Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > કરશે પ્રબંધ ઈશ્વર, થોડો સમય જવા દે

કરશે પ્રબંધ ઈશ્વર, થોડો સમય જવા દે

Published : 07 June, 2026 03:11 PM | IST | Mumbai
Hiten Anandpara

માનવદેહ લીધો છે તો ત્વચાથી પર થઈ શકાતું નથી. ત્વચાની અંદરનું આખું તંત્ર નરી આંખે જોવું ગમે એવું નથી એટલે જ ઈશ્વરે આ પૅકિંગ આપ્યું છે. કોઈ ઘા-ઘસરકો પડે અને લોહી નીકળવાનું બંધ ન થાય ત્યારે આવા રક્ષાકવચની મહત્તા સમજાય.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અર્ઝ કિયા હૈ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


પ્રત્યેક આપત્તિને પસાર થવા થોડો સમય આપવો પડે. માત્ર આપત્તિ જ નહીં, જિંદગીને સંવારતી ઘટનાઓને પણ સાકાર થવા માટે સમય જવા દેવો પડે. સ્ત્રીએ માતૃત્વ પ્રાપ્ત કરવા ૯ મહિના પ્રતીક્ષા કરવી પડે છે. મનહર મોદી ઝૂલણા છંદમાં નરસિંહ મહેતાને તાદૃશ કરે છે...

આપણે, આપણું હોય એથી વધુ



અન્યને આપવા, જાગને જાદવા


હું નથી, હું નથી, એમ જાણ્યા પછી

આવવા ને જવા, જાગને જાદવા


આપણા પ્રયાસો સંપત્તિ-સર્જન માટે હોય છે, સંતૃપ્તિ-સર્જન માટે નહીં એ કડવી હકીકત છે. સંપત્તિના આધારે માનવીનું મૂલ્યાંકન થાય છે. સચ્ચાઈ, નીતિમત્તા, કાર્યદક્ષતા વગેરેને દુનિયા ગણતી નથી. સૌને એન્ડ રિઝલ્ટમાં રસ છે. કમનસીબે લોકો શું કહેશે એનો જવાબ તૈયાર કરવામાં આપણો ધી એન્ડ થઈ જાય છે. ડૉ. મનોજ જોશી ‘મન’ ગીતાના સંદેશને આકારે છે...

ક્યાં કહું છું કે દાવ છોડી દો?

ખેલ ખેલો, તનાવ છોડી દો

જો કિનારા સુધી જવા માટે

હો જરૂરી તો નાવ છોડી દો

પામવા માટે કશુંક છોડવું પડે છે. સંતાનની પ્રગતિ માટે માબાપ પેટે પાટા બાંધીને અથવા આજની ભાષામાં કહીએ તો બૅન્ક-લોનના ઉછીઉધારા કરીને પરદેશ ભણવા મોકલે છે. તેના વિકાસ માટે આ વિરહ જરૂરી છે. પંખીએ આખરે ઊડતા શીખવાનું છે. સ્વજનો પ્રત્યેનો સ્નેહ શક્તિ બનવો જોઈએ, અંતરાય નહીં. છતાં મધુમતી મહેતા આ નબળાઈને સ્વીકારે છે...

બુદ્ધ થઈ જવા મેં કોશિશ ઘણી કરી

રક્તમાં થીજેલું સગપણ નડ્યા કરે

આપણે ત્વચાથી પર થૈ નથી શક્યા

દૃષ્ટિ છે ધૂંધળી ને દર્પણ નડ્યા કરે

માનવદેહ લીધો છે તો ત્વચાથી પર થઈ શકાતું નથી. ત્વચાની અંદરનું આખું તંત્ર નરી આંખે જોવું ગમે એવું નથી એટલે જ ઈશ્વરે આ પૅકિંગ આપ્યું છે. કોઈ ઘા-ઘસરકો પડે અને લોહી નીકળવાનું બંધ ન થાય ત્યારે આવા રક્ષાકવચની મહત્તા સમજાય. રૂપાળી ત્વચાનાં તેજ વળી જીરવવાં સહેલાં નથી હોતાં. મનોજ ખંડેરિયા કોમળથી છળ સુધીની યાત્રા કરાવે છે...

બીડેલાં દ્વાર વરસોથી નથી થઈ ખોલવાની ઇચ્છા

નહીંતર હાથ તો કૈં વાર સાંકળ સુધી પ્હોંચ્યા

તને પામી જવા હરએક સત્યોની ક્ષિતિજ તોડી

પછી પ્હોંચીને જોયું તો રૂપાળા છળ સુધી પ્હોંચ્યા

છળ હવે આપણો રાષ્ટ્રીય ધર્મ બની ગયો છે. ટૂંકા ગાળાના લાભ માટે લોકો લાંબા ગાળાના સંબંધોને દાવ પર મૂકે છે. પૈસા માટે વયોવૃદ્ધને પણ છેતરતાં અચકાતા નથી. કુમળાં બાળકોને પણ લાલચ આપીને તેમનું શોષણ કરે છે. ગમે એટલું સાવધ રહીએ તોય કોઈ અઠંગ ધુતારો એવો ભટકાઈ જાય જે ખિસ્સાં ખાલી કરી નાખે. વિહંગ વ્યાસ કદાચ આવા જ કોઈ અનુભવને આકારે છે...

આમ તો ત્યારે સાવધ થઈ જવા જેવું હતું

એમણે દીધું બધું જ્યારે અપેક્ષાથી વિશેષ

ક્યાં ગયા સારાનઠારા આજ સઘળા પ્રસંગ

કૈં નથી જે જોઉ છું તે એક અફવાથી વિશેષ

અફવાઓને કારણે હુલ્લડો થતાં રહે છે. ચોર કે ડાકણ હોવાનું માનીને કોઈ નિર્દોષને કૂટી નાખવામાં આવે છે. તાજેતરમાં સાબરકાંઠાના વિજયનગરમાં ગાડા વાકડી ગામે એક સ્ત્રીને ડાકણ સમજી લેવામાં આવી. ગામલોકો હુમલો કરવા તેમના ઘરે ગયા. પત્નીને ટોળાથી બચાવવા જતાં પતિ મનુભાઈ ડામોરે જીવ ગુમાવવો પડ્યો. એકવીસમી સદીમાં પણ આ પ્રકારની જડ માન્યતા, અંધશ્રદ્ધાએ આપણો પીછો છોડ્યો નથી. વિકસિત ભારતના લક્ષ્ય સુધી પહોંચવા આપણે અક્ષરજ્ઞાન દ્વારા શિક્ષિત ઉપરાંત અનુકંપા દ્વારા દીક્ષિત થવું પડશે. મુકુલ ચોકસી કહે છે એવું અંતર્મુખી વલણ ટૂંકા ગાળાનું સમાધાન છે...

સહરાની છાલકોય પછી અમને ચાલશે

શીખી જવા દો એક વખત તરબતર થવું

જાકારો આઠેઆઠ દિશાએ દીધા પછી

અંતર્મુખ એક પળમાં થયા, એમાં શું નવું?

લાસ્ટ લાઇન

મળશે બધું બરાબર, થોડો સમય જવા દે

ટીપું થશે સમંદર, થોડો સમય જવા દે

જીવનપ્રવાહમાં બસ, વહેતું મૂકી દે જીવન

કરશે પ્રબંધ ઈશ્વર, થોડો સમય જવા દે

હારી જવાથી કોઈ, હારી નથી જતો કંઈ

મળશે નવીન અવસર, થોડો સમય જવા દે

રસ્તે ખૂટે છે ધીરજ, વિશ્વાસ પણ ડગે છે

આમ મળે છે વળતર, થોડો સમય જવા દે

કોણે કહ્યું લલાટે રેખા નસીબની છે

મહેનતથી છે મુકદ્દર, થોડો સમય જવા દે

સૂરજ ડૂબી ગયો તો સમજાયું જિંદગીમાં

ફરતું રહે છે ચક્કર, થોડો સમય જવા દે

પાકી ખબર નથી પણ, જાણું છું એટલું કે

ગેબીનો એક ઉત્તર, ‘થોડો સમય જવા દે...’

- ગેબી લુહારવી

Whatsapp-channel Whatsapp-channel

07 June, 2026 03:11 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK