બરબાદી આપણા બે પાડોશી દેશની થઈ રહી છે. પાકિસ્તાન તો નપાવટ હતું, છે અને રહેવાનું. એમાં બંગલાદેશનો ઉમેરો થયો છે. પાકિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મીએ પાકિસ્તાની સૈનિકો પરના હુમલા વધાર્યા છે. પાકિસ્તાનના કુલ વિસ્તારમાં ૪૦ ટકા વિસ્તાર બલૂચિસ્તાનનો છે.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ટૂંક સમયના ગાળામાં ભારતની ટ્રેડ-ડીલ યુરોપિયન યુનિયન સાથે અને ત્યાર બાદ અમેરિકા સાથે થઈ. આને કારણે ભારતીય ઉદ્યોગજગતે રાહતનો શ્વાસ લીધો. વૈશ્વિક ઊથલપાથલમાં કોઈ પણ દેશને ઇકૉનૉમી ખોડંગાય એ પોસાય એમ નથી. મરીઝની પંક્તિઓમાં ચડાવ-ઉતાર વર્તી શકાશે...
પહેલાં હતી બધામાં મજા આહ, આહ, આહ
હમણાં હવે કશામાં નથી વાહ, વાહ, વાહ
ADVERTISEMENT
બરબાદી વિશે પ્રશ્ન હજારો થયા મને
મારો જવાબ એક હતો ચાહ, ચાહ, ચાહ
બરબાદી આપણા બે પાડોશી દેશની થઈ રહી છે. પાકિસ્તાન તો નપાવટ હતું, છે અને રહેવાનું. એમાં બંગલાદેશનો ઉમેરો થયો છે. પાકિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મીએ પાકિસ્તાની સૈનિકો પરના હુમલા વધાર્યા છે. પાકિસ્તાનના કુલ વિસ્તારમાં ૪૦ ટકા વિસ્તાર બલૂચિસ્તાનનો છે. બીજી તરફ બંગલાદેશની સરકારના કટ્ટરવાદી વલણને કારણે હિન્દુઓની કત્લેઆમ થઈ રહી છે. બંગલાદેશને પાકિસ્તાનથી અલગ કરવામાં ભારતે મુખ્ય ભૂમિકા ભજવી હતી. દૂધ પાઈને સાપ ઉછેરવા જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. હરીશ ઠક્કર લખે છે...
એની નજરમાં આવવા વાચાળ જો થયા
એમાં તો કંઈકની અમે આંખે ચડી ગયા
રમતું હતું સવારનું અજવાળું આંગણે
તડકા જુવાન શું થયા, માથે ચડી ગયા
માથે ચડવામાં અને માથે પડવામાં રાજકારણીઓ માહેર હોય છે. પોતાનો કામધંધો ટકાવવા માટે નાહકનો શોરબકોર કરવો, ખોટી આક્ષેપબાજી કરવી તેમને ફાવે છે. રાહુલ ગાંધી એમાં શિરમોર છે. લોકસભામાં બફાટ કરીને કીમતી સમય બગાડવો એ તેમનો સાંસદધર્મ બની ગયો છે. વડા પ્રધાન ભાષણ ન આપી શકે એ માટે કૉન્ગ્રેસની સ્ત્રી-સંસદસભ્યોનો ઉપયોગ હાથા તરીકે કરવામાં આવ્યો. ગની દહીંવાલા અસ્તવ્યસ્ત માહોલનો ઉલ્લેખ કરે છે...
અટકી અટકી શ્વાસના કટકા થયા
હેડકીના ઓરતા પૂરા થયા
રોમે રોમે થઈ અચાનકતા ઊભી
નાડીના ધબકારા પણ અથરા થયા
નાડીના ધબકારા પામીને રોગનું નિદાન કરતા વૈદ્યને જોઈને આપણાં શાસ્ત્રો પ્રત્યે માન થાય. કોઈ રિપોર્ટ કરાવ્યા વિના જ નિદાન કરી દે. ભારત સરકારે આ વખતના બજેટમાં આયુષ મંત્રાલયનું બજેટ ૨૦ ટકા વધાર્યું છે. રાષ્ટ્રીય સ્તરનાં ૩ આયુર્વેદ સંસ્થાન માટે મંજૂરી આપી છે. મેડિકલ સુવિધાઓ સાથે વૈકલ્પિક સારવારપદ્ધતિ વિકસે એ પણ એટલું જ જરૂરી છે. ગિરીશ પરમાર પગભર થવાની વાત કરે છે...
કોઈનો પગરવ થયે વર્ષો થયાં
આંગણે અવસર થયે વર્ષો થયાં
વેદનાનો બોજ ક્યાં ઊંચકાય છે!
આપણે પગભર થયે વર્ષો થયાં
આકરી વેદના જીરવવી ભારે અકારી હોય છે. એમાં પણ અવસ્થાને આધીન જ્યારે શરીર કથળતું જાય ત્યારે જીવન બોજ જેવું લાગે. કોઈના ઓશિયાળા થઈને જીવવું કોઈને ન ગમે. આ કારણે જ ઓલ્ડ એજ કમ્યુનિટીનો વિચાર સમાજમાં દૃઢ થતો જાય છે. અમેરિકાના ફ્લૉરિડા રાજ્યમાં શાંતિનિકેતન સોસાયટી કાર્યરત છે જેમાં સેંકડો વરિષ્ઠ નાગરિકો રહે છે. કૉમન રસોડું હોવાથી રસોઈ બનાવવાની ઝંઝટ નહીં. રોજિંદી ચીજવસ્તુઓ માટે સોસાયટીના સ્ટાફની મદદ મળી રહે. તબીબી સારવાર માટેની યંત્રણા પણ ગોઠવાયેલી હોય. આવી સેવાઓને કારણે વૃદ્વાવસ્થા સહ્ય બને. જોકે અંગત સ્વજનોની દૂરી તો સાલવાની. રમેશ પારેખ ભીનાશની વાત કરે છે...
આમ અછતા ન થયા, આમ ઉઘાડા ન થયા
હાથ ફૂલોમાં ઝબોળ્યા ને સુંવાળા ન થયા
એક વરસાદનું ટીપું અમે છબિમાં મઢ્યું
ત્યારથી ભેજભર્યા ઓરડા કોરા ન થયા
કેટલાક જખમ એવા હોય જે છુપાવાય પણ નહીં અને બતાવાય પણ નહીં. એ આપણે જાતે જ ઝેલવા પડે. સારવાર ખબર હોવા છતાં એની સારવાર કરી શકાતી નથી. એમાં કોઈ દવા નહીં, સંબંધની ઉષ્મા જરૂરી હોય છે. જેની સાથે સોનેરી સમય ગાળ્યો હોય તેના વગર કે તેનાથી દૂર રહીને જિંદગી ગાળવી અઘરી હોય છે. અગન રાજ્યગુરુ મૈત્રીને યાદ કરે છે...
અળગા થયા તો દોસ્ત! એ અહેસાસ થઈ ગયો
તારા તરફ લગાવ હજી ત્યાં ને ત્યાં જ છે
નીકળી ગયો છે તું જ હવા થઈને બાથથી
મારા તો બેઉ હાથ હજી ત્યાં ને ત્યાં જ છે
લાસ્ટ લાઇન
પ્રથમ ગરીબ હતા, એ પછી અમીર થયા
પીધેલાં પાણી ગયાં પેટમાં, રુધિર થયાં
થયેલો જન્મ બીજે એથી ના થયા રાજા
કરીને ખૂબ મહેનત પછી વજીર થયા
રહી ગયા છે, હતા એના એ જ દુનિયામાં
કબીર વાંચનાર કોઈ ના કબીર થયા
ઘણીયે ગડમથલ ને ગૂંચચણ થયા કરતી
પહેલાં જીવ થયા કે પ્રથમ શરીર થયા!
મિટાવી નાખવી ઓળખ સ્વયમની એ રીતે
ભૂંસાઈ જાય તરત નામ એ ફકીર થયા
- ભરત વિંઝુડા
ગઝલસંગ્રહ : સ્વપ્નસુખ


