસ-બાર વર્ષની વયે બહુ સમજાતી નહીં, પણ કાને પડતા શબ્દોને સમજવા મથતો. સવાલો પૂછીને પિતાજીને તંગ કરી મૂકતો, પણ તે કદી જવાબ ટાળતા નહીં. થોડો મોટો થયા પછી રેડીમેડ જવાબ પણ ન આપતા : ‘લાઇબ્રેરીમાં જઈને રેફરન્સ-બુક્સ ઊથલાવ.’
પરિણામે વાંચનની ટેવ પડી. એવું પણ નહીં કે પુસ્તકિયા કીડા બની રહેવું. રાજકુમાર તરીકે મારે ઘોડેસવારી, તલવારબાજી, પોલો જેવી રમતો શીખવી પડી. ઍટિકેટ અને મૅનર્સના ક્લાસ લેવાતા, પણ પછી મારે મારી સરખી વયના માળીના દીકરા જોડે ધમાલ-મસ્તી કરવી હોય તો મા-પિતાજી ટોકે નહીં, પેલો મને મારી જાય તો તેને વઢવાનું પણ નહીં.
‘અચ્છા પિતાજી, આપણે બધું ગૂગલને જ કેમ પૂછીએ છીએ?’
આશરે ૨૦૦૪માં ચૌદેક વર્ષની ઉંમરે પોતે કરેલા સવાલના જવાબમાં પિતાજી ગંભીર બનેલા : ‘લૉન્ચિંગનાં થોડાં જ વર્ષોમાં ગૂગલ વિશ્વમાં સૌથી પ્રચલિત સર્ચ-એન્જિન બની ગયું છે અને ઇન્ટરનેટના વિસ્ફોટની આ તો હજી શરૂઆત છે. સ્વરાજની લડતમાં આપણે વિદેશી કપડાંની તો હોળી કરેલી, પણ આઝાદીના કાળમાં કમ્પ્યુટરની વિદેશી ટેક્નૉલૉજીને અવગણવી શક્ય નહીં બને. સિવાય કે આપણો કોઈ નરબંકો ગૂગલને ટક્કર આપે એવું કોઈ
સર્ચ-એન્જિન બનાવે.’
પિતાજી તો કદાચ એમ જ બોલી ગયા, પણ તેમનું વાક્ય મારી આંખોમાં સપનું બનીને અંજાઈ ગયું.
અમાત્યે કૉફીની ચૂસકીમાં ગતખંડનો આસ્વાદ માણ્યો : એ પછી મારું ફોકસ, મારો ગોલ એના પર જ કેન્દ્રિત રહ્યાં... IIT પાસઆઉટ થઈને ગૂગલમાં જ નોકરીએ લાગ્યો ત્યારે ગૂગલ સર્ચ-એન્જિનની હદ વિસ્તરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જાયન્ટ બનવાની રેસમાં હતું. આ એ સમય હતો જ્યારે AIનું નામ પણ સામાન્ય માણસે ભાગ્યે જ સાંભળ્યું હોય. ભવિષ્યના રોડમૅપ માટે કેવું વિઝન હતું કંપનીના કર્તાધર્તાઓ પાસે!
અને ટૅલન્ટને પારખવાની સૂઝ પણ. મારા શરૂઆતનાં રિઝલ્ટ-ઓરિયેન્ટેડ અસાઇનમેન્ટ્સથી સૌને પ્રભાવિત કરીને હું બે વર્ષમાં તો CEO બની ગયો! અગણિત IT પ્રોફેશનલ્સની એ ડ્રીમ જૉબ હતી.
પણ એ ક્યાં મારો ગોલ હતો. મારે તો મારા દેશ માટે એનું ખુદનું ગૂગલ સર્જવું હતું. ચાઇના પાસે એનું પોતાનું નેટવર્ક હોય તો ભારત પાસે કેમ નહીં? જે ઑપ્શન્સ બજારમાં આવ્યા એ સમહાઉ ચાલ્યા નહીં. અને મારું ડ્રીમ નાનકડું નહોતું. એના માટે જંગી મૂડીરોકાણ જોઈએ, વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ. પણ કહે છેને, ‘દરેક મોટા પ્રવાસની શરૂઆત એક નાના પગલાથી થતી હોય છે. સો, ચોથા વર્ષે મેં રિઝાઇન મૂક્યું, નોકરીની તમામ મૂડી દાવ પર મૂકીને મારું પોતાનું IT રિસર્ચ સેન્ટર ઊભું કર્યું અને...
‘તમારી કૉફી હજી પતી નથી!’
મીઠા રણકારે અમાત્યને ઝબકાવી દીધો. સ્મરણયાત્રા પર તાત્કાલિક પડદો ઢાળી ઊલટા ફરી જળ-પ્રસાદ લઈને આવેલી પત્ની સામે મલકી લીધું.
‘કૉફી પૂરી કરવામાં કલાક કરો છો... સન્ડેની રજાનો આ સારો ઉપયોગ ગણાય.’
કાવેરીના વ્યંગ સામે તેણે શરારત દાખવી : ‘રજાનો ખરો ઉપયોગ તો બપોરે બેડરૂમમાં થશે ભરતગઢનાં રાણી.’
‘લાજો હવે... તમને તો વતાવા જેવા જ નથી.’
છૂઈમૂઈ થતી કાવેરી સરકી ગઈ. અમાત્ય મલકીને રહી ગયો.
આમ તો અમારામાં વીસ-બાવીસની વયે સગપણ થઈ જતું હોય, પરંતુ પોતે પહેલાં અભ્યાસ અને પછી નોકરીમાં એટલો વ્યસ્ત રહ્યો કે માના આગ્રહ છતાં કન્યા જોવાની ફુરસદ નહોતી. મેં ત્રીસી વટાવી ત્યારે માતાશ્રીએ તો માની જ લીધેલું કે હું નહીં પરણું... પરંતુ સ્વર્ગમાં બનતી જોડીઓનો ધરતી પર મેળ ગોઠવાઈ જ જતો હોય છેને.
અમાત્યે સાંભળ્યું:
ત્યારે હું ગૂગલની જૉબ છોડીને મારું ખુદનું રિસર્ચ સેન્ટર શરૂ કરી ચૂક્યો હતો અને કાવેરી ગૂગલમાંથી એમાં ઇન્ટરવ્યુ માટે આવી.
રિસર્ચમાં મારે બહુ મોટી ટીમ નહોતી કરવી. મને પૅશનવાળા ઉમેદવાર ખપતા અને તે ભારતીય હોય એ અનિવાર્યતામાં પણ કાવેરી ફિટ બેસતી હતી.
મૂળ વડોદરાની કાવેરીમાં પોતાના ફીલ્ડમાં કુછ હટકે કરવાની ધગશ હતી અને પાછી ભારોભાર પ્રતિભાશાળી. ગરીબ મા-બાપની એકની એક કન્યા સ્કૉલરશિપના દમ પર US સુધી પહોંચી હતી. સાથે કામ કરતાં-કરતાં અમારાં મન મળતાં ગયાં.
‘પણ બિનરાજપૂતાના વહુ માટે તમારાં માવતર માનશે?’ કાવેરીએ દ્વિધા જતાવેલી. મા-બાપના આશિષ વિના પરણવું નથી એવા તેના સંકલ્પ પર તો હું ઓવારી ગયેલો.
‘તેં મારાં માવતરને ત્યારે તો જાણ્યાં જ નથી. કન્યા સુલક્ષણા હોય, દીકરાને ગમતી હોય એટલું જ તેમને પૂરતું.’
મારે ઇન્ડિયા જવાનું ઓછું થતું, પણ મમ્મી-પપ્પા આંટોફેરો કરી જતાં. મારા મિશનથી બન્ને કેટલો ગર્વ મહેસૂસ કરતાં. કાવેરીને જોઈ-મળીને તેઓ રાજી જ થયાં. લગ્ન માટે ભારત જવું પડ્યું. રજવાડી ઠાઠથી અમારાં શાહી લગ્ન લેવાયાં. ભરતગઢની મહાલત માણીને કાવેરી ચકિત હતી : ‘આટલું ઐશ્વર્ય! આઇ વન્ડર આપણે સિલિકૉન વૅલીમાં શા માટે દિમાગનું દહીં કરીએ છીએ!’
‘એટલે!’ બ્યુક કારની સવારી અટકાવતાં મેં કહેલું : ‘રિસર્ચ પાછળનો મારો ગોલ કદી પૈસા નહોતો. મારે તો મારા દેશ માટે કશુંક એવું સર્જી જવું છે જે ટેક્નૉલૉજીની દુનિયામાં ભારતનો ડંકો વગાડી દે. મારા વડવાઓએ દેશના એક ટુકડા પર પેઢીઓ સુધી રાજ કર્યું. ઇટ્સ ટાઇમ ટુ પે બૅક.’
‘મતલબ, તમે તમારું રિસર્ચ ફ્રીમાં...’ કાવેરી ડઘાયેલી.
‘યા... કેમ, તને કંઈ વાંધો છે?’
‘વાં...ધો તો શું હોય!’ કાવેરીએ ખભા ઉલાળેલા, ‘નવાઈ લાગી. આજના યુગમાં આવી સખાવત કોણ કરી જાણે.’
અત્યારે પણ અમાત્યના હોઠ મલક્યા :
કાવેરીએ ફરી આ વિશે હરફ ઉચ્ચાર્યો નથી, બલ્કે ઑફિસમાં વધુ ખંતથી જોડાઈ.
અને આજે વર્ષોની મહેનત-જહેમત પછી મારું પોતાનું ‘ગૂગલ’ તૈયાર છે. અ વન બટન અવે ટુ લૉન્ચ.
અને એ બટન નન અધર ધૅન ભારતના ૫૬ ઇંચની છાતીવાળા વડા પ્રધાન વિશ્વનાથ ત્રિવેદીએ જ દબાવવાનું હોયને.
અમાત્યના હોઠ સ્મિતમાં પહોળા થયા.
પાંસઠના ઉંબરે પહોંચેલા વિશ્વનાથ આજીવન અપરિણીત છે. તેમનું જીવન દેશને સમર્પિત રહ્યું છે. લોખંડી મનોબળ અને દૃઢ નિર્ણયશક્તિ તેમની આગવી લાક્ષણિકતા છે. ભારતના વિઝનરી વડા પ્રધાન તરીકે તેમની આ ત્રીજી ટર્મ છે અને તેમના કાર્યકાળમાં દેશના વિકાસની ગતિ દેખીતી છે. ટેરરિઝમ સામે ઝીરો ટૉલરન્સની આક્રમક નીતિ હોય કે મહામારી સામેનો મોરચો, પડકારોમાં તેમનું નેતૃત્વ હંમેશાં ખીલ્યું છે.
ચારેક વર્ષ પહેલાં તેમની અમેરિકાની ટૂર દરમ્યાન લૉસ ઍન્જલસના ગૅધરિંગમાં પહેલી વાર તેમને મળવાનું થયેલું. કાવેરી પણ જોડે હતી. અમારાં લગ્નને ત્યારે છએક મહિના માંડ થયા હશે. સમારંભમાં હજારો ઇન્ડિયન ભેગા થયા હતા. એમાં બે મિનિટ પૂરતું વન-ટુ-વન મળવાનું થયું એનો લાભ લઈને મારા પ્રોજેક્ટ વિશે કહ્યું, તેમણે પીઠ થાબડી – બસ, એટલું જ.
‘લાગે છે PM સરને તમારું કામ સમજાયું જ નહીં... ઇન્ડિયામાં ટૅલન્ટની કદર જ નથી.’ સમારંભમાંથી પાછા આવતી વખતે કાવેરી અપસેટ હતી.
‘મને આનાથી વધુ અપેક્ષા પણ નહોતી. આપણું મૉડલ હજી પૂરું તૈયાર ક્યાં થયું છે?’
‘અફકોર્સ, તમારા માથે તો ‘મેરા ભારત મહાન’નું ભૂત સવાર છે. વિશ્વનાથ તમારા આદર્શમૂર્તિ છે. તમને તેમનો વાંક શાનો દેખાય.’ કાવેરી બળાપો ઠાલવી રહેલી.
જોકે બીજી સવારે તેનો ભરમ ભાંગી ગયો.
વિશ્વનાથ ત્રિવેદી સામાને સરપ્રાઇઝ કરવા બાબત જાણીતા છે એ ખોટું નહીં એનો પરચો બીજી સવારે મળ્યો. તેમના સ્ટાફનો ફોન આવ્યો : ‘શક્ય હોય તો PM સર તમારા સેન્ટરની વિઝિટ કરવા માગે છે. વિધિન ઍન અવર.’
અત્યારે પણ અમાત્યે એનો રોમાંચ અનુભવ્યો:
ત્રિવેદીસાહેબની વિઝિટ સેન્ટર માટે સંભારણું બની રહી. ઝાઝા માણસો નહીં, કોઈ જાતની પબ્લિસિટી નહીં. સેન્ટરનો રાઉન્ડ લઈને છેવટે મારી કૅબિનમાં ગોઠવાયા, મુદ્દાસરની વાતોમાં અમારી કામગીરી સમજી લીધી. નીકળતી વખતે એટલું બોલ્યા : ‘તમે દેશ માટે આ બધું કરો છો, મને તમારા પ્રોજેક્ટમાં ભારતને વિશ્વગુરુ બનાવવાની સંભાવના દેખાય છે. PMO તરફથી અમારા આ વિનયકાંત તમારી જોડે ટચમાં રહેશે.’
ઍન્ડ ધૅટ વૉઝ ધ ટર્નિંગ પૉઇન્ટ. ચાલીસીમાં પ્રવેશેલા વિનયકાંત IT એક્સપર્ટ હતા. દર ક્વૉર્ટરમાં તેમનો કૉલ આવી જાય, અપડેટ લે, PM સર સાથે ડિસ્કસ કરીને તેમનાં સૂચન આપે અને સમાંતરે લૉન્ચિંગની તૈયારીનો અહેવાલ પણ આપે. સર્ચ-એન્જિન માટે કેટલાં જાયજિન્ટિક સર્વર્સ જોઈશે, હેડક્વૉર્ટર ક્યાં રહેશે એ બધી ચર્ચા માટે મારે દિલ્હીના આંટાફેરા પણ રહેતા.
અને અમારી મહેનત રંગ લાવી છે. વિદેશની ધરતી પર ભારતીયની કંપની દ્વારા, ભારતીય IT એક્સપર્ટ્સ દ્વારા તૈયાર થયેલું ‘ભારત’ એ અર્થમાં સ્વદેશી છે; ગૂગલ કે એવા બીજા કોઈ પણ
સર્ચ-એન્જિનની નકલને બદલે એનાં પોતાનાં આગવાં ફીચર્સ છે. યુઝર-ફ્રેન્ડ્લી સાથે એ ફ્યુચર-ફ્રેન્ડ્લી છે અને એ જ એનો યુનિક પૉઇન્ટ છે.
અમાત્યે દમ ભીડ્યો:
ડેમો વર્ઝનથી વિશ્વનાથ ત્રિવેદીસર બહુ ખુશ છે. ‘ભારત’ના લૉન્ચિંગનું મુહૂર્ત પણ તેમણે આપી દીધું છે : ૧૫ ઑગસ્ટ! દેશ હવે ટેક્નૉલૉજીમાં પણ આઝાદ થવાનો, એની જાહેરાત આઝાદી દિને જ શોભેને.
અને દેશવાસીઓ માટે પણ આ એક સરપ્રાઇઝ હશે. અલબત્ત, ‘ભારત’ વિશે અમે પહેલેથી જ સીક્રસી રાખી છે. કોઈ પણ કંપની પોતાના રિસર્ચની જાહેરાત પ્રોડક્ટના લૉન્ચિંગ પહેલાં નથી કરતી. ITમાં તો ગળાકાપ સ્પર્ધા છે એટલે અમે તો કોઈને ગંધ પણ આવવા નથી દીધી. રિસર્ચ ટીમનું માળખું પણ એ રીતે રાખેલું કે દરેકને પોતાના સિવાય બીજાના કામની નો-હાઉ ખબર ન હોય. એ માત્ર હું અને કાવેરી જ જાણીએ.
લૉન્ચિંગના અઠવાડિયા અગાઉ અમારે દિલ્હી પહોંચવાનું છે, વિનયકાંતે બાકીની વ્યવસ્થા કરી રાખી હશે. ત્યાં પણ મહિનાઓથી આનો ધમધમાટ ચાલુ છે, પણ શું થઈ રહ્યું છે એની લાગતાવળગતા પાંચ-સાત જણ સિવાય કોઈને ખબર નહીં હોય.
અમાત્યે શ્વાસોમાં જુસ્સો ભર્યો : અમારાં બન્નેનાં માતા-પિતાને આનો આનંદ છે. બસ, હવે ‘ભારત’નું લૉન્ચિંગ નિર્વિઘ્ને પતે કે ગંગા નાહ્યા.
શું થવાનું છે એની અમાત્યને ક્યાં ખબર હતી?
મધરાતના સુમારે હિંમતગઢનાં રાજમાતા મીનળદેવીના અંગત કક્ષનો ફોન રણક્યો.
રાજમાતા ઊંઘમાંથી ઝબકી ગયાં. બહુ ઓછા લોકોને આ પર્સનલ નંબરની જાણ હતી. એમાંથી આ સમયે ફોન કરનાર ક્યાં તો અનિકેત-તર્જની હોય ક્યાં તો...
રાજમાતાએ ત્વરાથી રિસીવર ઊંચક્યું. સામેથી પૌરુષભર્યો સ્વર પડઘાયો : ‘રાજમાતાને વંદન.’
તે બીજું કોઈ નહીં, ભારતના વડા પ્રધાન વિશ્વનાથ ત્રિવેદી હતા.
(ક્રમશઃ)
