Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > Bold is Beautifulને સાચા અર્થમાં સાર્થક કરનારી અભિનેત્રી એટલે નૂતન

Bold is Beautifulને સાચા અર્થમાં સાર્થક કરનારી અભિનેત્રી એટલે નૂતન

Published : 04 January, 2026 02:47 PM | IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

નૂતનનો જન્મ ૧૯૩૬માં ૪ જૂને થયો. પિતા કુમારસેન સમર્થ એક ફિલ્મમેકર હતા જે મોટા ભાગે ફિલ્મ્સ ડિવિઝન માટે ફિલ્મો બનાવતા. માતા શોભના સમર્થ જાણીતાં અભિનેત્રી હોવાને કારણે ઘરમાં ફિલ્મોને લગતું વાતાવરણ રહેતું. નૂતન નાનપણથી નૃત્ય અને સંગીતની શોખીન.

નૂતન

વો જબ યાદ આએ

નૂતન


‘હું તારી પરિસ્થિતિ સમજી શકું છું, પણ આ રોલ તારા સિવાય કોઈ ભજવી શકે એવું મને નથી લાગતું.’ એક દિગ્ગજ પ્રોડ્યુસર-ડિરેક્ટર એ સમયની નામી હિરોઇનને સમજાવી રહ્યા હતા કે પોતાની આગામી ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર ન કરે. અભિનેત્રીની વાત પણ ખોટી નહોતી. થોડા સમય પહેલાં જ માતૃત્વ પ્રાપ્ત કર્યા પછી હવે તે પૂરતો સમય પરિવાર અને બાળકને સમર્પિત કરવા માગતી હતી. 
અહીં અભિનેત્રીના પતિએ એક સરસ તર્ક મૂક્યો, ‘તને જો પેઇન્ટિંગનો શોખ હોત તો લગ્ન પછી છોડી દીધું હોત? અભિનય તારું પૅશન છે. તું ઘરની ચિંતા ન કર. આવો રોલ કરવાનો મોકો બીજી વાર નહીં આવે.’ જીવનસાથીનો સધિયારો મળ્યા બાદ અભિનેત્રીએ ઑફર સ્વીકારી અને પોતાની કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ અભિનય આપ્યો.
એ દિગ્ગજ પ્રોડ્યુસર-ડિરેક્ટર હતા બિમલ રૉય અને અભિનેત્રી હતી નૂતન. ફિલ્મ ‘બંદિની’માં કલ્યાણીના પાત્ર માટે તે નૂતન પાસે આવ્યા હતા. અભિનય ક્ષેત્રે ટૂંકા સમયમાં મોટી છલાંગ મારી નૂતને પોતાનું આગવું સ્થાન મેળવ્યું હતું. તે કરીઅર માટે નહીં પણ પૅશનને કારણે અભિનય કરતી હતી. લગ્ન કર્યા બાદ માતૃત્વ પ્રાપ્ત કરીને એક સંપૂર્ણ સ્ત્રી હોવાનો અહેસાસ કરતી નૂતને મનોમન ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તિલાંજલિ આપવાનું નક્કી કર્યું હતું. આમ પણ એ દિવસોમાં લગ્ન કરીને માતા બનેલી હિરોઇનની કોઈ ડિમાન્ડ નહોતી રહેતી એટલે તેનો નિર્ણય સ્વાભાવિક હતો. 
નૂતનનો જન્મ ૧૯૩૬માં ૪ જૂને થયો. પિતા કુમારસેન સમર્થ એક ફિલ્મમેકર હતા જે મોટા ભાગે ફિલ્મ્સ ડિવિઝન માટે ફિલ્મો બનાવતા. માતા શોભના સમર્થ જાણીતાં અભિનેત્રી હોવાને કારણે ઘરમાં ફિલ્મોને લગતું વાતાવરણ રહેતું. નૂતન નાનપણથી નૃત્ય અને સંગીતની શોખીન. તે મોટી થઈને પ્લેબૅક સિંગર બનવાનાં સપનાં જોતી હતી. એ માટે તે નિયમિત સંગીતની તાલીમ લેતી. 
સમર્થ પરિવારમાં ચાર બાળકો હતાં. નૂતન, તનુજા, ચતુરા અને જયદીપ. એ દિવસોમાં શોભના સમર્થનું નામ વિખ્યાત અભિનેતા મોતીલાલ સાથે જોડાયેલું હતું. આંતરિક મતભેદને કારણે જયદીપના જન્મ બાદ કુમારસેન અને શોભના સમર્થના છૂટાછેડા થયા. ચારે બાળકોની જવાબદારી શોભના સમર્થે પોતાના માથે લીધી હતી.
નવ વર્ષની નૂતને પ્રથમ વાર ૧૯૪૫માં બાળકલાકાર તરીકે પિતાની ફિલ્મ ‘નળ દમયંતી’માં કૅમેરાનો સામનો કર્યો. માતા શોભના સમર્થની ઇચ્છા હતી કે નૂતન હિરોઇન બને. એટલે પોતાની જ ફિલ્મ ‘હમારી બેટી’માં (૧૯૫૦) અગત્યનો રોલ આપ્યો. ફિલ્મ સદંતર નિષ્ફળ ગઈ. એ સમયે નૂતનની ઉંમર હતી ૧૪ વર્ષની. ત્યાર બાદ દલસુખ પંચોળીની ફિલ્મ ‘નગીના’માં (૧૯૫૧) તે નાસિર ખાન સામે હિરોઇન બની. ડરામણાં દૃશ્યો હોવાને કારણે  ફિલ્મને ‘A’ સર્ટિફિકેટ મળ્યું હતું. ફિલ્મના પ્રીમિયર માટે જ્યારે નૂતન શમ્મી કપૂર સાથે થિયેટર પહોંચી ત્યારે ડોરકીપરે પ્રવેશબંધી કરતાં કહ્યું, ‘આ ફિલ્મ કેવળ પુખ્ત વયના પ્રેક્ષકો માટે છે.’ નૂતન લગભગ રડતાં-રડતાં ત્યાંથી પાછી ફરી.
નાનપણમાં નૂતનની દૂબળી, પાતળી, એકવડી અને થોડી શ્યામરંગી કાયાને કારણે લોકો તેની બદસૂરતીની મજાક ઉડાવતા. એથી તે થોડી હીન ભાવનાથી પીડાતી. બે ફિલ્મોની નિષ્ફળતાથી તે હતાશ થઈ ગઈ. ત્યારે શોભના સમર્થે ૧૫ વર્ષની નૂતનને સ્વિટ્ઝરલૅન્ડ મોકલવાનો નિર્ણય લીધો. એક વર્ષ બાદ અભિનયની તાલીમ અને ૧૦ કિલો વજન વધારીને  નૂતન ‘એક નયે રૂપ રંગ કે સાથ’ ભારત પાછી આવી.
તેના ચહેરા પર તાજગી અને સૌંદર્યમાં નિખાર આવી ગયો હતો. પરિવાર સાથે વેકેશન ગાળવા મસૂરી આવેલી નૂતને ફૅશન કૉન્ટેસ્ટમાં ‘મિસ મસૂરી’નો ખિતાબ મેળવ્યો એટલું જ નહીં, ૧૯૫૨માં તે ‘ફેમિના મિસ ઇન્ડિયા’ બની ત્યારે લોકો ચોંકી ઊઠ્યા. એ જ વર્ષે તેને ‘હમલોગ’ (બલરાજ સાહની) અને ‘લૈલા મજનૂ’માં (શમ્મી કપૂર) કામ કરવાનો મોકો મળ્યો. (પૃથ્વીરાજ કપૂરના કુમારસેન અને શોભના સમર્થ સાથે ઘનિષ્ઠ  સંબંધો હતા એટલે શમ્મી કપૂર અને નૂતન નાનપણથી મિત્રો હતાં. એમ કહેવાય છે કે એક સમયે શમ્મી કપૂરે નૂતન સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે શોભના સમર્થે તેમને ખખડાવી નાખ્યા હતા.’ આ બન્ને ફિલ્મો બૉક્સ-ઑફિસ પર સાધારણ રહી પરંતુ નૂતનની બદલાયેલી ‘સૂરત અને સીરત’ ઉપરાંત તેના અભિનયની ખાસ નોંધ લેવાઈ.
૧૯૫૫માં અમિય ચક્રવર્તીની ‘સીમા’થી નૂતનની કારકિર્દીએ હરણફાળ ભરી. આ ફિલ્મ માટે નૂતનને બેસ્ટ ઍક્ટ્રેસનો ફિલ્મફેર અવૉર્ડ મળ્યો. આ ફિલ્મે નૂતનને હિન્દી ફિલ્મોની હિરોઇનની શ્રેણીમાં એક અલગ સ્થાન આપ્યું. હવે નૂતનની ગણના ટોચની હિરોઇનમાં થવા લાગી. ત્યાર પછીનાં વર્ષોમાં આવેલી ‘બારીશ’, ‘પેઇંગ ગેસ્ટ’, ‘ચંદન’, ‘દિલ્હી કા ઠગ’, ‘કભી અંધેરા કભી ઉજાલા’, ‘સોને કી ચિડિયા’, ‘લાઇટ હાઉસ’, ‘આખરી દાવ’, ‘અનાડી’, ‘કનૈયા’, ‘સુજાતા’, ‘છબીલી’, ‘બસંત’, ‘છલિયા’ જેવી ફિલ્મોમાં નૂતનના હીરો હતા અશોક કુમાર, ભારત ભૂષણ, દેવ આનંદ, કિશોર કુમાર, સુનીલ દત્ત, શમ્મી કપૂર, બલરાજ સાહની, તલત મેહમૂદ અને શેખર.
નૂતન નિજી જિંદગીમાં જેવી સીધીસાદી ઘરેલુ દેખાતી એવી જ તેની ફિલ્મી ઇમેજ હતી. એટલે જ જ્યારે ‘દિલ્હી કા ઠગ’માં એસ. ડી. નારંગે તેને ‘સ્વિમિંગ સૂટ’માં દેખાડવાની હિંમત કરી ત્યારે નૂતને એ ચૅલેન્જ સ્વીકારી લીધી. ‘Bold is beautiful’ને સાચા અર્થમાં સાર્થક કરનારી અભિનેત્રી એટલે નૂતન. આદર્શ ભારતીય નારીની જેમ તે સાડીમાં  લપેટાયેલી હોય  કે પછી વિદેશી વેશભૂશાના પ્રતીક એવા સ્વિમ સૂટમાં, નૂતનના પૂરા વ્યક્તિત્વમાં આછકલાઈ જેવું નામ નહોતું. કોઈ પણ પરિધાન સાથે તેના ચહેરા પરની માસૂમિયત, અભિનયની સહજતા અને કૅમેરા સામેની ઈમાનદારીને કારણે તે પ્રેક્ષકોને આકર્ષિત કરતી. એવું જ વૈવિધ્ય તેણે ભૂમિકામાં નિભાવ્યું. ‘સીમા’, ‘સુજાતા’, ‘બંદિની’ અને બીજી ફિલ્મોમાં તેણે હિરોઇન માટે  Unconventional but Bold રોલ સહજતાથી ભજવ્યા, જે સફળ થયા.
૧૯૫૯માં ૧૧ ઑક્ટોબરે નૂતનનાં લગ્ન લેફ્ટનન્ટ કર્નલ રજનીશ બહલ સાથે થયાં. આ એક અરેન્જ્ડ મૅરેજ હતાં. શોભના સમર્થની ઇચ્છા હતી કે નૂતનનાં લગ્ન ફિલ્મી વર્તુળની બહારના યુવક સાથે થાય. એક ફિલ્મના શૂટિંગ સમયે નૂતન અને રજનીશ બહલની પ્રથમ મુલાકાત થઈ. માતાએ ડ્રાઇવ પર જઈ આવેલી પુત્રીને પ્રશ્ન કર્યો, ‘કૈસે લગે કર્નલસા’બ? વૈસે તો વો શાંત કિસમ કે ઇન્સાન હૈ.’ નૂતને મજાકિયા સ્વરમાં કહ્યું, ‘ઇનકી ગાડી મેં હૉર્ન કે સિવા હર એક પુરજે કી ઇતની આવાઝ આતી થી, બાત કરને કા ઝ્યાદા મૌકા હી નહીં મિલા.’
નેવીમાં કામ કરતા રજનીશ બહેલ જોગાનુજોગ પહેલેથી નૂતનના ફૅન હતા. સેનાના જવાનોના એક કાર્યક્રમમાં તે સ્ટેજ પર આવીને કહે, ‘હવે હું જે ગીત ગાવાનો છું એ સૌથી સુંદર આંખોવાળી અભિનેત્રીને અર્પણ કર્યું છે. બોલો એ કોણ હશે?’ કરડાકીભર્યા ચહેરા,  અક્કડ મૂછો અને ઉગ્ર સ્વભાવ ધરાવતા સંગીતપ્રેમી ઑફિસરો મધુબાલા, મીનાકુમારી અને નર્ગિસનાં નામ બોલ્યા ત્યારે યુવાન રજનીશ બહલ બોલ્યા, ‘ના, ના, ના. તેનું નામ છે નૂતન.’ અને તેમણે શરૂ કર્યું, ‘ઓ નિગાહેં મસ્તાના, દેખ સમા હૈ સુહાના.’
લગ્નની વાત આગળ વધતી હતી ત્યારે તેમણે કહ્યું, ‘એક ફિલ્મ માટે આટલી મોટી રકમ લેતી અભિનેત્રીને મારા જેવો નજીવી રકમ કમાતો ઑફિસર કેવી રીતે સાચવશે?’ નૂતને એટલું જ કહ્યું, ‘હું તમારી કમાણીમાં જ ઘર કેમ ચલાવવું એ સારી રીતે જાણું છું. તમે ચિંતા ન કરતા.’ અને આ વાત અક્ષરશઃ નૂતને  સાબિત કરી બતાવી. લગ્ન કર્યા પહેલાં સાઇન કરેલી ફિલ્મોના શૂટિંગ માટે તે પોતાની ઇમ્પોર્ટેડ ગાડીને બદલે પતિની ફિયાટ ગાડીમાં સ્ટુડિયો જતી હતી એટલું જ નહીં, તે પ્રેમાળ પતિ સાથે બાકીની જિંદગી સુખથી ગાળવા મનમાં ઊંડે-ઊંડે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડવાનો વિચાર કરતી હતી.
૧૯૬૩માં ‘બંદિની’માં નૂતનનો અભિનય એટલે અભિનયના અધ્યાયનું અંતિમ પ્રકરણ. બિમલ રૉય જેવા હીરાપારખુએ નૂતન પાસેથી જે અપેક્ષા રાખી હતી એનાથી ચાર ચાસણી ચડી જાય એવું કામ તેણે કર્યું. અશોક કુમાર જેવા સિદ્ધહસ્ત કલાકાર સામે નૂતને પોતાની અભિનયક્ષમતાની એ કમાલ બતાવી કે વિવેચકોએ ‘બંદિની’ની ગણના ભારતની ૨૦ ઉત્તમ ફિલ્મોમાં કરી છે. ‘સુજાતા’માં બીજો ફિલ્મફેર અવૉર્ડ મળ્યા બાદ ‘બંદિની’ માટે નૂતનને બેસ્ટ ઍક્ટ્રેસનો ત્રીજો ફિલ્મફેર અવૉર્ડ મળ્યો. ‘બંદિની’ની બેસુમાર સફળતા બાદ નૂતને ફિલ્મોમાં કામ ન કરવાનો વિચાર માંડી વાળ્યો અને નવી ફિલ્મો સ્વીકારી.
સમય સરતો જતો હતો. પારિવારિક જિંદગી અને ફિલ્મી કરીઅરના સંતુલનને જાળવવાનું મુશ્કેલ કામ સફળતાથી કરતી નૂતનના જીવનમાં અચાનક એક સમય એવો આવ્યો જેના કારણે તે હચમચી ગઈ એટલું જ નહીં, એ બે ઘટનાને કારણે તેણે જે પગલાં લીધાં એ તેના સ્વભાવથી સાવ વિપરીત હતાં. એ વાત આવતા રવિવારે.


Whatsapp-channel Whatsapp-channel

04 January, 2026 02:47 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK