ભારતમાં સ્ત્રીશિક્ષણ અને સ્ત્રીસશક્તીકરણની વાત જ્યારે પણ નીકળે ત્યારે SNDT વિમેન્સ યુનિવર્સિટીનું નામ સૌથી મોખરે આવે છે. ૧૧૦ વર્ષ પહેલાં રોપાયેલું એક નાનું બીજ આજે એક વિશાળ વટવૃક્ષ બની ગયું છે.
SNDT વિમેન્સ યુનિવર્સિટીનું ચર્ચગેટમાં આવેલું મુખ્ય કૅમ્પસ.
ભારતમાં સ્ત્રીશિક્ષણ અને સ્ત્રીસશક્તીકરણની વાત જ્યારે પણ નીકળે ત્યારે SNDT વિમેન્સ યુનિવર્સિટીનું નામ સૌથી મોખરે આવે છે. ૧૧૦ વર્ષ પહેલાં રોપાયેલું એક નાનું બીજ આજે એક વિશાળ વટવૃક્ષ બની ગયું છે. આવતી કાલના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે આ સંસ્થાના ગૌરવશાળી ઇતિહાસથી લઈને વર્તમાન સુધીની સફર પર એક નજર કરીએ
‘સંસ્કૃતા સ્ત્રી પરાશક્તિ’ સ્વર હમારા હૈ
વિશ્વ હૈ પરિવાર, ભારત ઘર હમારા હૈ
હમ નહીં હૈં દીન, કહતા કૌન હમ અબલા
હૈ સબલ સંસ્કૃતિ હમારી, હમ સભી સબલા
જ્યોતિ સે જગમગ હુઆ, અંતર હમારા હૈ
સ્વપ્ન ઠાકરસી હુઆ સાકાર હૈ ઇસમેં
મહર્ષિ કર્વે તપસ્યા - સાર હૈ ઇસમેં
હમ દિશાએં ઔર યહ દિનકર હમારા હૈ
‘સંસ્કૃતા સ્ત્રી પરાશક્તિ’ સ્વર હમારા હૈ
વિશ્વ હૈ પરિવાર, ભારત ઘર હમારા હૈ
ઉપર તમે જે વાંચ્યું એ SNDT એટલે કે શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી વિમેન્સ યુનિવર્સિટીનું ગીત છે. આંતરરષ્ટ્રીય મહિલા દિવસના અવસરે જ્યારે આપણે સ્ત્રીસશક્તીકરણની વાતો કરીએ છીએ ત્યારે આ યુનિવર્સિટીની નોંધ લેવી ખૂબ જરૂરી બની જાય છે. આ યુનિવર્સિટી ભારતની જ નહીં, પણ સમગ્ર દક્ષિણ-પૂર્વ એશિયાની પ્રથમ મહિલા યુનિવર્સિટી છે. આજે SNDT માત્ર આર્ટ્સ કે કૉમર્સ પૂરતી મર્યાદિત નથી. એન્જિનિયરિંગ, મૅનેજમેન્ટ, IT અને ફૅશન-ડિઝાઇનિંગ જેવાં ક્ષેત્રોમાં પણ અહીંની વિદ્યાર્થિનીઓ ડંકો વગાડી રહી છે. યુનિવર્સિટી મહિલાઓને માત્ર ડિગ્રી નથી આપતી, તેમને આર્થિક રીતે સ્વતંત્ર બનતાં શીખવે છે. અહીંથી ભણીને નીકળેલી મહિલાઓ આજે રાજકારણ, કલા, વિજ્ઞાન અને સામાજિક સેવાઓમાં નેતૃત્વ કરી રહી છે. અભિનેત્રીઓ રાની મુખરજી અને સોનાક્ષી સિંહા, ફૅશન-ડિઝાઇનર નીતા લુલ્લા, ન્યુટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકર વગેરે જેવા અનેક જાણીતા ચહેરાઓ SNDT વિમેન્સ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ રહી ચૂક્યા છે. SNDT વિમેન્સ યુનિવર્સિટી મુખ્યત્વે મહારાષ્ટ્રમાં સ્થિત છે જેનાં મુખ્ય કૅમ્પસ ચર્ચગેટ, જુહુ અને પુણેમાં આવેલાં છે. એ ઉપરાંત ૨૦૧૧માં શ્રીવર્ધન કૅમ્પસ રાયગડમાં અને હજી ૨૦૨૩માં જ ચંદ્રપુરમાં કૅમ્પસ શરૂ થયું છે. સત્તાવાર રેકૉર્ડ મુજબ SNDT વિમેન્સ યુનિવર્સિટી સાથે કુલ ૩૮૧ કૉલેજો જોડાયેલી છે. આ કૉલેજો મુખ્યત્વે મહારાષ્ટ્રમાં આવેલી છે પરંતુ એ ઉપરાંત ગુજરાત, આસામ, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ અને ગોવા જેવાં રાજ્યોમાં પણ વિસ્તરેલી છે.
ADVERTISEMENT

આજના આધુનિક અને સહશિક્ષણના યુગમાં SNDT જેવી મહિલા યુનિવર્સિટીની આવશ્યકતા છે ખરી? એનો જવાબ આપતાં પ્રો વાઇસ-ચાન્સેલર રુબી ઓઝા કહે છે, ‘ભારતમાં મહિલાઓ શિક્ષણ મેળવવા માટે અસંખ્ય સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક અવરોધોનો સામનો કરે છે. મહિલા યુનિવર્સિટીઓ શિક્ષણ મેળવવામાં રહેલી ઊંડી જડાયેલી રૂઢિચુસ્તતા અને લિંગ-પક્ષપાતને દૂર કરવામાં મદદ કરે છે. SNDT વિમેન્સ યુનિવર્સિટી ૧૧૦ વર્ષ જૂની છે અને હજી પણ અમને મુંબઈ જેવા શહેરમાં પણ પ્રથમ પેઢીના શીખનારાઓ મળે છે જેમને જો માત્ર મહિલાઓની યુનિવર્સિટી ન હોત તો ઉચ્ચ શિક્ષણ માટે મોકલવામાં આવ્યા ન હોત. આ યુનિવર્સિટીઓ સમાજમાં સ્ત્રીશિક્ષણ વિરુદ્ધ હજી પણ ટકી રહેલા વિવિધ અવરોધોનો સામનો કરે છે અને વિદ્યાર્થિનીઓની જરૂરિયાતો મુજબ તૈયાર કરેલું શિક્ષણ પૂરું પાડીને સામાજિક પરિવર્તન માટે કામ કરી રહી છે. જે મહિલાઓએ ખૂબ જ પ્રતિષ્ઠિત સહશિક્ષણ કૉલેજોમાં અભ્યાસ કર્યો છે તેઓ ગ્રૅજ્યુએશન અને પોસ્ટ-ગ્રૅજ્યુએશન માટે SNDT મહિલા યુનિવર્સિટીમાં આવે છે; કારણ કે તેમને શૈક્ષણિક શ્રેષ્ઠતા, કૌશલ્યવૃદ્ધિ અને નેતૃત્વવિકાસ સહિત વધુ સમાવિષ્ટ અને સહાયક વાતાવરણ મળે છે. તેમના મત મુજબ માત્ર મહિલાઓની સંસ્થાઓમાં તેમને તેમના વિચારો અને આકાંક્ષાઓ વ્યક્ત કરવા માટે જે જગ્યા મળે છે એનાથી ફરક પડે છે અને તેમને વિવિધ રીતે નેતૃત્વની ભૂમિકાઓ સંભાળવાની તક મળે છે. મહિલા યુનિવર્સિટીઓ માત્ર શિક્ષણનાં સૈદ્ધાંતિક પાસાંઓ પર જ ધ્યાન કેન્દ્રિત નથી કરતી, મહિલાઓમાં આંતરવ્યક્તિત્વ અને સૉફ્ટ સ્કિલ્સ પણ વિકસાવી રહી છે. આમ કરીને તેઓ નેતૃત્વ અને નિર્ણય લેવાની કુશળતામાં વધારો કરી રહી છે. મહિલા યુનિવર્સિટીઓ ખરેખર વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે વિશ્વમાં બહાર જવા માટે તૈયાર કરે છે. મેં સહશિક્ષણ ધરાવતી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કર્યો છે અને કામ કર્યું છે પરંતુ SNDT મહિલા યુનિવર્સિટીમાં મારા પોતાના ૨૦ વર્ષથી વધુના અનુભવના આધારે હું કહી શકું છું કે ભારતમાં ઓછાંમાં ઓછાં બીજાં ૧૦૦ વર્ષ સુધી ઉચ્ચ શિક્ષણ માટે માત્ર મહિલાઓની સંસ્થાઓની જરૂર રહેશે.’
બદલાતા સમયની માગ અને સ્ત્રીઓની બદલાતી મહત્ત્વાકાંક્ષા સાથે SNDT વિમેન્સ યુનિવર્સિટીએ એની શૈક્ષણિક પદ્ધતિમાં કયા પ્રકારના બદલાવ કર્યા છે એ વિશે વાત કરતાં રુબી ઓઝા કહે છે, ‘SNDT મહિલા યુનિવર્સિટીની ઉષા મિત્તલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજીએ ત્રણ વર્ષ પહેલાં જ BTech ઇન AI અને BTech ઇન ડેટા સાયન્સ શરૂ કર્યા હતા એટલું જ નહીં, આ વિષયોએ પરંપરાગત કાર્યક્રમોમાં પણ સ્થાન મેળવ્યું છે. અમે ચંદ્રપુરમાં BSc ઇન AI શરૂ કર્યું છે. અર્થશાસ્ત્ર, ભૂગોળ, મનોવિજ્ઞાન વગેરે જેવા વિષયોમાં પણ અમારા વિદ્યાર્થીઓને ડેટા ઍનૅલિટિક્સનું એક્સપોઝર મળી રહ્યું છે. ટેક્નૉલૉજી, ફાર્મસી, ઇકૉનૉમિક્સ, મૅનેજમેન્ટ, લૉ, મીડિયા સ્ટડીઝ, સાઇકોલૉજી વગેરેનાં અમારાં ઇન્સ્ટિટ્યૂશન્સ અને ડિપાર્ટમેન્ટ્સ મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓને તાલીમ આપી રહ્યાં છે. સહાયક વાતાવરણમાં ગુણાત્મક શિક્ષણ પૂરું પાડીને, અપસ્કિલિંગ, રી-સ્કિલિંગ અને સંશોધનની વૃત્તિ તેમ જ નવીનતા કેળવીને મહિલા સશક્તીકરણ શક્ય છે. આનાથી જૉબ-માર્કેટમાં મહિલાઓની ભાગીદારી કરવાની ક્ષમતામાં વધારો થશે, સંસાધનો પર તેમની પહોંચ અને નિયંત્રણ વધશે, તેમને યોગ્ય નોકરી મળશે અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં તેમનું વર્ચસ્વ વધશે. SNDT મહિલા યુનિવર્સિટીમાં અમે નોંધ્યું છે કે વિદ્યાર્થિનીઓ ખૂબ જ ઝડપથી આર્થિક રીતે આત્મનિર્ભર બનવા ઇચ્છે છે. અગાઉ તેઓ પોસ્ટ-ગ્રૅજ્યુએશન અથવા PhD જેવા ઉચ્ચ અભ્યાસક્રમો પાછળ લાગતી હતી પરંતુ હવે તેઓ પહેલાં જૉબ-ઓરિએન્ટેડ સ્કિલ કોર્સિસ કરવાનું પસંદ કરે છે અને પોસ્ટ-ગ્રૅજ્યુએશન કે PhD માટે પછીથી જવાનું વિચારે છે. તેઓ તેમની વ્યક્તિગત પસંદગીઓ અને જવાબદારીઓ પ્રત્યે વધુ જાગૃત બની છે. તેઓ માત્ર નોકરી મેળવવાને બદલે પોતાનો વ્યવસાય શરૂ કરવા વિશે પણ વિચારતી થઈ છે. આ આધુનિક યુગની મહિલાઓ અત્યંત આત્મવિશ્વાસુ છે અને એવું લાગે છે કે તેમણે આકાશ જેટલાં ઊંચાં લક્ષ્યો નક્કી કરી લીધાં છે.’
વર્તમાનમાં પવઈની બન્ટ્સ સંઘની એસ. એમ. શેટ્ટી કૉલેજનાં વાઇસ પ્રિન્સિપાલ અને ડૉ. લિજી સંતોષ પણ SNDT વિમેન્સ યુનિવર્સિટીનાં વિદ્યાર્થિની રહી ચૂક્યાં છે. પોતાનો અનુભવ જણાવતાં તેઓ કહે છે, ‘મેં મારું ડૉક્ટરલ રિસર્ચ (PhD) SNDT વિમેન્સ યુનિવર્સિટીના ચર્ચગેટ કૅમ્પસસ્થિત ડિપાર્ટમેન્ટ ઑફ ઇકૉનૉમિક્સમાંથી કર્યું છે. મારાં રિસર્ચ સુપરવાઇઝર યુનિવર્સિટીનાં વર્તમાન પ્રો વાઇસ-ચાન્સેલર ડૉ. રુબી ઓઝા હતાં. મેં અર્થશાસ્ત્રમાં એક રિસર્ચ સ્કૉલર તરીકે ઍડ્મિશન લીધું હતું, જે ૨૦૧૫માં PhD ડિગ્રી સાથે પૂરું થયું. મેં ૨૦૧૦માં PhD માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને ૨૦૧૪ સુધી મારું સંશોધન કાર્ય ચાલુ રાખ્યું. ત્યાર બાદ ૨૦૧૫માં મને ઑફિશ્યલી PhD ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. SNDT મહિલા યુનિવર્સિટીનો મારો અનુભવ ખરેખર સમૃદ્ધ રહ્યો છે. અમારા વિભાગે મને એક મજબૂત શૈક્ષણિક પાયો પૂરો પાડ્યો, જેમાં મારા રિસર્ચ-ગાઇડના માર્ગદર્શનનો મોટો ફાળો રહ્યો છે. મારું માનવું છે કે મહિલા યુનિવર્સિટીમાં સશક્તીકરણની એક અનોખી ભાવના જોવા મળે છે. કો-એડ સંસ્થાઓ કરતાં અહીં મહિલાઓને કોઈ પણ ખચકાટ વગર પોતાના વિચારો રજૂ કરવાની મોકળાશ મળે છે. ચર્ચાઓમાં લિંગભેદ ન હોવાને કારણે અમે મુક્તપણે અભિવ્યક્તિ કરી શકતા હતા, જેનાથી નેતૃત્વ લેવાનો અને ઍકૅડેમિક ક્ષેત્રે આગળ વધવાનો આત્મવિશ્વાસ મળ્યો. SNDTનું વાતાવરણ મહિલાઓને તેમનાં સપનાંઓ અને મહત્ત્વાકાંક્ષાઓ પૂરી કરવા પ્રોત્સાહિત કરે છે. એ આપણને સામાજિક રૂઢિચુસ્તતાથી આઝાદી આપે છે અને એવો મંચ પૂરું પાડે છે જ્યાં મહિલાઓ કોઈનાથી દબાયા વગર કંઈક નવું કરી શકે. SNDTએ મારા વ્યક્તિત્વને ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. એણે મને શિસ્ત અને વૈચારિક સ્પષ્ટતાનું મહત્ત્વ સમજાવ્યું. મારા સંશોધનને રજૂ કરવા અને એને સાબિત કરવાના પ્રયત્નોએ મારી વાતચીત કરવાની શૈલીને વધુ સચોટ બનાવી. આ ઉપરાંત સમાજ અને શિક્ષણજગતમાં સાર્થક યોગદાન આપવાની જવાબદારીની ભાવના પણ મારામાં જાગૃત કરી. PhDના એ કઠિન સંશોધન કાર્ય દરમિયાન વિચાર અને કાર્યમાં સ્વતંત્રતાની ખૂબ જરૂર હતી. એ વર્ષોના પડકારોએ મારા આત્મવિશ્વાસ અને નિર્ણય લેવાની ક્ષમતાને વધુ મજબૂત બનાવ્યાં. યુનિવર્સિટી દ્વારા આત્મનિર્ભરતા પર જે ભાર મૂકવામાં આવ્યો એણે જ મને આજે મારી કરીઅરમાં વિશ્વાસ સાથે નેતૃત્વની ભૂમિકા નિભાવવા માટે તૈયાર કરી છે. આજે જ્યારે હું પાછળ વળીને જોઉં છું ત્યારે સમજાય છે કે SNDT એ પાયો હતો જેના પર મારી વ્યવસાયિક સફર શરૂ થઈ છે. ત્યાંથી મળેલાં મૂલ્યો આજે પણ મને માર્ગદર્શન આપે છે.’
SNDT વિમેન્સ યુનિવર્સિટીની ટાઇમલાઇન
૧. પુણે કૅમ્પસ (સ્થાપના અને પ્રારંભિક વર્ષો)
૧૮૯૬ : મહર્ષિ ડૉ. ધોન્ડો કેશવ કર્વેએ પુણેના હિંગણે ખાતે વિધવાઓ અને અન્ય મહિલાઓને શિક્ષિત કરવા માટે એક આશ્રમ સ્થાપ્યો. તેમનો ઉદ્દેશ શિક્ષણ દ્વારા મહિલા સશક્તીકરણનો હતો.
૧૯૧૬: હિન્દુ વિધવા હોમ અસોસિએશન દ્વારા શરૂ કરાયેલી આ મહિલા કૉલેજ ૧૯૧૬માં વિધિવત્ રીતે ઇન્ડિયન વિમેન્સ યુનિવર્સિટી તરીકે સ્થાપિત થઈ. શરૂઆતમાં માત્ર પાંચ વિદ્યાર્થિનીઓ હતી.
૧૯૨૦ : સર વિઠ્ઠલદાસ ઠાકરસીએ તેમનાં માતા શ્રીમતી નાથીબાઈની સ્મૃતિમાં ૧૫ લાખનું માતબર દાન આપ્યું, જેનાથી યુનિવર્સિટીનું નામ શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી (SNDT) પડ્યું.
૧૯૨૧ : પુણેના એરંડવણે ખાતે યુનિવર્સિટીના બિલ્ડિંગ માટે ૨૪ એકર જમીનનો પ્લૉટ ખરીદવામાં આવ્યો.
૨. મુંબઈ - ચર્ચગેટ કૅમ્પસ (મુખ્ય મથક અને વિસ્તરણ)
૧૯૨૪ : મુંબઈમાં ફીડર સ્કૂલ તરીકે SNDT કન્યાશાળાની સ્થાપના કરવામાં આવી.
૧૯૩૧ : મુંબઈના ચર્ચગેટ કૅમ્પસ ખાતે SNDT કૉલેજ ફૉર વિમેનની શરૂઆત કરવામાં આવી.
૧૯૩૬ : યુનિવર્સિટીની વધતી જતી પ્રવૃત્તિઓને કારણે એનું મુખ્ય મથક કાયમી ધોરણે પુણેથી ચર્ચગેટ ખસેડવામાં આવ્યું.
૧૯૫૧ : ભારત સરકાર દ્વારા સ્પેશ્યલ ઍક્ટ હેઠળ SNDTને પૂર્ણ કક્ષાની યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો.
૧૯૬૩ : ચર્ચગેટ કૅમ્પસના જાણીતા પાટકર હૉલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન ભારતના તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુના હસ્તે કરવામાં આવ્યું.
૩. મુંબઈ - જુહુ કૅમ્પસ (આધુનિક વિકાસ)
૧૯૬૪ : મહારાષ્ટ્ર સરકાર દ્વારા યુનિવર્સિટીને મુંબઈના જુહુ વિસ્તારમાં કૅમ્પસ સ્થાપવા માટે જમીનનો પ્લૉટ ફાળવવામાં આવ્યો.
૧૯૬૪ (બાદમાં) : ડિપ્લોમા ઇન હોમ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટને ચર્ચગેટથી જુહુ કૅમ્પસમાં ખસેડવામાં આવી.
SVT કૉલેજ : જુહુ કૅમ્પસની પ્રથમ કૉલેજ તરીકે સર વિઠ્ઠલદાસ ઠાકરસી (SVT) કૉલેજ ઑફ હોમ સાયન્સની સ્થાપના થઈ.
વર્તમાન સ્થિતિ : આજે જુહુ કૅમ્પસ આધુનિક શિક્ષણનું કેન્દ્ર બની ગયું છે જ્યાં અનેક પ્રોફેશનલ કોર્સિસ ચલાવવામાં આવે છે. આ કૅમ્પસની જાણીતી SVT કૉલેજ હવે એક સ્વાયત્ત સંસ્થા છે.
મહિલા યુનિવર્સિટીના જનક વિશે
અગ્રણી સમાજસુધારક મહર્ષિ ડૉ. ધોન્ડો કેશવ કર્વેએ ૧૮૯૩માં ગોદુબાઈ (લગ્ન પછીનું નામ આણંદીબાઈ) નામનાં વિધવા સાથે લગ્ન કર્યાં હતાં. ગોદુબાઈ માત્ર ૮ વર્ષની ઉંમરે વિધવા થયાં હતાં. સ્ત્રીઓના અધિકારોની રક્ષા કરવા અને વિધવાવિવાહ સામેના સામાજિક કલંકને પડકારવા માટે તેમણે આ સાહસિક પગલું ભર્યું હતું. પોતે વિધુર હોવા છતાં એક વિધવા, જે તેમના ખાસ મિત્રની બહેન હતી, તેની સાથે લગ્ન કરવાનો તેમનો નિર્ણય એ સમયના રૂઢિચુસ્ત સમાજ માટે મોટો આંચકો હતો; જેના કારણે તેમને ભારે વિરોધ અને સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડ્યો હતો. મહર્ષિ કર્વેએ વિધવાવિવાહને પ્રોત્સાહન આપવા માટે વિધવા વિવાહ ઉત્તેજક મંડળની સ્થાપના ૧૮૯૩માં કરી હતી. આગળ જતાં તેમણે ૧૯૧૬માં ભારતની પહેલી મહિલા યુનિવર્સિટીની સ્થાપના પણ કરી હતી. તેઓ માનતા હતા કે વિધવાઓને માત્ર આશ્રયની નહીં પણ શિક્ષણના હથિયારની જરૂર છે જેથી તેઓ સમાજમાં તિરસ્કૃત થવાને બદલે સન્માનજનક સ્થાન મેળવી શકે. આનંદીબાઈ કર્વેનાં સામાજિક સુધારાનાં તમામ કાર્યોમાં તેમનાં મજબૂત ભાગીદાર રહ્યાં હતાં. ૧૯૫૮માં મહર્ષિ કર્વેની ૧૦૦મી વર્ષગાંઠે ભારત સરકાર દ્વારા તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા એટલું જ નહીં, તેમના સન્માનમાં ખાસ ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. આઝાદી પછીના ભારતમાં આ પ્રથમ પ્રસંગ હતો જ્યારે કોઈ જીવિત વ્યક્તિનો ચહેરો ટપાલ ટિકિટ પર સ્થાન પામ્યો હોય.
