Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મીઠાઈની સાથે શબ્દોમાં પણ મીઠાશ અને દીવડા સાથે માનવતાની જ્યોત પ્રગટાવીએ

મીઠાઈની સાથે શબ્દોમાં પણ મીઠાશ અને દીવડા સાથે માનવતાની જ્યોત પ્રગટાવીએ

Published : 09 November, 2026 10:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બધા મને કહેતા હોય છે કે તમે બહુ મૃદુભાષી છો ત્યારે હું કહેતી હોઉં છું કે શબ્દોમાં મીઠાશ અને મૃદુતા તો હોવી જ જોઈએ. દિવાળીમાં મીઠાઈની સાથે વાણીમાં પણ મીઠાશ રાખવી જોઈએ.

હેમા શાહ

What’s On My Mind?w

હેમા શાહ


બધા મને કહેતા હોય છે કે તમે બહુ મૃદુભાષી છો ત્યારે હું કહેતી હોઉં છું કે શબ્દોમાં મીઠાશ અને મૃદુતા તો હોવી જ જોઈએ. દિવાળીમાં મીઠાઈની સાથે વાણીમાં પણ મીઠાશ રાખવી જોઈએ. તમે શું બોલો છો એ મહત્ત્વનું નથી, કઈ રીતે બોલો છો એ મહત્ત્વનું છે. બોલવાના આરોહ-અવરોહથી માણસને તમારાં કાળજી અને પ્રેમની પ્રતીતિ થતી હોય છે. 
તહેવારો આપણે પરિવાર સાથે ઊજવતા હોઈએ છીએ. લોકોને મીઠાઈ કે બોણી આપવા માત્રથી નથી ચાલતું, પણ તમારું એક મીઠું સ્મિત કોઈકનો દિવસ બનાવી શકે છે. તમારા સ્મિત અને મૃદુવાણીથી તમારી અંદરની લાગણી અને અનુકંપા પડઘાય છે. મારા પપ્પા કહેતા કે કોઈકનાં વખાણ કરો તો ૧૦૦ જણની સામે કરો અને ટીકા કરવી હોય તો એકલામાં કરજો. કોઈકની ભૂલ કાઢવી હોય તો સમજાવીને કહી શકાય. એનાથી તેને ખરાબ પણ ન લાગે અને તે એ વાત કાયમ યાદ રાખે. આ વાત બાળકોને શીખવવી બહુ જરૂરી છે.
બાળકોને મોટી ગિફ્ટ નહીં આપો તો ચાલશે, પણ સંસ્કાર આપવા જરૂરી છે. હું ગુજરાતી મીડિયમમાં ભણી હોવા છતાં દેશ-વિદેશમાં જઈને કામ કરી શકી છું એનું કારણ છે ભાષા પરનું પ્રભુત્વ. આપણી નવી પેઢીને પણ ગુજરાતી ભાષાનો આસ્વાદ આપવો જરૂરી છે. નવી પેઢીને હૅપી દિવાલી નહીં, શુભ દીપાવાલી કહીને વિશ કરીએ. વૉટ્સઍપમાં પણ ગુજરાતી શુભેચ્છા આપી શકો તો વધુ સારું. એ બહાને ગુજરાતીનો રણકો તેમના કાનમાં જશે. 
તમારી મહાનતા હોદ્દા, પદ, પ્રતિષ્ઠા કે પૈસાથી નથી થતી. તમે બીજાના જીવનને કેટલું સ્પર્શી શક્યા છો એ તમારા વ્યક્તિત્વની ખરી ઓળખ છતી કરે છે. તમારા જીવન થકી તમે બીજાના જીવનને સ્પર્શે એવું જીવ્યા છો કે એનાથી વ્યક્તિત્વનું ઊંડાણ મપાય છે. નાનામાં નાની મદદ અને પ્રેમભર્યું વર્તન કોઈકના જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. દરેક વ્યક્તિ પોતાના કામમાં વ્યસ્ત હોય છે. એવામાં કોઈને સાંભળવા એ પણ બહુ મોટી મદદ છે. મિત્રો, સહકર્મચારીઓ, તમારે ત્યાં કામ કરવા આવતા હેલ્પર્સની મૂંઝવણોને સાંભળો. કોઈકના દુઃખને સાંભળવાથી પણ તેમનું હૃદય હળવું થાય છે. તમે એક ગ્લાસ પાણી કે સાંત્વના આપો એ પણ પૂરતું છે. માનવતા એ જ સાચો ધર્મ છે અને બીજાના ચહેરા પર સ્મિત લાવવું જરાય અઘરું નથી. હું તો કહીશ કે એમાં જ મોટી સિદ્ધિ છે. પ્રેમ, સેવાભાવ, સંસ્કાર, હકારાત્મક અભિગમ અને લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવતા રહીએ એ જ દિવાળીની સાચી ઉજવણી કહેવાય. 
મારા પપ્પા કહેતા સારા વિચારો વ્યક્તિને સુંદર બનાવે છે, સારા સંસ્કારો વ્યક્તિને મહાન બનાવે છે અને સારાં કાર્યો વ્યક્તિને લોકોના હૃદયમાં જીવિત રાખે છે. નાનામાં નાના માણસને ખુશી આપી શકીએ અને જરૂરિયાતમંદને યોગ્ય સમયે મદદ કરી શકીએ એનાથી વિશેષ કશું જ નથી.

- હેમા શાહ



હેમા શાહ છેલ્લાં ૪૦ વર્ષમાં સેંકડો ટીવી અને સ્ટેજ-કાર્યક્રમોનું ઍન્કરિંગ કરી ચૂક્યાં છે. વેબ-ઍડ્સ અને ટીવી-કમર્શિયલ્સ માટે મૉડેલિંગ પણ કરી ચૂક્યાં છે. ઘાટકોપરની શેઠ ધનજી દેવશી રાષ્ટ્રીય શાળા, SVDD ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને ઝવેરબેન પોપટલાલ સભાગૃહ સાથે ૩૦ વર્ષથી સંકળાયેલાં છે અને હાલમાં માનદ સેક્રેટરી છે.


Whatsapp-channel Whatsapp-channel

09 November, 2026 10:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK