Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > રખમા : ‘મારી જીભે ખારો સ્વાદ છે અને છતાં દિલમાં ઘૂઘવે છે સાત સમંદર પાર જવાની અવિરત રટણા’

રખમા : ‘મારી જીભે ખારો સ્વાદ છે અને છતાં દિલમાં ઘૂઘવે છે સાત સમંદર પાર જવાની અવિરત રટણા’

Published : 12 September, 2026 06:24 PM | IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

સહેજ વાર વિચાર કર્યો સખારામભાઉએ. એક રીતે તો આ લાંચ આપ્યા બરાબર જ ગણાય, પણ છોકરીના ભવિષ્યનો વિચાર વધુ મહત્ત્વનો. સહેજ ગળું ખોંખારીને બોલ્યા : ભલે, જો એ રીતે રખમાનો છુટકારો થતો હોય તો એમ કરીએ. તમે ભિકાજી સાથે વાત કરી જુઓ.

રખમાબાઈ, લંડનમાં, લંડનમાં સહાધ્યાયીઓ સાથે રખમાબાઈ, સુરતમાં ડૉક્ટર તરીકે રખમાબાઈ (કલ્પનાચિત્ર).

રખમાબાઈ, લંડનમાં, લંડનમાં સહાધ્યાયીઓ સાથે રખમાબાઈ, સુરતમાં ડૉક્ટર તરીકે રખમાબાઈ (કલ્પનાચિત્ર).


‘કોર્ટના ચુકાદાનો અમલ ન કરું તો ૬ મહિના માટે જેલમાં જવું પડશે, પણ જો કરીશ તો-તો મારે આજીવન કેદની સજા ભોગવવી પડશે. હું ૬ મહિનાની કેદ ભોગવવા તૈયાર છું.’
રખમાબાઈના આ શબ્દો સાંભળીને સખારામભાઉનું હૈયું વલોવાઈ ગયું હતું. સવારનાં છાપાં વાંચતાં-વાંચતાં જ તેઓ વિચારી રહ્યા હતા કે સાપ મરે નહીં ને લાઠી ભાંગે નહીં એવો ઉપાય શો? કાયદાની બારીકીઓથી પૂરેપૂરા જાણકાર હતા તે. અદાલતનો ચુકાદો હતો : ‘કાં ભિકાજીનું ઘર માંડ, નહીંતર ૬ મહિના માટે જા જેલમાં’. હવે કરવું શું એ જાણવા માટે સીધા ગયા પોતાના વકીલને ત્યાં. 
વકીલે કહ્યું, ‘જુઓ, અદાલતે બે જ રસ્તા ખુલ્લા રાખ્યા છે. રખમા કાં ભિકાજીનું ઘર માંડે ને કાં...’ 
તેમની વાતને અધવચ્ચે જ કાપતાં સખારામભાઉએ કહ્યું, ‘રખમા એ ઘરે જવા તો મુદ્દલ તૈયાર નથી. કહે છે કે સાસરે જઈને આજીવન કેદ ભોગવવી એના કરતાં ૬ મહિનાની જેલ શું ખોટી.’
સહેજ વાર વિચાર કરીને વકીલે કહ્યું, ‘જુઓ, ૬ મહિનાના કારાવાસની સજા બૉમ્બે હાઈ કોર્ટે કરી છે એ ખરું, પણ એનો અમલ ત્યારે જ થાય જ્યારે રખમાનો ધણી કોર્ટને જણાવે કે અદાલતના હુકમ પછી પણ રખમાએ મારી સાથે ઘર માંડ્યું નથી. જો ધણી આવી ફરિયાદ ન કરે તો પોલીસ સામે ચાલીને ૬ મહિનાની કેદની સજાનો અમલ કરી શકે નહીં, કારણ કે આ ક્રિમિનલ કેસ નથી, સિવિલ કેસ છે.’
સખારામભાઉ : પણ ભિકાજી જડસુ માણસ છે, લગભગ અભણ છે. વળી હઠીલો છે. તે માનશે કેવી રીતે?
વકીલ (સહેજ વિચારીને) : તમે કહો છો એ વાત સાચી તો છે જ, પણ સાથોસાથ તે માણસ ભંગેરી-ગંજેરી પણ છે અને એ માટે તો ખિસ્સામાં ફદિયાં જોઈએ. તેની પાસે એ નથી. તો આપણે તેને ફદિયાં આપીએ અને બદલામાં લખાવી લઈએ કે તે બૉમ્બે હાઈ કોર્ટમાં ધા નહીં નાખે. હાઈ કોર્ટના હુકમની અમલબજાવણી થઈ નથી એવી રાવ-ફરિયાદ નહીં કરે અને તે એમ ન કરે તો અદાલત સામે ચાલીને કશું કરે નહીં.
સહેજ વાર વિચાર કર્યો સખારામભાઉએ. એક રીતે તો આ લાંચ આપ્યા બરાબર જ ગણાય, પણ છોકરીના ભવિષ્યનો વિચાર વધુ મહત્ત્વનો. સહેજ ગળું ખોંખારીને બોલ્યા : ભલે, જો એ રીતે રખમાનો છુટકારો થતો હોય તો એમ કરીએ. તમે ભિકાજી સાથે વાત કરી જુઓ.
વકીલ : ના જી, હું તેના વકીલ સાથે વાત કરીશ અને તે ભિકાજીને કહેશે.
સખારામભાઉ : તમને જેમ યોગ્ય લાગે એમ કરો, પણ રખમાને આ ‘ઊલમાં કે ચૂલમાં’ની આફતમાંથી બચાવી લો.
અને ૨૦૦૦ રૂપિયાના બદલામાં ભિકાજી માની ગયો. થોડા દિવસ પછી સખારામભાઉએ રખમાને પૂછ્યું : હવે આગળ શું કરવું એ વિચાર્યું છે? 
જાણે આવા સવાલની રાહ જોઈને જ બેઠી હોય એમ તે તરત બોલી : આપની જેમ ડૉક્ટર બનવું છે. 
સખારામભાઉને આ સાંભળીને આનંદ તો થયો, પણ સાથોસાથ ચિંતા પણ થઈ. તેઓ પોતે ડોક્ટર હતા, મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાં પ્રોફેસર હતા; પણ એ વખતે એ કૉલેજમાં છોકરીઓને દાખલ કરતા નહીં. દાક્તરીનું ભણવા રખમાને ઇંગ્લૅન્ડ મોકલવી જોઈએ; પણ આવવા-જવાનું સ્ટીમરનું ભાડું, કૉલેજની ફી, હૉસ્ટેલની ફી, બીજા નાના-મોટા ખર્ચા... કેમ પહોંચી વળાશે? 
અને ત્યાં જ તેમના મનમાં ઝબકારો થયો. મૅરી એડિથ પીચી. ગ્રેટ બ્રિટનમાં પહેલવહેલી ડૉક્ટર થનારી સ્ત્રી. પુરુષપ્રધાન સમાજના હાથે તેણે ઘણું વેઠ્યું હતું. દાક્તરીના અભ્યાસ માટે એ વખતે ‘હૉપ સ્કૉલરશિપ’ અપાતી. એ માટે પરીક્ષા લેવાતી. એ પરીક્ષા આપી. એમાં બધા ઉમેદવારોમાં પહેલી આવી. પ્રોફેસર ક્રમ બ્રાઉન આ પરીક્ષાના ચાર્જમાં હતા. તેમણે વિચાર્યું : આ પરીક્ષા આપનાર આ એકમાત્ર છોકરી છે. જો તેને સ્કૉલરશિપ આપીએ તો બીજા બધા છોકરાઓ નારાજ થશે. કદાચ વિરોધ-પ્રદર્શન પણ કરે. 
બીજા કેટલાક પ્રોફેસરોએ પણ તેમને ટેકો આપ્યો એટલે તેમણે એ સ્કૉલરશિપ મૅરીને ન આપતાં તેના પછીના ક્રમે પાસ થયેલા છોકરાને આપી. અને કારણ શું આપ્યું હશે આમ કરવા માટે? કહ્યું કે છોકરીઓ અને છોકરાઓ સાથે ભણતાં નથી. છોકરીઓ માટે અલગ ક્લાસ હોય છે એટલે છોકરીઓ આ યુનિવર્સિટીની વિદ્યાર્થી ગણાય નહીં અને એટલે કોઈ છોકરીને આ સ્કૉલરશિપ આપી શકાય નહીં. 
પણ મૅરી હારી નહીં, થાકી નહીં. ડૉક્ટર બનીને જ રહી. ૧૮૮૩ની ૧૨ ડિસેમ્બરે તે મુંબઈ આવી. થોડા વખતમાં હિન્દી ભાષા શીખી લીધી અને મુંબઈની કામા હૉસ્પિટલનાં ડિરેક્ટર તરીકે કામ કરવા લાગી. અહીં પણ તે સ્ત્રીશિક્ષણની જોરદાર હિમાયત કરતી હતી. સખારામભાઉને તેની સાથે થોડી ઓળખાણ ખરી એટલે મળ્યા તેને. છાપાંઓમાં રખમાબાઈનો કેસ બહુ ગાજ્યો હતો એટલે ડૉ. મૅરી આખા કિસ્સાથી પરિચિત હતી. તેણે તો વાત સાંભળીને તરત કહ્યું : તમે રખમાને લંડન મોકલવાની તૈયારી કરો. તેના ભણવાના ખર્ચની જોગવાઈ થઈ જશે. 
આ સાંભળીને સખારામભાઉને તો બત્રીસે કોઠે દીવા થઈ ગયા, પણ ફરી બીજી ચિંતા : મુંબઈથી લંડન સુધીનું સ્ટીમરનું ભાડું? 
સખારામભાઉ મળ્યા પંડિતા રમાબાઈ રાનડે અને બહેરામજી મલબારીને. બન્નેએ સાથે મળીને રખમાબાઈને કેસ લડવામાં મદદ કરવા એક ફન્ડ ઊભું કરેલું. એમાં હજી સારીએવી રકમ બચેલી. બન્નેએ સખારામભાઉને કહ્યું : રખમાનો લંડન જવાનો ખર્ચ નીકળી જાય એટલી રકમ હજી એ ફન્ડમાં જમા છે. અમે એ રકમમાંથી તેની સ્ટીમરની ટિકિટ કઢાવી આપીશું.
સખારામભાઉને હાશકારો થયો : ચાલો, હવે રખમા તેની સફરમાં આગળ વધી શકશે. હવે તેને કોઈ રોકી નહીં શકે. અને રખમાએ લંડનની વાટ પકડી. 
પણ કઈ રીતે? ક્યારે? ૨૦૨૧માં પ્રગટ થયેલા પુસ્તક The Untold Stories of India’s First Women in Medicineમાં કવિતા રાવ નોંધે છે કે લંડન જવા માટે રખમાબાઈએ ૧૮૮૯ની ૨૪ માર્ચે મુંબઈનો કિનારો છોડ્યો. જોકે પછી તેઓ કહે છે કે રખમાબાઈને મુંબઈથી લંડન પહોચતાં ૪૦ દિવસ લાગ્યા, પણ ૧૮૯૦ના અરસામાં કોઈ પણ સ્ટીમરને મુંબઈથી લંડન પહોંચતાં ૨૧થી ૨૮ દિવસ લાગતા. સિવાય કે રખમાબાઈ મુસાફરી દરમ્યાન વચમાં ક્યાંય રોકાયાં હોય. તો બીજે એક સ્થળેથી એવી માહિતી મળે છે કે રખમાબાઈએ મુંબઈથી લંડનની મુસાફરી પી ઍન્ડ ઓ કંપનીની કૈસર-એ-હિન્દ નામની સ્ટીમરમાં કરી હતી. ૧૮૭૮માં બંધાયેલી આ સ્ટીમરે એની લંડન અને મુંબઈ વચ્ચેની પહેલવહેલી મુસાફરી ૧૮૭૮ની બાવીસ સપ્ટેમ્બરે શરૂ કરી હતી અને એ પછી પણ એ લંડન અને મુંબઈ વચ્ચે નિયમિત રીતે આવ-જા કરતી હતી એટલે રખમાબાઈ આ સ્ટીમર મારફત લંડન ગયાં હોય એ શક્ય છે.
લંડન પહોંચીને રખમાબાઈ લંડન સ્કૂલ ઑફ મેડિસિન ફૉર વિમેન ઍન્ડ રૉયલ ફ્રી હૉસ્પિટલમાં ભણવા માટે દાખલ થયાં. ભણતર દરમ્યાન તેઓ કૉલેજના સ્ત્રીઓ માટેના હૉલ (હૉસ્ટેલ)માં રહ્યાં. પ્રિન્સિપાલ એલનોર ગ્રોવ અને રોઝા મોરિસન બન્ને 
સ્ત્રી-વિદ્યાર્થીઓને બને એટલી સગવડ અને તક આપવામાં માનતાં હતાં. 
અભ્યાસ પૂરો કર્યા પછી પરીક્ષામાં બેઠાં, સારી રીતે પાસ થયાં; પણ ફરી તેઓ સ્ત્રી હતાં એ હકીકત આડે આવી. સત્તાવાળાઓએ કહ્યું કે ડૉક્ટર તરીકેની ડિગ્રી મેળવતાં પહેલાં કોઈ હૉસ્પિટલમાં એક વરસની તાલીમ લેવી પડે, પણ અહીંની કોઈ હૉસ્પિટલમાં સ્ત્રીઓને તાલીમ આપવાની જોગવાઈ નથી એટલે તમે પરીક્ષામાં પાસ થયાં છો પણ તમને ડૉક્ટરની ડિગ્રી મળશે નહીં અને ડિગ્રી મળ્યા વગર તમે ડૉક્ટર તરીકે કામ કરી શકો નહીં. હવે? આ તો મર્યા નહીં ને ભૂત થયા! પણ લંડનમાં જેવો નિયમ હતો એવો સ્કૉટલૅન્ડના એડિનબરામાં નહોતો. એટલે ઊપડ્યાં ત્યાં. એક વરસ તાલીમ લીધી, ડિગ્રી મેળવી. હવે? હવે પાછાં ચાલો હિન્દુસ્તાન. 
અહીં આવીને તેમણે મરાઠીભાષી વિસ્તારને બદલે સુરતમાં કામ કરવાનું પસંદ કર્યું. હા, આખા દેશમાં પહેલવહેલાં ડૉક્ટર બનનાર રખમાબાઈ નહીં, તેમના પહેલાં આનંદીબાઈ ગોપાળ જોશી અને કાદમ્બિની ગાંગુલી. તે બન્નેને ૧૮૮૬માં ડિગ્રી મળી હતી, પણ એમાંથી ડૉક્ટર તરીકેની પ્રૅક્ટિસ ડૉ. ગાંગુલીએ જ કરી હતી. એટલે રખમાબાઈ બન્યાં આખા દેશમાં પ્રૅક્ટિસ કરનાર બીજાં મહિલા ડોક્ટર અને આખા મુંબઈ ઇલાકામાં પ્રૅક્ટિસ કરનાર પહેલાં મહિલા ડૉક્ટર. તેઓ સુરતમાં જે હૉસ્પિટલમાં કામ કરતાં હતાં એની સાથે પછીથી રખમાબાઈનું નામ જોડવામાં આવ્યું. આજે પણ એ હૉસ્પિટલ રખમાબાઈ હૉસ્પિટલ તરીકે ઓળખાય છે. ૧૯૧૧ના દિલ્હી દરબાર વખતે ગ્રેટ બ્રિટનના રાજવી કિંગ જ્યૉર્જ પાંચમા અને ક્વીન મૅરીના હાથે કૈસર-એ-હિન્દના ઇલકાબ દ્વારા તેમનું બહુમાન કરવામાં આવેલું. ત્યાર બાદ ૧૯૧૮માં તેઓ રાજકોટ જઈ ત્યાંની હૉસ્પિટલમાં જોડાયાં. ત્યાં રેડ ક્રૉસ સોસાયટીની શાખા પણ શરૂ કરી. ૧૯૨૯માં નિવૃત્ત થયાં ત્યાં સુધી રાજકોટમાં જ કામ કર્યું. 
૨૦૦૦ રૂપિયા લઈને પતાવટ કર્યા પછી ભિકાજીએ તો બીજાં લગ્ન કરી લીધાં હતાં, પણ રખમાબાઈએ ફરી ક્યારેય લગ્ન કર્યાં નહીં. તેઓ અને ભિકાજી એક દિવસ માટે પણ પતિ-પત્ની તરીકે સાથે રહ્યાં નહોતાં. છતાં ૧૯૦૪માં ભિકાજીનું મૃત્યુ થયા બાદ રખમાબાઈએ કાયમ માટે પરંપરાગત વિધવા જેવાં જ કપડાં પહેર્યાં. નોકરીમાંથી નિવૃત્ત થયા પછી તેઓ ફરી મુંબઈ આવી વસ્યાં. મુંબઈવાસ દરમ્યાન તેમણે Purdah – the need for its abolition નામની પુસ્તિકા લખી. છેલ્લાં વર્ષોમાં તેમને ફેફસાંના કૅન્સરનો રોગ લાગુ પડ્યો. ૯૦ વર્ષની ઉંમરે ૧૯૫૫ની પચીસ સપ્ટેમ્બરે મુંબઈમાં તેમનું અવસાન થયું. 
એ પછી તો કેટલાંય વર્ષો વીતી ગયાં. છતાં આજે પણ નીતા રામૈયાના શબ્દોમાં રખમાબાઈ જાણે કહી રહ્યાં છે:
આ રસ્તે માનવમોજાંની છાલક ઝીલતો
હું ખડક છું ખડક:
મારી જીભે ખારો સ્વાદ છે,
અને છતાં દિલમાં ઘૂઘવે છે
સાત સમંદર પાર જવાની અવિરત રટણા


Whatsapp-channel Whatsapp-channel

12 September, 2026 06:24 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK