Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મૂર્તિ મોટી કે માણસનો જીવ?

મૂર્તિ મોટી કે માણસનો જીવ?

Published : 01 September, 2026 12:34 PM | Modified : 01 September, 2026 12:35 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ધર્મના નામે કેટલો ત્રાસ સહન કરીશું? નાશિક ઢોલના ઘોંઘાટને ભક્તિનું પ્રમાણપત્ર કોણ આપે છે? મૂર્તિની ઊંચાઈ, DJ, લાઇટિંગ વગેરેના નિયમોનું કેમ પાલન થતું નથી? મુંઢે ફૅક્ટરની અહીં પણ જરૂર છે

મૂર્તિ મોટી કે માણસનો જીવ?

મૂર્તિ મોટી કે માણસનો જીવ?


ધર્મના નામે કેટકેટલું સહન કરીશું? ઘોંઘાટ, ટ્રાફિક, ફ્લડ-લાઇટ, બંધ કરી દીધેલી ગલીઓ, અડધો રસ્તો રોકતા મંડપો વગેરેની ફરિયાદ ક્યાં કરવી? સાંભળનારું કોઈ નથી.
‘રાજ્યનો મોટો તહેવાર છે. ક્યારેક ચલાવી લેવાનું. ૧૦ દિવસ થોડું સહન કરી લો.’ શું ૧૦ દિવસનો જ છે આ ત્રાસ? ઉત્સવની શરૂઆત પહેલાંના દસેક દિવસ તૈયારીઓમાં અને ઉત્સવ પછીના દસેક દિવસ આટોપવામાં જાય છે. એ અગવડને કોઈ પૂછનારું નથી. વિશાળકાય મૂર્તિઓની શી જરૂર છે? એવી ફરિયાદ ન કરો. આ તો ભગવાનની ભક્તિ છે.
પણ જરા અટકો ભાઈ.
જો આવી ભક્તિમાં કોઈનો જીવ જાય તો? જો આવી ભક્તિના ઉત્સાહમાં દોઢ વર્ષનું એક બાળક પિતાને કાયમ માટે ગુમાવી દે તો? જો પત્નીની આંખ સામે પતિનો મૃતદેહ આવે તો? વિધવા માતાની આંખ સામે દીકરાની અંતિમયાત્રા નીકળે તો? ત્યારે પણ કહીશું કે ‘ક્યારેક ચલાવી લેવાનું?’ પણ જેના માથેથી છત્રછાયા ગઈ છે તેના માટે આ ક્યારેકની નહીં, કાયમની ખોટ છે. યુવાન પત્નીનાં સપનાં ક્યારેક માટે નહીં, કાયમ માટે નંદવાઈ ગયાં છે. વિધવા માનો આશરો કાયમનો ગયો છે. રાજ્યના આ વિશાળ તંત્રમાં આ એક નાની ઘટના હોઈ શકે; પણ જેના કુટુંબમાં આ અકાળ ઘટના બની છે તેમના માટે આ મસમોટું, ક્યારેય ઓછું ન થાય એવું દુઃખ છે. વિશાળકાય મૂર્તિનું પડવું વિશાળ ખાલીપો સર્જી ગયું.
ના, હવે આ નહીં ચાલે.
 તાજેતરમાં મુંબઈના ‘ભુલેશ્વરચા રાજા’ના આગમનની શોભાયાત્રામાં એક મહાકાય મૂર્તિ અચાનક તૂટી પડી. અકલ્પ્ય એવી આ કરુણાંતિકામાં સંકેત નેવશે અને બ્રિજેશ જોશી નામના બે આશાસ્પદ યુવાનોનાં અકાળ મૃત્યુ થયાં અને ઘણા ઘાયલ પણ થયા. અત્યંત દુઃખદ ઘટના છે આ. આને અકસ્માત માત્ર ન ગણી શકાય. એ આપણા ઉત્સવપ્રેમની ખતરનાક વિસંગતિઓ સામેનો અરીસો છે. 
મૂર્તિ મોટી હોય તો જ ભક્તિ મોટી કહેવાય? મંડપ મોટો, ડેકોરેશન મોટું, લાઇટિંગ મોટી, સાઉન્ડ-સિસ્ટમ મોટી, શોભાયાત્રા મોટી, નાશિક બૅન્ડનો અવાજ મોટો; પણ ભક્તિનું નામ નાનું. ભગવાનને તો માટીનો નાનો દીવો અને ફૂલહાર પણ ચાલે. ગણપતિને છપ્પનભોગ ધરાવવાનું તો કોઈ શાસ્ત્રમાં નથી. પણ આપણને ભગવાન નહીં, ઇવેન્ટ જોઈએ છે. દર્શન કરવા ગરીબો નહીં, રાજકારણીઓ આવે તો જ મંડપની શાન વધેને! ઉત્સવનું આયોજન નહીં, ઇવેન્ટનું આયોજન કરીએ છીએ આપણે.
હવે સમય આવી ગયો છે કે મોટી મૂર્તિઓ પર સદંતર પ્રતિબંધ આવે. માત્ર કાગળ પર ઊંચાઈ, વજન કે માર્ગની મર્યાદા નક્કી કરીને કામ નહીં ચાલે. મૂર્તિની રચના, વહેંચાયેલું વજન, શોભાયાત્રાની સેફ્ટી, અવાજનું નિયમન બધું જ પ્રમાણિત થવું જોઈએ. દરેક મંડળનું સેફ્ટી ઑડિટ થવું જોઈએ. નિયમ તૂટે તો મંજૂરી તરત રદ થવી જોઈએ. 
ભગવાનને ઊંચું સ્થાન આપવું હોય તો મૂર્તિને ઊંચી બનાવવાની જરૂર નથી. સતત એકધારો વાગતો રહેતો નાશિક ઢોલ ભક્તિ દર્શાવે છે કે ત્રાસ? જ્યારે કર્કશ, સતત કાન ફાડી નાખે એવો અવાજ વૃદ્ધ માણસ માટે યાતના બની જાય, બીમાર માણસ માટે ત્રાસ બની જાય, પશુ-પંખીઓ અને નાનાં બાળકો માટે ડર બની જાય, વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી બની જાય ત્યારે એને ભક્તિ કહીને બચાવી ન શકાય. આ રીતે ભક્તિને માપવાની નહીં પરંતુ નિયમોમાં બાંધવાની જરૂર છે. નાશિક ઢોલ કે ડિસ્ક જૉકી (DJ) માટે સમય, સ્થળ અને અવાજની માત્રાની મર્યાદા હોવી જોઈએ. નિયમો લખવા માટે નહીં, પાળવા માટે હોય છે.
આ સમગ્ર ઘટનાનો સૌથી ભયાનક ભાગ મૂર્તિ તૂટી પડી એ નથી. સૌથી ભયાનક ભાગ મૂર્તિની સાથે પરિવારોનું આખું જીવન તૂટી પડવું એ છે. દોઢ વર્ષનો દીકરો પૂછશે કે ‘મારા પપ્પા ક્યાં છે?’ એનો જવાબ ભગવાન આપશે કે સમાજ? પત્ની હવે પતિ વિના ઘર ચલાવશે, વિધવા મા બાકીના દિવસો ગણતી માળા ફેરવશે કારણ તેમના માટે ઉત્સવ હવે પૂરો થઈ ગયો છે.
પણ બીજાઓ માટે?
થોડા દિવસ પછી બીજી ઉજવણી આવશે, બીજી શોભાયાત્રા નીકળશે, બીજાં લાઉડ સ્પીકર વાગશે, બીજા ફોટો પડશે. જે પરિવારો માટે દુર્ઘટના જીવનભરની છે એ બીજાઓ માટે કદાચ એક દિવસના સમાચાર છે. પછી આવશે રાજકારણીઓ. ‘સરકાર તમારા પડખે જ છે’, ‘પરિવારને તમામ મદદ કરીશું’, ‘બાળકના ભવિષ્યની જવાબદારી લેવામાં આવશે’ ઘોષણાઓ થશે, કૅમેરાઓ ઝળકશે, વેદના વ્યક્ત થશે. પછી શાહી સુકાઈ જશે. કૅમેરા બીજી તરફ વળી જશે. ધાર્મિક કાર્યક્રમોમાં જ નિયમો કેમ નરમ પડી જાય છે? જવાબ આપણે જ શોધવો પડશે. નહીં તો આગામી દુર્ઘટના માટે આપણે પણ જવાબદાર ગણાઈશું. યાદ રાખો, જીવતા-જાગતા માણસની જરૂરિયાત કોઈ પણ નિર્જીવ મૂર્તિ કરતાં મોટી છે.

બાય ધ વે



તમને ખબર છે કે ભુલેશ્વર જેવી જ દુર્ઘટનાઓ મહારાષ્ટ્રમાં પહેલાં પણ થઈ ચૂકી છે? નાશિકના ભદ્રકાળી વિસ્તારમાં વિસર્જન દરમ્યાન ગણેશમૂર્તિ લઈ જતો ભવ્ય રથ (ટ્રૉલી) રસ્તામાંના હાઈ-ટેન્શન લટકતા વાયરને અડી ગયો. આખો રથ અને ઉપરનું માળખું લોખંડનાં પતરાંનું બનાવેલું હતું. સેકન્ડોમાં જ ભારે કરન્ટ પસાર થઈ ગયો. ટ્રૉલી પકડીને ઊભેલા બે યુવકો તરત જ ઘટનાસ્થળે ભડથું થઈ ગયા. બીજી ઘટના કોલ્હાપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં ગણેશ આરતી દરમ્યાન થઈ હતી. એમાં એક ભવ્ય કમાન બનાવવામાં આવી હતી. લાઇટનું ભભકાદાર ડેકોરેશન કરવામાં આવ્યું હતું. ભારે વરસાદને કારણે શૉર્ટ-સર્કિટ થતાં બે યુવકોનાં તરત જ મૃત્યુ થયાં હતાં. ઘણા લોકો ઘાયલ થયા. તમને નથી લાગતું કે દરેક મંડળની મૂર્તિ અને વાયરિંગનું ફરજિયાત ચેકિંગ થવું જ જોઈએ? મુંઢે ફૅક્ટરની જરૂર નથી?


Whatsapp-channel Whatsapp-channel

01 September, 2026 12:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK