Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > પ્રાર્થનાસભા એ શોકસભા છે, સોશ્યલ ગેટ-ટુગેધર નથી

પ્રાર્થનાસભા એ શોકસભા છે, સોશ્યલ ગેટ-ટુગેધર નથી

Published : 05 November, 2026 02:01 PM | Modified : 05 November, 2026 04:55 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દૃશ્ય જોઈને મારું હૃદય દ્રવી ઊઠ્યું. આજકાલ પ્રાર્થનાસભા કે બેસણું એ ઘણા વખતે મળતા મિત્રો અને  સગાં-સંબંધીઓનો મેળાવડો બની ગયા છે. પ્રાર્થનાસભા એ શોકસભા છે, સોશ્યલ ગેટ-ટુગેધર નથી એ આપણે ક્યારે સમજશું?

નીના જોશી

What’s On My Mind?

નીના જોશી


ગયા અઠવાડિયે હું નજીકના એક પરિચિતની પ્રાર્થનાસભામાં ગઈ હતી. સ્ટેજ પર દિવંગત વ્યક્તિની તસવીર હતી, પૃષ્ઠભૂમિમાં શાંતિ ધૂન વાગી રહી હતી અને પરિવારજનોની આંખમાં આંસુ હતાં, પણ હૉલમાં પાછળની હરોળનું દૃશ્ય તદ્દન જુદું હતું. ત્યાં બેઠેલા ચાર પુરુષો દેશના રાજકારણ અને શૅરબજારની વાતો કરતાં હસી રહ્યા હતા. એક બહેન બાજુમાં બેઠેલા ભાઈને કહી રહ્યાં હતાં, ‘અરે, તું કેટલાં વર્ષે મળ્યો, પ્રાર્થનસભા પૂરી થાય એટલે બહાર ચા પીવા જઈએ.’ આ દૃશ્ય જોઈને મારું હૃદય દ્રવી ઊઠ્યું. આજકાલ પ્રાર્થનાસભા કે બેસણું એ ઘણા વખતે મળતા મિત્રો અને 
સગાં-સંબંધીઓનો મેળાવડો બની ગયા છે. પ્રાર્થનાસભા એ શોકસભા છે, સોશ્યલ ગેટ-ટુગેધર નથી એ આપણે ક્યારે સમજશું?

સાચું કહું તો, આ કંઈ નવી વાત નથી. ઘણા સમયથી આ થતું આવ્યું છે. હવે આવી ઘટના સામાજિક દૂષણ બની ગઈ છે. આપણે સંવેદનહીન બનતા જઈએ છીએ. આવી જગ્યાએ પણ લોકો પોતાની માનસિકતા છોડી શકતા નથી. ઘણીવાર સ્ત્રીઓની વાતોમાં કોણે કેવાં ઘરેણાં કે કપડાં પહેર્યાં છે એની ચર્ચા હોય છે, તો પુરુષોની વાતોમાં મોટા ભાગે રાજકારણની વાતો હોય છે. એનાથી આગળ વધીને હવે તો સ્માર્ટ ફોનનો રોગ ઉમેરાયો છે. પ્રાર્થનાસભાની વચ્ચે જ લાઉડ રિંગટોન વાગે છે, લોકો બિન્દાસ્ત ફોન ઉપાડીને વેપારના સોદાની વાતો કરે છે. શોકગ્રસ્ત પરિવારજનો આ બધું જોઈને અત્યંત દુઃખી થાય છે. તેમને દિલાસો આપવાને બદલે ગપ્પાં મારવાં શોભનીય નથી. જો તમારે મિત્રો કે સંબંધીઓ સાથે વાતો જ કરવી હોય, તો હૉલની બહાર જઈને કરી શકો છો; પરંતુ મહેરબાની કરીને પ્રાર્થનાસભાની મર્યાદા જાળવો. પ્રાર્થનાસભા એ કોઈ ક્લબ, ક‌‌િટી પાર્ટી કે લગ્નનું રિસેપ્શન નથી જ્યાં આપણે આપણું સોશ્યલ નેટવર્કિંગ મજબૂત કરવા જઈએ, ત્યાં આપણું મૌન અને શાંતિ એ જ પીડિત પરિવાર માટે સાચો ટેકો છે. જો આપણે કોઈનું દુઃખ ઓછું ન કરી શકીએ, તો કમસે કમ આપણી અસભ્યતાથી એમાં વધારો તો ન જ કરવો જોઈએ. ભારતીય સંસ્કૃતિ આપણને સુખ અને દુઃખ બંને પ્રસંગોમાં મર્યાદિત વર્તન કરવાનું શીખવે છે. આજથી જ એક નિયમ લઈએ કે પ્રાર્થનાસભા કે સ્મશાનઘાટ જેવી જગ્યાએ એની ગરિમા જળવાય એવું જ વર્તન કરીએ. મોબાઈલ સ્વિચ ઑફ કે સાઇલન્ટ મોડમાં કરીએ, મોઢા પર તાળું મારીએ અને માત્ર દિવંગત આત્માની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ. સમાજ તરીકે આપણી આટલી પરિપક્વતા અનિવાર્ય છે. નવી પેઢીને મૃત્યુનો મલાજો પાળતા શીખવવા માટે પહેલાં આપણે સંવેદનશીલ બનવું પડશે.



- નીના જોશી


નીના જોશી મેઘસ્ટાર લેડીઝ ગ્રુપનાં પ્રમુખ છે. આ ગ્રુપ મહિલાઓમાં આત્મવિશ્વાસ વધે અને તેમને પોતાની પ્રતિભા દર્શાવવા પ્લૅટફૉર્મ મળે એવા કાર્યક્રમો કરે છે. અગાઉ તેઓ ગરબા ક્લાસિસ ચલાવતા હતાં, હવે જજ તરીકે સેવા આપે છે.


Whatsapp-channel Whatsapp-channel

05 November, 2026 04:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK