ચેમ્બુરમાં પીપળાનું ઝાડ ધરાશાયી થવા પાછળ કોઈ ચોક્કસ પરિબળ જવાબદાર ન હોવાનું તારણ
ચેમ્બુરમાં ૩૦ જૂને સ્કૂલ-બસ પર પીપળાનું વિશાળ ઝાડ ધરાશાયી થયું હતું.
ચેમ્બુરમાં ૩૦ જૂને સ્કૂલ-બસ પર પીપળાનું વિશાળ ઝાડ ધરાશાયી થવાને લીધે ૧૧ વર્ષના વિદ્યાર્થી વિહાન શ્રીવાસ્તવના નીપજેલા મોતની તપાસ કરી રહેલી સમિતિએ પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. આ તપાસમાં ઝાડ પડવા પાછળ કોઈ એક જ પરિબળને જવાબદાર ઠેરવી શકાયું નથી અને સમગ્ર ઘટનાને ઍક્ટ ઑફ ગૉડ એટલે કે કુદરતી આફત ગણાવવામાં આવી છે.
મુંબઈ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર અને બોટનિસ્ટ પ્રોફેસર સંજય દેશમુખે સોમવારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ને ૪ વૉલ્યુમનો વિસ્તૃત રિપોર્ટ સુપરત કર્યો હતો. આ દુર્ઘટનાની સ્વતંત્ર રીતે પુનઃ તપાસ કરવા માટે BMC દ્વારા તેમની નિમણૂક કરવામાં આવી હતી. સંજય દેશમુખે બે મહિનાથી વધુ સમય સુધી તપાસ ચલાવીને પ્રાથમિક તપાસનાં તારણોનું વૈજ્ઞાનિક પરીક્ષણ કર્યું હતું અને તમામ ઉપલબ્ધ પુરાવાઓની ઝીણવટભરી ચકાસણી કરી હતી.
તપાસ દરમ્યાન અકસ્માત વખતે રસ્તા પરની પરિસ્થિતિને પણ ધ્યાનમાં લેવામાં આવી હતી. જે સમયે ઝાડ તૂટી પડ્યું ત્યારે રસ્તાની બન્ને બાજુએ વાહનો પાર્ક થયેલાં હતાં. એક અધિકારીએ જણાવ્યું હતું કે જો રસ્તા પર વાહનો પાર્ક ન હોત તો સ્કૂલ-બસ વધુ ઝડપથી આગળ નીકળી શકી હોત. જોકે રિપોર્ટમાં આ જીવલેણ દુર્ઘટના માટે કોઈ એક ચોક્કસ કારણને જવાબદાર ગણાવવામાં આવ્યું નથી.
સમગ્ર મુંબઈના ઝાડનું મૂલ્યાંકન પણ કરાયું
રિપોર્ટના એક વૉલ્યુમમાં ચેમ્બુરની આ કરુણ ઘટનાના સંજોગોની તપાસ કરવામાં આવી છે, જ્યારે બાકીનાં ત્રણ વૉલ્યુમમાં સમગ્ર મુંબઈમાં વૃક્ષોનાં આવરણ, ઝાડના સ્વાસ્થ્યનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન અને શહેરભરમાં વાવવા યોગ્ય વૃક્ષોની પ્રજાતિઓની પસંદગી વિશે ભલામણો કરવામાં આવી છે. આ અહેવાલમાં ખોદકામ, અન્ડરગ્રાઉન્ડ યુટિલિટીઝનું ઇન્સ્ટૉલેશન, રસ્તાનું બાંધકામ, જમીન અને ડ્રેનેજની સ્થિતિમાં થતા ફેરફારો તેમ જ હવામાન સંબંધિત પરિબળો સામે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે એ પરિબળો ઝાડની મજબૂતી પર ગંભીર અસર કરે છે.
