‘ઝિંદગી મેં બડા બનને કા ઇરાદા હૈ, તો ફિર ફૈસલે ભી બડે લેને પડતે હૈં.’ વિખ્યાત ગીતકાર સમીર અનજાને નિજી જિંદગીના એક રસપ્રદ કિસ્સાનું સમાપન કરતાં આ વાક્ય કહ્યું અને શ્રોતાઓએ જોરદાર તાળીઓથી વધાવી લીધું.
‘ઝિંદગી મેં બડા બનને કા ઇરાદા હૈ, તો ફિર ફૈસલે ભી બડે લેને પડતે હૈં.’ વિખ્યાત ગીતકાર સમીર અનજાને નિજી જિંદગીના એક રસપ્રદ કિસ્સાનું સમાપન કરતાં આ વાક્ય કહ્યું અને શ્રોતાઓએ જોરદાર તાળીઓથી વધાવી લીધું.
‘ઝિંદગી મેં બડા બનને કા ઇરાદા હૈ, તો ફિર ફૈસલે ભી બડે લેને પડતે હૈં.’ વિખ્યાત ગીતકાર સમીર અનજાને નિજી જિંદગીના એક રસપ્રદ કિસ્સાનું સમાપન કરતાં આ વાક્ય કહ્યું અને શ્રોતાઓએ જોરદાર તાળીઓથી વધાવી લીધું. ગયા રવિવારે ૧૧ ઑક્ટોબરે અમારી સંસ્થા ‘સંકેત’ના ઉપક્રમે ઑડિયો-વિઝ્યુઅલ કાર્યકમ ‘નઝર કે સામને, જિગર કે પાસ’માં તેમણે લગભગ ૩ કલાક સુધી તેમના સંઘર્ષ અને સફળતાની ગાથા સાથે પોતાનાં ગીતોની પડદા પાછળની વાતો શૅર કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા.
તેમનાં ગીતોની જેમ તેમની વાતો પણ સરળ અને સહજ હોવા સાથે ચોટદાર હતી. હૉસ્ટ તરીકે હું પણ એ અસ્ખલિત વાર્તાલાપને ધ્યાનથી સાંભળતો રહ્યો, કારણ કે તેમના જીવનની અનેક વાતોથી હું વાકેફ હોવા છતાં તેમની બયાનીમાં એવો જાદુ હતો કે આપણે એક Motivational Speakerને સાંભળી રહ્યા હોઈએ એવો અહેસાસ થાય.
ADVERTISEMENT
આપણે જોયું કે યુવાન સમીર બનારસ હિન્દુ યુનિવર્સિટીની કૉલેજમાં ભણતા હતા ત્યારથી કવિતા અને ગઝલો લખતા, કવિસંમેલન અને મુશાયરામાં ભાગ લેતા. MCom થયા બાદ બૅન્કમાં નોકરી મળી ત્યારે ઘરમાં આનંદનો માહોલ છવાઈ ગયો, કારણ કે એ સમયે બૅન્કની સરકારી નોકરી એટલે જીવનભર નાણાકીય સુરક્ષાનો ભરોસો. આ નોકરી એવી કે મૅરેજ માર્કેટમાં આવા ઉમેદવારોને માટે પરણવાજોગ છોકરીઓની લાઇન લાગી જાય.
નોકરીના પહેલા દિવસે બૅન્કમાં જઈને યુવાન સમીરે શુષ્ક વાતાવરણમાં ફાઇલોના ઢગલા વચ્ચે કામ શીખવાની તૈયારી કરી. થોડી જ મિનિટોમાં અંદરથી અવાજ આવ્યો, ‘તું અહીં શું કરે છે?’ દિવસ આખો એ અવાજને અવગણીને કામ કરવાના તેમણે પ્રયત્ન કર્યા. બીજા દિવસે પણ એ જ હાલત. માંહ્યલો ટકોર મારી-મારીને કહે, ‘આ તારી મંજિલ નથી. તને કવિતા સિવાય બીજા કોઈ સાથે નહીં ફાવે. નીકળ અહીંથી, નહીંતર ગૂંગળાઈ જઈશ.’ ત્રીજા દિવસે સવારે તેમણે બૅન્કમાં જઈને રાજીનામું આપી દીધું.
ઘરમાં આ વાતની ખબર પડતાં માતમ છવાઈ ગયો. રોકકળ શરૂ થઈ. દાદીમાને લાગ્યું કે પૌત્ર પર કોઈએ જાદુટોણા કરી નાખ્યા છે. માને લાગ્યું કે પુત્ર પણ પતિની જેમ ખુવાર થઈ જશે. દાદાજીએ તો ત્યાં સુધી કહ્યું કે જ્યારે ઘર સંભાળવાની જવાબદારી આવી ત્યારે આવું પગલું લઈને સૌને પાયમાલ કરી નાખવાનો ઇરાદો લાગે છે.
જોકે સમીર પોતાની વાત પર મક્કમ હતા. માએ પૂછ્યું, ‘તું કરવા શું માગે છે?’ જવાબ મળ્યો, ‘મારે મુંબઈ જવું છે. ફિલ્મોનાં ગીતો લખવાં છે. બસ, મને ૫૦૦ રૂપિયા આપ. હવે તો હું કંઈક બનીશ તો જ પાછો આવીશ.’ માની વ્યથા બમણી થઈ ગઈ. વર્ષો પહેલાં પતિ પણ મા-દીકરાને દાદા-દાદીના સહારે મૂકીને ફિલ્મોમાં ગીત લખવા મુંબઈ ગયા. આજે દીકરો પણ એ જ માર્ગે જાય છે. અંતે પુત્રની જીદ સામે લાચાર માએ કમને રજા આપી.
ગીતકાર સમીરની જીવનકથાને આગળ વધારતાં પહેલાં તેમના પિતા લાલજી પાંડેના સંઘર્ષની વાત જાણવી જરૂરી છે. તેમને પણ કવિતા લખવાનો શોખ હતો. બનારસના એક કવિસંમેલનમાં ગાયક મુકેશ તેમની
કવિતાઓ સાંભળી પ્રભાવિત થયા અને કહ્યું કે આગળ વધવું હોય તો મુંબઈ આવો. લાલજી પાંડેએ તરત નિર્ણય કર્યો અને પરિવારને છોડીને મુંબઈ તરફ પ્રયાણ કર્યું.
મુકેશે તેમની મુલાકાત રાજ કપૂર સાથે કરાવી. તેમની કવિતાઓ સાંભળીને રાજ કપૂરે કહ્યું, ‘તમારી કવિતામાં દમ તો છે, પણ ફિલ્મોના ગીતકાર બનતાં તમને ૧૦ વર્ષ લાગશે.’ આમ શરૂ થયો તેમનો સંઘર્ષ. એ દિવસોમાં લખનઉથી ગીતકાર યોગેશ પણ ઇન્ડસ્ટ્રીમાં નસીબ અજમાવવા મુંબઈ આવ્યા હતા. બન્ને એક રૂમમાં રહેતા અને સાથે સ્ટુડિયોનાં ચક્કર કાપતા. કોઈ વાર એવું બનતું કે યોગેશનું ગીત પ્રોડ્યુસરને ગમી જાય, પણ લાલજી પાંડેનું ગીત પસંદ ન પડે. ત્યારે તે ખૂબ નિરાશ થઈ જતા. એવા સમયે મિત્ર યોગેશ હિંમત અને ભરોસો આપતા.
લાલજી પાંડેએ ફિલ્મ માટે પોતાનું નામ રાખ્યું હતું ‘અનજાન’. છૂટીછવાઈ નાના બજેટની ફિલ્મોમાં ગીતકાર તરીકેના ૧૭ વર્ષના સંઘર્ષ બાદ જે ગીતથી તેમનું નામ થયું એ હતું ‘ખઈ કે પાન બનારસ વાલા.’ એ પછી તેમનું તકદીર ખૂલ્યું અને ‘છૂ કર મેરે મન કો કિયા તૂને કિયા ઇશારા’, ‘રાત બાકી, બાત બાકી’, ‘રોતે હુએ આતે હૈં સબ, હસતા હુઆ જો જાએગા’, ‘ઇન્તહાં હો ગઈ, ઇન્તઝાર કી’ જેવાં અનેક લોકપ્રિય ગીતો લખ્યાં.
સમીર અનજાન કંઈક બનવા માટે મોટો નિર્ણય કરીને બનારસ છોડીને મુંબઈ આવ્યા એ દિવસોને યાદ કરતાં કહે છે, ‘હું તો શહેરને જોઈને છક થઈ ગયો. આટલા માણસો, મોટાં બિલ્ડિંગો, ઝળહળ રોશની, ક્યાંક આલીશાન રસ્તા અને નવાં મકાનો તો કયાંક સાંકડી ગલીકૂંચીઓ અને જર્જરિત ઇમારતો. મેં પહેલી વાર દરિયો જોયો. મારી હાલત એવી હતી કે તળાવની માછલીને જાણે દરિયામાં ફેંકી દીધી.
શરૂઆતમાં મારા ફુઆને ત્યાં મલાડ માલવણીમાં ચાલમાં રહ્યો. રોજ સવારે ડબલું લઈને ટૉઇલેટની લાઇનમાં ઊભા રહેતાં વિચાર કરતો કે હું ક્યાં આવી ગયો? ગીતકાર બનવાનાં સપનાં ચૂરચૂર થઈ જશે એમ લાગતું હતું. રઝળપાટ કરવામાં પૈસા ખલાસ થવા આવ્યા હતા. એવામાં બનારસથી ફોન આવ્યો કે મામાને ત્યાં પ્રસંગ છે એટલે થોડા દિવસ આવી જા. ચર્ચગેટની ફુટપાથ પરથી ૧૦ રૂપિયાનું શર્ટ લીધું અને હું ઘરે આવ્યો.
મારી હાલત જોઈને મા અને દાદી રડી પડ્યાં. હું સાવ સુકાઈ ગયો હતો. માએ પિતાજીને મુંબઈ પત્ર લખ્યો કે સમીરની આવી હાલત છે, તમે તેનું ધ્યાન તો રાખો. જવાબ આવ્યો, ‘તે મુંબઈમાં છે એની મને ખબર જ નથી. આવે ત્યારે કહેજો કે મને મળે.’
મને પિતા પ્રત્યે ખૂબ આક્રોશ હતો. હું ૨૩ વર્ષનો થયો ત્યાં સુધીમાં તેમને કેવળ ૩ વખત મળ્યો હતો. નાનો હતો ત્યારે એમ લાગતું કે ઘરે કોઈ મહેમાન આવ્યા છે. તેમને મળવાની ઇચ્છા નહોતી થતી, પણ માના આગ્રહને કારણે તેમને મળવા ગયો. મનમાં ગુસ્સો એટલો હતો કે જે પૂછશે એનો કોઈ જાતની શેહશરમ રાખ્યા વિના જવાબ આપીશ.
મુંબઈમાં કિંગ્સ અપાર્ટમેન્ટમાં તેમનો ફ્લૅટ હતો. આ બિલ્ડિંગ બહુ ફેમસ હતું. ત્યાં ફિલ્મો સાથે સંકળાયેલા ઘણા લોકો રહેતા હતા. મને થયું કે પોતે આટલી સારી જગ્યામાં રહે છે, સફળ થયા છે, નામ-દામ છે; પણ અમારું ધ્યાન ન રાખ્યું. મને કહે, ‘મેં ના પાડી હતીને કે અહીં ન આવતો?’ મેં કહ્યું, ‘મારે ગીતકાર બનવું છે.’ થોડો ગુસ્સો કરીને કહે, ‘મેં તને ચોખ્ખું કહ્યું હતું કે જે બનવું હોય એ બનજે, ગીતકાર બનવાનાં સપનાં છોડી દે.’ મેં કહ્યું, ‘મારે તો ગીતકાર જ બનવું છે.’ તો કહે, ‘તને એવું લાગે છે કે અહીં પૈસાની રેલમછેલ છે? અહીં સ્વર્ગની અપ્સરાઓ મળશે? આ માયાવી નગરી છે. અહીં કોઈ કોઈનું નથી.’
મનમાં ધૂંધવાતો હું ચૂપચાપ સાંભળતો હતો. મને કહે, ‘હું તને ના પાડું છું એ એટલા માટે કે અહીં પહોંચતાં પહેલાં મારે ૧૭ વર્ષ જે સંઘર્ષ કરવો પડ્યો એ તારાથી નહીં થાય. તું ભલે અહીં રહે, પણ બૅન્કમાં સારી નોકરી કર અને સેટલ થઈ જા.’ મેં કહ્યું, ‘જો નોકરી જ કરવી હોત તો મુંબઈ શું કામ આવત?’
મારી જીદ આગળ તેમણે કહ્યું, ‘ઠીક છે, પણ પહેલાં મારા ૩ પ્રશ્નોના જવાબ આપ. જો સાચા જવાબ મળશે તો તને સપોર્ટ કરીશ. નહીં મળે તો પછી તું તારા રસ્તે, હું મારા રસ્તે.’ મારો આક્રોશ વધતો જતો હતો, પણ હું કન્ટ્રોલ કરતાં બોલ્યો, ‘જે પૂછવું હોય એ પૂછો, હું સાચો જવાબ આપીશ.’
ગીતકાર અનજાને પુત્ર સમીરને શું સવાલ કર્યા અને એના શું જવાબ મળ્યા એ વાત આવતા રવિવારે.
