Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ક્યારેય વિચાર્યું છે, મોઢું ચડે પછી એ પાછું ક્યારે ઊતરે?

ક્યારેય વિચાર્યું છે, મોઢું ચડે પછી એ પાછું ક્યારે ઊતરે?

Published : 18 January, 2026 03:49 PM | IST | Mumbai
Sairam Dave | feedbackgmd@mid-day.com

ચડ-ઊતરનો આ જે ખેલ છે એ જીવનમાં એવો તો ચોંટી ગયો છે કે આપણને એમ થાય કે માણસ એકમાત્ર સ્થિતપ્રજ્ઞ છે, બાકી બધું ચડ-ઊતરમાં જ ચાલતું હોય છે.

સાંઈરામ દવે

લાફ લાઇન

સાંઈરામ દવે


‘મોઢું ચડાવવું.’ 
જ્યારે આ રૂઢિપ્રયોગ નાનપણમાં પહેલી વાર વ્યાકરણમાં ભણ્યો ત્યારે મારા બાળસહજ મનમાં પ્રશ્ન જન્મ્યો હતો કે જેમ ફૂલ ચડાવાય એ રીતે ‘મોઢું પણ ચડાવાતું હશે?’ આગળ જતાં ખબર પડી કે આ રૂઢિપ્રયોગ તો થિયરી કરતાં પ્રૅક્ટિકલ લાઇફમાં વધુ વપરાય છે.
‘જા તો બેટા, રસોડામાં જોઈને આવ તો તારી માનું મોઢું ચડેલું છે?’ 
પપ્પાએ એક વાર આવું મને પૂછ્યું. ત્યારે મમ્મીનું ચડેલું મોં જોવા રસોડામાં મેં દોટ મૂકેલી. મોઢું ચડ્યા પછી મોંના આકારમાં કશો ફરક પડતો હશે! આવી મારી ધારણા ખોટી પડી. કોઈને ભક્તિ ચડે છે, ઘણાને ક્રોધ ચડતો હોય છે, ઘણાને નશો ચડતો હોય છે, ઘણાને પાવર ચડતો હોય છે. કોઈને વીંછી ને સાપ ચડે છે. કોઈ ખુરશી પર ચડે છે તો કોઈના ઉપર ખુરશી ચડે છે. આમ જુઓ તો આપણી આસપાસ નરી આંખે દેખાતી નથી પણ આવી ચડ—ઊતર સતત ચાલુ જ રહે છે.
એક વાર મારું પાટલૂન ચડી ગયેલું. મારા ચાર આંગળ પગ ક્યારે વધી ગયા એની મને જ ખબર ન રહી. રમતી—જમતી—નમતી વખતે નાનપણમાં પાટલૂન દૂબળા દેહના લીધે અનેક વાર ઊતરી જતું પણ પહેલી વાર પાટલૂન ચડ્યું, જેનો મને આશ્ચર્ય સાથે આનંદ હતો.
મારો એક ભાઈબંધ ગયા ચોમાસે મને કહે, ‘સાંઈ, ઘરના છ દરવાજા વરસાદને લીધે ચડી ગયા છે. શું કરવું બોલ?’ 
‘ભાઈ, બારણાં સડે તો નવાં કરાવી લેવાય, ચડે તો કાઢી ન નખાય નહીંતર ઘર જાય ને ઓસરી રહે.’
‘પણ સાંઈ, દરવાજો નણ્યા કોઠે જ્યારે ખોલવા જાઉં ત્યારે સવાર-સવારમાં કો’ક સામેથી બારણું ખેંચીને ઊભું હોય એવી ફીલિંગ આવે છે!’
‘સવારમાં ઉપરાઉપરી બે વાર જોર કરવું ન પોસાય હોં! કલાક પછી હું મારા ઓળખીતા મિસ્ત્રીને લઈને આવું છું.’ 
ભાઈબંધને વચન આપી હું રવાના થયો. મારા એ ભાઈબંધના ઘરમાં છ દરવાજા અલગ-અલગ અવસ્થા પામીને સ્થિતપ્રજ્ઞ થઈ ગયા હતા. ઘરનો મુખ્ય દરવાજો અડધા હાથ જેટલો ખૂલ્યા બાદ જમીનની ટાઇલ્સને પપ્પી કરી બેઠો હતો. એ ખૂલ્યો પણ હલવાનું નામ લેતો નહોતો એટલે ભાઈબંધના ઘરમાં અડધા હાથના ખુલ્લા દરવાજામાં ત્રાંસા થઈને  પ્રવેશ મેળવવાનો હતો. 
‘ત્રાંસા માત્ર પ્રવેશને પાત્ર’ સૂત્રને આ પ્રથમ દરવાજે સિદ્ધ કર્યું હતું. બીજા ને ત્રીજા દરવાજા બારસાખે બોચીમાંથી પકડેલા હતા. એ બન્ને નીચેથી ખૂલતા હતા, પણ ઉપરથી જામ હતા. ચોથા ને પાંચમા દરવાજાનાં ચરણ જાણે મગરમચ્છે ઝાલી લીધાં હોય એમ એ ઉપરથી ખૂલતા હતા અને સ્ટૉપરથી નીચે જામ હતા. છઠ્ઠો દરવાજો એકદમ વિશિષ્ટ અને રહસ્યમય પરંપરાનો સીધી લીટીનો વારસદાર હતો. એ ક્યારેક ઉપરથી ખૂલતો તો નીચેથી જામ થઈ જતો ને ક્યારેક નીચેથી ખૂલે તો ઉપર જામ થઈ જતો. એ અદ્દલ રાજકારણી જેવો હતો. ભાઈબંધે છ બારણાંની આવી દુ:ખદ ઓળખ પરેડ કરાવી.
મિસ્ત્રીએ સીધા છઠ્ઠા બારણા પર તાકાત અજમાવી. પાંચ-સાત મિનિટના બળપ્રયોગથી એ બારણાનું હૅન્ડલ મિસ્ત્રીના હાથમાં આવી ગયું. ‘આ નવું નાખવું પડશે.’ 
એ પછી મિસ્ત્રીએ જે બધા કાંડ કર્યા એની વાત કરીશ તો માથું ચડી જાશે!
જે રીતે પગથિયાં ચડાય છે એ રીતે બારણું ચડવાનું હોતું નથી. શબ્દપ્રયોગ એક જ હોવા છતાં બન્નેના સંદર્ભ અલગ-અલગ છે. આ રીતે જુઓ તો કોઈ પણ સંગીતના કાર્યક્રમમાં તબલાં ઉસ્તાદ હથોડીથી તબલું ચડાવે છે. સ્વર પ્રમાણે ટીપી-ટીપીને ક્યારેક તબલું ઉતારવું પણ પડે છે. પતિદેવનું મોઢું ચડે ત્યારે પણ એમ જ! 
તો દરેક બાપ કરિયાવરમાં હથોડી અવશ્ય આપત. અમુક ઘરમાં તો એ હથોડી દીવાનખંડની ટિપોઈ નીચે તો અમુક ઘરમાં ઘરના દરવાજા પાસે ઇમર્જન્સી અલાર્મની જેમ ટિંગાડવી પડત.
મારી પત્નીએ લૉકડાઉનમાં મને ખાંડનો ડબ્બો ખોલી આપવાનું કહેલું. વાઇફ જ્યારે ઘરમાં બધાની વચ્ચે આપણને ડબ્બો પકડાવે ત્યારે આપણી મર્દાનગી દાવ પર લાગી જતી હોય છે. મારા નખ GPSCની પરીક્ષા દેતા હોય એવું મને લાગ્યું. પાંચેક મિનિટ બળ કર્યા પછી ડબ્બો તો સદ્નસીબે ખૂલી ગયો પરંતુ ત્યારે પત્નીએ મારા જ્ઞાનકોષમાં એક નવો શબ્દ ઉમેર્યો કે આ ડબ્બો દોઢે ચડી ગયો હતો.
‘આજે દાળ બહુ ચડી નહીં એટલે ફરી મગ ચડવા મૂક્યા છે. તમે ઍનિવર્સરી ઉપર લાવ્યા’તા એ કૉટનની સાડી ચડી ગઈ છે. બાબાનું પૅન્ટ પે’લા ધોણે જ ચડી ગ્યું ને આ તમે રોજ રાતે મોડા આવો છો એમાં કામવાળીનું મોઢું ચડી જાય છે...’
ઘરમાં દાખલ થતાં જ મને આ બધું સંભળાયું અને હું શૂન્યમનસ્ક થઈને મોઢું ચડાવ્યા વગર સોફા પર બેસી ગયો. ત્યાં એક પાડોશી અંકલે ઘરે આવીને તેના જમાઈને મારી ઓળખાણ આપી કે હું સાંઈરામ દવેને છેલ્લાં વીસ વર્ષથી ઓળખું, એની કારકિર્દી ચડી નહોતી ત્યારથી...! 
આ લે લે...!


Whatsapp-channel Whatsapp-channel

18 January, 2026 03:49 PM IST | Mumbai | Sairam Dave

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK