આવતી કાલે મુંબઈ મૅરથૉનની ૨૧મી આવૃત્તિ યોજાઈ રહી છે ત્યારે એની ખાસિયતો સાથે જાણીએ કે સામાજિક કાર્યો કરતી સંસ્થાઓ માટે આ પ્લૅટફૉર્મ કઈ રીતે ટંકશાળ બન્યું છે
અહીં દોડની સાથે વહે છે દાનની સરવાણી
દુનિયાની ટૉપ ટેન મૅરથૉનમાં સ્થાન પામેલી મુંબઈ મૅરથૉનનો માનવીય ચહેરો
લોકલથી ગ્લોબલ કોને કહેવાય એનું શ્રેષ્ઠ ઉદાહરણ મુંબઈમાં ૨૦૦૪માં શરૂ થયેલી મૅરથૉનને કહી શકાય. જે મુંબઈ મૅરથૉનની શરૂઆત બાવીસ હજાર રનર્સ સાથે થઈ હતી એ રનમાં આ વર્ષે રેકૉર્ડબ્રેક રજિસ્ટ્રેશન થયું છે. આવતી કાલે મુંબઈ મૅરથૉનની એકવીસમી આવૃત્તિમાં ૬૯,૧૦૦થી વધુ રનર્સ ભાગ લેવાના છે. ધ તાતા મુંબઈ મૅરથૉન-૨૦૨૬માં આ વર્ષે બીજો એક રેકૉર્ડ બન્યો છે જેમાં ૫૩.૭ કરોડ રૂપિયાનું ફન્ડ વિવિધ દાનેશ્વરીઓ દ્વારા સામાજિક સંસ્થાઓને મળ્યું છે, જે આંકડો હજી વધે એવી પૂરી સંભાવના છે. રનિંગ દ્વારા સ્વાસ્થ્યનો પ્રચાર અને પ્રસાર કરવાના આશયથી યોજાતી મૅરથૉન સામાજિક કાર્યોના પ્રચાર-પ્રસારનું માધ્યમ કઈ રીતે બની? અને સામાજિક સંસ્થાઓને રનિંગ ઇવેન્ટમાં કોણ અને કેવી રીતે દાન આપે છે એ પ્રશ્ન તમને સહજ થયો હોય તો આજે એના જવાબની તો આપણે ચર્ચા કરીશું જ અને એની સાથે આ વખતની મૅરથૉનમાં એવું શું-શું છે જે અલગ છે અને અચંબિત કરનારું છે એ પણ જાણી લઈએ.
ADVERTISEMENT

અજય મહેતા, માનસિક રીતે અક્ષમ બાળકોને સાચવતી આધાર સંસ્થાના ટ્રસ્ટી
બહુ બધી રીતે ખાસ
આગળ જણાવ્યું એ મુજબ આ વર્ષની મુંબઈ મૅરથૉનમાં રનર્સની સંખ્યા અને સામાજિક સંસ્થાઓએ ભેગું કરેલું ભંડોળ તો રેકૉર્ડબ્રેકિંગ છે, પરંતુ એ સિવાય પણ ઘણી બાબતો છે જે આ મૅરથૉનને ખાસ બનાવે છે. જેમ કે આ વખતે પહેલી વાર દોડવીરોને મુંબઈના કોસ્ટલ રોડ પર દોડવાનો અવસર મળવાનો છે. આ વર્ષે આયોજકોએ `ઝીરો વેસ્ટ` વિઝન અપનાવ્યું છે. મૅરથૉન દરમ્યાન પેદા થતા તમામ કચરાને રીસાઇકલ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ‘TMM ગ્રીન બિબ`ના માધ્યમથી પર્યાવરણપ્રેમી દોડવીરો વૃક્ષારોપણમાં પણ ફાળો આપી રહ્યા છે. અત્યાર સુધીમાં આ પહેલ હેઠળ ૧૧,૬૬૩ વૃક્ષો વાવવામાં આવ્યાં છે, જેનાથી અનેક ખેડૂતોની આજીવિકામાં સુધારો થયો છે. બીજું, મૅરથૉનમાં દોડવીરોની હેલ્થ-ઇમર્જન્સીને ધ્યાનમાં રાખીને લગભગ ૪૫૦ મેડિકલ પ્રોફેશનલ્સ ગ્રાઉન્ડ પર રહેશે. ત્રણ ICU બેઝ-કૅમ્પ બનાવવામાં આવ્યા છે અને ૨૫ જેટલી ઍડ્વાન્સ્ડ કાર્ડિઍક લાઇફ સપોર્ટ ઍમ્બ્યુલન્સની જોગવાઈ થઈ છે. આ વર્ષે ૧૪,૧૫૫ દોડવીરો ૪૨.૧૯૫ કિલોમીટરની મૅરથૉન દોડશે. ૧૬,૩૬૯ રનર્સ હાફ મૅરથૉન, ૮૭૨૯ રનર્સ ૧૦ કિલોમીટરની રન દોડશે. ડ્રીમ રનમાં ૨૭,૪૫૩ રનર્સ, સિનિયર સિટિઝન રનમાં ૨૨૧૯ વડીલો અને ચૅમ્પિયન વિથ ડિસેબિલિટી કૅટેગરીમાં ૧૧૪૦ દિવ્યાંગો દોડશે.
વધુ એક મહત્ત્વની વાત, આ વર્ષે ૪૨ મહિલાઓ અને ૯૩ પુરુષો પોતાનો જન્મદિવસ મૅરથૉનમાં દોડીને સેલિબ્રેટ કરવાનાં છે. બાવીસ રનર એવા છે જે છેલ્લાં પંદર વર્ષ કે એનાથી વધુ વર્ષોથી એકધારું મુંબઈમાં મૅરથૉનમાં દોડી રહ્યા છે. મુંબઈ મૅરથૉનમાં આ વર્ષે ૧૨ પ્રજ્ઞાચક્ષુઓ પણ રેસમાં ભાગ લેવાના છે. તેમની સાથે તેમના સપોર્ટ માટે સાથી પણ હશે જેઓ ત્રણેક મહિનાથી સાથે ટ્રેઇનિંગ લઈ રહ્યા છે. હાફ મૅરથૉનમાં ભાગ લેનારા ૮૩ વર્ષના રતનચંદ ઓસવાલ સૌથી મોટી ઉંમરના પાર્ટિસિપન્ટ છે અને સિનિયર સિટિઝન રનમાં ભાગ લેનારા સૌથી વધુ વયની વ્યક્તિ તરીકે ૯૪ વર્ષના અરવિંદ દેસાઈ ભાગ લેશે અને મહિલાઓમાં ૯૦ વર્ષનાં નિરંજના શાહ સૌથી મોટી વયનાં રનર છે. ૧૨ વર્ષની ઉંમરનો સૌથી નાનો પાર્ટિસિપન્ટ છે જે મુંબઈ મૅરથૉનમાં ભાગ લઈ રહ્યો છે.

નિવેદિતા દેસાઈ, અનિમેધ ચૅરિટેબલ ટ્રસ્ટનાં મૅનેજિંગ ટ્રસ્ટી
દાનનો કન્સેપ્ટ
૬૮ નવી સંસ્થાઓ સાથે આ વર્ષે કુલ ૩૦૫ સામાજિક સંસ્થાઓ મુંબઈ મૅરથૉનમાં ભાગ લઈ રહી છે. ૧૯૪ કૉર્પોરેટ ટીમ પણ મુંબઈ મૅરથૉનમાં ભાગ લઈ રહી છે. મુંબઈ મૅરથૉન એ રનિંગ ઇવેન્ટ છે એ તો આપણે જાણીએ છીએ પરંતુ એમાં દાનની ગંગા ક્યાંથી અને કેવી રીતે વહે છે એ પણ જાણી લો. મુંબઈ મૅરથૉન સાથે ૨૦૦૯થી ફિલૅન્થ્રોફી પાર્ટનર એટલે કે સેવાકીય સંસ્થાઓના સહભાગી પાર્ટનર તરીકે ‘યુનાઇટેડ વે મુંબઈ’ નામની સામાજિક સંસ્થા સક્રિય છે. ગ્રાસરૂટ લેવલ પર સામાજિક પ્રશ્નોના સમાધાન માટે સક્રિય આ સંસ્થા અન્ય ૬૦૦થી વધુ સંસ્થાઓ અને કૉર્પોરેટ કંપનીઓ સાથે જોડાઈને કામ કરે છે. મૅરથૉનમાં સામાજિક સંસ્થાઓની વિઝિબિલિટી વધારવાનું અને તેમને ફન્ડ મળી જાય એ માટેનું પ્લૅટફૉર્મ પૂરું પાડવાનું કામ આ યુનાઇટેડ વે મુંબઈથી થાય છે. તાતા મુંબઈ મૅરથૉનના આયોજકો અને સામાજિક સંસ્થાઓ વચ્ચે સેતુનું કામ યુનાઇટેડ વે મુંબઈ કરે છે. છેલ્લાં ૧૩ વર્ષથી મુંબઈ મૅરથૉનમાં ભાગ લઈ રહેલી અને મુંબઈ મૅરથૉનમાં હાઇએસ્ટ ભંડોળ એકઠું કરનારી સંસ્થા છે શ્રીમદ રાજચંદ્ર લવ ઍન્ડ કૅર. અત્યાર સુધીમાં ૭૯ કરોડ રૂપિયાનું ભંડોળ દાનવીરો પાસેથી ભેગું કરનારી આ સંસ્થાનાં ટ્રસ્ટી ડૉ. બીજલ મહેતા આખી પ્રોસેસ વિશે સમજાવતાં કહે છે, ‘સામાજિક રીતે સક્રિય દરેક સંસ્થા અવારનવાર ફન્ડરેઝિંગ ઍક્ટિવિટી કરતી હોય છે. જોકે ફન્ડરેઝિંગ ઍક્ટિવિટીનો ખર્ચ મોટો હોય છે. એની સામે મુંબઈ મૅરથૉન ફન્ડરેઝિંગ ઍક્ટિવિટી એક રૂપિયાનો ખર્ચ કર્યા વિના પૂરી પાડે છે. તમારી સંસ્થાના જો બધાં જ પેપર્સ બરાબર હોય તો તમારું વેરિફિકેશન થયા પછી તમારે યુનાઇટેડ વે મુંબઈની વેબસાઇટ પર સંસ્થાને રજિસ્ટર કરવાની અને એ પછી તમે વિવિધ કૉર્પોરેટ્સથી લઈને ઇન્ડિવિજ્યુઅલ્સને પણ તમારી પ્રવૃત્તિઓ વિશે જણાવીને દાન આપવા માટે પ્રેરિત કરી શકો છો. તમારા વતી લોકો તમને ફન્ડ લાવી આપે એવી જોગવાઈ પણ આ પ્લૅટફૉર્મ પર શક્ય છે. ગયા વર્ષે અમે ૧૩ કરોડ રૂપિયાનું દાન મેળવ્યું હતું. આ વર્ષે સાડાબાર કરોડ રૂપિયા મળ્યા છે. આ અતિશય સ્માર્ટ પ્લૅટફૉર્મ છે જેમાં સંસ્થાનાં કાર્યો વિશે લોકજાગૃતિ પણ આવે અને નજીવા ખર્ચ સાથે સંસ્થાનાં કાર્યોને આગળ વધારવા માટે ફન્ડ પણ મળે.’
અહીં ઉલ્લેખનીય છે કે ઘણા લોકો મૅરથૉનમાં દોડતા નથી પરંતુ એમાં જોડાતી સંસ્થાઓને દાન જરૂર આપે છે અથવા દાનની રકમ ભેગી કરવામાં મદદ કરે છે. એવા ૧૧૦૦ નવા વ્યક્તિગત ડોનરોનો ઉમેરો આ વર્ષે થયો છે જેમણે લગભગ સાડાપાંચ કરોડ રૂપિયાનું દાન ભેગું પણ કરી લીધું છે.
લોકો તમને ઓળખે
મહિલાઓ, બાળકો અને ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરિયાતમંદો માટે કામ કરતી સંસ્થા અનિમેધ ચૅરિટેબલ ટ્રસ્ટ ૨૦૧૫થી મુંબઈ મૅરથૉનમાં ભાગ લે છે અને અત્યાર સુધીમાં લગભગ પચાસ લાખ રૂપિયા જેટલું ફન્ડ મૅરથૉન થકી એકઠું કરનારી આ સંસ્થાનાં મૅનેજિંગ ટ્રસ્ટી નિવેદિતા દેસાઈ કહે છે, ‘હું પોતે પણ લૉન્ગ ડિસ્ટન્સ રનર છું એટલે રનિંગના ફાયદા અને રનિંગની સાથે લોકોના જીવનમાં આવતા બદલાવો વિશે જાણું છું. જોકે મુંબઈ મૅરથૉન એ માત્ર ફિટનેસ કે વેલનેસ ઇવેન્ટ નહીં પણ હૃદયની સંવેદનાઓને છલકાવતી ઇવેન્ટ બની ગઈ છે. ૧૦ વર્ષમાં અમે અહીંથી પચાસ લાખ ભેગા કર્યા છે પરંતુ હવે એ દિશામાં વધુ એગ્રેસિવલી કેમ કામ કરવું એ શીખી રહ્યા છીએ. આ વર્ષે અમારી સંસ્થા વતી ૨૫ રનર દોડી રહ્યા છે અને કૉર્પોરેટ ટીમના અમારા સ્પૉન્સર્ડ રનર અલગ છે. સાચું કહું તો માત્ર ફન્ડરેઝિંગ નહીં પણ લોકોમાં જવાની, તેમની સાથે જોડાવાની અને દુનિયાને આપણું કામ દેખાડવાની જે તક આ મૅરથૉનમાં મળી રહી છે એને હું શબ્દોમાં વર્ણવી શકતી નથી.’
ફન્ડ મેળવવાનું કામ સરળ નથી, કારણ કે એમાં પ્લૅટફૉર્મનો ઉચિત ઉપયોગ કરતાં તમને આવડે એ જરૂરી છે. ડૉ. બીજલ મહેતાને એને લગતાં લેક્ચર્સ પણ વિવિધ સંસ્થાઓને આપે છે અને સંસ્થાઓને સમજાવે છે કે તેઓ કઈ રીતે આ આખી તકનો ઉપયોગ કરી શકે. ડૉ. બીજલ કહે છે, ‘એક વાર તમારી ક્રેડિબિલિટી ટેસ્ટમાં તમે પાસ થઈ જાઓ અને તમારી સંસ્થાનું ઑફિશ્યલ પેજ પર રજિસ્ટ્રેશન થઈ જાય એ પછી સંસ્થાઓનું સાચું કામ શરૂ થતું હોય છે. તમારું કામ તમારે લોકોને કહેવું પડે છે. તમારે વિવિધ કૉર્પોરેટ કંપનીઓને અપ્રોચ કરવો પડતો હોય છે. આ આખા વર્ષ દરમ્યાનની પ્રોસેસ છે. કૉર્પોરેટ કંપનીઓને પોતાની કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી (CSR)ના ફન્ડને સાચી જગ્યાએ આપવામાં રસ હોય છે. એટલે તમારે તેમને ફીલ્ડ-વિઝિટ કરાવીને કામ દેખાડવું પડતું હોય. ધરમપુરમાં અમે વિમેન એમ્પાવરમેન્ટ, એજ્યુકેશન, મેડિકલ જેવાં ઘણાંબધાં ક્ષેત્રોમાં કામ કરીએ છીએ. ચૅરિટી-ઇવેન્ટનો ખર્ચ બચાવીને તમને બીજા સાથે કનેક્ટ કરવાનું પ્લૅટફૉર્મ તમને મુંબઈ મૅરથૉન આપે પરંતુ કનેક્શન તો તમારે જ બનાવવું પડે. તમારા કામથી પ્રભાવિત થઈને ઘણા વ્યક્ગિત રીતે પણ તમારા કૉઝ સાથે જોડાઈને ડોનેશન આપતા હોય. તમને ચૅરિટી બિબ પણ મળતા હોય જેને તમે વેચી શકો અને એમાંથી પણ ફન્ડ રેઝ કરી શકો. આ વર્ષે અમારી સંસ્થા વતી ૧૧૨ ઇન્ડિવિજ્યુઅલ્સ ફન્ડરેઝર તરીકેની પહેલ સાથે દોડવાના છે.’
ખૂબ જ ટ્રાન્સપરન્ટ સિસ્ટમ
ફન્ડ મળવામાં તમારી સંસ્થાની વિશ્વસનીયતા મહત્ત્વની છે. મુંબઈ મૅરથૉનની વેબસાઇટ પર તમે રજિસ્ટર થયા એટલે તમારી સંસ્થાની વિશ્વસનીયતા આપોઆપ વધી જાય. ૩૧ વર્ષથી માનસિક અક્ષમતા ધરાવતાં બાળકોને રહેવાની સુવિધા પૂરી પાડતી અને તેમને પગભર કરતી ‘આધાર’ નામની સંસ્થાના ટ્રસ્ટી અજય મહેતા કહે છે, ‘તમારી સંસ્થા બરાબર કામ કરતી હોય અને એને બધી રીતે વેરિફાય કરી હોય એ પછી જ એને ત્યાં સ્થાન મળે. એટલે સૌથી પહેલાં તમારા કામને ત્યાં જ ઑથેન્ટિસિટી મળી જાય. બીજું, તમે જ્યારે તમારાં બાળકો સાથે રેસમાં ભાગ લો ત્યારે લોકોને ખબર પડે કે આવી પણ કોઈ સંસ્થા છે જે આટલા મોટા સ્કેલ પર કામ કરી રહી છે. અમારી વાત કરું તો ૨૦૧૯થી અમે તાતા મુંબઈ મૅરથૉન સાથે જોડાયેલા છીએ. બદલાપુર, સાતારા અને નાશિક એમ ત્રણ જગ્યાએ અમારી સંસ્થાનાં સેન્ટર છે જ્યાં ૩૫૦ બાળકો છે. મોટા ભાગે માનસિક રીતે અક્ષમ બાળકો જેમ-જેમ મોટાં થાય એમ-એમ તેમને હૅન્ડલ કરવાનું પેરન્ટ્સ માટે અઘરું હોય. તેઓ મગજથી બાળક જેવાં પણ શરીરથી ઍડલ્ટ હોય એટલે તેમનામાં જોર વધ્યું હોય, શારીરિક બળ વધારે હોય અને તેમને પેરન્ટ્સ એકલા હાથે મૅનેજ ન કરી શકે. અમે આવાં બાળકોને રાખીએ અને તેમની પાસે વિવિધ પ્રવૃત્તિ કરાવીએ. મુંબઈ મૅરથૉન થકી અમે ૨૦૧૯માં સોળ લાખ રૂપિયાનું ભંડોળ દાનમાં મેળવ્યું હતું. આ વર્ષે સાડાત્રણ કરોડ અગિયાર લાખ રૂપિયાનું ફન્ડ છે. અત્યાર સુધીમાં કુલ સાડાસાત કરોડ ભેગા કરી ચૂક્યા છીએ. આ આખી પ્રોસેસ બહુ જ સરળ છે. જો એક વાર સમજી જાઓ તો માત્ર એક જ ક્લિકમાં ડોનર ડોનેટ કરી શકે અને ડોનેશનની રકમ સંસ્થાઓને પણ ત્વરિત આપવામાં આવતી હોય છે. જોકે અમારા માટે માત્ર આ ફન્ડ જ નહીં પણ પાર્ટિસિપેશન માટે અમારી સંસ્થાનાં બાળકો રનમાં જોડાય છે. તેમનો ઉત્સાહ, તેમને મળતા મેડલથી તેમના ચહેરા પર આવતી રોનક પણ મુંબઈ મૅરથૉનની અમારા માટે બહુ મોટી ભેટ છે.’
૫૩૬
અત્યાર સુધીમાં આટલા કરોડ રૂપિયાનું દાન આ પ્લૅટફૉર્મ થકી વિવિધ સંસ્થાઓએ પ્રાપ્ત કર્યું છે.
૬૯,૧૦૦
લગભગ આટલા લોકો આવતી કાલે યોજાઈ રહેલી મુંબઈ મૅરથૉનમાં ભાગ લેવાના છે.
૩૦૫
આટલી સામાજિક સંસ્થાઓ મુંબઈ મૅરથૉનમાં ભાગ લઈ રહી છે.

મુંબઈ મૅરથૉન થકી તમે વિવિધ કૉર્પોરેટ્સથી લઈને ઇન્ડિવિજ્યુઅલ્સને તમારી પ્રવૃત્તિઓ વિશે જણાવીને દાન આપવા માટે પ્રેરિત કરી શકો છો. તમારા વતી લોકો તમને ફન્ડ લાવી આપે એવી જોગવાઈ પણ આ પ્લૅટફૉર્મ પર શક્ય છે. - ડૉ. બીજલ મહેતા, શ્રીમદ્ રાજચંદ્ર લવ ઍન્ડ કૅરનાં ટ્રસ્ટી


