Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઓછા પૈસે કામ કરવા તૈયાર થઈ ગયેલા નેપાલી દંપતીનું પોલીસ-વેરિફિકેશન ન કરાવવાનું ભારે પડ્યું થાણેના પરિવારને

ઓછા પૈસે કામ કરવા તૈયાર થઈ ગયેલા નેપાલી દંપતીનું પોલીસ-વેરિફિકેશન ન કરાવવાનું ભારે પડ્યું થાણેના પરિવારને

Published : 27 May, 2026 07:28 AM | Modified : 27 May, 2026 11:47 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૪૨.૨૦ લાખ રૂપિયાની મતા સાથે પિસ્તોલ-કારતૂસ લઈને ફરાર : પોલીસને ચોરીની માહિતી ૧૨ કલાક મોડી મળી એમાં આરોપીઓ બૉર્ડર ઓળંગીને નેપાલ ભાગી ગયા, હવે પકડવા લોખંડના ચણા ચાવવા પડશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


થાણે-ઈસ્ટના કોપરી ગામમાં આવેલા બે માળના આલીશાન બંગલામાં માત્ર ૧૫ દિવસ પહેલાં જ કામે રાખેલું નેપાલી દંપતી શનિવારે સાંજે ૪૨.૨૦ લાખ રૂપિયાની માલમતા ચોરીને ફરાર થઈ ગયું હતું, જેની માહિતી પોલીસને ઘટનાના ૧૨ કલાક બાદ મળી હતી. આ મામલે કોપરી પોલીસે ૬૭ વર્ષનાં હોટેલિયર મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આરોપીઓ પોતાની સાથે બંગલામાંથી લાઇસન્સવાળી પિસ્તોલ તેમ જ ૬ જીવંત કારતૂસ પણ લઈ ગયા હોવાથી આ મામલાની ગંભીરતા જોઈને ક્રાઇમ બ્રાન્ચે પણ સંયુક્ત તપાસ શરૂ કરી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે જબરદસ્ત પ્રયાસો કરીને આરોપીઓની માહિતી મેળવી નેપાલ બૉર્ડર સુધી તેમનો પીછો કર્યો હતો. જોકે પોલીસ ત્યાં પહોંચે એ પહેલાં જ આરોપીઓ સરહદ ઓળંગીને નેપાલ ચાલ્યા ગયા હોવાથી હવે તેમને પકડવા પોલીસ માટે લોખંડના ચણા ચાવવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં ફરિયાદીએ બન્ને નોકરોનું પોલીસ વેરિફિકેશન કરાવ્યું નહોતું.

શું હતી ઘટના?



કોપરી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર નિશિકાંત વિશ્વકારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બંગલાના માલિકનો પરિવાર ફરવા ગયો હોવાની તકનો લાભ ઉઠાવીને વિનોદ સાહી અને તેની પત્ની ભાવના બંગલામાં રાખેલા કબાટનાં તાળાં તોડીને ૪૨ તોલા સોનાના દાગીના, ૭.૨૦ લાખ રોકડા અને ફરિયાદીની લાઇસન્સવાળી પિસ્તોલ તેમ જ ૬ જીવંત કારતૂસ એમ આશરે ૪૨,૨૦,૦૦૦ રૂપિયાનો મુદામાલ ચોરી કરીને નાસી છૂટ્યા હોવાની માહિતી રવિવારે સવારે અમને મળી હતી. અમે તાત્કાલિક ઘટનાની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી તપાસ માટે ૪ ટીમની રચના કરી હતી.’


આરોપીઓ પહોંચી ગયા નેપાલ

કોપરી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર નિશિકાંત વિશ્વકારે કહ્યું હતું કે ‘તપાસ દરમ્યાન માલૂમ પડ્યું કે શાતિર આરોપીઓ બંગલાની અંદર લગાવેલા CCTV કૅમેરાનું DVR મશીન પણ પોતાની સાથે જ ઉઠાવી ગયા હતા જેથી કોઈ પુરાવો ન બચે. જોકે અમે આસપાસના વિસ્તારોના ૪૦૦થી વધુ CCTV કૅમેરાનાં ફુટેજ ચકાસીને આરોપીઓનો પીછો કર્યો હતો. અમને માહિતી મળી હતી કે આરોપીઓ નેપાલ તરફ ભાગી રહ્યા છે. એના આધારે બે ટીમ તાત્કાલિક નેપાલ બૉર્ડર પર મોકલવામાં આવી હતી, પરંતુ અમારી ટીમ ત્યાં પહોંચે એ પહેલાં જ આરોપીઓ સરહદ પાર કરીને નેપાલમાં પ્રવેશી ચૂક્યા હતા.’


પોલીસ વેરિફિકેશન કર્યા વગર હાઉસહેલ્પ રાખવાનું ભારે પડ્યું

જો હાઉસહેલ્પ રાખતી વખતે પોલીસ વેરિફિકેશન કરાવ્યું હોત તો આ મોટી ઘટના અટકાવી શકાઈ હોત એમ જણાવતાં કોપરી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર નિશિકાંત વિશ્વકારે કહ્યું હતું કે ‘આ બન્ને નેપાલી નોકરો બજારના ભાવ કરતાં ઓછા પગારે કામ કરવા તૈયાર થઈ ગયા હોવાથી પરિવારે લોભમાં આવીને તેમનું પોલીસ વેરિફિકેશન કરાવ્યું નહોતું અને સીધા કામે રાખી લીધા હતા. આરોપીઓ હાલ નેપાલમાં હોવાની પુષ્ટિ થઈ છે. જોકે એ બીજો દેશ હોવાને કારણે કાયદાકીય પ્રક્રિયા ખૂબ જ લાંબી છે, જે પૂરી કર્યા વિના તેમને ભારત લાવી શકાય તેમ નથી.’

Whatsapp-channel Whatsapp-channel

27 May, 2026 11:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK