દીકરીઓને પપલાવવાને બદલે તેમને શૌર્યશીલ બનાવવાનો સમય આવી ગયો છે. દીકરી જો ક્યાંયથી પાછી નહીં પડે તો એકેય ચમરબંધી તેની સામે આંખ નહીં ઉઠાવી શકે
સાંઈરામ દવે
સ્ત્રી પ્રેમ અને સૌંદર્યમૂર્તિ તરીકે સર્વપ્રિય અને સર્વસ્વીકાર્ય છે. સ્ત્રી દેશની ગૃહપ્રધાન હોય તો પણ પુરુષપ્રધાન માનસિકતા તેનો પીછો નથી છોડતી. સ્ત્રીની મર્દાનગી થિયરીમાં ગમે, પ્રૅક્ટિકલમાં પુરુષોથી સહન થાય એમ નથી. શૌર્ય-પરાક્રમ અને વીરરસ જાણે પુરુષના જ સમાનાર્થી શબ્દ બની ગયા છે. મમતા-કરુણા-પ્રેમ સ્ત્રીની ઓળખ થઈ ગઈ છે.
સમાજમાં તદ્દન નિર્માલ્ય અને પૌરુષત્વ વગરના પુરુષો પણ છે. એ જ રીતે આક્રમક અને પરાક્રમી સ્ત્રીઓ પણ છે. કેટલાક પુરુષો મર્દાનગીને દાઢી-મૂછની જ પ્રૉપર્ટી ગણે છે, જ્યારે દેશ કેટલીક એવી સ્ત્રીઓનો સાક્ષી રહ્યો છે જેમનાં ચરિત્ર સાંભળીને તમને અંબોડા પર ઓળઘોળ થવાનું મન થઈ જાય. શૃંગારનાં ઝરણાં જે આંખોમાં ખળખળ વહેતાં હોય એ આંખોમાં ધગધગતો લાવારસ જોવાની મોટા ભાગના પુરુષોની તૈયારી નથી હોતી. સાથોસાથ એ પણ સ્વીકારવું રહ્યું કે સ્ત્રીના સદ્ગુણોની પ્રશંસા કરનાર પણ પુરુષ જ હોય છે.
ઝવેરચંદ મેઘાણીએ ૧૪ વર્ષની ચારણકન્યાનું ચિત્રણ કાવ્યસ્વરૂપે લોકો સમક્ષ મૂક્યું ન હોત તો ગીરની એક તરુણીનો ઉન્નત પશુપ્રેમ આપણા સુધી પહોંચ્યો જ ન હોત. પોતાના પશુ માટે ૧૪ વર્ષની એક ચારણકન્યા જીવ જોખમમાં મૂકી ડાંગ લઈને સિંહની પાછળ દોટ મૂકે એ ચિત્ર જ કંપારી છૂટે એવું છે.
અહીં સૌએ સમજવા જેવી બાબત એ છે કે સ્ત્રીની અંદર જન્મજાત રીતે અપાર કરુણા ભરી હોય છે, પરંતુ જ્યારે પોતાની સૌથી પ્રિય વસ્તુ પર જીવનું જોખમ આવે ત્યારે તેને ગણતરીની સેકન્ડમાં રણચંડી બનતાં વાર નથી લાગતી. પૌરાણિક ઇતિહાસમાં તમામ શક્તિના અવતારો આ વાતની શાખ પૂરે છે. જોકે અહીં અવતારો કરતાં મારે તો તમને સામાન્યમાંથી મહાન બનેલી સ્ત્રીઓને યાદ કરાવવી છે.
માત્ર દીકરીઓ જ નહીં, પુત્રવધૂઓ પણ ક્યાંય પાછી પડે નહીં એવી છે. ગુજરાતના નાથ સિદ્ધરાજ જયસિંહ કુમારપાળને ગાદી આપે છે. તેનો પુત્ર અજયપાલ કદંબ રાજ્ય (હાલ ગોવા)ની રાજકુમારી નાયિકાદેવી સાથે પરણ્યો. ઈસવીસન ૧૧૭૬માં દગો કરીને એક અંગરક્ષકે મહારાજા અજયપાલની હત્યા કરી. પુત્ર મૂળરાજ નાનો હોવાથી સત્તાનો દોર વિધવા મહારાણી નાયિકાદેવીના હાથમાં આવ્યો.
દુષ્ટ શાસક મુહમ્મદ ઘોરીની નજર ગુજરાત પર મીટ માંડીને બેઠી હતી. એક વિધવા સ્ત્રી થોડી મને હરાવી શકે? આવા ઓવર-કૉન્ફિડન્સને લીધે ઘોરીએ પાટણથી દૂર આબુની તળેટીમાં હુમલો કર્યો. નાયિકાદેવી પૂરી સૂઝબૂઝ અને શૌર્યથી લડી અને મુહમ્મદ ઘોરી ખરાબ રીતે ઘાયલ થઈ યુદ્ધ મૂકીને ભાગ્યો. દંતકથા કહે છે કે મુહમ્મદ ઘોરી નાયિકાદેવી સામે યુદ્ધ હાર્યા બાદ પર્શિયા પાછો ફર્યો અને ૧૨ વર્ષ સુધી પોતાના કબીલામાંથી બહાર નહોતો નીકળ્યો. આ રીતે જુઓ તો નાયિકાદેવી ગુજરાતની ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ન કહેવાય? પરંતુ અડધોઅડધ ગુજરાતીઓને તો આ ઇતિહાસની ખબર પણ નથી.
હું કહી શકું કે સ્ત્રીઓની મર્દાનગી પુરુષોને બહુ પલ્લે નથી પડતી. પોતાનો કેસ જિતાડી દે એવી મહિલા ઍડ્વોકેટ પાસે પુરુષ ગમે એ ફી ચૂકવીને જવા તૈયાર છે, પરંતુ તે જ સ્ત્રીને પત્ની બનાવતી વખતે સારા-સારા પુરુષો ગલ્લાંતલ્લાં કરે છે. કોઈ પણ ક્ષેત્રની સફળ સ્ત્રીઓ તેથી જ તો લગ્નથી દૂર ભાગે છે. એનાં મૂળ બે કારણ મને લાગે છે. એક તો અમુક સફળ સ્ત્રીઓનો ઈગો અને અપેક્ષા જ એટલી ટોચ પર પહોંચી જાય કે તેમને એમ લાગે કે હવે તેમને કોઈ પુરુષની જરૂર નથી, હું શા માટે સરેન્ડર થાઉં? બીજું, પત્નીની સફળતાને સ્વીકારીને કદમ મિલાવી શકે એવા વિશાળ હૃદયના પુરુષોનો પણ દુકાળ સદીઓથી છે.
વિભૂતિયોગમાં સ્વયં નારાયણ અર્જુનને કહે છે કે ‘જ્યાં-જ્યાં તેજ છે ત્યાં-ત્યાં તું મને જ જાણજે!’ અર્થાત્ ચાહે સ્ત્રી હોય કે પુરુષ તે તેજસ્વી છે ઇટ મીન્સ તેનામાં ઐશ્વરીય અંશ વિશેષ સ્વરૂપે છે. સનાતન સાયન્સ આટલું ક્લિયર હોવા છતાં સ્ત્રીઓની વીરતા માટે હજી અણગમો શા માટે?
રસોડામાં વાંદો કે ગરોળી જોઈને દેકારા કરી મૂકે એવી માતાઓ ભારતને કેવાં સંતાનો આપશે? જો આપણે આ દેશમાં બીજી કોઈ નિર્ભયા જેવી ઘટના ન ઇચ્છતા હોઈએ તો દીકરીઓને વધુ મજબૂત અને શારીરિક રીતે કઠોર બનાવો. ગુજરાતની દીકરી સિંહના મોઢામાંથી વાછરડું ખેંચી લાવે એવી તાકતવર હતી, પરંતુ પોતાની સ્વરક્ષા પણ ન કરી શકે એવી બીકણ સસલી જેવી કોણ જાણે કયા ચોઘડિયે કેટલીક સ્ત્રીઓ થઈ ગઈ. પોતાનો જીવ અને આબરૂ બચાવી શકે એવી સ્વરક્ષાની તાલીમ તો આજની દીકરીઓને દરેક માતા-પિતાએ આપવી જ જોઈએ.
નાયિકાદેવી નસીબદાર હતી કે મુહમ્મદ ઘોરી તો યુદ્ધના મેદાનમાં મળ્યો હતો. આજની ગુજરાતની પુત્રવધૂઓનો ટાસ્ક નાયિકાદેવીથી પણ અઘરો છે, કારણ કે શેરીએ-શેરીએ ઘોરી ટાંપીને બેઠા છે. કોઈ વર્કિંગ વુમનનો બૉસ ઘોરી જેવો છે તો કોઈનો સગો કે પાડોશી. આજની સ્ત્રીઓનું આયખું દુષ્ટ ઘોરીને ઓળખવામાં જ વીતી જાય એમ છે. એવા સમયે પડકાર ફેંકતી અને ઝીલતી ગુજરાતણો આવનારા સમયમાં સપાટી પર આવે. હું તો એ દિવસની રાહ જોઉં છું જ્યારે ગુજરાતની દીકરી માત્ર દાંડિયારાસ માટે જ નહીં, ડેરિંગ માટે પણ પ્રશંસા પામે.
અહીં પ્રત્યેક સ્ત્રીને તાવેથો મુકાવીને ટૅન્ક પર બેસાડી દેવાનો મારો સહેજ પણ આશય નથી. પ્રત્યેક અર્ધાંગના પરિસ્થિતિ સામે લડતી વીરાંગના જ છે. હવેના સમયમાં વીરતા એટલે લોહીની નદીઓ વહાવવી એવું નથી. જે વેલણથી પતિને પ્રેમથી જમાડતા હો એ જ પતિ નશામાં તમારા પર હાથ ઉપાડે ત્યારે વેલણ અન્ય રીતે ચલાવતાં પણ ગૃહિણીને આવડવું જોઈએ. હવે વહુએ દહેજ માટે કેરોસીન છાંટીને બળવાનું નથી, માગનારાઓને ઉઘાડા પાડવાના છે.
ચારણકન્યાની આંખોમાં હતી એ આગ કોઈ દીકરી કૉપી-પેસ્ટ કરી લે તો ત્રેવડ છે તેની સ્કૂટીનો કોઈ પીછો કરી શકે? ગુજરાતની દીકરી ટાણું આવ્યે ફૂલનો હાર અને વખત આવ્યે તેજીલી તલવાર બને એવી શ્રદ્ધા સેવું છું. અમરત્વ પામવા માટે ચારણકન્યા કે નાયિકાદેવી જેવું પરાક્રમ જીવના જોખમે ખેડવું પડે; પણ પોસ્ટુ મૂકવામાં, લાઇકુ કરવામાં અને રીલુ બનાવવામાંથી આજની પેઢી નવરી થાય તો સમજેને. ગુજરાતની દીકરી પોતાના તરફ હલકી રીતે ઊઠતી આંગળીઓને કાપતા શીખી જશે ત્યારે સ્વર્ગના ટોડલે બેઠેલી કેટલીયે નિર્ભયા કે ગ્રીષ્મા રાજી થશે. ઊઠો-જાગો દુહિતાઓ!
પરાક્રમ તમારી પ્રતીક્ષામાં છે.
