Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જાએં તો જાએં કહાં

જાએં તો જાએં કહાં

Published : 07 March, 2026 04:02 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

રમઝાનની સીઝનમાં કમાણીની આશા રાખતા મહારાષ્ટ્રના ખેડૂતો માટે મિડલ ઈસ્ટમાં શરૂ થયેલું યુદ્ધ આર્થિક મહામારી બનીને આવ્યું છે. એક તરફ કુદરતે કમોસમી વરસાદ આપ્યો અને માણસે યુદ્ધ.

કમોસમી વરસાદને કારણે દ્રાક્ષના બગીચા નષ્ટ થઈ ગયા (ડાબે). ખેતરમાંથી કાંદાનો માલ ઘરે લઈ જવા એ મજબૂરી બની ગઈ છે.

કમોસમી વરસાદને કારણે દ્રાક્ષના બગીચા નષ્ટ થઈ ગયા (ડાબે). ખેતરમાંથી કાંદાનો માલ ઘરે લઈ જવા એ મજબૂરી બની ગઈ છે.


રમઝાનની સીઝનમાં કમાણીની આશા રાખતા મહારાષ્ટ્રના ખેડૂતો માટે મિડલ ઈસ્ટમાં શરૂ થયેલું યુદ્ધ આર્થિક મહામારી બનીને આવ્યું છે. એક તરફ કુદરતે કમોસમી વરસાદ આપ્યો અને માણસે યુદ્ધ. આ ડબલ માર વચ્ચે મહારાષ્ટ્રનો ખેડૂત આજે જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે એ જાણીને લાગશે કે યુદ્ધ ભલે બીજા દેશો વચ્ચે ચાલી રહ્યું છે પરંતુ એની સજા મહારાષ્ટ્રના ખેડૂતો ભોગવી રહ્યા છે

યુદ્ધ તો બે દેશો વચ્ચે ચાલે છે, આપણને શું? આ સવાલનો જવાબ શોધવો હોય તો મુંબઈના જવાહરલાલ નેહરુ બંદર પોર્ટ પર જઈને જુઓ જ્યાં હજારો કન્ટેનરમાં ભરેલાં કાંદા, કેળાં અને દ્રાક્ષ માત્ર સડી નથી રહ્યાં પણ લાખો ખેડૂતોનાં સપનાં અને આખા વર્ષની કમાણી પણ રાખ થઈ રહી છે. મધ્ય પૂર્વના દેશોમાં પડતી એક મિસાઇલની ધ્રુજારી મહારાષ્ટ્રના નાશિક, પુણે, સોલાપુર અને બારામતીનાં ખેતરો સુધી પહોંચી છે. તેમની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે કેટલાક ખેડૂતો સાથે કરેલી વાતચીત પ્રસ્તુત છે અહીં.



કેળાંની ખેતી કરતા ખેડૂતના મનની વાત
‘૨૫ વર્ષમાં આવો સમય મેં ક્યારેય નથી જોયો. કોરોનામાં પણ સ્થિતિ આટલી ગંભીર નહોતી. આજે અમે સંપૂર્ણપણે લાચાર છીએ. મારા ઘરમાં પત્ની, બે બાળકો, માતા અને દાદી છે. આખો પરિવાર અત્યારે અધ્ધર શ્વાસે છે. ૧૯ માર્ચે ગૂડી પડવો છે પણ પૈસા વગર તહેવાર કેવી રીતે ઊજવીશું? અમારી નાની-નાની ખુશીઓ વિખેરાઈ ગઈ છે. અમારાં બધાં જ સપનાંઓ પર પાણી ફરી વળ્યું.’ 



કેળાનો પાક નષ્ટ કરીને ખાતર બનાવવા મજબૂર છે કપિલ જાચક

આ શબ્દો છે બારામતીમાં રહેતા કેળાના ઉત્પાદક અને ખેડૂત કપિલ જયપ્રકાશ જાચકના. તેમના અવાજમાં વ્યથા છે, ચિંતા છે અને એનાં ઘણાં કારણો છે. કપિલભાઈ માટે છેલ્લા છ મહિના અગ્નિપરીક્ષા સમાન રહ્યા છે. ૮ સપ્ટેમ્બર ૨૦૨૫થી જાન્યુઆરી ૨૦૨૬ સુધી કેળાના ભાવ તળિયે હતા. ભારે વરસાદને કારણે કેળાંને જીવાત લાગી અને માલ બગડ્યો. બીજી બાજુ ભારે વરસાદને કારણે જ ઉત્તર ભારતમાં રોડ બંધ હોવાથી થોડોઘણો માલ જે હતો એ લોકલ માર્કેટમાં જઈ શક્યો નહીં. ક્વૉલિટી બગડી ગઈ એટલે એક્સપોર્ટમાં પણ ફટકો પડ્યો. ચાર મહિનાના આ નુકસાન બાદ ફેબ્રુઆરીમાં આશા જાગી હતી. રમઝાન મહિનો નજીક હતો અને ભાવ સુધરી રહ્યા હતા પણ ૨૮ ફેબ્રુઆરીએ શરૂ થયેલા મધ્ય પૂર્વના યુદ્ધે માત્ર ૫ દિવસમાં બધું જ વેરવિખેર કરી નાખ્યું. કપિલભાઈ કહે છે, ‘કેળાંના ભાવમાં જે કડાકો આવ્યો છે એ અકલ્પનીય છે. જે કેળાંનો રેટ ૨૪,૦૦૦ રૂપિયા પ્રતિ ટન હતો એ યુદ્ધને કારણે ઘટીને ૧૫,૦૦૦ થયો અને ઠંડીને કારણે સહેજ કાળાં પડી ગયેલાં કેળાંનો ટન દીઠ રેટ પંદર હજાર હતો, જે અત્યારે ઘટીને સાત હજાર પર છે. તમે જરા વિચાર કરો કે એક પ્લાન્ટ દીઠ ૧૩૫ રૂપિયાની મને પ્રોડક્શન કૉસ્ટ લાગી હતી અને અત્યારે એ પ્રોડક્શન કૉસ્ટ રિકવર કરી શકાય એવું પણ નથી લાગતું. આગામી બે મહિનામાં ૧૮-૨૦ લાખની કમાણી થવાની આશા હતી, જેમાં હવે ૮૦ ટકા નુકસાન નિશ્ચિત છે. નફો તો ભૂલી જ જવાનો છે પરંતુ નુકસાની પણ સહનશક્તિની બહાર જાય એવી પૂરી સંભાવના છે.’


અહીં ઉલ્લેખનીય છે કે દ્રાક્ષ કે દાડમને થોડો સમય સ્ટોર કરી શકાય પણ કેળાં હાઇલી પેરિશેબલ એટલે કે તરત બગડી જાય એવું ફળ છે. બારામતી પાસે સોલાપુર જિલ્લાનું ટેમ્બુર્ની ગામ ભારતનું સૌથી મોટું બનાના એક્સપોર્ટ હબ ગણાય છે. અહીંથી ગલ્ફ દેશોમાં મોટા પાયે નિકાસ થાય છે. પણ અત્યારે ત્યાં મિડલ ઈસ્ટની લાઇન બંધ હોવાથી અહીંના ખેડૂતો પાયમાલીની કગાર પર છે. કપિલભાઈ કહે છે, ‘બીજું સૌથી મોટું ટેન્શન છે કે માર્ચ એન્ડિંગ નજીક છે. બૅન્કની લિમિટ રિન્યુ કરવાનો સમય છે. પૈસા આવવાના હતા એ હવે અટકી ગયા. જો રિન્યુ નહીં થાય તો ખેડૂત ડિફૉલ્ટર જાહેર થશે અને ભવિષ્યના તમામ રસ્તા બંધ થઈ જશે. અમને ખબર છે કે વૉર અટકી જાય તો પણ બધું થાળે પડતાં ઘણો સમય લાગશે. અમે તો એવા મોરચે ઊભા છીએ જ્યાંથી પાછા વળવાનો કોઈ રસ્તો નથી. કેળાંને કાં તો કાપવાં પડે અથવા સસ્તામાં વેચવાં પડે. જો ખેતરમાં જ સડવા દઈએ તો દુર્ગંધ છૂટે અને જીવાત લાગી જાય. જે હાથે પાક ઉગાડ્યો એ જ હાથે એને કાપીને ખાતર બનાવવો પડે એનાથી મોટું દુઃખ ખેડૂત માટે બીજું શું હોઈ શકે?’

દ્રાક્ષને લાગ્યા ડબલ ડામ
પુણે જિલ્લાના વરિષ્ઠ ખેડૂત અને સપ્લાયર ગુલાબ નેહરકરની સ્થિતિ પણ અત્યારે બદથી બદતર જેવી છે. ગુલાબભાઈની વ્યથા માત્ર યુદ્ધ પૂરતી સીમિત નથી, એની શરૂઆત ૨૦૨૫ના મે મહિનાથી થઈ હતી. 


દ્રાક્ષના પાકને બગડતો જોઈને દુખી છે ગુલાબ નેહરકર

ગુલાબભાઈ કહે છે, ‘મે મહિનાના ઉનાળામાં જ્યારે કાળઝાળ ગરમી હોવી જોઈએ ત્યારે સાડાત્રણસો મિલીમીટર વરસાદ પડ્યો. આખા વર્ષનો સરેરાશ વરસાદ ૬૫૦ મિલીમીટર હોય, જેમાંથી અડધોઅડધ વરસાદ એક જ મહિનામાં ઉનાળામાં પડી ગયો. વાદળછાયા વાતાવરણને કારણે દ્રાક્ષમાં ફ્રૂટિંગ થયું જ નહીં. ૭૦ ટકા બગીચા ફેલ ગયા અને હતાશામાં આવીને પચાસ ટકા ખેડૂતોએ તો પોતાના બગીચા કાપી નાખ્યા. મારા પોતાના ૬૦ એકરના વાવેતરમાંથી માંડ ૧૫ એકરમાં થોડોઘણો માલ બચ્યો હતો.’

દ્રાક્ષ અને કેળાના ખેડૂતો માટે રમઝાન કમાણીની સૌથી મોટી સીઝન હોય છે. મહારાષ્ટ્રની ૮૦ ટકા નિકાસ ગલ્ફ દેશોમાં થાય છે અને રમઝાન દરમિયાન ફળોની માગ અને ભાવ બન્ને ઊંચા હોય છે. ગુલાબભાઈ કહે છે, ‘સામાન્ય રીતે પુણે જિલ્લામાંથી ૨૫૦ કન્ટેનર એક્સપોર્ટ થાય છે જેની સામે અત્યારે માંડ ૫૦ કન્ટેનર ગયાં છે. આખા મહારાષ્ટ્રમાં ૫૦૦થી વધુ ફ્રૂટ કન્ટેનર પોર્ટ પર ફસાયેલાં છે. કેટલાંય કન્ટેનરો દુબઈના પોર્ટ પર અટકેલાં છે તો કેટલાંય ટ્રાન્ઝિટમાં છે. અમારું મગજ કામ નથી કરતું કે કઈ રીતે આ સમયને પાર પાડીશું. બીજી બાજુ જે માલ યુરોપ કે યુકે જઈ રહ્યો છે એનો રસ્તો પણ બદલાઈ ગયો છે. સુએઝ નહેરનો રસ્તો બંધ હોવાથી જહાજો આફ્રિકા ફરીને જાય છે. જે માલ ૨૫ દિવસમાં પહોંચતો હતો એને હવે ૪૫ દિવસ લાગે છે, જેને લીધે ભાડાંમાં તોતિંગ વધારો થયો છે. જેનું ૫ લાખ રૂપિયાનું ભાડું હતું એ હવે ૮થી ૯ લાખ રૂપિયા થઈ ગયું છે. ૪૫ દિવસ સુધી જહાજમાં રહેવાને કારણે માલની ગુણવત્તા પણ બગડી રહી છે અને ડેસ્ટિનેશન પર પહોંચતાં સુધીમાં ભાવ અડધા થઈ જાય છે.’


કેળાં હવે ઝાડ પર જ પાકી રહ્યાં છે કારણ કે ખેડૂત પાક ઉતારીને એનું કરશે શું એની વિમાસણમાં છે.

ગુલાબભાઈનો ૨૫ લોકોનો સંયુક્ત પરિવાર ખેતી પર નિર્ભર છે. તેઓ કહે છે, ‘ઉત્પાદન ખર્ચ, કમોસમી વરસાદને કારણે અને યુદ્ધની અસરને કારણે અંદાજે ૩ કરોડ રૂપિયાનું મને નુકસાન થયું છે. દ્રાક્ષ, જે સામાન્ય રીતે ૨૦૦ રૂપિયા કિલો વેચાતી હતી, એના ભાવ અત્યારે ૧૦૦ રૂપિયાની અંદર આવી ગયા છે. બીજી સૌથી મોટી ગંભીર સમસ્યા છે કે માર્ચ એન્ડ એ પેમેન્ટ ચૂકવવાનો મહિનો ગણાય છે. જે માલ ડિસ્પૅચ થયો એનું પેમેન્ટ આવ્યું નથી અને આવે એવું લાગતું નથી. માર્ચ એન્ડિંગમાં બૅન્ક લોનનું સેટલમેન્ટ અને હપ્તા ક્યાંથી ભરીશું? આવતા વર્ષે ફરી ખેતી કરવા માટે એકર દીઠ અઢી લાખનું રોકાણ જોઈએ. એ પૈસા ક્યાંથી આવશે? એક્સપોર્ટરનું નુકસાન થશે તો તે રડશે અને અંતે તો તે ખેડૂતના પૈસા જ કાપશે. અમે તો આકાશ નીચે રહેનારા લોકો છીએ, સરકાર પાસે માગી-માગીને પણ કેટલું માગીશું? પણ જો આ સ્થિતિ લાંબી ચાલી તો આવનારાં ૫-૭ વર્ષ સુધી ખેતી બેઠી થઈ શકશે નહીં.’


જવાહરલાલ નેહરુ પોર્ટ પાસે ફળો ભરેલી ટ્રકો અધ્ધર ભવિષ્ય સાથે.

કાંદાના ખેડૂતની અવદશા
અહલ્યાનગર જિલ્લાના પારનેર તાલુકાના સરોલા અડવાઈ ગામના ૪૦ વેર઼્ના ખેડૂત બબન નાનાભાઉ ફંડ પાટીલની વ્યથા આજે મહારાષ્ટ્રના હજારો કાંદા પકવતા ખેડૂતોનો અવાજ બની ગઈ છે. છ સભ્યોના પરિવારની જવાબદારી જેના ખભા પર છે તેવા બબનભાઈ માટે મિડલ ઈસ્ટનું યુદ્ધ કોઈ આંતરરાષ્ટ્રીય સમાચાર નથી પણ તેમના ઘરના અર્થતંત્ર પર થયેલો સીધો મિસાઇલ હુમલો છે. બબનભાઈએ પોતાની પાંચ એકર જમીનમાં જીવ રેડીને કાંદા ઉગાડ્યા હતા. પચાસ ટન જેટલું મબલક ઉત્પાદન આવ્યું પણ આજે એ જ પાક તેમના માટે બોજ બની ગયો છે.
બબનભાઈ કહે છે, ‘ખેડૂતો નિરાશામાં ગરકાવ થઈ ગયા છે. જો સરકાર પૉલિસીમાં બદલાવ નહીં લાવે અને અમને ટેકો નહીં આપે તો ખેડૂત જીવશે કેવી રીતે?’


લાલ કાંદાની ખેતી કરતા બબન નાનાભાઉ ફંડ પાટીલ

નાશિક અને મહારાષ્ટ્રના કાંદાનો ૨૨ ટકા હિસ્સો માત્ર દુબઈ એક્સપોર્ટ થાય છે. દુબઈના જબાલે અલી પોર્ટ પર મિસાઇલ હુમલો થવાથી આખો રૂટ ઠપ થઈ ગયો છે. બબનભાઈ કહે છે, ‘અત્યારે નીકળી રહેલા લાલ કાંદાની શેલ્ફ લાઇફ ઓછી છે. જો એને તાત્કાલિક બહાર ન મોકલવામાં આવે તો એ ખેતરમાં જ સડી જાય છે. ખેડૂતો પાસે કોલ્ડ સ્ટોરેજની સુવિધા નથી એટલે માલ કાઢવો જ પડે. છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં પહેલી વાર એવી સ્થિતિ આવી છે કે ખર્ચ પણ વસૂલ નથી થઈ રહ્યો. એક કિલો કાંદા પકવવામાં ૧૫ રૂપિયાનો ખર્ચ આવે છે. અત્યારે માર્કેટમાં વેપારીઓ માત્ર ૮થી ૯ રૂપિયા ભાવ આપી રહ્યા છે. મારું મૂળ રોકાણ પણ વસૂલ થાય એમ નથી. અમે કૃષિ લોન લઈને પાક ઉગાડ્યો હતો. માર્ચ મહિનો પૂરો થવા આવ્યો છે, બૅન્કનું વ્યાજ ભરવું પડશે. જો અત્યારે નફો નહીં થાય તો અમે સમયસર કરજ કેવી રીતે ચૂકવીશું? વ્યાજનો બોજ વધતો જ જશે.’

બબનભાઈ ખૂબ જ રોષ અને દુઃખ સાથે કહે છે કે જ્યારે રેટ વધે છે ત્યારે સરકાર એક્સપોર્ટ બૅન કરે છે કે છાપામારી કરે છે, પણ જ્યારે રેટ તળિયે જાય ત્યારે ખેડૂતની વહારે કોઈ નથી આવતું.

બિઝનેસ એક્સપર્ટ્‍સની દૃષ્ટિએ કેટલી ગંભીર છે સ્થિતિ?

આપણે ફળો, શાકભાજી, ચોખા અને ટેક્સટાઇલ જેવી વસ્તુઓ નિકાસ કરીએ છીએ. ખાસ કરીને દુબઈ સાથેનો વ્યવહાર ખોરવાતાં ‘ઇન-ટ્રાન્ઝિટ’ કાર્ગોની ઓનરશિપનો પ્રશ્ન ઊભો થયો છે. કેળા, દ્રાક્ષ અને કાંદા જેવી ‘સેન્સિટિવ’ આઇટમો જો બે-ત્રણ દિવસમાં ક્લિયર નહીં થાય તો ફેંકી દેવી પડશે. સપ્લાયર અને ખેડૂતો માટે આ અત્યંત કપરો સમય છે. અમે પણ આ દિશામાં શું કરી શકાય એ વિશે વિચારણા કરી રહ્યા છીએ.
- નીલેશ વીરા, ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)ના ડિરેક્ટર

દુબઈ પોર્ટ પર અવરોધ આવતાં રસ્તામાં ૩૦૦થી ૪૦૦ કન્ટેનર અટકી પડ્યાં છે. અત્યારે રમઝાનને કારણે કેળાં, દ્રાક્ષ અને તરબૂચની ભારે માગ હોય છે, પણ ૧૦૦ ટકા ઍર અને સી રૂટ અટકી જવાથી વેપારીઓનું બ્લડપ્રેશર વધી રહ્યું છે. આગામી દિવસોમાં કેરીની સીઝન આવી રહી છે. જો આ સ્થિતિ ચાલુ રહી તો એની નિકાસ પર પણ ગંભીર અસર પડશે.
- સંજય પાનસરે, મૅન્ગોના એક્સપોર્ટર અને APMCના ડિરેક્ટર

જ્યારે માલ પોર્ટ પર પહોંચી જાય ત્યારે એને પાછો લાવવો સરળ નથી હોતો. શિપમેન્ટ થઈ ગયેલા માલની ક્વૉલિટી બગડવાની પૂરેપૂરી શક્યતા છે. અમે આ બાબતે કેન્દ્રીય શિપિંગ પ્રધાન, કૉમર્સ પ્રધાન અને વિદેશ પ્રધાનને પત્ર લખી રહ્યા છીએ જેથી એક્સપોર્ટર્સને ‘ડ્યુટી રિવર્સલ’ મળે અને માલનું ફાસ્ટ ક્લિયરન્સ કરાવી નુકસાન ઘટાડી શકાય.
- જિતેન્દ્ર શાહ, ફેડરેશન ઑફ અસોસિએશન ઑફ મહારાષ્ટ્ર (FAM)ના પ્રેસિડન્ટ

Whatsapp-channel Whatsapp-channel

07 March, 2026 04:02 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK