પ્રજાને હવે ચૂંટણીલક્ષી વાયદાઓ કે આકર્ષક ભાષણો નહીં પણ ગ્રાઉન્ડ લેવલ પર વ્યવહારુ ઉકેલો જોઈએ છે
પ્રતીકાત્મક તસવીર
તાજેતરમાં સોશ્યલ મીડિયા પર કૉક્રૉચ જનતા પાર્ટી નામની એક નવી રાજકીય પહેલને મળેલો આંધળો પ્રતિસાદ એક સ્પષ્ટ સંકેત છે કે દેશનો નાગરિક, ખાસ કરીને યુવા વર્ગ, પ્રવર્તમાન પરંપરાગત રાજકીય માળખાથી ક્યાંક ઊંડે-ઊંડે અસંતુષ્ટ છે અને પરિવર્તન ઝંખી રહ્યો છે. પ્રશ્ન એ થાય કે લોકો આટલી મોટી સંખ્યામાં એક અજાણ્યા વિકલ્પ તરફ શા માટે આકર્ષાઈ રહ્યા છે? જનતાના આ મનોભાવ પાછળનાં મૂળ કારણોને સમજવાં અતિ આવશ્યક છે.
લોકશાહીનું સાચું સૌંદર્ય એમાં છે કે સરકાર પ્રજાના હૃદયના ધબકારા સાંભળે, તેમની તકલીફોને સમજે અને સમયસર એનું નિવારણ લાવે; પરંતુ જ્યારે સામાન્ય માણસની મૂળભૂત સમસ્યાઓ શાસકો સુધી પહોંચતી જ નથી ત્યારે સમાજમાં અસંતોષ, આક્રોશ અને અવિશ્વાસનું વાતાવરણ ઊભું થવું સ્વાભાવિક છે. આજનો સરેરાશ ભારતીય નાગરિક અનેક મોરચે સંઘર્ષ કરી રહ્યો છે. ખાસ કરીને મધ્યમ વર્ગ અને સીમિત આવક ધરાવતો વર્ગ જાણે સતત અગ્નિપરીક્ષામાંથી પસાર થઈ રહ્યો છે.
ADVERTISEMENT
જ્યાં એક તરફ રોજબરોજ વધતી મોંઘવારીએ ઘરખર્ચનું બજેટ વેરવિખેર કરી નાખ્યું છે ત્યાં બીજી તરફ શિક્ષણના વ્યાપારીકરણને લીધે બાળકોનું શિક્ષણ એટલું મોંઘું થઈ ગયું છે કે સામાન્ય પરિવારો માટે એ વજ્રઘાત સમાન છે. જે શિક્ષણ ક્યારેક ઉજ્જવળ ભવિષ્યની ગૅરન્ટી ગણાતું હતું, આજે એ જ શિક્ષણનો ખર્ચ માતા-પિતાના ભવિષ્ય માટે ચિંતાનો વિષય બની ગયો છે.
આરોગ્યક્ષેત્રે પણ આર્થિક આફત કંઈ ઓછી નથી. આરોગ્યસેવાઓની સ્થિતિ પણ ચિંતાજનક છે. કોઈ ગંભીર બીમારીની સારવારનો ખર્ચ મધ્યમવર્ગીય પરિવારની આખી જિંદગીની બચત ગણતરીના દિવસોમાં સાફ કરી નાખે છે. આજે બીમાર પડવું એ માત્ર શારીરિક કષ્ટ નથી, આર્થિક પાયમાલીનું કારણ બની ગયું છે.
આજના યુગમાં લોકો માત્ર મોંઘવારીથી જ નથી પીડાઈ રહ્યા; ઘર, ગાડી, વેપારધંધા કે બાળકોના ભણતર માટે લીધેલી લોનના વ્યાજ અને EMIના ચક્રવ્યૂહમાં પણ ફસાયેલા છે. આવક મર્યાદિત છે અને ખર્ચ આસમાને છે. એવામાં ડિગ્રીઓ હાથમાં લઈને ફરતા ભણેલા-ગણેલા ઘણા યુવાનો આજે સાવ નજીવા પગારમાં કામ કરી રહ્યા છે અને તેમનો આ અસંતોષ બળતણમાં ઘી હોમવાનું કામ કરે છે.
વળી વૈશ્વિક સ્તરે વધતો તનાવ, યુદ્ધજન્ય માહોલ અને બજારોની અસ્થિરતા સામાન્ય માણસના મનમાં ભવિષ્ય પ્રત્યે ભય પેદા કરે છે. આજે નોકરી છે, કાલે રહેશે કે નહીં? આજના વેપારની કાલે શું પરિસ્થિતિ હશે? આવક સ્થિર રહેશે કે નહીં? સંતાનોનું ભવિષ્ય સુરક્ષિત રહેશે ખરું? આવા સવાલો માણસના મનને અંદરથી કોરી ખાય છે.
એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ વચ્ચે જીવતી જનતા પર ઉપરોક્ત બાબતોને લઈને માનસિક તનાવ સતત વધી રહ્યો છે. આ આર્થિક અને સામાજિક દબાણની સીધી અસર કમનસીબે પરિવારો અને પરસ્પર સંબંધો પર પડી રહી છે. જ્યાં પ્રેમ અને સહકાર હોવો જોઈએ ત્યાં આર્થિક ખેંચતાણને કારણે ચીડ, મતભેદ અને માનસિક અંતર વધી રહ્યું છે. આવી ગંભીર પરિસ્થિતિમાં પ્રજાની વહારે આવે એવા નેતાઓને લોકો શોધે છે, પરંતુ જનતાની પીડા દૂર કરવાને બદલે રાજકીય પક્ષો જ્યારે માત્ર એકબીજા પર આરોપ-પ્રત્યારોપની કાદવઉછાળ શૈલીમાં વ્યસ્ત રહે છે ત્યારે સામાન્ય માણસ ભારે હતાશા અનુભવે છે. પ્રજાને હવે ચૂંટણીલક્ષી વાયદાઓ કે આકર્ષક ભાષણો નહીં પણ ગ્રાઉન્ડ લેવલ પર વ્યવહારુ ઉકેલો જોઈએ છે.
આટલું ઓછું હોય એમ સરકારી તંત્રમાં વ્યાપેલી લાલ ફીતાશાહી અને ભ્રષ્ટાચાર સામાન્ય નાગરિકના હૃદય પર ઘેરા ઘા સમાન છે. જે કામ કાયદેસર અને સરળતાથી થવું જોઈએ એના માટે પણ લોકોએ સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે. ક્યાંક ફાઇલો અટવાય છે, ક્યાંક ડિજિટલ યુગમાં પણ પ્રક્રિયાના નામે વિલંબ થાય છે તો ક્યાંક ‘સિસ્ટમ’ સમજીને કામ કઢાવવા માટે વચેટિયાઓ (દલાલો)નો આશરો લેવો પડે છે. પરિણામે સામાન્ય નાગરિક માટે પોતાનો હક મેળવવો એ પણ એક મોટો જંગ બની જાય છે. આ પરિસ્થિતિનું સૌથી ગંભીર પાસું એ છે કે પ્રજા અને સરકાર વચ્ચે રાજકીય પક્ષોના કાર્યકરો અને નીચલા સ્તરના વહીવટી તંત્રના ક્લર્ક-કારકુન સ્તરના કર્મચારીઓનું અભેદ્ય પડ વાસ્તવિક જમીની હકીકત કે પીડાને છેક ઉપર સુધી પહોંચવા જ દેતું નથી. જનતાની અનેક ફરિયાદો રસ્તામાં જ દબાવી દેવાય છે અને સામાન્ય લોકોની વેદના રાજકીય સ્વાર્થના અંધારામાં ખોવાઈ જાય છે.
છેલ્લી વાત
જ્વાળામુખી ફાટે એ પહેલાં સરકારે જાગવાની જરૂર છે. અહીં વર્ણવેલી તમામ તકલીફોને કારણે દેશનો સામાન્ય નાગરિક અંદરથી અત્યંત પરેશાન છે. લોકો પોતાના મનમાં નિરાશા, ગુસ્સા અને અવગણનાનો એક સુષુપ્ત જ્વાળામુખી દબાવીને બેઠા છે. જો તેમની વાજબી સમસ્યાઓ સરકાર કે તંત્ર સુધી સીધી રીતે નહીં પહોંચે અને તેમની વાત સાંભળનારું કોઈ નહીં હોય તો એ દિવસ દૂર નથી જ્યારે આ દબાયેલો આક્રોશ કોઈક અલગ સ્વરૂપે વિસ્ફોટ બનીને બહાર આવશે. કૉક્રૉચ જનતા પાર્ટી તરફ લોકોનું આકર્ષાવું એ આ જ આક્રોશનું ડિજિટલ સ્વરૂપ હોઈ શકે છે.
સુશાસનનો અર્થ માત્ર કાગળ પર મોટી-મોટી યોજનાઓ જાહેર કરવાનો નથી પરંતુ છેવાડાના માણસ સુધી એનો વાસ્તવિક લાભ પહોંચે એ સુનિશ્ચિત કરવાનો છે. સમયની ડિમાન્ડ છે કે સરકાર અને વહીવટી તંત્ર જનતા સાથે સીધો, સરળ અને પારદર્શક સંવાદ સ્થાપે. નિયમિત લોકદરબાર યોજાય, ફરિયાદોનું ઑનલાઇન નિરાકરણ થાય, ભ્રષ્ટ તત્ત્વો સામે જવાબદારી નક્કી થાય અને સમયમર્યાદામાં ન્યાય મળે.
લોકશાહી ત્યારે જ દીપી ઊઠશે જ્યારે દેશના અંતરિયાળ ગામડામાં રહેતા નાગરિકને પણ એવો ભરોસો બેસશે કે આ દેશમાં મારી વાત પણ ગંભીરતાથી સાંભળવામાં આવે છે, કારણ કે ઇતિહાસ સાક્ષી છે કે જ્યાં સંવાદ મરી જાય છે ત્યાં અસંતોષ જન્મે છે અને જ્યાં અસંતોષને સતત અવગણવામાં આવે છે ત્યાં વિસ્ફોટ થાય, થાય અને થાય જ છે.
