Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સ્પેશ્યલ ચિલ્ડ્રનની કળાને આત્મનિર્ભરતાનું આકાશ પૂરું પાડે છે માટુંગાની સંસ્થાની અનોખી ઝુંબેશ

સ્પેશ્યલ ચિલ્ડ્રનની કળાને આત્મનિર્ભરતાનું આકાશ પૂરું પાડે છે માટુંગાની સંસ્થાની અનોખી ઝુંબેશ

Published : 14 March, 2026 05:12 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજની ૧૧૪ વર્ષ જૂની સંસ્થા શેઠ ધનજી દેવશી કેળવણી ફન્ડ દ્વારા દિવ્યાંગ બાળકો માટે લેવાયેલું કલાત્મક ઇનિશ્યેટિવ લેખે લાગી રહ્યું છે

કાલાઘોડા એક્ઝિબિશનમાં સ્પેશ્યલ કિડ્સના આર્ટવર્કમાંથી બનાવેલી પ્રોડક્ટ્સ.

કાલાઘોડા એક્ઝિબિશનમાં સ્પેશ્યલ કિડ્સના આર્ટવર્કમાંથી બનાવેલી પ્રોડક્ટ્સ.


સાઉથ મુંબઈના પ્રતિષ્ઠિત કાલાઘોડા આર્ટ ફેસ્ટિવલમાં દેશભરના પ્રખ્યાત કલાકારોની કૃતિઓ જોવા મળે છે ત્યારે આ વખતે કેટલીક એવી પ્રોડક્ટ્સ જોવા મળી જે માત્ર સુંદર જ નહોતી, આશા અને સ્વાવલંબનનું પ્રતીક પણ હતી. કચ્છી વીસા ઓસવાળ (KVO) જ્ઞાતિની માટુંગાની ૧૧૪ વર્ષ જૂની સંસ્થા DDKF એટલે કે શેઠ ધનજી દેવશી કેળવણી ફન્ડ અને KVO અસોસિએશન ફૉર વેલ્ફેર ઑફ ડિસેબલ્ડ પીપલના સંયુક્ત ઉપક્રમે ચાલી રહેલી ‘તારે હમારે’ ઝુંબેશ આજે દિવ્યાંગ બાળકોના જીવનમાં નવો પ્રકાશ પાડી રહી છે. તારે હમારે ઝુંબેશનાં કર્તાહર્તા અને જે. જે. સ્કૂલ ઑફ આર્ટ‍્સમાં ભણી ચૂકેલાં આર્ટિસ્ટ કોકિલા ઈશરાણી આ વિશે કહે છે, ‘શરૂઆતમાં આ બાળકો માટે પેન્સિલ કે બ્રશ પકડવું પણ એક પડકાર હતો પણ આજે જ્યારે તેમની બનાવેલી વસ્તુઓ કાલાઘોડા જેવા મંચ પર વેચાય છે ત્યારે જે ગૌરવ તેમના અને તેમનાં માતા-પિતાના ચહેરા પર દેખાય છે એ જ અમારી સાચી સફળતા છે. અમારું ધ્યેય માત્ર વસ્તુઓ બનાવવાનું નથી પણ આ બાળકોને એવો અહેસાસ કરાવવાનું છે કે તેઓ પણ સમાજનું એક સક્ષમ અંગ છે અને આત્મનિર્ભર બની શકે છે.’
‘તારે હમારે’નો ઉદ્ગમ
‘તારે હમારે’ ઝુંબેશનો ઉદ્ગમ કઈ રીતે થયો એ વાતને જણાવતાં કોકિલાબહેન કહે છે, ‘તારે હમારે’ માત્ર એક પ્રોજેક્ટ નથી પણ દિવ્યાંગ બાળકો માટે ક્રીએટિવિટી દેખાડવાનું એક પ્લૅટફૉર્મ છે. છેલ્લાં ત્રણ વર્ષથી કાર્યરત આ ઝુંબેશ હેઠળ ૩૦ જેટલાં બાળકો જોડાયેલાં છે. જ્યારે આ ઝુંબેશ કાલાઘોડા આર્ટ ફેસ્ટિવલ જેવા મોટા મંચ માટે પસંદ થઈ ત્યારે અમને લાગ્યું કે અત્યાર સુધી માત્ર એક NGOની પ્રવૃત્તિ તરીકે ઓળખાતી આ ઝુંબેશને હવે એક ખાસ ઓળખ અને નામ મળવું જોઈએ. સ્પેશ્યલ બાળકો કોઈ સામાન્ય બાળકો નથી પણ આકાશમાં ચમકતા તારલા જેવા જ તેજસ્વી અને અનન્ય છે. આ જ વિચારધારાને કેન્દ્રમાં રાખીને એનું નામ ‘તારે હમારે’ રાખવામાં આવ્યું. એટલે કે આ એવા તારલા છે જે આપણી દુનિયાને પોતાની કળાના પ્રકાશથી રોશન કરે છે. આ નામ જેટલું સુંદર છે એનો લોગો પણ એટલો જ અર્થસભર છે. ‘તારે હમારે’નો લોગો કોઈ આધુનિક સૉફ્ટવેરથી નહીં પણ હાથેથી તૈયાર કરવામાં આવ્યો છે. મારી દીકરી ગ્રાફિક-ડિઝાઇનર છે, તેણે આ લોગોને બનાવવામાં મદદ કરી છે. હાથથી બનાવેલો લોગો એ વાતનું પ્રતીક છે કે આ સંસ્થામાં બનતી દરેક વસ્તુમાં બાળકોના હાથનો સ્પર્શ અને તેમની મહેનત જોડાયેલાં છે. આ લોગો જ ઝુંબેશની સાચી ઓળખ બની ગયો છે, જે હસ્તકલા અને લાગણીઓનું કૉમ્બિનેશન છે.’
તારે હમારેની સોશ્યલ ઇકોસિસ્ટમ
અગાઉ આ ઝુંબેશ કોકિલાબહેનના ભાઈ પંકજ વિશ્રાણી સંભાળતા હતા, જે હવે કોકિલાબહેન ફુલટાઇમ સમર્પણ સાથે આગળ ધપાવી રહ્યાં છે. ‘તારે હમારે’ માત્ર બાળકો સુધી મર્યાદિત નથી. મહિનામાં બે શનિવારે માટુંગાના વેલબાઈ સભાગૃહમાં યોજાતી વર્કશૉપમાં પેરન્ટ્સ પણ જોડાય છે એમ જણાવતાં કોકિલાબહેન ઝુંબેશ અંતર્ગત થતી પ્રવૃત્તિ વિશે વિગતવાર જણાવતાં કહે છે, ‘જે બાળકોને પેન્સિલ કે બ્રશ પકડતાં પણ નથી ફાવતું તેમને વૉલન્ટિયર્સ હાથ પકડીને શીખવે છે. દરેક વર્કશૉપમાં બાળકો માટે એક કિટ અને પેરન્ટ્સ માટે બીજી કિટ તૈયાર રખાય છે. જો ૩૦ બાળકો હોય તો વાલીઓની મદદથી ૬૦ પ્રોડક્ટ્સ તૈયાર થાય છે. શનિવાર એટલા માટે પસંદ કરાયો છે જેથી ટ્રેનમાં ભીડ ઓછી હોય અને નોકરી કરતા વાલીઓ પણ બાળકો સાથે આવીને આ પ્રવૃત્તિ એન્જૉય કરી શકે. બાળકો સૌથી પહેલાં પેપરની મોટી શીટ્સ પર ઍક્રિલિક કલર અથવા બ્લૉક પ્રિન્ટિંગથી આર્ટવર્ક કરે છે. જે બાળકોને બ્રશ પકડવામાં તકલીફ પડે છે તેમના વાલીઓ કે ભાઈ-બહેનો તેમનો હાથ પકડીને આર્ટમાં મદદ કરે છે. આ શીટ્સ તૈયાર થઈ જાય એટલે વૉલન્ટિયર્સ એનું ફિનિશિંગ કરીને એન્વલપ્સ બનાવી આપે છે. બાળકો જ્યારે કાગળ પર પેઇન્ટિંગ બનાવે ત્યારે એ આર્ટવર્કને કમ્પ્યુટરમાં હાઈ-રેઝલ્યુશનમાં સ્કૅન કરવામાં આવે છે. ત્યાર બાદ આ ડિઝાઇનને સિરૅમિક મગ્સ અને લાકડાની ટ્રે કે કોસ્ટર્સ પર પ્રિન્ટ કરાવવામાં આવે છે. આ રીતે બાળકની ઓરિજિનલ કળા કાયમી બની જાય છે. બાળકો સાદા કાપડ પર રેડિમેડ બ્લૉક્સની મદદથી ફૅબ્રિક કલરથી પ્રિન્ટિંગ કરે છે. આ પ્રિન્ટ થયેલું કાપડ જ્યારે સુકાઈ જાય ત્યારે એની પ્રોફેશનલ સિલાઈ માટે અન્ય મહિલામંડળો કે NGOને સોંપવામાં આવે છે. એમાંથી સ્લિંગ મોબાઇલ-બૅગ્સ અને ટ્રાવેલ-પાઉચ તૈયાર થાય છે. લાકડાની ટ્રે પર બાળકો હાથેથી પેઇન્ટિંગ કરે છે અથવા તેમના આર્ટવર્કનું લૅમિનેશન કરીને ટ્રેની અંદર ફિટ કરવામાં આવે છે, જે એને વૉટરપ્રૂફ અને ટકાઉ બનાવે છે. આ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે એ એકલો નથી ચાલતો. બાળકો જ્યારે પેઇન્ટિંગ કે પ્રિન્ટિંગનું કામ પૂરું કરે ત્યારે ફિનિશિંગ અને સિલાઈ માટે આ વસ્તુઓ અન્ય NGOને સોંપવામાં આવે છે. આનાથી બે ફાયદા થાય છે : ‘તારે હમારે’’નાં બાળકોને તેમની મહેનતનું વળતર મળે છે અને સિલાઈકામ કરનારા બીજા NGOના લોકોને પણ રોજગારી મળે છે. આમ આ એક આખી સોશ્યલ ઇકોસિસ્ટમ ઊભી થઈ છે.’
કાલાઘોડા ફેસ્ટિવલમાં મળી તક
કાલાઘોડા આર્ટ ફેસ્ટિવલમાં પહેલી વાર ભાગ લીધાનો અનુભવ શૅર કરતાં કોકિલાબહેન કહે છે, ‘બે વર્ષના સતત ફૉલો-અપ પછી જ્યારે કાલાઘોડામાં સ્ટૉલ મળ્યો ત્યારે એ આ બાળકો માટે દિવાળી જેવો ઉત્સવ હતો. આશ્ચર્યની વાત એ છે કે ફેસ્ટિવલના આયોજકોએ સંસ્થાની ભાવના જોઈને એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર સ્ટૉલ આપ્યો હતો. મટીરિયલનો તમામ ખર્ચ DDKF ઉપાડે છે અને વેચાણમાંથી જે નફો થાય છે એ પૂરેપૂરો બાળકો વચ્ચે વહેંચી દેવામાં આવે છે જેથી તેઓ આત્મનિર્ભર બની શકે. સ્ટૉલ પર બાળકો અને પેરન્ટ્સ પણ આવ્યાં હતાં ને ત્યાં પ્રોડક્ટ્સ ખરીદવા આવતા લોકો અને સેલિબ્રિટીઝ સાથે કેવી રીતે વાત કરવી જોઈએ એ શીખતાં હતાં. આ સાથે વૉલન્ટિયર્સનો બહુ સપોર્ટ હતો. પહેલાં વૉલન્ટિયર્સ ઊભા રહે અને પછી પેરન્ટ્સ તેમનાં કિડ્સ સાથે બૂથ પર રહે. એ રીતે અમે સ્ટૉલ પર મૅનેજમેન્ટ કર્યું હતું. લોકો તરફથી મળેલો પ્રતિસાદ અવિસ્મરણીય અને અદ્ભુત હતો. ફરી એક વાર મોકો મળે તો આવા આર્ટ ફેસ્ટિવલમાં ભાગ લેવો છે. ‘તારે હમારે’ સાથે જોડાઈને કેટલાક આર્ટિસ્ટનાં સપનાંઓ પણ સાકાર થયાં છે. એમાં સંગીતા ગડા અને પાયલ ગડા છે. પાયલ બોરીવલી રહે છે અને તે આર્ટ ઍન્ડ ક્રાફ્ટ કરે છે. કાલાઘોડામાં એક્ઝિબિટર તરીકે જોડાવાનું તેનું ડ્રીમ હતું અને તેણે એ જીવ્યું. સાથે સ્પેશ્યલ કિડ્સ સાથે પણ કામ કર્યાનો આનંદ છે. વૉલન્ટિયર્સ હંમેશાં કિડ્સના પડખે જ હોય છે. વર્કશૉપ્સમાં પણ અને એક્ઝિબિશનમાં પણ.’

DDKF સંસ્થા વિશે જાણવા જેવું
માટુંગાની પ્રતિષ્ઠિત DDKF સંસ્થા વિશે કોકિલાબહેન કહે છે, ‘કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજમાં શેઠ ધનજી દેવશી કેળવણી ફન્ડ (DDKF)નો મજબૂત પાયો છે. આ સંસ્થાની સ્થાપના ૧૯૧૨માં વેલજી લખમશી નપ્પુ દ્વારા કરવામાં આવી હતી. પોતે ઍડ્વોકેટ અને પોસ્ટ-ગ્રૅજ્યુએટ હોવાથી વેલજીભાઈએ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે એ હેતુથી ધનજી દેવશી સાથે મળીને આ સંસ્થા શરૂ કરી હતી. આજે DDKF વ્યાજમુક્ત એજ્યુકેશન લોન અને કરીઅર ગાઇડન્સ ક્ષેત્રે સમાજના સ્તરે નોંધપાત્ર કામ કરી રહ્યું છે.’ 
હાલમાં આ સંસ્થામાં કોકિલાબહેનના કઝિન અજય વિશરાણી મૅનેજિંગ ટ્રસ્ટી તરીકે કાર્યરત છે.



મારા દીકરામાં પૉઝિટિવ ચેન્જ આવ્યો : વૈશાલી સાવલા
મુલુંડમાં રહેતાં વૈશાલી સાવલાનો દીકરો ભવ્ય સ્પેશ્યલ ચાઇલ્ડ છે. તેઓ તેમના દીકરા-પુત્રવધૂ, પતિ અને નાના દીકરા સાથે રહે છે. ‘તારે હમારે’ ઝુંબેશ સાથે જોડાઈને કઈ રીતે ભવ્યનું જીવન ચેન્જ થયું એના વિશે જણાવતાં વૈશાલીબહેન કહે છે, ‘મારો દીકરો ભવ્ય ૨૫ વર્ષનો છે. તેનું માઇન્ડ સ્લો અને નાના બાળક જેવું ચાલે છે. તેને જ્યારે ફીટ આવે ત્યારે બધું જ ભૂલી જાય અને નવેસરથી બધું યાદ અપાવવું પડે. હું કોકિલાબહેનના ભાઈ પંકજભાઈને ઓળખતી હતી. એક વખત તેમણે મને કોકિલાબહેન વિશે જાણ કરી. તેઓ આર્ટિસ્ટ હોવા છતાં નિઃશુલ્ક વર્કશૉપ લેવાનાં છે એની ખબર પડી હતી. આમ તો સ્પેશ્યલ કિડ્સ માટે આવી વર્કશૉપ સારી તો હોય છે, પણ પરવડે એવી હોતી નથી. પણ મને અમારા જ સમાજની આર્ટ વર્કશૉપમાં જોડાવાની તક મળી. હું મુલુંડથી માટુંગા ભવ્ય સાથે દોઢ વર્ષથી આ વર્કશૉપમાં જાઉં છું અને ભવ્યમાં બહુ ચેન્જિસ આવ્યા છે. જે છોકરો કોઈની સાથે વાત કરવાનું પસંદ નહોતો કરતો, આજે તેને સોશ્યલાઇઝ થવામાં મજા આવે છે. બ્રશ પકડતાં નહોતું આવડતું તે ભવ્ય હવે બ્લૉક પ્રિન્ટિંગ્સ અને ઍક્રિલિક કલરથી ડ્રૉઇંગ કરે છે. ચિત્રની અંદર કલર પૂરતાં આવડી ગયું. સ્ટૉલ પર બેસવું કઈ રીતે, કોઈ પૈસા આપે તો ગણવા કઈ રીતે એ બધું જ શીખવાડ્યું. તે ઘરે પણ પોતાની રીતે કંઈ ને કંઈ આર્ટ કરતો રહે છે. મોતીનું ફૂલ બનાવતાં આવડે છે અને ઘરના કામમાં પણ થોડીઘણી મદદ કરે.’


બાળકો સાથે પેરન્ટ્સ પણ માઇન્ડથી ફ્રેશ થઈ જાય : સ્નેહલ ગાલા
વિદ્યાવિહારમાં રહેતો પીઅર રૉબિન સિન્ડ્રૉમ ધરાવતો બાવીસ વર્ષનો યક્ષ ગાલા પણ ‘તારે હમારે’ સાથે જોડાયેલો છે. આ સિન્ડ્રૉમમાં નીચું જડબું નાનું અથવા અવિકસિત હોય છે. યક્ષનાં મમ્મી સ્નેહલબહેન કહે છે, ‘યક્ષ પહેલાં બહુ પૅસિવ હતો, પણ આર્ટ વર્કશૉપમાં જોડાયા બાદ તે પોતાની રીતે ડ્રૉઇંગ કરતો થઈ ગયો છે. સ્ટૅમ્પ પેઇન્ટિંગ, કલર પેઇન્ટિંગ, ફ્લાવર, હાર્ટ, ટ્રી, સ્ટાર્સ બનાવીને સબમિટ કરી દે. પછી કોકિલાબહેન અને તેમની ટીમે યક્ષનું આર્ટવર્ક મગમાં પ્રિન્ટ કરાવ્યું હતું. એ જોઈને તે બહુ રાજી થયો. અહીં આવીને ફક્ત બાળકોને જ નહીં, પેરન્ટ્સને પણ બહુ સારું લાગે છે. એક વખત કોકિલાબહેને ફ્લુઇડ આર્ટની વર્કશૉપ ફક્ત પેરન્ટ્સ માટે રાખી હતી અને બધા જ પેરન્ટ્સ હોંશે-હોંશે જોડાયા હતા. અહીંનું વાતાવરણ અને કોકિલાબહેનનો સપોર્ટ ખરેખર માઇન્ડને ફ્રેશ કરી દે છે. ઘરની તમામ ચિંતાઓ અહીં આવ્યા બાદ ભુલાઈ જાય છે.’

‘તારે હમારે’ લાઇફ-ચેન્જિંગ છે : અંજલિ શાહ
માટુંગામાં રહેતાં ૫૮ વર્ષનાં આર્ટિસ્ટ અંજલિ શાહ ‘તારે હમારે’ ઝુંબેશ સાથે શરૂઆતથી જ જોડાયેલાં છે. માટુંગાના રાજારામ ક્લાસિસમાંથી ફાઇન આર્ટ‍્સ કરીને પછી ટેક્સટાઇલ ડિઝાઇનિંગ પણ તેમણે કર્યું છે. તેઓ જુનિયર અને સિનિયર KGમાં ભણતાં બાળકો માટે આર્ટ ક્લાસના સમર કૅમ્પ્સનું આયોજન કરે છે. ‘તારે હમારે’ સાથે વૉલન્ટિયર તરીકે પોતાનો એક્સ્પીરિયન્સ શૅર કરતાં તેઓ જણાવે છે, ‘DDKF સંસ્થા સાથે તો હું વર્ષોથી જોડાયેલી છું પણ દિવ્યાંગ બાળકોને આર્ટ શીખવાડવાની ભલામણ જ્યારે કોકિલાબહેને કરી ત્યારે હું થોડી નર્વસ થઈ ગઈ હતી. સ્પેશ્યલ કિડ્સને મારી વાત સમજાશે કે નહીં, હું તેમને બરાબર સમજાવી શકીશ કે નહીં એ ગડમથલમાં હતી પણ જ્યારે ‘તારે હમારે’ની જર્ની સ્ટાર્ટ થઈ ત્યારે ખરેખર બહુ મજા આવી. અત્યારે મારો રોલ બચ્ચાંઓને શીખવાડવાની સાથે તેમના માટે નવો અને સરળ આઇડિયા શોધવાનો છે. દરેક બાળકને ઇન્ડિવિજ્યુઅલી સમજીને તેમના માટે ટાસ્ક તૈયાર કરવાનું હોય છે. અત્યારે બાળકોને મારી સાથે અને મને બાળકો સાથે અટૅચમેન્ટ થઈ ગયું છે.’


ફ્યુચર ગોલ
અત્યાર સુધી ‘તારે હમારે’ મુખ્યત્વે KVO સમાજ પૂરતી જ હતી પણ હવે એને વિસ્તારીને સમગ્ર કચ્છી કમ્યુનિટીનાં સ્પેશ્યલ બાળકો સુધી પહોંચાડવાનો સંકલ્પ લીધો છે. બાળકોની મહેનતને બિરદાવવા માટે આજે ૧૪ માર્ચે માટુંગાના નપ્પુ હૉલ ખાતે આવેલા વેલબાઈ સભાગૃહમાં બાળકોની પ્રોડક્ટ્સ સેલ કરવા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

14 March, 2026 05:12 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK