દિલ્હીમાં BJPની સેન્ટ્રલ ઑફિસે પૂજા અને હવન યોજાશે : રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન, કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ અને પ્રતિભા અડવાણી ઉપસ્થિત રહેશે
લાલ કૃષ્ણ અડવાણી
ભારતરત્ન, BJPના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણી આયુષ્યનાં ૯૯ વર્ષ પૂરાં કરીને આજે ૧૦૦મા વર્ષમાં પ્રવેશ્યા છે. આ પ્રસંગે આજે દિલ્હીમાં પક્ષની સેન્ટ્રલ ઑફિસે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
દિવાળીના પાવન પર્વ પર યોજાનારા આ કાર્યક્રમમાં BJPના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન, અડવાણીનાં પુત્રી પ્રતિભા અડવાણી અને કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ સહિત પક્ષના અનેક વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં લાલ કૃષ્ણ અડવાણીના પ્રેરણાદાયી જીવન, રાષ્ટ્ર પ્રત્યેનું સમર્પણ, સંગઠનમાં તેમનું યોગદાન અને જાહેર જીવનની દીર્ઘ યાત્રાને યાદ કરવામાં આવશે.
પક્ષ દ્વારા જાહેર કરાયેલી કાર્યક્રમની વિગતો અનુસાર સવારે ૧૦ વાગ્યે પૂજા અને હવન સાથે આ ઉત્સવનો પ્રારંભ થશે. એ પછી અડવાણીના જીવનના મહત્ત્વના પ્રસંગો અને તેમનાં ઐતિહાસિક ભાષણોના અંશો દર્શાવતી ૨૦ મિનિટની એક વિશેષ વિડિયો-પ્રસ્તુતિ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત વરિષ્ઠ આગેવાનોના અનુભવો અને સંસ્મરણો દર્શાવતા વિડિયો પણ સ્ક્રીન પર દર્શાવવામાં આવશે.
ત્યાર બાદ પ્રતિભા અડવાણી અને કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ સભાને સંબોધન કરશે. તેઓ વરિષ્ઠ નેતાના જીવન અને તેમની વિરાસત વિશે પોતાના વિચારો રજૂ કરશે. BJPના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન પણ આ પ્રસંગે સંબોધન કરીને રાષ્ટ્ર તેમ જ પક્ષના નિર્માણમાં દાયકાઓ સુધી અડવાણીએ ભજવેલી નિર્ણાયક ભૂમિકાને યાદ કરશે. પ્રસાદવિતરણ સાથે આ ગૌરવપૂર્ણ કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે.
