ઍર ફોર્સની વરદી પાછળ છુપાયેલા એક નરાધમ બાપે પોતાની વાસનાનો શિકાર બીજા કોઈને નહીં, ડર અને ધમકીના જોરે સગી દીકરીને બનાવી અને એ પણ દસ-દસ વર્ષ સુધી. અંતે એ દીકરીને ન્યાય મળ્યો, પણ શું ૨૦ વર્ષની સજા આ અમાનુષી અત્યાચાર માટે પૂરતી ગણાય ખરી?
પ્રતીકાત્મક તસવીર
પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ હેઠળ સગીર પીડિતાની ઓળખ છતી કરવી ગુનો બને છે. અહીં પીડિતા આરોપીની સગી દીકરી હોવાથી જો પિતા અને માતાનું નામ જાહેર કરવામાં આવે તો દીકરીની ઓળખ પણ સાર્વજનિક થઈ જાય, જે કાયદાની વિરુદ્ધ છે.
આર્મી કે સેનામાં હોય એવી વ્યક્તિ સાથે ઓળખાણ હોય તો પણ આપણે પ્રાઉડ ફીલ કરતા હોઈએ છીએ તો જરા વિચારો ઍર ફોર્સમાં તમારા પિતા જ હોય તો તમે એ વાતનો કેવો ગર્વ અનુભવતા હો અને એમ છતાં તમારા જીવનમાં કેટલીક ઘટનાઓ એવી ઘટે કે તમે શરમથી માથું ઝુકાવી દો. સેના કે ફોર્સને લીધે નહીં, તમારા પિતાનાં કરતૂતોને કારણે. તેનામાં રહેલી વિકૃતિઓને લીધે.
હા, એવું જ બન્યું છે ૧૭ વર્ષની દીકરી અંજલિ (નામ બદલાવ્યું છે) સાથે. ઍર ફોર્સના સિનિયર ઑફિસર એવા અંજલિના પપ્પાએ પોતાની સગી દીકરી પર ૧૦ વર્ષ સુધી સતત બળાત્કાર કર્યો, તેને મૉલેસ્ટ કરી અને એ વાત છેક એક દશક પછી દુનિયાની સામે આવી. વાત દેહરાદૂન અને રાયગઢ વચ્ચેની છે પણ ઘટનાની શરૂઆત દેહરાદૂનથી થઈ હતી એટલે આ કેસને દેહરાદૂન કોર્ટમાં શિફ્ટ કરવામાં આવ્યો અને દેહરાદૂન કોર્ટે બે વર્ષમાં કેસનો ચુકાદો આપી એ હરામખોર બાપને ૨૦ વર્ષની કેદની સજા ફટકારી છે, સાથોસાથ ૨પ,૦૦૦નો દંડ ફટકાર્યો છે. જો બાપ દંડની રકમ નહીં ભરે તો તેણે બે વર્ષ વધારે જેલમાં રહેવું પડશે. મુદ્દો અહીં મળેલા ન્યાયનો નહીં પણ મળેલા અધૂરા ન્યાયનો છે. જોકે એના વિશે ચર્ચા કરતાં પહેલાં આપણે આ રૂંવાડાં ઊભાં કરી દેનારી આખી દાસ્તાન સાંભળી લેવી જોઈએ.
ADVERTISEMENT
વાત એ પરિવારની
શર્મા પરિવારનું રહેવાનું દેહરાદૂનમાં. અંજલિનાં મમ્મી સંધ્યા અને પવન શર્મા (બન્ને નામ ચેન્જ કર્યાં છે)નાં મૅરેજ પચીસ વર્ષ પહેલાં થયાં. પવન શર્મા ઍર ફોર્સમાં સિનિયર પોઝિશન પર એટલે વર્ષમાં માંડ ત્રણેક મહિના ઘરે રહે, બાકી મોટા ભાગે દિલ્હીમાં કે પછી પોતાની ડ્યુટી પર હોય.
પવન શર્માની સૌથી મોટી દીકરી અંજલિ અને એ પછી બે દીકરા. વચ્ચેનો દીકરો સ્પેશ્યલ ચાઇલ્ડ અને નાના દીકરાને પણ નાની ઉંમરે જ બ્રૉન્કાઇટિસની અસર દેખાવા લાગતાં મમ્મીનું મહત્તમ ધ્યાન એ બન્ને દીકરાઓ પર જ હોય. ૭ વર્ષની ઉંમરે પહેલી વાર અંજલિને બૅડ ટચનો અનુભવ થયો અને એ ઘટના તે હજી સુધી ભૂલી નથી.
બન્યું એવું કે એ સાંજે નરાધમ બાપે અંજલિની ફેવરિટ ઢીંગલી હાથમાં લીધી અને પછી એ ઢીંગલી પર ચપ્પુ ફેરવીને અંજલિની હાજરીમાં જ એનું ચીરહરણ કર્યું અને પછી એ સૉફ્ટ ટૉયનાં ચીંથરાં કાઢી નાખ્યાં. અંજલિએ રાયગઢ પોલીસ સ્ટેશનમાં લખાવેલી ફરિયાદમાં કહ્યું હતું, ‘મને ત્યારે એવું કહેવામાં આવ્યું કે જે મારું ન માને તેને હું આમ મારી નાખું છું. તું પણ
યાદ રાખજે.’
નાના બન્ને ભાઈઓની નાદુરસ્ત તબિયતના કારણે અંજલિ પપ્પા સાથે રૂમમાં સૂતી અને મમ્મી બીજા રૂમમાં ભાઈઓ સાથે. એ રાતથી પેલા હરામખોરે અંજલિને અડપલાં કરવાનું શરૂ કર્યું. અંજલિ એ ખરાબ અને ખોટો સ્પર્શ અનુભવી શકતી હતી પણ તે મમ્મી પાસે કશું બોલી શકી નહીં. પોતાની ફેવરિટ ઢીંગલીની હાલત તેના મનમાં અકબંધ હતી. બાળમાનસમાં ડર ઘર કરી ગયો હતો કે પપ્પા તો આવી રીતે કોઈને પણ મારી શકે. ન તો પ્રતિકારની તેની ક્ષમતા હતી અને ન તો કોઈ ત્રાહિતને વાત કહેવાની કોઈ સૂઝબૂઝ. પપ્પા જેટલો સમય રહ્યા એટલો સમય તેણે પોતાના સગા લોહી સાથે અડપલાં કર્યાં અને લગભગ વીસેક દિવસ પછી પાછા જવાની આગલી રાતે તેણે અંજલિને નેકેડ અવસ્થામાં સાથે સુવડાવી અને એ વખતે પોતાની સાથે પેલું ચપ્પુ રાખ્યું.
વાત પાશવી કૃત્યની...
બાપની આ પાશવી હરકતો સતત ચાલુ રહેતી. તે જ્યારે પણ પોતાની રજામાં ઘરે આવતો ત્યારે દીકરી સાથે આ પ્રકારની હરકતો કરતો અને દરેક વખતે તે દીકરીને ડરાવવાના નિતનવા રસ્તાઓ પણ શોધી લાવતો. અંજલિએ પોતાની ફરિયાદમાં લખાવ્યું હતું કે એક વખત તે ગરમ કોલસો કરીને લઈ આવ્યો અને એ કોલસાથી તેણે શેરીમાં રમતાં નાનાં કુરકુરિયાંને પકડી એને ડામ દીધા. આ એ જ કુરકુરિયું હતું જેની સાથે અંજલિ આખો દિવસ રમતી, એને ખવડાવતી, એને ઘરમાં લઈ આવતી. એ ડામ દેતી વખતે એ નરાધમે અંજલિને પણ ત્યાં જ બેસાડી રાખી હતી અને અંજલિ પાસે શરત મૂકવામાં આવી હતી કે જ્યારે એ ડામ દે ત્યારે ડૉગીનું બચ્ચું ભલે ચીસો પાડે પણ અંજલિએ ચીસો પાડવાની નહીં, અંજલિ ચીસ પાડશે તો એ નીચ ડૉગીના બચ્ચાને વધારે ડામ આપશે.
અંજલિનો અવાજ તો બહાર ન આવ્યો પણ તેનું રોમેરોમ ચીસો પાડતું રહ્યું. અંજલિ એ સમયે ૯ વર્ષની હતી. સાતથી ૯ વર્ષની આ જર્નીમાં અંજલિને બીજી પણ અનેક રીતે તેણે ડરાવી. એ છોકરીની મનોદશા તમે વિચારો, એ છોકરીના મનમાં એ વાત છપાઈ ગઈ કે તેને જે ગમે છે એને પપ્પા કાં તો તોડી નાખે છે ને કાં તો એને મરવા વાંકે છોડે છે.
સરકારી નોકરી અને એમાં પણ સેનાની ડ્યુટી એટલે પવન શર્માની ચોક્કસ સમયમર્યાદા સાથે ટ્રાન્સફર થતી રહેતી. પવન દરેક વખતે એવું જ ઘર શોધતો જેમાં બે રૂમ હોય. જો રૂમ વધારે હોય તો તેણે વેકેશનમાં આવીને અલગ રૂમમાં સૂવું પડેને.
પવનની ટ્રાન્સફર દિલ્હીથી લઈને મથુરા, ગુજરાત, પંજાબ એમ અનેક જગ્યાએ થઈ અને એ દરેક જગ્યાએ તેણે પોતાનું રાક્ષસી રૂપ દેખાડવાનું કામ કર્યું અને એ પણ સગી દીકરી ઉપર. ગુજરાતમાં જ્યારે તેની ટ્રાન્સફર થઈ ત્યારે અંજલિ સેવન્થ સ્ટૅન્ડર્ડમાં ભણતી હતી, તેના પિરિયડ્સ શરૂ થઈ ગયા હતા અને એ સમયે નીચ અને બદજાત એવા એ બાપે દીકરી પર પહેલી વાર રેપ કર્યો. અંજલિની ફરિયાદ કહે છે, ‘એ વખતે મને પિરિયડ્સનો દુખાવો બહુ હતો એટલે હું હૉલમાં સૂવા માટે આવી ગઈ પણ મોડી રાતે તેણે મમ્મી સાથે ઝઘડો કર્યો અને મમ્મીને બહુ મારી. ઝઘડો બહુ સામાન્ય વાતનો હતો કે જમવાનું ગરમ કેમ નથી બનાવ્યું. મારા બે ભાઈઓની હેલ્થને કારણે મમ્મી પણ ડિપ્રેશનમાં રહેવા માંડી હતી એટલે મમ્મીએ ચૂપચાપ માર ખાઈ લીધો. એ પછી પપ્પાએ રાડ પાડીને મને કહ્યું કે ચૂપચાપ રૂમમાં સૂવા જા. મને બહુ મન થયું કે હું રૂમ અંદરથી બંધ કરીને સૂઈ જાઉં પણ મને ખબર હતી કે તે મને રૂમમાં શું કામ બોલાવે છે.’
આગળની વાત કરવાનું આપણે ટાળી દેવું જોઈએ.
કારણ કે સગા બાપે દેખાડેલી એ વિકૃતિ લખવાની કોઈ ક્ષમતા નથી અને એવું જ તમારું પણ થશે, તમે પણ એ વિકૃતિ જીરવી નહીં શકો.
વાત અમાનુષી વર્તનની
ગુજરાત પછી ફરી ટ્રાન્સફર થઈ અને એ દરેક જગ્યાએ અંજલિ સાથે આ જ અમાનુષી વર્તન ચાલુ રહ્યું. એક સમય હતો કે અંજલિને પપ્પા આવવાના હોય ત્યારે મનમાં ડર રહેતો પણ હવે તો એવો સમય આવી ગયો હતો કે પપ્પા ક્યારેય પણ રજા મૂકીને ઘરે આવી જતા. અંજલિએ કોર્ટમાં સ્ટેટમેન્ટ આપતી વખતે કહ્યું હતું કે બાપ ઘરે આવ્યો હોય એ જોઈને બીજી દીકરી રાજી થાય અને મને મન થતું કે હું રાત પહેલાં સુસાઇડ કરી લઉં. મેં એકાદ વાર ટ્રાય પણ કરી પણ કમનસીબે હું બચી ગઈ અને બધો વાંક રેસ્ટોરાંવાળા પર ગયો કે ફૂડ-પૉઇઝનિંગની આ અસર છે.
અંજલિ પર અમાનુષી અત્યાચાર એકધારા ચાલુ હતા અને એની વચ્ચે શર્મા ફૅમિલી ફરીથી દેહરાદૂન રહેવા ગઈ. દેહરાદૂનમાં પણ દીકરી પર અત્યાચાર ગુજારવાનું ચાલુ જ હતું એ વખતે દીકરીએ પહેલી વાર હિંમત કરી.
પપ્પા દિલ્હી મીટિંગમાં ગયા હતા ત્યારે દીકરીએ મમ્મીને બધી વાત કહી અને મમ્મી આ સાંભળીને શૉક થઈ ગઈ. જોકે તેણે પહેલી વાર, હા, પહેલી વાર સંબંધોને કોરાણે મૂકવાનું અને દીકરી સાથે હિંમત દેખાડવાનું કામ કર્યું અને દેહરાદૂનના રાયગઢ પોલીસ સ્ટેશને પોતાના જ પતિ વિરુદ્ધ ફરિયાદ કરી.
૨૦૨૩ની ૧૯ ફેબ્રુઆરીની આ વાત છે અને બીજા જ દિવસે આરોપી બાપની દિલ્હીમાં અરેસ્ટ કરવામાં આવી. ત્યારથી તે જેલમાં ગયો, જેનો ચુકાદો ગયા અઠવાડિયે આવ્યો અને દેહરાદૂન કોર્ટનાં મૅજિસ્ટ્રેટ અર્ચના સાગરે આ નરાધમને ૨૦ વર્ષની કેદ અને પચીસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો. આગળ કહ્યું એમ, જો તે દંડ ન ભરે તો તેણે જેલમાં વધારે બે વર્ષ રહેવું પડશે.
વાત રાક્ષસના બચાવની
કોર્ટમાં કેસ ચાલ્યો ત્યારે હરામખોર અને તેના ઍડ્વોકેટે જે બચાવ કર્યો એ ખરેખર હાસ્યાસ્પદ હતો. તેણે બચાવમાં કહ્યું કે આ આખી વાર્તા છે, જે મારી વાઇફે મારી દીકરીને શીખવાડી છે અને મારા પર ખોટો કેસ કર્યો છે.
સ્પેશ્યલ જજ સામે એ નીચ માણસની દલીલ હતી કે અમારે હસબન્ડ–વાઇફને બનતું નથી, તે મને ઘરમાંથી કાઢવા માગે છે એટલે મને આ રીતે હેરાન કરે છે. જોકે આ વાર્તા પ્યૉર વાર્તા હતી. જો આવું કશું બન્યું હોત તો અગાઉ પણ આ પ્રકારના કેસ ફાઇલ થયા હોત પણ એવું કશું બન્યું નહોતું. સેકન્ડ્લી, ડૉક્ટરે અંજલિનું ચેકઅપ કર્યું હતું જેમાં તેણે લગાવેલા આક્ષેપો પુરવાર થતા હતા. કોર્ટે કુલ ૮ જણનાં સ્ટેટમેન્ટને માન્ય ગણ્યાં. આ ૮ જણમાં અંજલિનું સ્ટેટમેન્ટ સૌથી અગત્યનું હતું. અંજલિએ કોર્ટમાં જે-જે વાત કહી એ સાંભળીને ભલભલા પાષાણ હૃદયના લોકોનું પણ દિલ દ્રવી ઊઠે.
અંજલિએ કહ્યું હતું, ‘શરૂઆતમાં મને તે એવું કહેતા કે પપ્પા પોતાની દીકરી સાથે આમ જ રમે, તેણે આમ જ કરવાનું હોય. મને અજુગતું લાગતું કારણ કે મેં એવું કરતાં બીજાના પપ્પાઓને જોયા નહોતા, પણ હું ચૂપ રહી કારણ કે અણસમજુ હતી.’
આ જ સ્ટેટમેન્ટમાં અંજલિએ એ પણ કહ્યું કે ‘જ્યારે પણ હું તેના કન્ટ્રોલમાં ન આવતી ત્યારે તે મમ્મી કે મારા ભાઈને મારવાની ધમકી આપતા. ચાન્સ મળે તો તે તેમને મારતા પણ ખરા અને પછી મને ધમકાવતા. હું ઇમોશનલ બ્લૅકમેઇલ થતી રહી. મને બીજું કશું સૂઝતું નહોતું, મારા માટે એ સમયે માત્ર મારાં મમ્મી અને ભાઈઓ ઇમ્પોર્ટન્ટ હતાં.’
અંજલિ ઉપરાંત તેની મમ્મીનું પણ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું અને એ ડૉક્ટર્સનાં પણ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યાં જેમણે અંજલિનું ચેકઅપ કર્યું હતું. આ ઉપરાંત રાપુર અને પટેલનગર પોલીસ સ્ટેશનના ઑફિસરનાં પણ સ્ટેટમેન્ટ મહત્ત્વનાં બન્યાં અને સ્પેશ્યલ કોર્ટે હરામી, નરાધમ, લંપટ વિરુદ્ધ ચુકાદો આપ્યો.
વાત હવે વિરોધની
ચુકાદો આવી ગયો. એક દીકરીને ન્યાય મળી ગયો, પણ શું ૨૦ વર્ષની કોર્ટ અને અમુક હજાર રૂપિયાનો દંડ એ ન્યાય કહેવાય ખરો? આ જ પ્રશ્ન પર હવે વિરોધ શરૂ થયો છે. નારીસંગઠનોથી માંડીને નારીસુરક્ષા માટે આગેવાની કરનારી અનેક સંસ્થાઓએ ડિમાન્ડ કરી છે કે આ નરાધમને ફાંસી જ મળવી જોઈએ જેથી દેશમાં દાખલો બેસે અને બીજા કોઈના મનમાં આ પ્રકારની વિકૃતિ આવે એ પહેલાં જ તે આ ચુકાદો યાદ કરીને પોતાની માનસિક ટ્રીટમેન્ટ કરાવે. અંજલિ અને તેની મમ્મીએ આવી કોઈ ડિમાન્ડ કરી નથી, જેનું કારણ તેમણે એવું આપ્યું છે કે અમારા માટે તો સૌથી પહેલાં અમે સાચાં પડીએ એ જ મહત્ત્વનું બની ગયું હતું, જો અમે ખોટાં પડ્યાં હોત તો અમારા બધા માટે સામૂહિક સુસાઇડ સિવાય કોઈ રસ્તો બાકી નહોતો રહ્યો.


