Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > વૅલેન્ટાઇન અને વેન્ટિલેટર શબ્દોમાં ઝાઝો તફાવત નથી

વૅલેન્ટાઇન અને વેન્ટિલેટર શબ્દોમાં ઝાઝો તફાવત નથી

Published : 08 February, 2026 02:25 PM | IST | Mumbai
Sairam Dave | feedbackgmd@mid-day.com

ઘણાબધાના માથાના વાળ ધોળા થવાથી વૃત્તિઓ સફેદ અને શાંત નથી થાતી, પરિણામે ઊંધે કાંધ એવા પડે કે જતી જિંદગીએ વાંહો કાબરો ને ગાલ લાલ થઈ જાય

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

લાફ લાઇન

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


જીવનના સંધ્યાકાળે કેટલાક વડીલોને સંધ્યાપૂજા કરતાં આડોશ-પાડોશની સંધ્યા અને પૂજાને નીરખવામાં જ રસ હોય છે. ઉંમર સાથે મૅચ્યોરિટી આવી જ જાય એવી કશી ગૅરન્ટી કોઈ આપતું નથી. આપણા દેશમાં વીસ વરસનો યુવાન સંન્યાસદીક્ષા લ્યે છે તો સાઠ વરસનાં વેવાઈ-વેવાણ સાથે છનનન થાય છે. મારા પાડોશમાં રહેતા એક કાકાને કેન્દ્રમાં રાખીને લખેલી એક હઝલ જે આમ તો ગુજરાતના ઘણા કાકાઓને લાગુ પડે છે. લ્યો મમળાવો:

મગજમાં ભર્યા છે બટાટા બટાટા



ચલો ખાઈ લઈએ કસાટા કસાટા


મારી શેરીમાં આવા એક ઍન્ટિક કાકા વસે છે. પુરાતત્ત્વ ખાતાવાળાએ બે-ત્રણ વાર કાકાને મ્યુઝિયમમાં રાખવા માટે માગણી પણ કરી છે, પરંતુ કાકીને ભાવ ઓછો પડે છે!

તે કાકાની તમામ હરકતો અનપ્રિડિક્ટેબલ હોય છે. સવારે વૉકિંગ કરવાનો તેમનો ચુસ્ત નિયમ છે. શેરીમાં સૂતેલા શ્વાનોને લાકડી અડાડવી, બેઠેલી ગાયની પૂંછડી મરોડવી, કોઈના ફળિયાની લાઇટ સવારમાં ચાલુ હોય તો બેલ મારી ઘરધણીને એ બંધ કરવા માટે જગાડવો અને સાથે વીજળી બચાવવા માટે નરણ્યા કોઠે લેક્ચર આપવું, દાતણ કરતાં-કરતાં સમવયસ્ક ડોશીઓને ‘જે શ્રી ક્રિશ્ન’ કહેવું, એકદમ બોખા અને બેસૂરા સ્વરે ‘જાગને જાદવા ક્રિશ્ન ગોવાળિયા...’ ગાતાં-ગાતાં આખી શેરી પર ત્રાસ ગુજારવો આ કાકાનો નિત્ય વૉકિંગ-ક્રમ હતો.


વળી અમારી સોસાયટીના છેડે એક હેડ કૉન્સ્ટેબલ જાદવસાહેબનું ઘર હતું. આ અકોણા કાકા એ જાદવસાહેબના ઘર પાસે જ ૩ મિનિટનો વૉકિંગ-હૉલ્ટ લઈને ‘જાગને જાદવા...’ ગાયા કરે. નાઇટ-ડ્યુટી કરીને આવેલા જાદવસાહેબ વિશાળકાય ફાંદ સાથે લુંગી પહેરીને ધોકા સાથે કાકા પાછળ દોડે. ત્યાર બાદ કાકાનું વૉકિંગ જૉગિંગ અને ફાસ્ટ રનિંગમાં પરિણમતું. આવાં દૃશ્યો શેરીમાં છાશવારે જોઈને મને કાયમ થાય કે આ કાકાના મગજમાં ચેતાતંત્રની જગ્યાએ બટાટા જ ભર્યા લાગે છે. વળી કાકાના દાંતે VRS લઈ લીધી છે, પણ સ્વાદે નહીં. સવારે નાસ્તામાં ચા સાથે મોળા સાટા અને રોજ સાંજે કલરફુલ કસાટા બે મોઢે આરોગવા એ કાકાનો નિત્યક્રમ બની ગયો છે.

અરે વડીલ તમને નેવુંમું બેઠું,

મૂકો જીભ કેરા ચટાકા ચટાકા!

તમે મોતિયાની જરા લાજ રાખો,

હવે તો શોધો ચટાકા ફટાકા!

ઘણાબધાના માથાના વાળ ધોળા થવાથી વૃત્તિઓ સફેદ અને શાંત નથી થાતી. ઍન્ટિક કાકા નેવું વરસે ઝોમાટોમાંથી ‘ડબલ ચીઝ માર્ગરિટા પીત્ઝા’ મગાવે છે. કાકી ઇરાદાપૂર્વક કાકાનું દાંતનું ચોકઠું સંતાડી લે છે. એમ છતાં હિંમત હારે તો કાકા શેના. શેરીનું ગલૂડિયું જેમ અસ્થિ-અવશેષ સાથે આખો દિવસ પસાર કરે છે કૈંક એવી જ રીતે આ કાકા ગોદડું ચાવતા હોય એમ પીત્ઝાને ચારેક કલાક સુધી ચગળ્યે રાખે.

કાકીને કાને ઓછું સંભળાય છે, પણ ‘ઓ’લી રીટાવાળો પીત્ઝા પાછો મગાવ્યોને?’ આવો છણકો જરૂર કરે છે. ઍક્ચ્યુઅલી વરસો પહેલાં કાકાની સગાઈની વાત સોસાયટીની સુંદર કન્યા ‘રીટા’ સાથે ચાલેલી જેનું બાળમરણ થઈ ગયેલું. રીટા સાથે કશુંક ખાવાનાં સપનાં હવે કાકા ‘માર્ગરિટા પીત્ઝા’ મગાવીને પૂરાં કરી રહ્યા છે. પોતાનો નેત્રમણિ બદલાવ્યો હોવા છતાં કાકાને પોતાની ‘મણિ’ એટલે કે મણિકાકી હજી વહાલી નથી લાગતી.

તમે ખાઈને રૂમમાં મૂળો પધાર્યા,

ગણ્યાતા બધાયે તડાકા ભડાકા

જરા ધીરે કાકા જૂનાં ગીત ગાઓ,

છે કાકીના કાને સબાકા સબાકા

કાકીની બહેરાશ કાકા માટે હળવાશ હતી. કાકીની બહેરાશનો લાભ લઈને કાકા લોન માટેની ઇન્ક્વાયરીનો ફોન આવે ત્યારે તે કન્યા સાથે પણ દીર્ઘ વાર્તાલાપ કરતા. ૧૫ મિનિટથી વધારે ફોન ચાલે ત્યારે કાકી સાવરણાને શસ્ત્ર બનાવીને કાકાની પાછળ છોડતા. ત્યારે કાકાને સમજાતું કે મણિ સાંભળે છે ઓછું, પણ સમજે છે ઝાઝું!

ધતૂરાનું ફૂલ દઈ દીધું કાકીમાને,

પછી ખાઈ લીધા ફડાકા ફડાકા

મગજમાં ભર્યા છે બટાટા બટાટા,

ચલો ખાઈ લઈએ કસાટા કસાટા

પત્નીને કઈ વસ્તુ આપવી, ક્યારે આપવી અને કેવી રીતે આપવી આ ત્રણ કૌશલ્ય જો પ્રત્યેક પતિ હસ્તગત કરે તો એ દામ્પત્યજીવન કદી કોર્ટે ન ચડે. વૅલેન્ટાઇન દિવસ પર પોતાના પ્રિય પાત્રને ફૂલ આપવાના ભાવ કાકાને નેવું વરસે પણ થયા. ‘કાકીમાં બહુ ખરચો છે’ આવું સતત કહેતા ફરતા કાકા કોઈ ખર્ચાળ ગુલદસ્તો ખરીદે એ વાતમાં શો માલ છે. કાકાએ સોસાયટીના જ એક નિર્જન પ્લૉટ પર ઊગેલા ધતૂરાનાં ફૂલોનો ગુલદસ્તો બનાવ્યો. વડા પ્રધાનશ્રીની આત્મનિર્ભર યોજનાને સાર્થક કરતા હોય એવા વહેમ સાથે કાકાએ ‘આઇ લવ યુ મણિ ડાર્લિંગ’ કહીને કાકીને વૅલેન્ટાઇન્સ ડે વિશ કર્યું.

ગોઠણ પર બેસીને એકરાર કરવાનું કાકાએ યુક્તિપૂર્વક ટાળ્યું, કારણ કે કાકાના બન્ને ઘૂંટણ રિપ્લેસ કરેલા હતા. ધતૂરાનો ગુલદસ્તો જોઈને કાકી ગિન્નાયાં. ધતૂરાની જેમ કાકા પર તૂટી પડ્યાં. વૅલેન્ટાઇન્સ ડેનાં નિશાન જે કાકાને યુવાનીમાં ચહેરા પર પડતાં એ વૃદ્ધાવસ્થામાં વાંહામાં પડ્યાં. તોય ભલું થજો કાકીનું કે તેમના હૈયામાં કરુણા પ્રગટી. નહીંતર વૅલેન્ટાઇન્સ ડે કાકા માટે ‘વેન્ટિલેટર ડે’ થઈ જાત.

Whatsapp-channel Whatsapp-channel

08 February, 2026 02:25 PM IST | Mumbai | Sairam Dave

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK