કોઈને કવર આપીએ ત્યારે તેનું નામ લખવામાં આવે. ક્યારેક સંદર્ભ પણ ઉમેરવામાં આવે. ખોટું નામ લખાયું હોય તો છેકો મારીએ. ખાલી કવરમાં કંઈ અગત્યનો કાગળ મુકાઈ ગયો હોય તોય જલદી ધ્યાનમાં ન આવે. સરકારી ખાતાંઓમાં કવરમાં વજન ન મુકાય ત્યાં સુધી કામ ઠેબે ચડ્યા કરે.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
કેટલીક વાત આપણી નજરમાં આવે તો કેટલીક વાત આપણે નજરઅંદાજ કરી દઈએ. આપણને શું લાભ થશે એના પાયે આપણી ધારણા ઘડાતી હોય છે. સ્વાર્થ સંવેદના ઉપર હાવી થઈ જાય એટલે માણસાઈમાં ગોબા પડતા જાય. અન્યની અવગણના કરતાં આપણે કોઈ અન્ય દ્વારા અવગણાઈએ ત્યારે જોવા જેવી થાય. આ અનુભૂતિ શું હોઈ શકે એ આશ્લેષ ત્રિવેદી જણાવે છે...
ના ઉંબરે, ન બ્હાર, ન ઘરમાં હતા અમે
શબ્દોની કોઈ ગેબી અસરમાં હતા અમે
ADVERTISEMENT
એક નામના અભાવે ધકેલાયા દર-બ-દર
ખાલી ગણ્યું તમે એ કવરમાં હતા અમે
કોઈને કવર આપીએ ત્યારે તેનું નામ લખવામાં આવે. ક્યારેક સંદર્ભ પણ ઉમેરવામાં આવે. ખોટું નામ લખાયું હોય તો છેકો મારીએ. ખાલી કવરમાં કંઈ અગત્યનો કાગળ મુકાઈ ગયો હોય તોય જલદી ધ્યાનમાં ન આવે. સરકારી ખાતાંઓમાં કવરમાં વજન ન મુકાય ત્યાં સુધી કામ ઠેબે ચડ્યા કરે. ઇન્કમ ટૅક્સમાંથી હવે નોટિસ ઈ-મેઇલ પર આવે છે. પહેલાં પોસ્ટથી આવતી ત્યારે ભલભલાના હાથ એ કવર ખોલતાં કાંપી ઊઠતા. માંડ-માંડ નાનોમોટો ધંધોધાપો ચાલતો હોય એમાં વળી આ લડત લડવી પડે. ઈઝ ઑફ ડૂઇંગ માટે સરકાર જેટલું કરે એટલું ઓછું પડે એટલી જટિલ યંત્રણા આગળથી ચાલતી રહી છે. અનિલ ચાવડા વેદના વ્યક્ત કરે છે...
ઘર તો હતાં અનેક ને ઝાંપા હતા અનેક
પણ આશરાના આપણે ફાંફાં હતાં અનેક
એકાદ ડગની દૂરીયે કાપી શકાઈ નૈં
એકાદ ડગના માર્ગમાં ફાંટા હતા અનેક
કયા માર્ગે આગળ વધવું એ નિર્ણય ખાસ્સી જહેમત માગી લે છે. વળી આ નિર્ણય યુવાનીમાં જ કરવાનો હોય જ્યારે અનુભવનું વિશ્વ હજી તો ઘડાવાનું શરૂ થયું હોય. આમાં જો કોઈ ખોટો માર્ગ પકડાઈ જાય તો એકાદ દસકો વેડફાઈ જાય. નવી પેઢી પોતાના લક્ષ્યમાં વધારે સ્પષ્ટ છે. તેમને શું જોઈએ છે એ ખબર છે અને શું નથી જોઈતું એ પણ ખબર છે. પ્રેમની અભિવ્યક્તિમાં પણ તેઓ મુખર છે. હરજીવન દાફડા લખે છે...
કોઈને આમ સમજાયો, કોઈને તેમ સમજાયો
અઢી અક્ષર હતા તોયે ન પૂરો પ્રેમ સમજાયો
જીવનનો દાખલો કોનો હશે સાચો, ખબર ક્યાં છે?
ગણી નાખ્યો હતો સૌએ સ્વયંને જેમ સમજાયો
પ્રેમ છે તો અઢી અક્ષરનો શબ્દ પણ યુગોથી એનાં અર્થઘટન બદલાયા કરે છે. એની શાશ્વતી વિશે કોઈ શંકા નથી પણ સાંપ્રત સમયમાં એના પર ઘસરકાઓ પડતા જાય છે. કુટુંબો વિભક્ત થવાને કારણે પ્રેમમાં ઓટ આવે છે. મામા-માસીના સંદર્ભો હવે દૂર-દૂર થતા જાય છે. જીવનશૈલીમાં આવેલા ફેરફારો સંબંધો પર વિપરીત અસર કરી રહ્યા છે. એકમેકના ઘરે જવાનો શિરસ્તો ખોડંગાઈ રહ્યો છે. પરિવર્તન સંસારનો નિયમ છે છતાં વિનોદ ગાંધી કહે છે એવો અફસોસ તીર સમાન ચૂભે એવો છે...
જે અક્ષરો કાગળ ઉપર આંક્યા હતા
એ લાગણીને ટાંકણે ટાંક્યા હતા
તેં કફન ખોલી કદી જોયું નહીં
મેં શ્વાસ થોડા સાચવી રાખ્યા હતા
શ્વાસ સાચવવા પડે એટલું પ્રદૂષણ દરેક મોટા શહેરમાં વધી રહ્યું છે. પરદેશથી આવેલા પ્રવાસીઓ તો માસ્ક પહેરીને જ ફરતા હોય એટલે તેમને જોઈને કોરોનાકાળની દુખદ યાદો જાગૃત થતી રહે. દિલ્હીની સરખામણીમાં મુંબઈનું વાતાવરણ પ્રમાણમાં ઓછું પ્રદૂષિત છે છતાં એમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે. એવું લાગે કે દિલ્હીનો કોઈ મિત્ર ‘સંતુ રંગીલી’ નાટકના પ્રચલિત સંવાદને બદલીને કટાક્ષમાં મુંબઈગરાને કહેતો હોયઃ મુંબઈ તારોય વારો આવશે. શ્યામ સાધુ હયાતીના અર્થને ફંફોસે છે...
દુઃખની દીવાલે મોર સમયના મૂંગા હતા
લાગે છે એટલે જ આ આંસુ ઊનાં હતાં
હોવાનો અર્થ આ રીતે અહીંયાં જટિલ છે
છે દ્વાર ક્યાં? છતાંય કહે છેઃ ખૂલાં હતાં
લાસ્ટ લાઇન
દેખીતી વાત એ રીતે સંતાડતા હતા
ખંડેરનેય તાળું સખત મારતા હતા
શબ્દોની અર્થહીનતા ને મૂઢ વાણી લઈ
બોલ્યા પછી સિફતથી બધું વાળતા હતા
એ ભીડ વચ્ચે સાવ બધા જેવા થઈ રહે
પણ એ જ પહેલાં સૌને નજર આવતા હતા
આ બાંધણી છે પ્રેમની, બંધાયા એ સ્વયં
જળ જેવું જળ જે છૂટું કરી જાણતા હતા
દુખતી હતી એ નસને કલાથી દબાવી છે
કારીગરીને એય પછી માણતા હતા
સપનામાં પણ મિલન પછી આવે વિરહ ખરો
અડધી જ ઊંઘમાંથી સદા જાગતા હતા
કાચું કપાયું ક્યાં કદીયે કોઈ કામમાં?
સંબંધ પાકા તેથી તો એ રાખતા હતા
- રીના પરીખ - ગઝલસંગ્રહઃ મનોમન


