કેટલીક પ્રતિભાઓ એવી હોય છે જેઓ તેમના આશ્રયમાં રહેનારાઓનો જ નહીં, તેમનાથી દૂર રહીને માત્ર તેમના જેવાં રૂપરંગ ધરાવતા લોકોનો પણ ઉદ્ધાર કરી શકે છે. દુનિયાભરમાં દબદબો ધરાવતા આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ૧૯-૨૦ મળતો ચહેરો ધરાવતા લોકોની પણ લૉટરી લાગી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી
કી હાઇલાઇટ્સ
- કેટલાકે એ ચહેરા સાથે મોદીજીની અન્ય તમામ સ્ટાઇલ શીખીને એને એન્કૅશ કર્યું છે
- તો કેટલાકે એ સામ્યને રિસ્પેક્ટફુલી જોઈને એને જવાબદારી તરીકે વધાવી છે
- મોદીજી જેવા લાગતા કેટલાક મુંબઈના મોદીજીઓ સાથે આજે ગુફ્તગો કરીએ
એક સામાન્ય માન્યતા છે કે એક વ્યક્તિ જેવા દેખાતા કુલ ૭ લોકો દુનિયામાં અસ્તિત્વ ધરાવતા હોય છે. અલબત્ત, આનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. હા, વૈજ્ઞાનિકો એ વાત સ્વીકારે છે કે નાકનો આકાર, જડબાંનો આકાર, આંખોની વચ્ચેની જગ્યા, હોઠનો આકાર વગેરે ફીચર્સ મળતાં હોય ત્યારે લોકો તે બે વ્યક્તિને સિમિલર ગણતા હોય છે. આજકાલ સોશ્યલ મીડિયા પર સ્ટ્રેન્જર ટ્વિનનો ટ્રેન્ડ પણ પૉપ્યુલર છે જેમાં સાવ અજાણી છતાં પોતાના જેવી દેખાતી વ્યક્તિઓ એકબીજાને શોધી કાઢે અને પરસ્પરના ફોટો સાથે રાખે. ધારો કે કોઈ સાવ અજાણી વ્યક્તિ સાથે પણ કોઈ વ્યક્તિનાં ફીચર્સ મળે તો એમાં કનેક્શન તેમ જ રોમાંચની અનુભૂતિ કરતા હો ત્યારે મહામાનવના સ્તર પર પહોંચેલી વ્યક્તિ સાથે તમારો દેખાવ મળતો આવે તો? આજે દુનિયાભરમાં ડંકો વગાડનારા અને ભારત જેમના નામથી ઓળખાતું થયું છે એવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે દુનિયાના મોસ્ટ પૉપ્યુલર લીડર તરીકે ઊભરી રહ્યા છે. પ્રસિદ્ધિ અને લોકચાહનાની ચરમસીમા પર રહેલા દેશના વડા પ્રધાન સાથે તમારો ચહેરો મળતો આવે ત્યારે એ અનુભૂતિ અને ફળશ્રુતિ શું હોય એ જાણવા માટે અમે વાત કરી મોદીજીના કેટલાક હમશકલો સાથે. મોદીજીના ચહેરા સાથે મેળ ખાતા તેમના ચહેરાએ તેમને આજે ક્યાં પહોંચાડ્યા છે એ વિશેની રોચક માહિતીઓ પ્રસ્તુત છે.
મોદીજી પણ જેમને જોઈને ખડખડાટ હસી પડેલા એ વિકાસ મહંતેનું તો જીવન જ પલટાઈ ગયું ૨૦૧૪થી
ADVERTISEMENT
દેખાવ જ નહીં પણ જેમની ચાલ-ઢાલ, અવાજ, બોલવાની ઢબ, શબ્દોની પસંદગી, હાસ્ય, આંખોની મૂવમેન્ટ, હાથથી અપાતાં એક્સપ્રેશન એમ બધું જ ડિટ્ટો મોદીજી જેવું બની ગયું છે એવા વિકાસ મહંતે આમ તો મુંબઈના બિઝનેસમૅન હતા. ૨૦૧૨-’૧૩માં તેમની વધેલી દાઢી જોઈને કેટલાક લોકોએ તેમને ‘તમે તો મોદીજી જેવા લાગો છો’ એવી કમેન્ટ કરીને સેલ્ફી લીધા અને જીવનમાં જાણે કે ટર્નિંગ પૉઇન્ટની શરૂઆત થઈ. અત્યાર સુધીમાં BJPના મોટા ગજાના અઢળક નેતાઓ માટે ઇલેક્શન વખતે પ્રચારરૅલીમાં ભાગ લઈ ચૂકેલા; નરેન્દ્ર મોદીજીના રોલમાં વિવિધ ફિલ્મો, વેબસિરીઝ અને જાહેરાતોમાં કામ કરી ચૂકેલા; વિવિધ કાર્યક્રમોમાં મોદીજી બનીને ભાષણ આપી ચૂકેલા આ ભાઈને જોવા માટે લાખોની જનમેદની ભેગી થાય છે. ૨૦૧૩માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે વિકાસભાઈને રૂબરૂ મળી ચૂક્યા છે. તેઓ કહે છે, ‘૧૯૮૨થી હું બિઝનેસ કરતો હતો. મારી ફૅક્ટરીઓ હતી. કામનું એક્સપાન્શન કરવાનું હતું. લગભગ ૨૦૧૨ની જ વાત છે જ્યારે વસઈમાં અમે બીજી ફૅક્ટરીઓ લીધી હતી. એમાં ઑફિસરો થોડાક હેરાન કરે એમ લાગતું હતું એટલે મને થયું કે થોડોક સિરિયસ લુક લાવવા માટે દાઢી વધારીએ. એ પહેલાં ક્લીન્ડ-શેવ રહેવાની આદત હતી. વધેલી દાઢી સાથે ત્યાંના સરકારી ઑફિસરોને મળવા ગયો તો તે બધા મને જોઈને દંગ હતા. મારું કામ તો ઝડપથી કર્યું જ, મારી સાથે સેલ્ફી પણ લીધા. ત્યારે મને સમજાયું કે મારો લુક મોદીજી સાથે મૅચ થાય છે. એ પછી તો ઘણા લોકો મારી સાથે સેલ્ફી લેતા. લુકની સાથે કપડાંની સ્ટાઇલ અને ચાલ-ઢાલમાં પણ થોડોક બદલાવ લાવીને મેં મોદીજીની જેમ રહેવાનું શરૂ કર્યું અને ચમત્કારિક પરિણામ દેખાયું. લોકો હાથ જોડે, પગે લાગે. ૨૦૧૩માં BJPના એક નેતા રમણભાઈ પાટકર ઇલેક્શનમાં ઊભા રહ્યા હતા. અમે એકબીજાને ઓળખતા હતા. તેમણે મને અમસ્તા જ કહ્યું કે ચાલો મારી સાથે ચૂંટણીપ્રચારમાં. અમે રોડ-શો કરેલો અને લોકો મને ડિટ્ટો મોદીજી જ સમજી રહ્યા હતા. એ ઇલેક્શન તેઓ જીતી ગયા. એ પછી પ્રોટોકૉલ મુજબ તેમણે એ સમયે ગુજરાતના ચીફ મિનિસ્ટર એટલે કે નરેન્દ્ર મોદીને મળવાનું હતું ત્યારે તેઓ મને સાથે લઈ ગયા. પાંચેક મિનિટ માટે મોદીજી મને મળ્યા હશે. મોદીજી મને નીચેથી ઉપર સુધી જોઈને ખડખડાટ હસી પડ્યા. એ મારી અસલી મોદીજીની સાથેની પહેલી મુલાકાત. એ પછી તો ૨૦૧૪ના ઇલેક્શનમાં પણ હું BJPના મોટા ગજાના નેતાઓ સાથે ચૂંટણીપ્રચારનો ફેસ બન્યો. જેટલા પણ કૅન્ડિડેટ સાથે રહ્યો તે બધા જ જીત્યા છે.’
પોતાના બન્ને દીકરા મોટા થઈ જવાથી હવે વિકાસભાઈ સંપૂર્ણ મોદીજી જેવા બનવા પર ફોકસ કરી રહ્યા છે. ઘણી ઇવેન્ટમાં તેમને અતિથિવિશેષ તરીકે બોલાવવામાં આવે છે. મોદીજીના અવતારમાં જ તૈયાર થઈને જતા વિકાસભાઈ હવે પ્રસંગોમાં હાજરી આપવાનો ચાર્જ પણ લે છે. છતાં દેશ અને દુનિયાના લોકો હોંશે-હોંશે તેમને બોલાવે છે. વિકાસભાઈ કહે છે, ‘મોદીજીને હું ખૂબ જ ઝીણવટ સાથે ઑબ્ઝર્વ કરું છું. તેમની બૉડી-લૅન્ગ્વેજ સમજ્યો, તેમના અવાજના આરોહ-અવરોહ અડૉપ્ટ કર્યા. અફકોર્સ હું મિમિક્રી આર્ટિસ્ટ નથી, પરંતુ ઉપરવાળાએ તેમના જેવો ચહેરો આપ્યો છે અને તેમના દેખાવને અનુસરીને હું ક્યાંક તેમનું પ્રતિનિધિત્વ કરતો હોઉં ત્યાં એ ચહેરાની ગરિમા જળવાય એ રીતે રહેવું એ મારી નૈતિક ફરજ છે જેને હું અનુસરી રહ્યો છું. તેમની ઑપરેશન સિંદૂર વખતની આખેઆખી સ્પીચ મને મોઢે છે. તેમનાં કેટલાંય ભાષણો અને કવિતાઓ મેં ગોખી કાઢ્યાં છે. તેમના કૉમન ડાયલૉગ્સ હું બોલતો હોઉં છું.
ઘણા કાર્યક્રમોમાં વિકાસભાઈની સ્પીચ સાંભળીને પણ લોકો ઓરિજિનલ અને ડુપ્લિકેટમાં ગોથું ખાઈ જાય છે. કેટલાક કિસ્સાઓ વર્ણવતાં તેઓ કહે છે, ‘એક વાર મોદીજી મુંબઈ એક સભાને સંબોધિત કરવાના હતા અને એ પહેલાં પાર્ટીની એક મીટિંગમાં પણ હાજરી આપવાના હતા. એ સમયે પાર્ટી દ્વારા મને ઇન્વાઇટ કરવામાં આવ્યો હતો. મારા ઘરે મોદીજીને અપાય એવી ગાડી અને સિક્યૉરિટી મોકલીને જાણે કે હું મોદીજી હોઉં એમ મારી એન્ટ્રી કરાવડાવી હતી. હજારો લોકોની જનમેદની ચિચિયારી પાડીને મારું અભિવાદન કરી રહી હતી. લોકો મને મોદીજી જ સમજી રહ્યા હતા અને હું પણ હાથ વેવ કરીને લોકોનું ઉદ્બોધન કરી રહ્યો હતો. થોડીક વારમાં બીજી બાજુથી સાચા મોદીજી આવ્યા. તેમની એન્ટ્રી થઈ અને લોકો અચંબામાં મુકાઈ ગયા કે આમાંથી કોણ સાચા? એ પછી રિયલ મોદીજી તેમની મીટિંગ માટે અંદર ગયા, પણ હવે મને ભીડમાંથી એસ્કોર્ટ કરવાનું કામ અઘરું થઈ ગયું હતું કારણ કે લોકો રસ્તો છોડવા તૈયાર નહોતા. કેટલાક સિક્યૉરિટી ગાર્ડ મને કૉર્ડન કરીને ગાડી સુધી લઈ ગયા. એ સમયે એક યંગ છોકરો ગાડી નીચે સૂઈ ગયો અને કહે કે મારે મોદીજીની ગાડી નીચે આવીને જીવ આપી દેવો છે. એ પણ મારા માટે સદ્ભાગ્ય હશે અને એ સાંભળીને હું દંગ રહી ગયો હતો. મોદીજી માટે લોકોના હૃદયમાં કેવો પ્રેમ, કેવું ગાંડપણ હશે કે તેમના ડુપ્લિકેટ માટે પણ તેઓ આવા પઝેસિવ થઈ ગયા હતા. એવી જ રીતે એક વાર દિલ્હીમાં કેટલાક દેશોના રાજદૂતો સાથે મારી એક મીટિંગ યોજાઈ હતી અને બધાએ મને સાચા મોદીજી સમજીને તાળીઓથી વધાવી લીધા પછી જ્યારે તેમને સાચી ખબર પડી ત્યારે અચંબામાં આવીને હસી પડ્યા હતા. આવા તો ગણ્યાગણાય નહીં એટલા કિસ્સા છે. લોકો આશીર્વાદ આપે, હાથ જોડે, રડી પડે, કંઈક વસ્તુઓ આપે અને ક્યારેક મોદીજીને પસંદ ન કરનારાઓની ગાળો પણ પડે. જોકે આ બધાનો જ એક જુદો રોમાંચ છે.’
થોડા સમય પહેલાં એક કોર્ટકેસમાં વિકાસભાઈએ હાજર રહેવાનું હતું. તેમને કોર્ટમાં પ્રવેશતા જોઈને જજ અચંબિત થઈ ગયા અને પ્રોટોકૉલ તોડીને બોલી ઊઠ્યા કે આપ તો બિલકુલ મોદીજી જૈસે દિખતે હો અને કોર્ટમાં બેસેલા બધા જ હસી પડ્યા હતા. કેટલાંક મંદિરો અને સામાજિક સંસ્થાઓમાં પ્રેસિડન્ટ તરીકે સક્રિય વિકાસભાઈ નૉર્મલી ઘરે જીન્સ અને પૅન્ટ પહેરે છે, પરંતુ જ્યારે મોદીજી તરીકે ઇન્વાઇટેડ હોય ત્યારે જ તેમના જેવો ગેટઅપ ધારણ કરે છે. આવતા મહિને મોદીજીના જીવનની રિલીઝ થઈ રહેલી ફિલ્મમાં લીડ રોલ કરી રહેલા વિકાસભાઈ કહે છે, ‘હું ખરેખર પોતાને ભાગ્યવાન માનું છું કે ભગવાને મને આટલી મોટી વ્યક્તિ જેવો ચહેરો આપ્યો છે. તેમના કારણે હું આજે સેલિબ્રિટી બની ગયો છું. મારે પણ લોકો મને ઓળખી ન જાય એ માટે ઘણી વાર જુદી ફ્રેમનાં ચશ્માં, માસ્ક, ટોપી વગેરે પહેરીને ઘરની બહાર નીકળવું પડે છે. મોદીજી જેવા દેખાવને કારણે મને વિદેશના ઘણા કાર્યક્રમોમાં હાજરી આપવાનાં ઇન્વિટેશન પણ મળે છે. સાચું કહું તો મારી આખી દુનિયા જ બદલાઈ ગઈ છે.’
મોદીજી જ જાણે ભણવા આવ્યા હોય એમ કૉલેજના વૉચમૅને સ્વાગત કરેલું લલિત મહેતાનું
ભાઈંદરમાં રહેતા ૬૨ વર્ષના લલિત મહેતા પણ નરેન્દ્ર મોદી જેવાં ફીચર્સ ધરાવે છે. એક વાર નવરાત્રિમાં દાઢી નહીં કરવાના નિયમને કારણે વધેલી દાઢી સાથેના તેમના લુકને લોકોએ મોદીજી સાથે સરખાવ્યો અને એ જ સમયે ઘણા લોકો તેમની સાથે ફોટો પડાવી ગયા. ત્યાર બાદ તેમણે વધેલી બિઅર્ડ રાખવાનું શરૂ કર્યું. ૨૦૧૪માં મળેલી આ નવી આઇડેન્ટિટીને કારણે આમ તો અત્યાર સુધીમાં અઢળક અનુભવો થયા છે, પરંતુ લેટેસ્ટ એક અનુભવ વર્ણવતાં આ પૅથોલૉજિસ્ટ કહે છે, ‘દોઢ-બે મહિના પહેલાં કોઈક પરિચિતની ફૅમિલી-મૅટરમાં સાક્ષી તરીકે અમારે કોર્ટમાં જવાનું બન્યું. હવે કોર્ટમાં હોઈએ ત્યારે આપણે બેગુનાહ હોઈએ તો પણ થોડોક ડર તો લાગે. હું અને મારી વાઇફ સાથે હતાં અને અમે કોર્ટરૂમની બહાર અમને બોલાવે તો જઈશું એમ વિચારીને રાહ જોઈ રહ્યાં હતાં. એ સમયે થોડાક પોલીસવાળા અમને જોઈને આવ-જા કરતા હતા. અમે બન્ને મનમાં ડરીએ કે ક્યાંક આપણી વિરુદ્ધ જ ગુનો દાખલ નહીં થઈ જાય અને આપણે જ જેલભેગા નહીં થવું પડેને? કર્યું કંઈ નહોતું, પણ ખાખી વરદી અને કોર્ટનો માહોલ જોઈને મનમાં આવા વિચિત્ર વિચાર આવતા હતા. એ દરમ્યાન એક પોલીસવાળો અમારી નજીક આવ્યો. આ બાજુ અમારા ધબકારા વધી ગયા હતા. પછી તેણે ખૂબ જ પોલાઇટલી ધીમેથી પૂછ્યું, ‘તમારી સાથે અમે એક સેલ્ફી લઈએ?’ અને મારા પ્રાણમાં પ્રાણ આવ્યા. જોકે આવા અઢળક અનુભવો થયા છે. જેમ કે અત્યારે હું તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયન્સિસમાં પોસ્ટ-ગ્રૅજ્યુએશનની ડિગ્રી લઈ રહ્યો હતો. મોટી ઉંમરે ભણવાનું શરૂ કર્યું એટલે મેં થોડોક મારો મોદીજી જેવો લુક અકબંધ રાખ્યો. શરૂઆતમાં મને જોઈને વૉચમૅન તાજુબમાં. મને અંદર જતાં પહેલાં તેણે ૧૦૦ સવાલ પૂછ્યા હશે. પછી તે એવો કન્વિન્સ થઈ ગયો કે જેવો અંદર પ્રવેશ કરું એટલે જોરથી બોલે, મોદીજી આ ગએ હૈં... આવું તો ઘણી જગ્યાએ થાય. લોકો ક્યારેક ડરે. બાળકો સેલ્ફી લેવા આવે. ઘણા લોકો કાર્યક્રમોમાં ઇન્વાઇટ કરે, પરંતુ હું એમાં જતો નથી. મારે પૉલિટિશ્યનો સાથે સારા સંબંધો છે; પરંતુ હું તેમના માટે ચૂંટણીપ્રચાર જેવાં કામોમાં રસ નથી લેતો, કારણ કે મને મોદીજી જેવા ચહેરાને આર્થિક લાભ માટે વટાવવાની ઇચ્છા નથી થતી. હા, એક કામ કર્યું છે કે ઘણી વાર અજાણ્યા લોકો સેલ્ફી લેવાના ચક્કરમાં મારો ખૂબ સમય બગાડતા એટલે સેલ્ફી લેવા દેવાના ૫૦ રૂપિયાનો ચાર્જ નક્કી કર્યો છે. એ જે પૈસા ભેગા થાય એ કબૂતરોને ચણ આપવામાં વાપરી નાખું છું.’
તાજેતરમાં લલિતભાઈ ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરમાં દર્શન માટે ગયા. કુરતો-પાયજામો પહેર્યો હતો અને પૂજારીજીનું ધ્યાન ગયું. મોદીજી જેવા ભાઈ છે એ ખ્યાલ આવતાં પૂજારીએ તેમને આગળ બોલાવીને ડાયરેક્ટ અભિષેક કરાવડાવ્યો. ઘણી વાર તો એવું બને કે લગ્નપ્રસંગમાં પોતાની પત્ની કલ્પનાને લઈને જાય ત્યારે કલ્પનાબહેને સાઇડમાં રાહ જોતા ઊભા રહેવું પડે, કારણ કે લલિતભાઈ સેલ્ફી પડાવવામાં બિઝી હોય. જોકે પતિની સાદગી અને સજ્જનતાને કારણે આ બધી બાબતો કલ્પનાબહેન નજરઅંદાજ કરી દેતાં હોય છે. તેઓ કહે છે, ‘મોદીજીનો ચહેરો જ નહીં, તેમના ગુણો પણ મારા પતિદેવે અપનાવ્યા છે એવું હું પ્રાઉડલી કહી શકું. જીવનમાં નિયમિતતા, ખૂબ કામ કરવાનું, પ્રામાણિકતા, સાદગીસંપન્ન જીવન, હેલ્થ-કૉન્શિયસ રહેવાનું, કસરત-યોગ વગેરે કરવાનાં એ બધી જ તેમની ખાસિયત છે. તેમની જન્મતારીખ પણ મોદીજીના બર્થ-ડે પછીની એટલે કે ૧૮ સપ્ટેમ્બર છે.’
થોડા સમય પહેલાં મુંબઈમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મોદીજી પોતે આવ્યા હતા અને લલિતભાઈ પણ એમાં હાજર રહ્યા હતા ત્યારે તેમના ગયા પછી મોદીજીના આ હમશકલ સાથે એ કાર્યક્રમમાં હાજર ઘણા લોકોએ ફોટો પડાવ્યા હતા.
નામ, જન્મતારીખ, મહિનો, વર્ષ, માતાનું નામ, બ્લડ-ગ્રુપ, વજન, હાઇટ જેવું તો કંઈકેટલુંય મોદીજી સાથે મળતું હોવાનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે આ ભાઈએ
ઇમિટેશન જ્વેલરીનો બિઝનેસ કરતા નરેન્દ્ર સોનીનો જન્મ અને નરેન્દ્ર મોદીનો જન્મ એક જ દિવસે, એક જ તારીખે, એક જ વર્ષે, એક જ રાજ્યમાં, એક જ નામ ધરાવતી માતા દ્વારા માત્ર ૧૦૦ કિલોમીટરના ડિસ્ટન્સ પર થયો છે. નરેન્દ્ર સોની ૧૭ સપ્ટેમ્બરે ધાંગધ્રામાં જન્મ્યા તો નરેન્દ્ર મોદી વડનગરમાં. રાજ્ય એક જ હતું. યોગાનુયોગ જુઓ તો બન્નેની મમ્મી હીરાબાને શું સૂઝ્યું કે બન્નેએ પોતાનાં સંતાનોનાં નામ નરેન્દ્ર જ રાખ્યાં. નરેન્દ્ર મોદી સાથે અઢળક સામ્ય ધરાવતા નરેન્દ્ર સોનીનું નામ આ સામ્યતા બદલ લિમકા બુક ઑફ રેકૉર્ડ્સમાં નોંધવામાં આવ્યું છે. મોદીજીને દિલથી સન્માનતા અને મોદીજીના જીવનમાં અને પોતાના જીવનમાં બનેલા કેટલાક સરખા પ્રસંગોની નોંધ રાખનારા નરેન્દ્ર સોની કહે છે, ‘અમારું નામ, ઉંમર, જન્મતારીખ, મહિનો, વર્ષ, જન્મનું રાજ્ય અને માતાનું નામ સરખાં છે. વાત એટલેથી પતતી નથી. જુઓ, તેમના ભાઈની અને મારા ભાઈની રાશિ એક, તેમના પિતાની અને મારા પિતાની રાશિ એક, તેમની બહેનની અને મારી બહેનની રાશિ એક, તેમના દાદાની અને મારા દાદાની રાશિ એક, તેમનું બૉડી-વેઇટ અને મારું બૉડી-વેઇટ એક, તેમનું બ્લડ-ગ્રુપ A+ અને મારું બ્લડ-ગ્રુપ પણ A+. અમારા બન્નેના જન્મના સમયમાં બે જ કલાકનો ફરક છે એટલે અમારી કુંડળી પણ ઑલમોસ્ટ સરખી છે. ઇન ફૅક્ટ, તેમના જીવનમાં જે સમયે કપરા દિવસો આવ્યા કંઈક એ જ સમયે મારા જીવનમાં પણ સંઘર્ષ શરૂ થયો હતો. તેમના અમેરિકાના વીઝા રિજેક્ટ થયા હતા, મારા પણ એક વાર રિજેક્ટ થયા હતા. તેમના પિતા પહેલાં ગુજરી ગયા અને બા હમણાં ગુજરી ગયાં એમ મારાં પણ માતા-પિતામાંથી પિતાનું અવસાન પહેલાં અને પછી બાનું અવસાન થયું. તેમના જીવનમાં ચડતીના દિવસો શરૂ થયા એ જ સમયગાળામાં મારા જીવનમાં પણ પ્રગતિ શરૂ થઈ હતી. તેમના દેશદાઝના વિચારો સાથે મારા વિચારો પણ મળે છે. તેમની હિન્દુનીતિ મને પણ અનુકૂળ લાગે છે. તેઓ ૧૮ કલાક કામ કરે છે એમ હું પણ આજે ૭૫ની વયે ૧૮ કલાક કામ કરું છું.’
આવાં અને આટલાં સામ્ય છે એની ખબર કેવી રીતે પડી? એનો જવાબ આપતાં નરેન્દ્ર સોની કહે છે, ‘૨૦૧૩માં જ્યારે તેમણે લોકસભા ઇલેક્શનનું ફૉર્મ ભર્યું ત્યારે એ સમાચાર મેં વાંચ્યા હતા. એના આધારે મને ખબર પડી કે તેમની અને મારી બાનું નામ એક છે. પછી ખબર પડી કે જન્મતારીખ અને જન્મવર્ષ પણ એક જ છે. પછી વધુ ખણખોદ કરતાં આ બધી પણ ખબર પડી. લિમકા બુક ઑફ રેકૉર્ડ્સવાળાને જ્યારે આ વાત ખબર પડી ત્યારે દોઢસો જાતના પેપર તથા ડૉક્યુમેન્ટ્સ મારી પાસેથી લઈ ગયા હતા. મારું આધારકાર્ડ, પાસપોર્ટ, બર્થ-સર્ટિફિકેટ જેવું કંઈકેટલુંય તેમણે જોયું હતું. બધી જ બાબતોમાં ખાતરી થઈ પછી તેમણે મને રેકૉર્ડ માટે પસંદ કર્યો હતો. સાચું કહું તો આવી એક યશસ્વી અને મહાન વ્યક્તિ સાથે મારા જીવતેજીવ આટલી વાતો મેળ ખાય એ બાબત મને ગૌરવની સાથે જવાબદારીનું ભાન પણ કરાવે છે. જીવનમાં આવ્યા છીએ તો માત્ર પોતાના માટે ન જીવીએ એ વાતનું રિમાઇન્ડર મને નરેન્દ્રભાઈને જોઉં ત્યારે મળતું હોય છે.’
ઇસ નામ મેં બહોત કુછ રખ્ખા હૈ
નરેન્દ્ર મોદી જેવો દેખાવ હોય ત્યારે તો જીવન ફેરવાઈ જાય છે એ સ્વાભાવિક છે, પણ માત્ર નામ અને અટકનું સામ્ય પણ જીવનને કેવી ચમત્કૃતિ આપી શકે છે એવાં કેટલાંક ઉદાહરણ જોઈએ.
મહારાષ્ટ્રના ભોર તાલુકાના PM તરીકે જાણીતા છે આ નરેન્દ્ર મોદી
પુણેના ભોર તાલુકાના કિકવી ગામમાં રહેતા અને કરિયાણાની દુકાન ધરાવતા ૬૫ વર્ષના નરેન્દ્ર જયંતીલાલ મોદી એ વાત સ્વીકારે છે કે આપણા વડા પ્રધાનને કારણે મારા નામની કિંમત પણ વધી ગઈ છે અને વડા પ્રધાન સાથે નામનો મેળ ખાતો હોવાના ઘણા સારા-નરસા અનુભવો પણ થયા છે. ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે સંકળાયેલા પુણેના નરેન્દ્ર મોદી પોતાના અનુભવો શૅર કરતાં કહે છે, ‘જ્યારે ૨૦૧૪ના ઇલેક્શનમાં મોદીસાહેબનું નામ વડા પ્રધાન તરીકે જાહેર થયું ત્યારે ઘણા લોકોએ મને કૉન્ગ્રેચ્યુલેશન્સના ફોન કર્યા હતા. આમ તો જ્યાં જાઉં ત્યાં કોઈ મારું નામ પૂછે અથવા ક્યાંક જાહેરમાં મારું નામ બોલાય એટલે લોકોની આંખો મોટી થઈ જાય છે પરંતુ રીસન્ટ્લી અમારા લોકલ પોલીસ-સ્ટેશનમાં એક નવા પોલીસ-ઇન્સ્પેક્ટર આવેલા. હું વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલો છું એટલે સામાજિક કામના મામલે ક્યારેક પોલીસ-સ્ટેશન જવું પણ પડે. હું ગયો. ત્યાં ઇન્સ્પેક્ટર સાળવી હતા. તેમણે મારું આવવાનું કારણ જાણ્યા પછી મારું નામ પૂછ્યું. મેં કહ્યું, નરેન્દ્ર મોદી. એટલે પહેલાં પોલીસવાળા ઊભા થઈ ગયા. તેમને લાગ્યું કે હું તેમની મશ્કરી કરી રહ્યો છું. જોકે તેમનાં એક્સપ્રેશન બદલાઈ રહ્યાં હતાં એની વચ્ચે મેં આધાર કાર્ડ કાઢીને દેખાડ્યું ત્યારે તેઓ ખરા આશ્ચર્યમાં હતા. અરે સોશ્યલ મીડિયા અકાઉન્ટ બનાવવામાં આધાર કાર્ડ વેરિફિકેશન પછી પણ હું મારું અકાઉન્ટ નરેન્દ્ર મોદીના નામે નહોતો બનાવી શક્યો. છેલ્લે મારે N. J. Modi તરીકે અકાઉન્ટ ખોલાવવું પડ્યું હતું.’
બીજો એક રમૂજી કિસ્સો જણાવતાં તેઓ કહે છે, ‘એક અજાણ્યા માણસનો અમારી એક સંસ્થાના કામ વિશે જાણવા માટે ફોન આવ્યો. તેમણે મારું નામ પૂછ્યું તો મેં કહ્યું કે હું નરેન્દ્ર મોદી બોલું છું, તો સામેવાળાએ કહ્યું કે એમ છે તો હું શરદ પવાર બોલું છું. તેમને એમ કે હું આડોડાઈથી વાત કરી રહ્યો છું, પણ જ્યારે સાચી હકીકત સમજાવી ત્યારે માંડ જઈને તેમને વાત ગળે ઊતરી હતી. હું ૧૦૦ ટકા કહીશ કે જેમ રામ નામના પથ્થર તરતા હતા એમ નરેન્દ્ર મોદી નામ સાંભળીને તેમને માટે રિસ્પેક્ટ ધરાવતા સરકારી બાબુઓ ઝડપથી કામ કરી આપે એવું બન્યું છે. માર્કેટમાં સામાન લેવા નીકળું ત્યારે લોકો દૂરથી જ અભિવાદન કરે. ઘણા લોકો માટે હું કૌતુકનો વિષય હોઉં છું. હા, મોદીજીના કોઈ નિર્ણયથી ક્યારેક કોઈ નાખુશ હોય તો એ અકળામણ મારા પર નીકળે. જેમ કે મોદીજીના GSTના કે નોટબંધીના નિર્ણયથી નાખુશ હોય તો મારી સામે બળાપો ઠાલવી જાય. જોકે એવા અનુભવ ખૂબ ઓછા થયા છે. મોટા ભાગના લોકોના મનમાં આપણા વડા પ્રધાન માટે ખૂબ માન છે.’
ટ્રેનમાં ટિકિટચેકર નામ વાંચ્યા પછી આમની પાસે આઇડી નથી માગતો
ભાઈંદરમાં રહેતા નરેન્દ્ર પ્રભુદાસ મોદી ઓરિજિનલ મોદીજીથી ૧૫ વર્ષ નાના છે. મોદીજીના બહુ જ મોટા પ્રશંસક પણ છે અને મનોમન પોતાનાં ફઈબાને આ નામ પસંદ કરવા બદલ હજારો વાર ધન્યવાદ પણ આપી ચૂક્યા છે. સ્ટેનલેસ સ્ટીલનો બિઝનેસ કરતા નરેન્દ્ર પી. મોદી કહે છે, ‘મોદીસાહેબ તો ખૂબ મહાન છે અને તેમના પડછાયા જેવા પણ આપણે નથી. તેમના નામનું મૂલ્ય એવું છે કે લોકો આપણાથી દંગ રહી જાય છે. ધારો કે મારે કોઈ લાઇનમાં ઊભા રહેવાનું હોય કે કોઈને મારું નામ કહેવાનું હોય એ પછી સામેવાળી વ્યક્તિ મારી સામે ન જુએ એવું આજ સુધી નથી બન્યું. ઘણા લોકોને તો હું મારું નામ બોલું તો એમ જ લાગે કે હું મજાક કરું છું. ટ્રેનમાં જાઉં અને ટિકિટચેકર ટિકિટ ચેક કરતા હોય અને મારો સીટ-નંબર આવે અને હું નામ બોલું એ પછી તેઓ સામેથી જ કહે કે તમારે આઇડીની જરૂર નથી. ઍરપોર્ટ પર એન્ટર થતો હોઉં ત્યારે સિક્યૉરિટી ગાર્ડ મને ધારી-ધારીને જુએ કે ક્યાંક ફેક ડૉક્યુમેન્ટ તો નથીને. એક વાર બાઇક પર હતો અને ઉતાવળમાં હેલ્મેટ નહોતું પહેર્યું. ટ્રાફિક-હવાલદારે રોક્યો અને નામ પૂછ્યું. મેં કહ્યું એટલે તેને માનવામાં ન આવ્યું. તેણે ડ્રાઇવિંગ લાઇસન્સ લીધું એમાં પણ એ જ નામ. હજી તેને ભરોસો નહોતો એટલે તેણે આધાર કાર્ડ માગ્યું. છેલ્લે એમાં નામ વાંચ્યા પછી બીજા પાંચ સાથીઓને બોલાવીને કાર્ડ દેખાડ્યું. પછી મને કહે, ‘સા’બ ઇતના અચ્છા નામ હૈ ફિર ભી હેલ્મેટ નહીં પહના.’ હું ભૂલ સ્વીકારી ફાઇન ભરીને નીકળી ગયો, પણ આવા તો કંઈકેટલાય અનુભવો થાય છે.’

