Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > માણસને જેટલી તિજોરીના લૉકની ચિંતા નથી એટલી મોબાઇલના લૉકની ચિંતા છે

માણસને જેટલી તિજોરીના લૉકની ચિંતા નથી એટલી મોબાઇલના લૉકની ચિંતા છે

Published : 15 March, 2026 12:07 PM | IST | Mumbai
Sairam Dave | feedbackgmd@mid-day.com

કોઈને વૉટ્સઍપમાં બ્લૉક કરવો એ ‘વર્ચ્યુઅલ ડિવૉર્સ’ કહેવાય. કોઈ મોબાઇલનું પૅટર્ન લૉક ખોલતું હોય અથવા કમ્પ્યુટરમાં પાસવર્ડ ટાઇપ કરતું હોય ત્યારે સહેજ મોં ફેરવી લેવાને ‘સંસ્કાર’ કહેવાય

પ્રતીકાત્મક તસવીર

લાફ લાઇન

પ્રતીકાત્મક તસવીર


મોબાઇલ આવ્યા પછી આપણી જીવનની ડિક્શનરીમાં નવાં-નવાં દુઃખ એન્ટર થયાં : કવરેજ નથી, ટાવર નથી, પેલી ઑનલાઇન છે અને જવાબ દેતી નથી.

એક સમયે જીવનનું વહાલ ટપાલ સાથે, અંતર આંતરદેશીય કવર સાથે અને હૃદયના તાર પોસ્ટ-ઑફિસના ટેલિગ્રામ સાથે જોડાયેલાં હતાં. તાર ઇઝ ઇક્વલ ટુ માઠા સમાચાર. આવી માન્યતા હમણાં સુધી ગામડાંમાં પ્રવર્તતી હતી. કોઈનો તાર આવે એટલે વાંચ્યા પહેલાં પોક મુકાઈ જતી અને નહાવાનું ગરમ પાણી ચૂલે ચડી જાતું.



સૌથી પહેલાં પીળા પાટિયાના દુકાનવાળી ‘ઝેરોક્ષ’ આવી હતી. મારા એક મિત્રે ઝેરોક્ષની દુકાનમાં સબ-ટાઇટલ બોર્ડ મારેલું, ‘અહીં દરેક ભાષામાં ઝેરોક્ષ કાઢી આપવામાં આવશે.’ ગામમાં દરેકને આ ‘ઝેરોક્ષ’ બોર્ડનું ગૌરવ પણ હતું. નવરા બેઠા સફેદ કાગળની ઝેરોક્ષ કેવી આવે? આ ચકાસણી આ લખનારે પણ કુતૂહલપૂર્વક કરેલી.


ત્યાર બાદ ગામેગામ STD PCO આવ્યા. કમ્યુનિકેશન ક્રાન્તિથી દૂરનાં કનેક્શન રીચાર્જ થયાં, પણ ગામડાંમાં STD PCOનું ફુલ ફૉર્મ કોઈને નહોતું આવડતું, કારણ કે ફુલ ફૉર્મ આવડે તો જ ફોન લાગે એવો નિયમ ક્યારેય બન્યો નહોતો. જોકે STD એટલે સબસ્ક્રાઇબર ટ્રન્ક ડાયલિંગ અને PCO એટલે પબ્લિક કૉલ ઑફિસ આટલું બધું અઘરું તો અભણ લોકોને શેં યાદ રહે? કો’ક શ્યામભાઈ પિત્રોડાએ આ STDની શોધ કરી છે એટલે શ્યામનો ‘S’ અને પિત્રોડાનો ‘TD’ સ્પેલિંગમાં લીધો હશે અને ‘PCO’ એ શ્યામભાઈના બાપુજીનું નામ હશે એવું મારા જેવા કેટલાય લોકોએ માની લીધેલું.

STDની અંદર અંગત વાત કરવા માટે એક ‘ઘોલકુડી’ જેવી કાચની ઍન્ટિ-ચેમ્બર સૌએ જોયેલી. જોકે એ ચેમ્બરમાં થનારી તમામ વાત બધાને બહાર સંભળાતી. અમુકને તો એમ હતું કે મુંબઈથી ફોન આવ્યો હોય તો આપણે જોરથી વાત કરીએ તો જ અવાજ મુંબઈ પહોંચે. અમુક લજ્જાશીલ પુત્રવધૂઓ તો STDમાં સસરાને લાજ કાઢીને જ ફોન લગાડતી. ત્યાર બાદ વચગાળાની સરકારની જેમ ‘પેજર’ની એન્ટ્રી થઈ. જોકે એ ટેક્નૉલૉજી સર્વવ્યાપી થાય એ પહેલાં જ જરી ગઈ. પછી વારો આવ્યો કુંવરશ્રી મોબાઇલનો. એક સમયે લેધરની કટારમાં કમર પર લટકતો મોબાઇલ રિવૉલ્વર કરતાં વધુ રુઆબદાર હતો. નોકિયા 1100 નંબરનો મોબાઇલ જ્યારે બસમાં રણકતો ત્યારે થોડી વાર બસ પણ સ્લો થઈ જતી. કોઈ એલિયનને જોતા હોય એ રીતે લોકો મોબાઇલધારક સામે નજર માંડતા. તો વળી નોકિયાનો જ 3310 મોબાઇલ જેની પાસે હતો તે તો બે-ચાર રિંગ વધુ વાગવા દેતો જેથી સૌને જાણ થાય કે ભાઈ પાસે આ નવા માયલો ફોન છે.


એક મિનિટના ૧૬ રૂપિયે આઉટ ગોઇંગથી શરૂ થયેલી આ યાત્રા મફતના ભાવ પર આવીને ઊભી રહી છે જેના આપણે સૌ સાક્ષી છીએ. મોબાઇલમાં વૉટ્સઍપ આવ્યું ત્યારથી તો વર્ચ્યુઅલ વર્લ્ડ પર વાતુનાં પૂર ઊમટ્યાં છે. જેશ્રી ક્રિશ્નનું JSK, જે સિયારામનું JSR, ગુડ મૉર્નિંગનું GM, જે માતાજીનું JM કોણે ક્યારે કરી નાખ્યું એની કોઈને ખબર જ ન રહી. OKમાંથી હવે ખાલી ‘K’ લખાય છે. શબ્દોને બદલે લીલા, પીળા અને લાલ ઇમોજીથી વાત થાય છે. લોકગીતોમાં છેલ્લે ‘લોલ’ શબ્દ આવતો જ્યારે વૉટ્સઍપ ચૅટમાં ગમે ત્યારે વચ્ચે ઓ’લા ડાગલા ઘૂસી જાય છે જેને આજની જનરેશન ઇમોજી કહે છે.

આ મોબાઇલનો અતિરેક એટલો વધ્યો છે કે એક સમયે મોબાઇલ હોવો એ મોટાઈ હતી તો અત્યારે ‘હું મોબાઇલ નથી વાપરતો’ એ સ્ટેટમેન્ટ ગૌરવ પ્રદાન કરનારું છે. તમે પરણેલા છો કે કુંવારા? જેટલો જ પર્સનલ સવાલ હવે ‘તમારો મોબાઇલ-નંબર શું છે?’ એ બની ગયો છે. આઇફોન સર્વવ્યાપી બની જતાં હવે અમુક ‘આઇફોનિયાવ’ અરીસાની સામે ઊભા રહીને રોજ સેલ્ફી પાડે છે, જેથી ગામને ખબર પડે કે ભાઈ કે બહેન પાસે લેટેસ્ટ આઇફોન છે.

ડાયનોસૉરની ડોક જેવા લાંબા-લાંબા મેસેજ જેમાં નીચે Read More લખેલું આવે. આવો મેસેજ વાંચીને મને એક વાચકે ફોન કર્યો, ‘સાંઈ, આ રીડમોર-ભાઈ મને ગુજરાતીમાં બહુ સરસ મેસેજ મોકલે છે!’

મેં કહ્યું, ‘એ રીડમોર-ભાઈનાં મમ્મી ગુજરાતી હતાં એટલે તે માતૃભાષાને બહુ ચાહે છે.’

કોઈને વૉટ્સઍપમાં બ્લૉક કરવો એ ‘વર્ચ્યુઅલ ડિવૉર્સ’ કહેવાય. કોઈ મોબાઇલનું પૅટર્ન લૉક ખોલતું હોય અથવા કમ્પ્યુટરમાં પાસવર્ડ ટાઇપ કરતું હોય ત્યારે સહેજ મોં ફેરવી લેવાને ‘સંસ્કાર’ કહેવાય. આજે લોકોને જેટલી તિજોરીના લૉકની ચિંતા નથી એટલી મોબાઇલના લૉકની ચિંતા છે.

તમે તમારું DP છ મહિના સુધી ન બદલાવો એ ‘વર્ચ્યુઅલ જડતા’ કહેવાય, તમે DP દિવસમાં ત્રણ વાર બદલાવો એ ‘વર્ચ્યુઅલ નવરાઈ’ કહેવાય, પોતાના સ્ટેટસમાં મગના દાણા જેવા ચાલીસ-ચાલીસ ફોટો મૂકવા એ ‘વર્ચ્યુઅલ ઊભરો’ કહેવાય, તમારું ‘Last Seen’ છુપાવવું એ ‘વર્ચ્યુઅલ કિન્નાખોરી’ કહેવાય, ફલાણી કે ફલાણાને ઑનલાઇન ભાળીને તેની વાંહે પડી જવું એ ‘વર્ચ્યુઅલ ઉત્તાંબર’ કહેવાય, કોઈનો મેસેજ વાંચીને બ્લુ ટિક થઈ જાય પછી એને જવાબ ન આપો એ ‘વર્ચ્યુઅલ નીંભરતા’ કહેવાય, સમયે-સમયે સૉફ્ટવેર અપડેટ ન કરવો એ ‘વર્ચ્યુઅલ આળસ’ કહેવાય, જાણીતા અને જૂના મિત્રો કે સ્વજનોના વૉટ્સઍપ ગ્રુપમાંથી માઠું લગાડીને નીકળી જવું એ ‘વર્ચ્યુઅલ પ્રીમૅચ્યોરિટી’ કહેવાય, પોતાના DPમાં એક પણ ફોટો ન રાખવો એ ‘વર્ચ્યુઅલ વાયડાઈ’ કહેવાય, વૉટ્સઍપમાં ‘ડિલીટ ફૉર એવરીવન’ કરવું એ ‘સામૂહિક ષડયંત્ર’ છે તેમ જ ‘ડિલીટ ફૉર એવરીવન’ કરવા જતાં ‘ડિલીટ ફૉર મી’ થઈ જવું એ ‘વર્ચ્યુઅલ ધર્મસંકટ’ છે.

દોસ્તો, તમને નથી લાગતું કે આવાં વર્ચ્યુઅલ ધર્મસંકટો આપણે સૌ અનુભવી રહ્યા છીએ. વર્ચ્યુઅલી આપણે બહુ ખુશ હોવાનું દેખાડીએ છીએ, પણ વર્ચ્યુઅલની લાયમાં ઍક્ચ્યુઅલીમાં આપણે જીવીએ છીએ ખરા?

(લેખક જાણીતા હાસ્યકલાકાર અને મૂલ્યનિષ્ઠ શિક્ષણપદ્ધતિ સાથે સંકળાયેલા છે)

Whatsapp-channel Whatsapp-channel

15 March, 2026 12:07 PM IST | Mumbai | Sairam Dave

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK