પિતા-પુત્રના સંબંધના તાણાવાણા એટલા નાજુક હોય છે કે જો નજાકતથી ન ખોલાય તો એવી ગાંઠ પડી જાય કે જીવનભર ન ઉકેલાય
પિતા અનજાન સાથે સમીર.
ગીતકાર બનવા માટે બનારસથી મુંબઈ આવેલા યુવાન સમીરને આપમેળે આગળ વધવું હતું એટલે આ વાતની પિતાને જાણ જ ન કરી. અંતે માતાની વિનંતીને માન આપીને તે પિતા અનજાનને મળવા ગયા. પહેલાં તો પિતાએ પુત્રને ના પાડવા છતાં મુંબઈ આવવા બદલ ખખડાવી નાખ્યો, પરંતુ જ્યારે જોયું કે તે ફિલ્મોમાં ગીતકાર બનવા માટે મક્કમ છે ત્યારે નમતું જોખતાં કહ્યું કે જો મારા સવાલોના સાચા જવાબ આપીશ તો હું તારી સહાયતા કરવા તૈયાર છું.
પિતાનો પહેલો પ્રશ્ન હતો, ‘કભી ઝિંદગી મેં કોઈ લડકી સે પ્યાર કિયા હૈ?’ આ સાંભળીને સમીરને વધારે ગુસ્સો આવ્યો કે અત્યારે આ પૂછવાનું કારણ શું છે? એ સમયે કોઈ પિતા પોતાના પુત્રને આવો સવાલ કરે એવું શક્ય જ નહોતું. એમ છતાં તેમણે નક્કી કર્યું હતું કે જે પૂછશે એનો ઈમાનદારીથી જવાબ આપીશ. તેમણે કહ્યું, ‘હાં, કિયા થા.’
‘ક્યા સોચ કે કિયા થા?’
બેધડક થઈને પુત્રે જવાબ આપ્યો, ‘પ્યાર કોઈ સોચ કે તો નહીં કરતા.’
આ સાંભળીને પિતાએ કહ્યું, ‘અબ તુમ મુઝે પૂછો કે ઐસે સવાલ મૈંને ક્યૂં કિએ?’
‘આપ હી બતાઈએ.’
ખુલાસો કરતાં અનજાન બોલ્યા, ‘મૈં જાનના ચાહતા થા કિ તુમ સચ્ચે આશિક હો યા ભગોડે આશિક? જો સચ્ચા આશિક હોતા હૈ વો સોચ કે પ્યાર નહીં કરતા. જો ભગોડા હોતા હૈ વો પહલે પ્લાન કરતા હૈ, ઇસ લડકી સે પ્યાર કરને કા ફાયદા–નુકસાન કયા હૈ. મગર તુમને સોચા નહીં. યે ઇન્ડસ્ટ્રી એક મેહબૂબા કી તરહ હૈ. બાવફા (વફાદાર) ભી હો સકતી હૈ, બેવફા ભી. અગર તુમ સચ્ચે આશિક હો તો ભાગોગે નહીં. યે ઇન્ડસ્ટ્રી જન્નત ભી હૈ ઔર જહન્નુમ ભી. લેકિન જન્નત પાને કે લિએ મરના ભી પડતા હૈ. જીતે જી કિસી કો જન્નત નસીબ નહીં હોતી. ક્યા તુમ મરને કો તૈયાર હો?’
‘હાં, મૈં તૈયાર હૂં.’ વિશ્વાસથી પુત્રે જવાબ આપ્યો એટલે પિતા બોલ્યા, ‘ઠીક હૈ, કલ સે જહાં ભી હો, વો છોડકર યહાં આ જાઓ. ફિર બતાતા હૂં તુમ્હે ક્યા કરના હૈ.’
અને મલાડ માલવણીની ચાલ છોડીને સમીર પિતા અનજાનના કિંગ્સ અપાર્ટમેન્ટના ફ્લૅટમાં રહેવા આવ્યા. જોકે આ તો સફળતાના ૭ કોઠામાંનો પ્રથમ કોઠો હતો. ભવિષ્યના સંઘર્ષો હજી બાકી હતા.
પિતા અનજાને પુત્ર સમીરને ઓટલો તો આપ્યો, પણ રોટલા માટે સમીરે મહેનત કરવાની હતી. તેમણે હિન્દીનાં ટ્યુશન આપવાનું શરૂ કર્યું. હિન્દી ફિલ્મ-મૅગેઝિન ‘માધુરી’ માટે તે કલાકારોના ઇન્ટરવ્યુ લેતા. એક ઇન્ટરવ્યુના ૫૦૦ રૂપિયા મળતા, જ્યારે અનજાન ગીતકારો સાથે સિટિંગ્સમાં જાય ત્યારે સમીરને લઈને જાય. એમ ન કહે કે મારો પુત્ર ગીતો લખે છે. તેનું ગીત બતાવીને પ્રોડ્યુસરને કહે, ‘આ મેં લખ્યું છે.’ કોઈ પ્રોડ્યુસર એ ગીત પસંદ ન કરે. આમ કરતાં લગભગ એક વર્ષ થવા આવ્યું. સમીરને ધીમે-ધીમે એક વસ્તુ સમજાઈ : ઇન્ડસ્ટ્રીમાં કામ મળવું બહુ મુશ્કેલ છે.
મારી સાથેની મુલાકાતોમાં એ દિવસોને યાદ કરીને દિલ ખોલીને વાતો કરતાં સમીર અનજાન કહે છે, ‘પિતા પ્રત્યેનો મારો આક્રોશ જતો રહ્યો હતો. હવે મને સમજાતું હતું કે શા માટે તે મને ઇન્ડસ્ટ્રીમાં આવવાની ના પાડતા હતા. મુંબઈ આવ્યા બાદ ૧૭ વર્ષના સંઘર્ષ પછી તેમનું નામ થયું. એ દરમ્યાન તેમણે કેટલી તકલીફ, કેટલી અવહેલના, કેટલાં અપમાન સહન કરવાં પડ્યાં હશે? કયો પિતા એમ ઇચ્છે કે પોતાનો પુત્ર આવી લાચારીમાં જીવન ગાળે?’
સમીર અનજાન ખૂબ જ નિખાલસતાથી પિતા અને પુત્રના સંબંધના તાણાવાણા ખોલી રહ્યા હતા. આ સંબંધ એવો છે કે જો એને નજાકતથી ન ખોલાય તો એવી ગાંઠ પડી જાય કે જીવનભર ઉકેલાય નહીં. પિતા પુત્રના ભવિષ્યની ચિંતા કરતા ક્યારે આપખુદ બની જાય છે એ કહેવાય નહીં. સામા પક્ષે પુત્ર નિર્ણય લેવાની પોતાની સ્વતંત્રતા સામે વિરોધ ઉઠાવતા પિતાની નજરમાં ક્યારે બળવાખોર બની જાય એ કહેવાય નહીં. સત્તા અને સ્વતંત્રતા વચ્ચેનો આ ગજગ્રાહ નિરંતર ચાલતો રહે છે. જૂજ કિસ્સાઓમાં સમજદારીથી પૂર્વગ્રહ રાખ્યા વિના બન્ને પક્ષ એકમેકના વિચારોનું સન્માન કરતા હોય છે. ક્યાંક વાંચ્યું હતું : ‘The day I realized my father was right, my son told me, ‘Daddy, you are wrong.’
નસીબજોગે પુત્ર સમીર અને પિતા અનજાન વચ્ચે સમજણનો સેતુ બંધાઈ ગયો. એ વાત કરતાં ગીતકાર સમીર કહે છે, ‘સમય જતાં અમે એકમેકના જિગરજાન મિત્રો બની ગયા. તેમના જીવનની એવી-એવી વાતો કરે કે મને ઝટકા લાગે. પોતાની પ્રેમકથા તેમણે મને વિસ્તારથી કહી. અમારી વચ્ચે કોઈ દીવાલ ન રહી. મૈંને ઉનકા ઐસા યારાના દેખા હૈ કિ પૂછો મત.’
પિતા ગીતોનાં સિટિંગ્સમાં, પ્રોડ્યુસરની ઑફિસોમાં, રેકૉર્ડિંગ વખતે જ્યાં પણ જાય ત્યારે પુત્રને સાથે લઈને જાય. આ કારણે પુત્ર સમીરને ઇન્ડસ્ટ્રીના ચલણનો, માણસોના સારા-નરસા વ્યવહારનો, રીતભાતનો પરિચય થતો. અંતે એ દિવસ આવ્યો જ્યારે સમીરનું ગીત પ્રોડ્યુસરને પસંદ આવ્યું. એ ઘટના યાદ કરતાં સમીર કહે છે, ‘ગુરુ દત્તના દીકરા તરુણની એક ફિલ્મ બનતી હતી. ટાઇટલ હતું ‘બિંદિયા ચમકેગી’. એમાં સિચુએશન પર મેં એક ગીત લખ્યું હતું : ‘તૂતી બજાઓ, બજાઓ શહનાઈ, આજ લુટા દૂંગા સારી કમાઈ’. (૧૯૮૪ની ફિલ્મના સંગીતકાર હતા આર. ડી. બર્મન. સુરેશ વાડકર અને લતા મંગેશકરે ગાયેલા આ ગીતનું ફિલ્માંકન અમજદ ખાન અને રેખા પર થયું. કલાકારો હતાં વિનોદ મહેરા અને રેખા.) ભલે આ ગીત ફિલ્મમાં અનજાનના નામે આવ્યું, પણ મને આનંદ થયો કે છેવટે ગીતકાર બનવાની મારી સફરની શરૂઆત તો થઈ.’
એ દિવસે પિતાજીએ મને કહ્યું, ‘હવે તું તારી રીતે મહેનત કર. આજથી તારે એકલા પ્રોડ્યુસરનાં ચક્કર કાપવાં પડશે. કોઈ જગ્યાએ હું તારી સિફારિશ નહીં કરું. અને હા, ક્યારેય આવીને એમ ન કહેતો કે હું ફસાઈ ગયો છું, મને મદદ કરો. એ દિવસે ઘરની બહાર નીકળી જવું પડશે.’
મારી રઝળપાટ શરૂ થઈ. પિતાજીને નામ કમાતાં ૧૭ વર્ષ થયાં. મારું શું થશે એની ખબર નહોતી. પિતાજીએ જે સંગીતકારો સાથે કામ કર્યું તેમની પાસે મારાં ગીતો લઈને જતો, પણ વાત બનતી નહોતી. કલાકોના કલાકો રાહ જોઈને બેસતો, પણ કોઈની પાસે વાત કરવાનો સમય નહોતો. લોકો વાયદો આપતા, પણ મોટા ભાગના એ પાળતા નહોતા. જીવનની કડવી વાસ્તવિકતા મને ડગમગાવી દેતી હતી.
એક દિવસ હું વીતેલા યુગના સંગીતકાર શ્યામ સાગર પાસે મારાં ગીતો લઈને ગયો. પિતાજીએ સંઘર્ષના દિવસોમાં તેમની સાથે કામ કર્યું હતું. તેમણે મારાં બે-ત્રણ ગીતો સાંભળ્યાં, પણ પસંદ ન આવ્યાં. મેં કહ્યું, ‘આ મારી ડાયરી છે. આમાં ઘણાં ગીતો છે.’ ડાયરી લઈને વાંચવાનું શરૂ કર્યું. થોડી જ મિનિટોમાં તેમને એટલો ગુસ્સો આવ્યો કે ડાયરી ફેંકી દીધી. કહે, ‘શા માટે તારા પિતાનું નામ ખરાબ કરી રહ્યો છે? આટલું ભણ્યો છે. કોઈ પણ જગ્યાએ સારી નોકરી મળી જશે. ફાંફાં મારવાનાં છોડી દે. હું લખીને આપું છું કે કોઈ દિવસ તું ગીતકાર નહીં બની શકે.’
એ ક્ષણે હું હચમચી ગયો. મનમાં થયું કે ‘ભગવાન, બસ મારું એક ગીત રેકૉર્ડ થાય અને અમીન સાયાનીની ગીતમાલામાં વાગે એટલી મહેરબાની કર. એ પછી હું મુંબઈ છોડીને બનારસ જતો રહીશ. મારે આનાથી વિશેષ કઈં જોઈતું નથી.’
તેમણે ફેંકેલી ડાયરી મેં ઉઠાવી અને ત્યાંથી બહાર નીકળ્યો. બિલ્ડિંગનાં પગથિયાં ઊતરતો હતો ત્યારે અચાનક પિતાજીની પંક્તિઓ યાદ આવી...
જગ અભી જીતા નહીં હૈ
તૂં અભી હારા નહીં હૈ
વો કહતે થે, ‘ફૈસલા હોને સે પહલે હાર મત સ્વીકાર કરના.’ મને થયું કે મારી કવિતામાં ગરબડ નથી, સામી વ્યક્તિની સમજણમાં ખોટ છે. મને નવો જુસ્સો આવ્યો. એ ક્ષણે એક એવી વ્યક્તિનું સ્મરણ થયું જેની સાથે મળીને પિતાજીએ લોકપ્રિય ગીતો આપ્યાં હતાં. તેમનું ઘર નજીકમાં જ હતું એટલે લગભગ દોડતાં-દોડતાં હું તેમના ઘરે પહોંચ્યો.
કોણ હતી તે વ્યક્તિ અને ત્યાં શું બન્યું એ વાત આવતા રવિવારે.
