Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જો ક્રિકેટ ધર્મ તો સિનેમા ભગવાન

જો ક્રિકેટ ધર્મ તો સિનેમા ભગવાન

23 October, 2021 05:09 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એવા સમયે આ સિનેમાને વધારે બળવત્તર બનાવવા માટે ત્રણ મુદ્દા પર ખાસ ધ્યાન આપવું જોઈએ, જેની આપણે આજે ચર્ચા કરવાની છે

જો ક્રિકેટ ધર્મ તો સિનેમા ભગવાન

જો ક્રિકેટ ધર્મ તો સિનેમા ભગવાન


આપણી પાસે મનોરંજન કે એન્ટરટેઇનમેન્ટ માટેનાં કેટલાં સાધનો? 
તમે બહુ મહેનત કરો તો પણ હરીફરીને બે જ સેક્ટર તમારી નજર સામે આવે - ફિલ્મ અને ક્રિકેટ. આપણા દેશમાં સૌથી વધુ કોઈ રમત રમાતી, જોવાતી કે ચર્ચાતી હોય તો એ છે ક્રિકેટ. ક્રિકેટ પર વાતો કરીને વ્યક્તિ આખો દિવસ પસાર કરી શકે અને તેને કંપની પણ આરામથી મળી જાય. ક્રિકેટ પછી જો કોઈ બીજું સેક્ટર હોય તો એ છે કે ફિલ્મ. કહો કે ક્રિકેટ ધર્મ છે તો સિનેમા આપણા માટે ભગવાન છે. આપણે ત્યાં ફિલ્મોનું લોકોને રીતસર ઘેલું છે. પછી એ થિયેટરમાં રિલીઝ થતી ફિલ્મ હોય કે OTT પ્લૅટફૉર્મ પર રિલીઝ થતી ફિલ્મ હોય. દુનિયામાં ફિલ્મ કે ક્રિકેટનો આટલો ક્રેઝ બીજે ક્યાંય નથી. આ બન્ને સેક્ટર આપણી પ્રાયોરિટીમાં ગોઠવાઈ ગયાં છે. તમે જુઓ, વર્ષ દરમ્યાન આપણી ટીમ મૅક્સિમમ ક્રિકેટ રમે છે અને આપણા પ્લેયર્સ સતત સોશ્યલ મીડિયા અને ન્યુઝમાં ચમકતા રહે છે તો બીજી તરફ આપણે ત્યાં ફિલ્મો માટે કોઈ સીઝન હોતી જ નથી. થ્રૂ-આઉટ યર આપણે ત્યાં ફિલ્મ બને છે અને રિલીઝ થાય છે.
સ્પોર્ટ્સ સાથે હું જોડાયેલો નથી એટલે હું બીજી વાત તો નહીં કરું, પણ ફિલ્મો સાથે જોડાયેલો છું એટલે એની વાત ચોક્કસ કહીશ. આપણી ફિલ્મોની માર્કેટ બહુ મોટી છે. ફક્ત હિન્દી કે ઇંગ્લિશ ફિલ્મોની વાત નથી કરતો, દરેક રીજનલ ફિલ્મ પણ એમાં આવી ગઈ. આપણે ત્યાં વર્ષે દહાડે ઓછામાં ઓછી સાતસોથી આઠસો ફિલ્મો બને છે. અફકોર્સ, કોવિડ પિરિયડમાં એમાં ઘટાડો થયો, પણ જો એ ન હોય કે આવતાં બે વર્ષ પછી એ તબક્કો નહીં હોય તો ફરીથી આટલી જ ફિલ્મો બનશે.
જ્યારે આટલી ફિલ્મો બનતી હોય ત્યારે સ્વાભાવિક રીતે એ ફિલ્મોમાંથી કોઈના પ્લસ પૉઇન્ટ હશે તો કોઈના માઇનસ પૉઇન્ટ પણ હશે. દરેક ફિલ્મનું બજેટ અલગ હોય છે અને દરેક ફિલ્મને કહેવાની રીત અને વાત પણ અલગ હોય છે. દરેક ફિલ્મને જોવાનો દૃષ્ટિકોણ પણ જુદો હોય છે અને એ ફિલ્મને જોવાની રીત પણ જુદી હોય છે. આપણે ત્યાં સૌથી મોટી ઇન્ડસ્ટ્રી જો કોઈ હોય તો એ હિન્દી ફિલ્મની છે. ઑલમોસ્ટ દરેક સ્ટેટ અને દરેક ભાષા બોલતી વ્યક્તિએ ફિલ્મો જુએ છે એટલે આપણે હિન્દી ફિલ્મોની જ વાત કરીએ. આ ફિલ્મો માટે મારે ઘણા સમયથી કેટલીક વાત કરવી હતી. આ ડિસ્કશન મને જરૂરી પણ લાગે છે. મારે જે પૉઇન્ટ પર ચર્ચા કરવી છે એની સાથે ક્યાંક ને ક્યાંક મેકર્સ અને વ્યુઅર્સ બન્ને સહમત પણ થશે.
સેન્સરશિપમાં ચેન્જ આવશ્યક
હા, મારો પહેલો મુદ્દો છે સેન્સરશિપ. આપણી દરેક ફિલ્મને સેન્સર પાસે મોકલવામાં આવે છે. બોર્ડ આ ફિલ્મ જુએ અને એમાં જરૂરી સુધારાઓ કરવાની સૂચના સાથે કટિંગ માટેનું લિસ્ટ મોકલે. મુદ્દો અહીંથી ઊભો થાય છે. આપણે ત્યાં બે જ પ્રકારનાં સર્ટિફિકેશન થાય છે. એક છે અઢાર વર્ષથી નીચેનું અને બીજું છે અઢાર વર્ષથી ઉપરનું. U - યુનિવર્સલ સર્ટિફિકેટ અને A - ઍડલ્ટ સર્ટિફિકેટ. U સર્ટિફિકેટ મેળવનારી ફિલ્મ દરેક ઑડિયન્સ માટે છે અને A સર્ટિફિકેટ જેને મળે છે એ ફિલ્મ અઢાર વર્ષથી વધારે વય ધરાવતા લોકો માટે છે. જોકે આજના સમયમાં આ રૂપરેખા ચાલે એમ નથી. કોઈ એવી ફિલ્મ છે જે મૅચ્યૉર ઑડિયન્સ માટે છે, અઢાર વર્ષથી ઉપરની ઉંમરની વ્યક્તિ વીસ કે બાવીસ વર્ષે પહોંચી હોય એનો અર્થ એ નથી કે તે એ ફિલ્મ જોઈ જ શકે. ના, જરા પણ નહીં. એ ફિલ્મ ૨પથી વધુ વયના જ જુએ એવી સૂચના સાથે આપણે સેન્સરની કૅટેગરીમાં એજ ગ્રુપ સેટ કરવાં જોઈએ. વેસ્ટર્ન દેશોમાં આ પ્રકારની સિસ્ટમ છે અને એનું કારણ એ છે કે એ લોકો ફિલ્મને સાઇકોલૉજિકલ સ્ટડી તરીકે પણ જુએ છે. ટેન્ડર એજમાં એવી કોઈ ફિલ્મ ન જોવાવી જોઈએ જે માનસપટ પર ખરાબ અસર ઊભી કરે. આ જ મુદ્દામાં એક બીજો મુદ્દો પણ આવે છે.
સેન્સરના સર્ટિફિકેટને ધ્યાનમાં રાખીને કેટલાં થિયેટરોમાં ઑડિયન્સ પર ધ્યાન રાખવામાં આવે છે અને એજનું પ્રૂફ માગવામાં આવે છે? સેન્સરના સર્ટિફિકેટની આમાન્ય જાળવવી એ થિયેટરમાલિકોની અને મૅનેજમેન્ટની જવાબદારી છે. જોકે એના પર ભાગ્યે જ ધ્યાન આપવામાં આવે છે.
મ્યુઝિકની બાબતમાં ગંભીરતા
હા, આ બીજો મહત્ત્વનો મુદ્દો છે અને આજના સમયમાં તો આ મુદ્દો ખરેખર મહત્ત્વનો છે. ઘણા મેકર્સને એવું લાગે છે કે ફિલ્મ હોય એટલે સૉન્ગ તો હોવાં જ જોઈએ. સૉન્ગ હોવાં અને સૉન્ગ ઘુસાડવાં વચ્ચે બહુ મોટો તફાવત છે. આપણે ત્યાં મ્યુઝિક બેરન્સ નક્કી કરે છે કે ફિલ્મનું મ્યુઝિક એ કેટલામાં ખરીદશે અને ફિલ્મમાં કેટલાં સૉન્ગ આવશે. એ સૉન્ગમાંથી કયું ગીત અબ્રૉડ પિક્ચરાઇઝેશન થશે અને પાર્ટી નંબર કોણ ગાશે એ પણ તે જ નક્કી કરે છે. ઠીક છે, વાંધો નથી. બિઝનેસ છે એટલે સ્વીકાર્યું, તો એ પણ એટલું જ સાચું કે સૉન્ગ વગરની ફિલ્મની કલ્પના આપણે ત્યાં શક્ય નથી. જોકે માફિયાગીરીનો કોઈ અર્થ નથી. 
જરૂરી નથી કે દરેક ઘટનાને સૉન્ગ સાથે એક્સપ્રેસ કરવામાં આવે. મ્યુઝિક મહત્ત્વનું ટૂલ છે અને એને કોઈ ભાષા નડતી નથી, પણ એ પછીયે એ ક્યાંય કનડગત કરનારું ન હોય એ તો જોવું જ રહ્યું. મ્યુઝિકની વાત વચ્ચે મારે કહેવું છે કે રીમિક્સની બાબતમાં પણ સજાગતા આવે એ જરૂરી છે. હદ બહારની ફાલતુ રીતે એ ગીતો ઘુસાડવામાં આવે છે. રીમિક્સથી પણ આગળ વધે એ રીતે હવે મ્યુઝિકમાં રેક્રીએશન પણ શરૂ થયું છે. સાઉથની ફિલ્મનું કોઈ હિટ સૉન્ગ પકડો અને પછી એના શબ્દો બદલીને ફિલ્મમાં ઘુસાડી દો. નહીં કરો યાર આવું બધું. આપણી પાસે સારા મ્યુઝિક ડિરેક્ટરો છે, સારા લિરિક્સ રાઇટરો છે અને સારા કાનસેનો પણ છે. એ બધાને નજર સામે રાખો અને મ્યુઝિકના ફીલ્ડમાં આવી ગયેલી માફિયાગીરીને બંધ કરો. તમે આર્ટના ફીલ્ડમાં છો. સારું આપવાનું કામ કરશો તો જ સારું મળવાનું શરૂ થશે. નીતિનિયમો બનાવો અને જો એ ન બને તો હવે સરકાર હસ્તક્ષેપ કરીને આ બધામાં જે કોઈ નિયમો લાવી શકતી હોય એ લાવે. આની તાતી જરૂર છે.
ક્રીએટિવિટીના નામે ઝીકમઝીક
ક્રીએટિવ લિબર્ટી. આ શબ્દનો સૌથી મોટો દુરુપયોગ અત્યારે જો કોઈ કરતું હોય તો એ ટીવી અને ફિલ્મોવાળા. આપણે વાત કરીએ છીએ ફિલ્મોની એટલે ફિલ્મ પૂરતા સીમિત રહીએ. ઇતિહાસને લગતી જ્યારે પણ વાત આવે છે ત્યારે ક્રીએટિવ લિબર્ટીનો એવો છૂટથી ઉપયોગ (અને દુરુપયોગ) થાય છે કે ઓરિજિનલ નામ જ અકબંધ રહ્યું હોય, બાકી બધું ઘરમેળે ઊભું કર્યું હોય. હમણાંનો જ દાખલો આપું તમને. સ્વાતંત્ર્યપર્વના દિવસોમાં ફિલ્મ ‘ભુજ - ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા’ આવી. હું કહીશ કે એ જોઈને ખરેખર એ ઘટના સાથે જોડાયેલા સાચા લોકોએ મેકર્સ પર કેસ કરવો જોઈએ. આવો ઇતિહાસ 
દૂર-દૂર સુધી ક્યાંય હતો નહીં, પણ એ પડદા પર આવી ગયો. કારણ, ક્રીએટિવ લિબર્ટી.
સિનેમૅટિક લિબર્ટીના નામે વાર્તા અને ઘટના સાથે એટલી છૂટ લેવામાં આવે છે કે ફાઇનલ પ્રોડક્ટ જોતી વખતે આપણને વિચાર આવે કે આવું તે કંઈ હોતું હશે? માનની વાત એક બાજુએ રહી, મેકર્સના કારણે આપણને ધિક્કાર છૂટે. તમારે કલ્પનાઓથી જ રમવું છે તો ‘બાહુબલી’ બનાવો, ફિક્શનલ કૅરૅક્ટર અને ફિક્શનલ દુનિયામાં પણ હકીકત સાથે કોઈ ચેડાં ન કરો અને એવું પણ ન કરો કે ખોટા પુરાવાઓ ઊભા થઈ જાય. ના, એવું પણ ન કરો. આજે તમે જુઓ, માઇથોલૉજિકલ કૅરૅક્ટર સાથે તો એવાં-એવાં ચેડાં કરવામાં આવે છે કે ફિક્શન રાઇટર પણ મૂંઝાઈ જાય.
સિનેમાલવર્સને ગમતી બધી સિનેમૅટિક લિબર્ટી લો; પણ વાત જ્યારે ઓરિજિનલ કન્ટેન્ટની આવે, સત્ય ઘટના કે પછી સાચી વ્યક્તિની આવે ત્યારે સત્ય હકીકતથી દૂર જવું એ રાષ્ટ્રીય દ્રોહથી સહેજ પણ નાની વાત નથી. આ મુદ્દાની સાથે જ હું એક બીજો મુદ્દો પણ જૉઇન્ટ કરવા માગું છું. પ્રોટેસ્ટ. આપણે ત્યાં વિરોધની માનસિકતા બહુ મોટા પાયે છે. આ માનસિકતા પણ ક્યાંક ને ક્યાંક તો પેલી સિનેમૅટિક લિબર્ટીને કારણે જ આવી છે. ભાવનાની બાબતમાં લોકો સેન્સેટિવ થયા છે, પણ બન્ને પક્ષ જો સેન્સિબલ બનશે તો લોકોએ વિરોધ નહીં કરવો પડે અને લોકો વિરોધ કરે એવું સિનેમાવાળા લોકો સાથે બનશે નહીં. આ બાબતમાં પણ સરકારે તાત્કાલિક કોઈ પગલાં લેવાં જોઈએ એવું મારું માનવું છે. જો આ ત્રણ મુદ્દા પર સરકાર હસ્તક્ષેપ કરશે તો સિનેમા ઇન્ડસ્ટ્રીને છે એના કરતાં પણ વધારે ગંભીરતાથી જોવામાં આવશે એ નક્કી છે.

 ક્રીએટિવ લિબર્ટી. આ શબ્દનો સૌથી મોટો દુરુપયોગ અત્યારે જો કોઈ કરતું હોય તો એ છે ટીવી અને ફિલ્મોવાળા. ઇતિહાસને લગતી જ્યારે પણ વાત આવે છે ત્યારે ક્રીએટિવ લિબર્ટીનો એવો છૂટથી દુરુપયોગ થાય કે માત્ર ઓરિજિનલ નામ જ અકબંધ રહ્યું હોય.


Whatsapp-channel Whatsapp-channel

23 October, 2021 05:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK