અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના પવિત્ર દિવસથી અહીં ભગવાનના વિગ્રહને આખા શરીરે શીતળ ચંદનનો લેપ લગાડવાની ૯૫ વર્ષ જૂની પરંપરા આજે પણ એટલી જ શ્રદ્ધા સાથે જીવંત છે.
લક્ષ્મીનારાયણ ભગવાનનો આભલાનાં વસ્ત્રોથી કરેલો શણગાર, મંદિરમાં પ્રવેશતાંની સાથે નારાયણની સન્મુખ બેઠેલા ગરુડજી.
લક્ષ્મીનારાયણ મંદિરનું નામ આવે એટલે તરત જ મગજમાં સાઉથ મુંબઈના માધવબાગના લક્ષ્મીનારાયણ મંદિરની છબિ સામે આવે, પણ સાંતાક્રુઝ-વેસ્ટના ટાગોર રોડ પર આવેલું ૯૫ વર્ષ જૂનું લક્ષ્મીનારાયણનું મંદિર ભક્તિ, રાષ્ટ્રવાદ અને માનવસેવાનું જીવંત ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે
મુંબઈના કોલાહલ વચ્ચે ક્યારેય એવા સ્થળની મુલાકાત લીધી છે જ્યાં પગ મૂકતાંની સાથે જ વૈકુંઠ જેવી શાંતિનો અનુભવ થાય? સાંતાક્રુઝનું શ્રી લક્ષ્મીનારાયણ મંદિર એક એવું જ સ્થાન છે જે માત્ર શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર જ નથી, શિક્ષણ અને સેવાનું જીવંત ઉદાહરણ પણ છે. અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના પવિત્ર દિવસથી અહીં ભગવાનના વિગ્રહને આખા શરીરે શીતળ ચંદનનો લેપ લગાડવાની ૯૫ વર્ષ જૂની પરંપરા આજે પણ એટલી જ શ્રદ્ધા સાથે જીવંત છે. જેમ આપણે રહીએ એમ પ્રભુને રાખીએના નિર્મળ ભાવ સાથે શરૂ થતો આ ચંદન ઉત્સવ ભક્તો માટે સાક્ષાત્ વૈકુંઠનાં દર્શન સમાન બની રહે છે. માત્ર ધાર્મિક વિધિઓ જ નહીં, ગરીબ વિદ્યાર્થીઓ માટે રાત્રે ખુલ્લી રહેતી પાઠશાળા અને મેડિકલ સેવાઓ દ્વારા આ મંદિર સાચા અર્થમાં માનવસેવા એ જ માધવસેવાના મંત્રને ચરિતાર્થ કરી રહ્યું છે.
સ્થાપના કેવા સંજોગોમાં થઈ?
સાંતાક્રુઝના ટાગોર રોડ પર આવેલી પ્રખ્યાત પોદાર સ્કૂલનું નિર્માણ આનંદીલાલ પોદારે કરાવ્યું હતું. એ સમયે તેમના મનમાં વિચાર આવ્યો કે જો વિદ્યાલય બનાવ્યું છે તો સાથે મંદિરનું પણ નિર્માણ કરવું જોઈએ જેથી શિક્ષણ લેવા આવતાં બાળકો અને વાલીઓ ભક્તિના બહાને ભગવાનનાં દર્શન પણ કરી શકે. આ વિચાર સાથે આનંદીલાલ પોદાર, તેમના મિત્રો તુલસીદાસ ખીમજી, ભવાનજી કરસનદાસ અને હંસરાજ હરિના નેતૃત્વમાં આ મંદિરની સ્થાપના થઈ.
અનેક દેવતાઓનો વાસ
મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણજીનું ભવ્ય અને તેજોમય સ્વરૂપ બિરાજમાન છે. જોકે આ મંદિરની વિશેષતા એ છે કે અહીં વિવિધ સંપ્રદાયો અને આસ્થાનાં કેન્દ્રોનો સુંદર સમન્વય જોવા મળે છે. મુખ્ય મંદિર ઉપરાંત પરિસરમાં શ્રી ગણેશજી, શિવજી અને હનુમાનજીનાં અલગ મંદિરો છે. સાથે જ ભક્તો માટે સંતોષીમાતા, શીતળાદેવી, ગાયત્રીમાતા, અંબે ભવાની, તુળજા ભવાની, દત્તાત્રેય ભગવાન, તિરુપતિ બાલાજી, રામ દરબાર અને જલારામબાપાની દેરીઓ પણ બનાવવામાં આવી છે. સિંધી સમુદાયના આરાધ્યદેવ ઝૂલેલાલજી અને સાંઈબાબા પણ અહીં બિરાજમાન છે. દર બીજના દિવસે અહીં સિંધી ભક્તો ઝૂલેલાલ ભગવાનની વિશેષ આરતી કરવા આવે છે. મંદિરની બાજુમાં આવેલા પીપળાના ઝાડ પાસે નાગદેવતા સ્વયં પ્રગટ થયા હોવાની લોકવાયકા છે, જ્યાં વર્ષોથી નાગદેવતાની પૂજા અને શિવપૂજા કરવામાં આવે છે.
શીતળતાનો મનોરથ
આ મંદિરમાં અખાત્રીજનું મહત્ત્વ કંઈક વિશેષ છે. ઉનાળાની પ્રખર ગરમીથી ભગવાનને રક્ષણ આપવા માટે અક્ષય તૃતીયાના દિવસે ભગવાન લક્ષ્મીનારાયણના વિગ્રહ પર ચંદનનો શીતળ લેપ કરવામાં આવે છે. આ પરંપરા વિશે મંદિરના મુખ્યાજી ડૉ. ભાર્ગવ જોશી કહે છે, ‘અખાત્રીજથી ગંગા દશેરા સુધીના આશરે દોઢ મહિના સુધી દરરોજ ભગવાનને લેપ લગાવવામાં આવે છે. આ દરમ્યાન તેમને સફેદ સુતરાઉ વસ્ત્રો પહેરાવવામાં આવે છે અને ઠંડક માટે ખાસ પંખા તથા માટીના માટલાનું જળ ધરાવવામાં આવે છે. ભગવાનને ગરમી ન લાગે એ માટે પંખા દ્વારા ઠંડક આપવામાં આવે છે. આ દિવસે ભગવાનના હાથમાં પરશુરામ જયંતી નિમિત્તે પ્રતીકાત્મક શસ્ત્ર કુહાડી પણ ધરવામાં આવે છે.’
અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ દરમ્યાન અહીં વિશેષ પૂજા અને હવન થાય છે. ૨૦૨૬ના વર્ષમાં આવનારા અધિક જેઠ માસ માટે મંદિરે રથયાત્રા, કેરી મનોરથ, તુલસી વિવાહ, જન્માષ્ટમી અને વામન જયંતી જેવા અનેક ઉત્સવોનું ભવ્ય આયોજન કર્યું છે. શ્રાવણમાં હિંડોળા ઉત્સવ અને બેસતા વર્ષે અન્નકૂટનાં દર્શન માટે હજારોની મેદની અહીં ઊમટે છે. ખાસ કરીને જન્માષ્ટમીના દિવસે તો અહીં ૫૦૦૦થી ૬૦૦૦ હજાર જેટલા વૈષ્ણવો દર્શન માટે ઊમટી પડે છે. ચૈત્ર મહિનામાં ૩ દિવસના વિશેષ ઓખાહરણના પાઠનું આયોજન થાય છે.
સ્થાપત્યકલાની વિશેષતા
લક્ષ્મીનારાયણ મંદિરની સુંદરતા એની પવિત્રતામાં જ નહીં, એની બાંધણી અને કોતરણીમાં પણ છુપાયેલી છે. આપણે મંદિરની અંદર પ્રવેશ કરીને નજર ઊંચી કરીએ ત્યારે છત પરની કારીગરી મન મોહી લે છે. છત પરનું કામ જોઈને આપણું મન પ્રફુલ્લિત થઈ જાય છે. મંદિરની છત પર બરાબર વચ્ચે એક ગોળ ચક્ર જેવી રચના છે. એમાં ભગવાન શ્રીકૃષ્ણ અને ગોપીઓને નૃત્ય કરતાં બતાવવામાં આવ્યાં છે જેને આપણે રાસલીલા કહીએ છીએ. આ માત્ર એક ચિત્ર નથી, એક ઊંડો સંદેશ છે કે ભગવાન અને ભક્ત કઈ રીતે એકબીજા સાથે જોડાયેલા છે. છત પર વચ્ચે કમળના ફૂલ જેવી જે કોતરણી છે એને પદમશીલા કહેવામાં આવે છે. કમળ પવિત્રતાનું પ્રતીક છે. છતના ચારેય ખૂણાઓ અને પટ્ટીઓ પર ગાયો, કમળનાં ફૂલો અને હંસની આકૃતિઓ દોરવામાં આવી છે. આપણી સંસ્કૃતિમાં ગાયને માતા અને હંસને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. આ આકૃતિઓને શાસ્ત્રો મુજબ રૂપાંકન કહેવાય છે. આખા કોતરણીકામમાં સોનેરી, વાદળી અને હળવા લીલા રંગનો જે ઉપયોગ થયો છે એ રાજસ્થાનની પ્રખ્યાત મીનાકારી કળાની યાદ અપાવે છે.
રાષ્ટ્રભક્તિ અને અધ્યાત્મનો સંગમ
સામાન્ય રીતે આપણે મંદિરને માત્ર પૂજાપાઠ અને આધ્યાત્મિક શાંતિનું કેન્દ્ર માનતા હોઈએ છીએ, પણ લક્ષ્મીનારાયણ મંદિર આ વ્યાખ્યાને બદલે છે. આખો દેશ જ્યારે સ્વતંત્રતાદિન અને પ્રજાસત્તાક દિનની ઉજવણી કરે છે ત્યારે આ મંદિરમાં પણ ભગવાનનો શણગાર તિરંગા થીમથી કરવામાં આવે છે અને ઘરેણાં પણ તિરંગાના પહેરાવાય છે. ભગવાનને રાષ્ટ્રધ્વજના રંગોમાં સજાવવા એ એવો ભાવ પ્રગટ કરે છે કે આ દેશ અને એની આઝાદી ઈશ્વરના આશીર્વાદ સમાન છે. મંદિરમાં સવાર-સાંજ આરતી થાય એ તો સ્વાભાવિક છે, પણ અહીંની પરંપરા જરા હટકે છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ રાષ્ટ્રીય પર્વ દરમ્યાન આરતી પૂરી થયા બાદ તમામ ભક્તો સાથે મળીને રાષ્ટ્રગીત ગાય છે. મંદિરના પવિત્ર વાતાવરણમાં જન ગણ મનના સૂર ગુંજે છે ત્યારે ભક્તોને અનુભવાય છે કે તેમની ધાર્મિક આસ્થા અને નાગરિક તરીકેની ફરજ બન્ને એકસાથે પૂરી થઈ રહી છે. કોઈ પણ પરંપરા પાછળ એક મજબૂત પાયો હોય છે. આ મંદિરની રાષ્ટ્રભક્તિ પાછળ ડૉ. ભાર્ગવ જોશીના પિતાનો ફાળો છે. તેઓ ફ્રીડમફાઇટર હતા. આઝાદીની લડાઈમાં તેમણે જે સંઘર્ષ કર્યો અને દેશ માટે જે પ્રેમ રાખ્યો એ જ સંસ્કારો તેમણે મંદિરની સેવાપદ્ધતિમાં વણી લીધા. આજે ડૉ. ભાર્ગવ જોશી એ જ વારસાને આગળ ધપાવી રહ્યા છે, જેથી મંદિરમાં આવનારી નવી પેઢી પણ સમજી શકે કે દેશ પ્રત્યેનો પ્રેમ એ પણ ભક્તિનું જ એક સ્વરૂપ છે.
શિક્ષણ અને સેવાનું ધામ
મંદિરના વર્તમાન ટ્રસ્ટી ડૉ. પવનકુમાર પોદાર, અજયકુમાર પોદાર, જ્યોત્સ્ના પોદાર, મમતા પોદાર, હેમાંગિની મહેતા, જય ભાટિયા અને જયેશ ગાંધી બહુ સપોર્ટિવ છે. ઘણા મધ્યમ કે ગરીબ વર્ગના પરિવારો એવા છે જેઓ અત્યંત સાંકડાં ઘરોમાં રહે છે. આવા ઘોંઘાટિયા વાતાવરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એકાગ્રતા જાળવવી મુશ્કેલ હોય છે. આ સમસ્યાના ઉકેલરૂપે મંદિરે એક અનોખી પહેલ કરી છે. રાત્રે ૧૦ વાગ્યે મંદિરનાં દ્વાર ભક્તો માટે બંધ થાય છે ત્યારે એ વિદ્યાર્થીઓ માટે ખૂલે છે. સવારના પાંચ વાગ્યા સુધી મંદિરનું શાંત વાતાવરણ આ બાળકો માટે રીડિંગરૂમ બની જાય છે. મંદિરના મુખ્યાજી ડૉ. ભાર્ગવ જોશી નિવૃત્ત પ્રોફેસર છે અને અર્થશાસ્ત્રના જ્ઞાતા છે. તેમના પુત્ર પણ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સના પ્રોફેસર છે. પિતા-પુત્રની આ જોડી મંદિરે આવતા યુવાનોને કરીઅર વિશે મફત માર્ગદર્શન આપે છે. કયા ક્ષેત્રમાં આગળ વધવું અને કેવી રીતે સફળતા મેળવવી એ વિશેનું આ માર્ગદર્શન અનેક યુવાનોના જીવનની દિશા બદલી રહ્યું છે. અહીં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાત ડૉક્ટરો જેમ કે આંખના ડૉક્ટર, આયુર્વેદિક અને હોમિયોપથી પ્રૅક્ટિશનરો પોતાની સેવાઓ આપે છે. મેડિકલ ટ્રીટમેન્ટ અત્યારે મોંઘી બની રહી છે ત્યારે મંદિર દ્વારા પૂરી પાડવામાં આવતી આ મેડિકલ હેલ્પ અને પૅથોલૉજી સેવાઓ ગરીબ લોકો માટે મદદરૂપ બની રહી છે. શિક્ષણ અને સ્વાસ્થ્યની સાથે પાયાના સંસ્કારો પણ એટલા જ જરૂરી છે. મંદિરમાં નિયમિત ભગવદ્ગીતાના પાઠ અને બાળકો માટે ભજન મંડળીનું આયોજન થાય છે. આ પ્રવૃત્તિઓ પાછળનો મુખ્ય હેતુ એ છે કે આજની નવી પેઢી આધુનિકતાની દોડમાં પોતાની સંસ્કૃતિ અને નૈતિક મૂલ્યોને ભૂલી ન જાય.
