Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જે પેઢીને ૪૦ વર્ષે નિવૃત્ત થઈ જવું છે એણે પોતાના દાદાની પેઢી પાસેથી શું શીખવાનું છે?

જે પેઢીને ૪૦ વર્ષે નિવૃત્ત થઈ જવું છે એણે પોતાના દાદાની પેઢી પાસેથી શું શીખવાનું છે?

Published : 25 May, 2026 10:33 AM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

આજની પેઢીને જીવન ફક્ત કામ કરવા માટે નથી એવું લાગતું હોય તો એ ખોટી નથી, પણ એનું સત્ય અધૂરું છે. કામ તમને જીવનનાં સુખોથી દૂર કરનારું ભલે લાગે, પણ એક ઉંમર પછી એ જ તમારા જીવનની સંજીવની બની જતું હોય છે જે તમારા જીવનમાં પ્રાણ પૂરે છે

પ્રતીકાત્મક તસવીર

PoV

પ્રતીકાત્મક તસવીર


આજકાલ ઘણા યુવાનોના મોઢે સાંભળવા મળે છે કે મારે ૪૦ વર્ષે રિટાયર થઈ જવું છે, કામ નથી કરવું, જીવનની શરૂઆતમાં જરૂરી પૈસા કમાઈ લેવા છે અને પછી એક આરામનું જીવન જીવવું છે. આ વાતમાં કામચોરી કે નફટાઈ છે એવું નથી. ઊલટું દૂરંદેશી, પૈસાની સમજ, જીવનને કામ સુધી સીમિત ન રાખવાનો એક અપ્રોચ દેખાય છે. આ પેઢીનું ગણિત એકદમ પાવરફુલ છે એટલે તેમણે ગણતરી કરી લીધી છે કે જીવન જીવવા માટે વધુમાં વધુ કેટલા રૂપિયા જોઈએ. તેમણે ઇન્વેસ્ટમેન્ટ પણ શીખી લીધું છે કે કઈ રીતે કેટલા પૈસા રોકીશું તો જીવનભર એક ફિક્સ રિટર્ન મેળવીશું જેને કારણે કામ છોડી દઈએ તો પણ દર મહિને એટલા પૈસા મળતા રહે કે રોજિંદા ખર્ચા સરળતાથી નીકળી શકે. આ પેઢી માને છે કે કામના ઢસરડા કરીને કુચ્ચે મરાવવામાં કોઈ અકલમંદી નથી. આ વિચારસરણી એવી એટલે છે કારણ કે આ એ પેઢી છે જેણે તેમનાં માતા-પિતાને ખૂબ કામ કરતાં જોયા છે. કામને કારણે સુખ, તેમના સ્વાસ્થ્ય અને સંબંધોને અભેરાઈએ મૂકતાં પણ જોયાં છે. તેમને જોઈને આ પેઢી શીખી કે જીવનમાં આવું તો નથી જ કરવાનું અને તેમણે પોતાનું સૉલ્યુશન વિચાર્યું. જોકે આજે આ પેઢીની વાત કરવી નથી. વાત કરવી છે આજની પેઢીના દાદા-પરદાદાઓની પેઢી વિશે.

૧૯૯૭માં ટીવી પર શેખર સુમનનો ‘મૂવર્સ ઍન્ડ શેકર્સ’ નામનો શો ખાસ્સો પૉપ્યુલર હતો. શેખર સુમન ને તેમનો શો એકદમ નિશાના પર લાગતા બાણ જેવા વ્યંગો, ખડખડાટ હસી પડાય એવી રમૂજી કમેન્ટ્સ, કોઈને પણ આંજી નાખે એવું હિન્દી અને અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ અને સેલિબ્રિટીઝ સાથે ગેલ પડે એવી વાતોને કારણે પ્રસિદ્ધ હતા. આ જ બધું લઈને તે લગભગ ૨૯ વર્ષ પછી યુટ્યુબ જેવા પ્લૅટફૉર્મ પર ‘શેખર ટુનાઇટ’ નામના શો સાથે ફરી આવ્યા છે. ઉંમરને કારણે ચહેરા પર થોડીક કરચલીઓ દેખાય છે અને આંખો થોડી વધુ ઝીણી થઈ ગઈ છે, પણ અવાજમાં એ જ એનર્જી અને વાતોમાં એ જ તાજગી. ૬૩ વર્ષની ઉંમરે ૨૦ વર્ષના કોઈ પણ હોસ્ટને શરમાવે એવો સ્પાર્ક ધરાવતા શેખર સુમનના પહેલા જ એપિસોડને વન મિલ્યન વ્યુઝ સાથે ઇન્ટરનેટે વધાવી લીધા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે નિવૃત્તિના સમયે આરામ કરવાને બદલે તમે ફરીથી ધમાકા કરવા આવી ગયા? ત્યારે તેમણે કહ્યું, ‘આ ઉંમરે તો ઊલટું વધુ જરૂરી છે તમે દુનિયાને એ આપો જે દુનિયાએ તમને અનુભવોના સ્વરૂપે આપ્યું છે. મેં જે શીખ્યું છે, મેં જે પામ્યું છે અને જે પણ અનુભવ્યું છે એ મારા કામ થકી હું લોકોને આપવા માગું છું એટલે જ કામ કરી રહ્યો છું. વળી એક જ જીવન છે અને એ જીવનમાં જે કરવાનું છે એ આજે જ કરવાનું છે. એટલે હું રાહ જોવામાં નથી માનતો.’



આજની તારીખે જોશો તો સમજાશે કે ૬૦, ૭૦, ૮૦ વર્ષના કલાકારો જે રીતે કામ કરી રહ્યા છે એ રીતે ૨૦-૩૦ વર્ષના કલાકારો નથી કરી રહ્યા. અમિતાભ બચ્ચન, રજનીકાંત, અનિલ કપૂર, કમલ હાસન, ખાન ત્રિપુટી, જૅકી શ્રોફ, અનુપમ ખેર, નીના ગુપ્તા, રત્ના પાઠક શાહ, નીતુ કપૂર, હેમા માલિની, રેખા, ઝીનત અમાન, ડિમ્પલ કાપડિયા એ કલાકારોનાં નામ છે જેઓ તેમની યુવાવસ્થામાં ભરપૂર કામ કરી ચૂક્યાં છે અને હજી પણ કામ કરી રહ્યાં છે. આ ઉંમરે કામ કરવાની ભૂખ તેમની ઓછી થઈ નથી. તેમને પૈસાની, નામની કે બીજી કોઈ પણ પ્રકારની ભૂખ હોય એ વાત પચે એમ નથી. એ બધું તેમની પાસે છે જ. છતાં કામ કરવું છે, સારું કામ કરવું છે, વધુ ને વધુ સારું કામ કરવું છે એવી ઇચ્છા તેઓ ધરાવે છે. તેમને થાક લાગતો નથી, તેમને કંટાળો આવતો નથી, તેમને નિવૃત્તિ જોઈતી નથી; તેમને ફક્ત કામ કરવું છે.


કલાકારો ૬૦ વર્ષ પછી પણ કામ કરે એ નૉર્મલ ગણી શકાય, પણ જરા સમાજમાં નજર કરશો તો સામાન્ય માણસોમાં પણ ૬૦થી વધુ અને ૮૫થી ઓછી ઉંમરના એવા અઢળક લોકો મળી રહેશે જેઓ કામ છોડવા માગતા જ નથી. એમાંથી અમુક કમનસીબ વૃદ્ધો એ છે જેમને પૈસાની જરૂર છે એટલે તેઓ કામ કરે છે, પણ તેમની વાત અત્યારે આપણે નથી કરતા. આપણે તેમની વાત કરીએ છીએ જેમને પૈસાની જરૂર નથી. તમારી આજુબાજુ ૯૦ વર્ષની ઉંમરે ડૉક્ટરી કરતાં, ૮૦ વર્ષની ઉંમરે દુકાન ચલાવતાં, ૭૮ વર્ષે પણ અકાઉન્ટ સંભાળતાં, ૮૫ વર્ષે વકીલ તરીકે માર્ગદર્શન આપતાં, ૮૨ વર્ષે પણ શિક્ષક તરીકે ભણાવતાં અઢળક દાદા-દાદીઓ તમે જોયાં જ હશે. તે બધાંએ તેમનું કામ પકડી રાખ્યું છે એની પાછળ તે બધાનાં પોતપોતાનાં કારણો છે. ઘણાને કામ સિવાય બીજું કંઈ આવડતું નથી, ઘણાનો સમય પસાર જ નથી થઈ રહ્યો જો તે કામ ન કરે, ઘણાને તેમનું કામ જ તેમને રાહત આપી રહ્યું છે, ઘણાને કામ એટલે કરવું છે કે એ કામ તેમના શ્વાસ સમાન બની ગયું છે, ઘણા માટે તેમનું કામ તેમની પૂજા છે એટલે દરરોજ કરવી જ પડે, ઘણા માટે તેમનું કામ તેમના જીવનનું એકમાત્ર લક્ષ્ય હોય છે, ઘણા માટે એ જીવનનું મિશન બની ગયું હોય છે. આ વૃદ્ધોના ચહેરા પર સફેદ વાળ હશે પણ ઉંમરનો થાક નહીં હોય, કરચલીઓ દેખાશે પણ ઉદાસીની લકીર નહીં હોય, ઉંમર થઈ હોવા છતાં હજી પણ તે કેડ સીધી કરીને બેસી શકતા હશે કારણ કે તેમનો આત્મવિશ્વાસ તેમને ઝૂકવા નથી દેતો. ઉત્સાહ, ઉમંગ અને ત્વરાથી તેઓ છલકાતા હશે. તેમને જોઈને સમજી શકાય કે કામ એ બોજ નથી, કામ ત્રાસ નથી, કામ પરાણે જ કરવું પડે એવું હોતું નથી.

આજની પેઢી જેને લાગે છે કે જીવન ફક્ત કામ કરવા માટે નથી એ ખોટી નથી, પણ તેમનું સત્ય અધૂરું છે. કામ તમને જીવનનાં સુખોથી દૂર કરનારું ભલે લાગે, પણ એક ઉંમર પછી એ જ તમારા જીવનની સંજીવની બની જતું હોય છે જે તમારા જીવનમાં પ્રાણ પૂરે છે. એટલે આજે ભલે તમને લાગે કે ૪૦ વર્ષે રિટાયર થઈ જવું છે, તમે એના માટે તૈયારી પણ કરો; પરંતુ તમારા કામને ફક્ત પૈસા ભેગા કરવાનું માધ્યમ ન માનતા. પૈસાની સાથે એ તમને ઘણુંબધું આપે છે. કામને આ ઊંડાણ સાથે જોઈશું તો રિટાયરમેન્ટ જ નહીં, જીવનનું પ્લાનિંગ વધુ સારી રીતે કરી શકીશું.  


Whatsapp-channel Whatsapp-channel

25 May, 2026 10:33 AM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK