દિલ્હીના જંતર મંતર પર વિરોધ-પ્રદર્શન તો હવે કરી શકાય એમ નથી, પરંતુ જો વિરોધ-પ્રદર્શન કરવાનું મિસ કરતા હો તો હવે એની ઑનલાઇન ગેમ આવી ગઈ છે. ગેમનું નામ છે ‘ચલો જંતર મંતર’. ઉત્તર પ્રદેશના ૨૭ વર્ષના સૂરજ કુશવાહ નામના યુવાને આ ગેમ બનાવી છે.
જંતર મંતર પ્રોટેસ્ટ ગેમ લૉન્ચ
દિલ્હીના જંતર મંતર પર વિરોધ-પ્રદર્શન તો હવે કરી શકાય એમ નથી, પરંતુ જો વિરોધ-પ્રદર્શન કરવાનું મિસ કરતા હો તો હવે એની ઑનલાઇન ગેમ આવી ગઈ છે. ગેમનું નામ છે ‘ચલો જંતર મંતર’. ઉત્તર પ્રદેશના ૨૭ વર્ષના સૂરજ કુશવાહ નામના યુવાને આ ગેમ બનાવી છે. આ ગેમમાં તમે ઇચ્છો તો વિરોધ-પ્રદર્શનકર્તા બની શકો છો અને ઇચ્છો તો પોલીસવાળા પણ બની શકો છો. પ્લેયર તરીકે જો તમે વિરોધ-પ્રદર્શન કરી રહ્યા હો તો તમારે પોલીસથી બચવાનું રહે છે. પોલીસથી બચીને જંતર મંતર પહોંચવાનું અને લોકોને તમારી સાથે જોડીને અહીં લગાવેલા બૅરિકૅડ્સ પાર કરવાના હોય છે. આ ગેમમાં તમને અવરોધો પણ મળશે. એને પાર કરવા માટે કેટલાક રસ્તાઓ પણ આપવામાં આવ્યા છે. ગેમમાં જંતર મંતર સુધી પહોંચવા જતી વખતે તમને મેટ્રો સ્ટેશન બંધ રહે કે ઇન્ટરનેટ બ્લૅકઆઉટ મળે એવું શક્ય છે. જો તમે પોલીસના હાથે ચડી જાઓ તો તમારી અટક પણ થઈ શકે છે. આ ગેમમાં તમે રસ્તામાં પાણીપૂરી અને ચા પીવાના સ્ટૉલ પર એનર્જી અને સ્ટૅમિના વધારી શકો છો. ચોક્કસ જગ્યાઓએ CCTV કૅમેરા પણ હશે જેમાં તમારો ચહેરો ન દેખાય એ માટે ગમછાનો ઉપયોગ પણ કરી શકાશે. જો તમે પોલીસ બનીને આ ગેમ રમવા માગતા હો તો એમ પણ કરી શકો છો. તમારે પ્રદર્શનકર્તાઓને રોકવાના છે અને એ માટે લાઠી અને આંસુ-ગૅસ જેવાં સાધનો પણ મેળવી શકો છો.
