નવી મુંબઈના ૩૬ વર્ષના બિઝનેસમૅન દેવાંગ કેનિયા સેલ્ફ-લર્નર રાઇડર છે. મુંબઈ, નાશિક, પુણે અને લોનાવલાથી કારરેસિંગમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને ૬ વર્ષના ડેડિકેશન પછી તેઓ એશિયા ઑટો જિમખાના ચૅમ્પિયનશિપ માટે દેશના ટૉપ ટેનમાં સિલેક્ટ થયા છે. આ વર્ષે ઑગસ્ટથી
જાતે અસેમ્બલ કરેલી હૉન્ડા સિટી વીટેક કાર સાથે દેવાંગ કેનિયા
કારરેસિંગની વાત આવે એટલે આપણા મગજમાં ‘ફૉર્મ્યુલા વન’ જેવી હાઈ-સ્પીડ સ્પર્ધા અથવા બૉલીવુડની ‘રેસ’ અને હૉલીવુડની ‘ફાસ્ટ ઍન્ડ ફ્યુરિયસ’ ફિલ્મના સીન દૃશ્યમાન થાય. જોકે મોટરસ્પોર્ટ્સના શોખીનો માટે વિશ્વમાં અનેક ઇવેન્ટ્સ યોજાય છે. આવી જ એક આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા એશિયા ઑટો જિમખાના ચૅમ્પિયનશિપ માટે નવી મુંબઈના વાશીના બિઝનેસમૅન દેવાંગ કેનિયા સિલેક્ટ થયા છે. આ વર્ષે ઑગસ્ટથી ડિસેમ્બર દરમ્યાન એશિયાના ૭ દેશમાં યોજાનારી આ સ્પર્ધામાં તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેઓ પોતાની મહેનત અને ઝનૂનથી આંતરરાષ્ટ્રીય મોટરસ્પોર્ટ્સ સુધી પહોંચ્યા છે. ૩૬ વર્ષની ઉંમરે ગ્લોબલ ટ્રૅક પર હાઈ-સ્પીડ કાર દોડાવવાનું સપનું સાકાર કરવું સરળ તો નથી જ; પણ તેમની હિંમત, રિસ્ક અને ડેડિકેશનને સલામ છે. ચાલો મળીએ ઍડ્વેન્ચર સ્પોર્ટ્સમાં ભારતનું અને ગુજરાતીઓનું નામ રોશન કરવાની તૈયારી કરી રહેલા દેવાંગભાઈને.
સ્પર્ધા ક્યાં થશે?
ADVERTISEMENT
ફેડરેશન ઇન્ટરનૅશનલ ડી લ’ઑટોમોબાઇલ (FIA) હેઠળ યોજાતી એશિયા ઑટો જિમખાના ચૅમ્પિયનશિપ (AAGC) એક પ્રીમિયમ કક્ષાની મોટરસ્પોર્ટ્સ સ્પર્ધા છે જેમાં રેસર અલગ-અલગ ડ્રાઇવિંગ ટેક્નિકનો ઉપયોગ કરીને પૂર્વનિર્ધારિત ટ્રૅક પર કાર દોડાવે છે. આ સ્પીડ અને ટાઇમિંગની ગેમ છે. ૧૦ પુરુષ રાઇડર અને પાંચ મહિલા રાઇડર મળીને ૧૫ જણને સ્પર્ધામાં ભાગ લેવા મોકલાય છે. એક ટીમમાં બે મેલ રાઇડર અને ૧ ફીમેલ રાઇડર હોય છે. સોલો, મિક્સ્ડ ડબલ્સ (એક ફીમેલ, બે મેલ) અને મેન્સ ડબલ્સ (બે મેલ) મળીને કુલ ત્રણ ફૉર્મેટમાં ભાગ લેવાનો હોય છે. આ ચૅમ્પિયનશિપમાં અલગ-અલગ એશિયન દેશોના ટ્રૅક પર કાર દોડાવવામાં રાઇડરની કસોટી થાય છે.
ચૅમ્પિયનશિપ વિશે માહિતી આપતાં દેવાંગભાઈ કહે છે, ‘૨૦૨૬-’૨૭ની ચૅમ્પિયનશિપ માટે ફર્સ્ટ સિલેક્શન ૨૦૨૫ના ડિસેમ્બરમાં બૅન્ગલોરમાં હતું. સોલો ક્વૉલિફાયર રાઉન્ડ માટે ભારતભરમાંથી ૫૬ પુરુષ રાઇડર આવ્યા હતા. એમાંથી પચીસને પસંદ કરવામાં આવ્યા. ત્યાર બાદ આ વર્ષે ફેબ્રુઆરીમાં ચેન્નઈ (મદ્રાસ ઇન્ટરનૅશનલ સર્કિટ) ખાતે પસંદ કરાયેલા પચીસમાંથી ટૉપ ૧૦ સિલેક્ટ થયા જેમાં એક હું પણ છું. ઑગસ્ટથી ડિસેમ્બર સુધી ચાલનારી સ્પર્ધામાં ઇન્ડોનેશિયા, હૉન્ગકૉન્ગ, ચીન, તાઇવાન, મલેશિયા, ઇન્ડિયા અને ઉબઝેકિસ્તાનના ટ્રૅક પર રેસ થશે. ભારતમાં નવેમ્બરમાં રેસ હશે અને ફાઇનલ રાઉન્ડ ઉબઝેકિસ્તાનમાં થવાનો છે. ચેન્નઈ અને દિલ્હીની ઇન્ટર્નલ સર્કિટમાં જૂનથી પ્રૅક્ટિસ શરૂ થશે. જોકે પડકારો ઘણા છે. હોસ્ટ કન્ટ્રી જે કાર આપે એ જ ચલાવવાની હોય. પ્રૅક્ટિસ માટે માત્ર એક દિવસ આપવામાં આવશે. સિલેક્શન વખતે લેફ્ટ હૅન્ડ કાર આપી હતી એટલે અનુભવ છે. ૮૦૦ મીટરની સ્પર્ધા માટે ટ્રૅક એ રીતે તૈયાર કરાય છે કે સાડાત્રણથી ૪ કિલોમીટર થઈ જાય. બે મિનિટની અંદર પોલ પર પહોંચવાનું પ્રેશર હોય. મને વિશ્વાસ છે કે ટાઇમિંગને મૅચ કરી લઈશ. આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું પ્રતિનિધિત્વ કરવા ઉત્સુક છું.’
રસ કઈ રીતે જાગ્યો?
મૂળ કચ્છના બારોઈ ગામના આઠ કોટિ નાની પક્ષ સ્થાનકવાસી જૈન કચ્છી વીસા ઓસવાળ સમાજના દેવાંગભાઈને બાળપણથી ફૉર્મ્યુલા વન રેસ જોવાનો શોખ હતો. ગોરેગામથી રાયન કૉલેજ ઑફ એન્જિનિયરિંગ ઍન્ડ મૅનેજમેન્ટથી ઑટોમોબાઇલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ ન્યુ ઝીલૅન્ડની માનુકાઉ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજીથી BBA (બૅચલર્સ ઇન બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેટિવ) કર્યું. ૨૦૧૪માં બૈજુલ સાથે તેમનાં લગ્ન થયાં. કારની રેસનો શોખ તેમને લોનાવલામાં આમ્બિવલી લઈ ગયો.
આગળ વાત કરતાં દેવાંગભાઈ કહે છે, ‘મુંબઈ, લોનાવલા, પુણે અને નાશિક ખાતે સમર અને વિન્ટર એડિશનની રેસિંગ તેમ જ ઇન્ડિયાની મોટી ઇવેન્ટ્સ જોવા જતો. મગજમાં હંમેશાં ચાલતું કે એક દિવસ હું પણ રેસમાં ભાગ લઈશ. નિયમિત રેસિંગ જોવા જવાથી કેટલાક રેસર્સ સાથે ઓળખાણ થઈ. તેમના ટચમાં આવ્યા પછી રેસર બનવાની ઇચ્છા વધુ પ્રબળ બની. રથિશ નાયર અને કાર્થિક કોંચાડેએ રેસિંગમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યો. તેમના માર્ગદર્શનમાં જુદી-જુદી ડ્રૅગ રેસમાં એટલે કે નાના અંતરની રેસમાં ભાગ લેવાની તક મળી. ૨૦૨૦માં આમ્બિવલીમાં ૨૦૦ મીટરની રેસમાં કાર દોડાવી. ફર્સ્ટ રેસમાં છેલ્લો આવ્યો હતો. જોકે શીખવા મળ્યું અને આત્મવિશ્વાસ વધ્યો. ૨૦૨૩માં પહેલી ટ્રોફી લઈને ઘરે આવ્યો ત્યાં સુધી ફૅમિલીને જણાવ્યું નહોતું કે હું રેસ જોવા નહીં પણ કાર દોડાવવા જાઉં છું.’
દેવાંગભાઈ ઇનામ લઈને આવ્યા એ પહેલાં તેમના પપ્પા વિલાસભાઈનું અવસાન થઈ ગયું હતું. ઘરમાં મમ્મી શિલ્પાબહેન, વાઇફ બૈજુલ, બહેન વૈદેહી અને દીકરી કૃષ્ણવી એમ ૪ મહિલાઓ વચ્ચે તેઓ એકમાત્ર પુરુષસભ્ય હોવાથી પરિવારને ભય લાગ્યો. દેવાંગભાઈએ મમ્મી અને વાઇફને સમજાવ્યાં કે આ મારું પૅશન છે અને સલામતીનું સંપૂર્ણ ધ્યાન રાખું છું. જોકે તેઓ રેસિંગ જોવા નથી જતાં.
સ્પોર્ટ્સકાર બનાવી
સ્પર્ધામાં ભાગ લેવા પાવરફુલ કાર જોઈએ. દેવાંગભાઈએ સાદી કારમાં ધરખમ ફેરફાર કરીને સ્પોર્ટ્સકાર બનાવી. પોતે ઑટોમોબાઇલ એન્જિનિયર અને કાર તેમ જ સુપરબાઇક્સનો બિઝનેસ હોવાથી જાતે અસેમ્બલ કરી શક્યા. હૉન્ડા સિટી વીટેક કારમાં એન્જિન, સસ્પેન્શન અને ઇન્ટીરિયર ચેન્જ કર્યાં. કારનું વેઇટ-રિડક્શન કર્યું અને સિંગલ સીટર બનાવી. સેફ્ટી-ટૂલ્સ વસાવ્યાં. કાર ફાયરપ્રૂફ પણ હોવી જોઈએ. ભારતમાં મોટરસ્પોર્ટ્સમાં એક્સપોઝર નથી એટલે અમુક સાધનો વિદેશથી મગાવવાં પડે છે. રાઇડરની બૉડી અને વેઇટ પ્રમાણે સૂટ કસ્ટમાઇઝ કરવા પડે. બ્રીધિંગમાં તકલીફ ન થવી જોઈએ. હેલ્મેટની સાઇઝ ખૂબ જ મહત્ત્વની છે. સાઇડમાં જોવા રાઇડરનું માથું હલવું જોઈએ. તમામ સાધનો યોગ્ય રીતે બેસાડેલાં હોય તો જ કારને રેસમાં દોડાવી શકાય. Team Flying Pistonss અને 02 Pro X બન્ને ટીમ વતી રેસમાં ભાગ લે છે. મોટરસ્પોર્ટ્સ ખર્ચાળ શોખ છે. દેવાંગભાઈનો પોતાનો બિઝનેસ તો છે જ, ઉપરાંત ૧૯૪૨થી શ્રીફળનો પારિવારિક ધંધો છે અને APMC માર્કેટમાં ૪ દુકાન છે. સેલ્ફ-ફન્ડિંગને કારણે તેઓ શોખને આગળ વધારી શક્યા. ડે-ટુ-ડે લાઇફમાં તેઓ ઇનોવા ચલાવે છે. મૅક્લરેન સ્પોર્ટ્સકાર તેમની ડ્રીમ કાર છે. તેઓ સુપરબાઇક રેસમાં પણ ભાગ લે છે.
અકસ્માત પણ થયા
કારરેસિંગ દરમ્યાન દેવાંગભાઈને બે વાર અકસ્માત થયો છે. તેઓ કહે છે, ‘પહેલો અકસ્માત ૨૦૨૪માં નાશિકમાં થયો હતો. મારી કારની બાજુમાં દોડતી કારના ટાયરમાં બ્લાસ્ટ થયો અને રાઇડરે કન્ટ્રોલ ગુમાવી દેતાં તે મને ટચ કરીને ગયો એમાં મારી કાર વૉલ સાથે અથડાઈ. જોકે સલામતીનાં સાધનોને કારણે વધુ ઈજા નહોતી થઈ. બીજો અકસ્માત ગયા વર્ષે બૅન્ગલોરમાં થયો હતો. ટ્રૅક પર ટર્નિંગ વખતે કારનું આગળનું ટાયર ફાટી ગયું. હાઈ-સ્પીડને લીધે સ્ટીઅરિંગ પર નિયંત્રણ ગુમાવ્યું, પણ તરત જ હૅન્ડલને સીધું કરી દેતાં કાર ટ્રૅકની બહાર નીકળી ગઈ. આ ફ્રૅક્શન ઑફ અ સેકન્ડની ગેમ છે. કાર ટ્રૅક પર જ પલટી ખાઈ ગઈ હોત તો ગંભીર ઈજા થાત, પણ મને માત્ર એલ્બોમાં ફ્રૅક્ચર આવ્યું હતું. માર્શલ્સે તરત જ કારમાંથી બહાર કાઢ્યો અને હૉસ્પિટલમાં લઈ ગયા. આ પ્રકારની રમતમાં મેડિકલ હેલ્પ પણ હાઈ લેવલની હોય. પૅશન એટલું સ્ટ્રૉન્ગ છે કે જિંદગીને દાવ પર લગાવતાં ભય નથી લાગતો.’
