છેલ્લાં સાત વર્ષથી નિરાધાર અને દુઃખી લોકોને મદદ કરનાર વ્યક્તિએ ૨૦૨૩થી અત્યાર સુધીમાં લગભગ ૧૫૫૦ લોકોને તેમના પરિવાર કે આશ્રમ સુધી પહોંચાડ્યા છે. તેમના માટે કોઈ એક દુઃખીજનનું દુઃખ દૂર કરવાની તક પણ પરમાત્માની કૃપા અને ઋણમુક્તિ સમાન છે.
તમે કોઈની સેવા નથી કરતા, માત્ર ઋણ ચૂકવતા હો છો
જીવનમાં ઘણા લોકો બધી જ રીતે સુખી હોય છતાં તેમના મનમાં સતત કંઈક છૂટી ગયાનો, કંઈક નહીં પામ્યાનો અસંતોષ અકબંધ રહે છે. મેં જોયું છે કે જેને સુખી રહેવું હોય તે રસ્તા પર સૂતા-સૂતા પણ સુખી હોય છે અને જેને દુખી જ રહેવું છે તે દોમ-દોમ સાહ્યબી વચ્ચે પણ દુખી હોય છે. બાકી દુખ કેવું હોઈ શકે એ મેં છેલ્લા ૭ વર્ષમાં કોઈ કલ્પના ન કરી શકે એ સ્તર પર જોયું છે. હજી મંગળવારે રસ્તે રઝળતા એક યુવાનને એક આશ્રમમાં પહોંચાડ્યો છે. મને મોટા ભાગે આવા કોઈ કેસ પોલીસ પાસેથી મળતા હોય છે અને હું તેમની સારવાર વગેરે કરાવીને, તેમને નવડાવીને, સારાં કપડાં વગેરે પહેરાવીને જો કોઈ પરિવારજન ન હોય તો વિવિધ આશ્રમોમાં મોકલતો હોઉં છું. બાવીસ વર્ષના તે યુવાનના એક પગની આંગળીઓ સડીને કોહવાઈ ગઈ હતી અને તે પીડાથી કણસી રહ્યો હતો.
સરકારી હૉસ્પિટલમાં પ્રારંભિક ઇલાજ કરીને તેને રજા આપી દેવાઈ, પણ માથે છત નહીં અને વરસાદના દિવસોમાં પાણી લાગવાથી તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ. આટલી પીડા વચ્ચે તેના મોઢામાંથી ઊંહકારો પણ નહોતો નીકળતો. એવી જ રીતે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર એક યુવાન તેની બુઢ્ઢી માતા સાથે ૬ મહિનાથી રહેતો હતો. સ્ટેશન પર રહે અને ખાવાનું શોધી લાવે. તેમની પાસે ઘર નહોતું. ઉલ્હાસનગરમાં એ પરિવાર પાસે ખોલી જેવું ઘર હતું જે તે યુવાનના પિતાજીના ગુજરી જવાથી ખાલી કરવું પડ્યું અને ત્યારથી બીજે ક્યાંય આશરો નહોતો એટલે તેમણે રેલવે-સ્ટેશનને પોતાનું ઘર બનાવી દીધું હતું. આવા તો કેટલાય કેસ રોજ જોઉં છું. આંખોમાં આંસુ આવે અને રૂંવાડાં ઊભાં થાય એવી પશુ કરતાં બદતર સ્થિતિમાં જીવન ગુજારતા લોકોને જોયા છે અને દરેક વખતે એમ જ લાગ્યું છે કે હે પરમાત્મા, આમાંથી કોઈનું કંઈક પણ હિત કરવાની તક મળે તો એને હું ઋણમુક્તિ ગણીશ. આમાં મારો તો શું રોલ છે. બહુ જ કૃપા છે એ ડોનરોની જેમણે આંખ મીંચીને ધનસંપત્તિની ગંગા વહાવી અને છૂટા પડી ગયેલા અથવા નિરાધાર થઈ ગયેલા કેટલાય લોકોને આશરો અપાવવામાં નિમિત્ત બન્યા.
૨૦૨૩ના ઑક્ટોબર મહિનાથી આજ સુધીમાં લગભગ ૧૫૫૦ જેટલા લોકોને કાં તો તેમના ઘરે અથવા વિવિધ સંસ્થાઓમાં સુખરૂપ પહોંચાડવામાં નિમિત્ત બન્યો છું અને હવે છેલ્લા શ્વાસ સુધી આ કાર્યમાં પાછો ન વળું એવી શક્તિ પરમાત્મા આપે. ખૂબ નસીબદાર છું કે પત્ની અને દીકરીઓનો પૂરો સપોર્ટ છે. જે પણ કાર્ય થઈ રહ્યું છે એમાં ઘણા બધા લોકો પડદા પાછળ રહીને ભૂમિકા ભજવતા હોય છે. મારે તો ક્રેડિટ લેવાનું દૂર-દૂર સુધી ક્યાંય બનતું જ નથી. હું એટલે જ માનું છું કે એક પણ દુખીજનના દુખને દૂર કરવાની તક મળવી એ મારા માટે ઋણમુક્તિની ક્ષણ છે. હું એમ જ ગણું છું કે કોઈક જન્મમાં તેમણે મારું દુખ દૂર કર્યું હતું. આ વખતે એ સર્કલને જાણે કે મેં પૂરું કર્યું.
નીતિન દાવડા
