Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > વ્યવહાર સજા નથી, સખ્ય છે

વ્યવહાર સજા નથી, સખ્ય છે

Published : 22 November, 2026 02:22 PM | Modified : 22 November, 2026 02:31 PM | IST | Mumbai
Dr. Dinkar Joshi

તમારી દીકરીનાં નણંદનાં સાસુ જામનગર મુકામે સ્વર્ગવાસ પામ્યાં છે અને તેમની વરસી વિધિ ફલાણી-ફલાણી જગ્યાએ અમુકતમુક તારીખે થશે.’

ડૉ. દિનકર જોષી

ઉઘાડી બારી

ડૉ. દિનકર જોષી


‍‍હજી હમણાં જ તમારી પાસે એક ખબર આવ્યા છે. આ ખબર તમારાં પત્ની સાંજે લક્ષ્મીનારાયણ મંદિરમાં દર્શન માટે ગયાં ત્યારે ત્યાંથી કોઈ સગાંસંબંધી આપે છે. ટૂંકમાં સમાચાર આ પ્રમાણે છે: ‘તમારી દીકરીનાં નણંદનાં સાસુ જામનગર મુકામે સ્વર્ગવાસ પામ્યાં છે અને તેમની વરસી વિધિ ફલાણી-ફલાણી જગ્યાએ અમુકતમુક તારીખે થશે.’

તમે ઘડીક વિચારમાં પડી જાઓ છો અને આ નણંદની આ મરનાર સાસુને યાદ કરવાનો પ્રયત્ન કરો છો. બે હાથ જોડીને ભગવાનને પ્રણામ કરો છો અને પછી પત્નીને પૂછો છો, ‘આ નણંદનાં સાસુ બરાબર સાંભરતાં નહોતાં એ તમને યાદ છે?’ પત્ની કઈ દીકરી અને કયાં નણંદ અને કયાં સાસુ બધી માહિતી આપે છે. તમને ઘડીક પછી બધું જ યાદ આવે છે. આ સાસુમા પાસે પોતે મહેમાન તરીકે રહેલા એ પણ યાદ આવ્યું. હવે પત્ની આગળ કહે છે, ‘તમારે આ વરસી વિધિમાં જવું પડશે. ગમે એમ તોય આપણી દીકરીના ઘરના કહેવાય.’



પત્યું. આવવા-જવાની ટિકિટ માટે મથામણ શરૂ થઈ, ચર્ચાઓ શરૂ થઈ, કઈ ટિકિટ ક્યારે મળે એની લમણાઝીંક શરૂ થઈ અને આ લમણાઝીંક પહેલાં બીજા એક ખબર પણ મોબાઇલ મારફત આવી ગયા. વાંચો આ સમાચાર:


‘તમારી પુત્રવધૂની ભાભીના કાકાના દીકરાનાં લગ્ન ફલાણી-ફલાણી તિથિ તારીખે છે. તમારે આશીર્વાદ આપવા પધારવાનું છે.’

પત્યું. એક ટિકિટની માથાકૂટ ચાલુ હતી ત્યાં બીજી ટિકિટની લમણાઝીંક શરૂ થઈ. લગ્નમાં ગયા વગર ચાલે નહીં. બે ટિકિટો જોકે મળતી નહોતી આવતી, પણ વચ્ચે ત્રણ-ચાર દિવસનો ગાળો હતો. મારાથી એકલા આવ-જા કરાય નહીં. જોકે પત્ની સાથે હતી, પણ તેમનેય એકલાં અવાય-જવાય નહીં એટલે કોઈક સાથે હોય તો જ બહારગામના ટ્રાફિક વચ્ચે ફાવે છે. એમાંય ઘૂંટણના ઑપરેશન પછી તો ખાસ ચલાતુંય નથી અને છતાં જવું તો પડશે જ, કારણ કે આ વ્યવહાર છે અને અમે હવે વડીલ થઈ ચૂક્યા હતા. કોઈ છોકરાઓને ધંધો-નોકરી છોડીને આવી અવરજવર કરવી ફાવતી નહોતી. થ્રી ટિયરને બદલે ટૂ ટિયર, એ ન મળે તો સ્લીપર કોચની ટિકિટ લાવશે અને જો એય ન મળે તો ફર્સ્ટ ક્લાસની લેવી પડશે પણ જવું તો પડશે જ, કારણ કે અમે વ્યવહારમાં છીએ.


આ વ્યવહાર એક જબરદસ્ત બર્બરક જીષ્ણુ (બાબરો ભૂત) છે. આ વ્યવહાર તમને ભારે મદદ કરે છે અને એ સાથે જ તમને ગળચીએથી પકડ્યા હોય તો છોડતો નથી. એની પકડમાંથી છૂટવું હવે જોકે થોડુંક નબળું પડ્યું છે, પણ વડીલો (મુરબ્બીઓ) અને ગઈ પેઢીના પ્રતિનિધિઓ હજી પણ આ બર્બરક જીષ્ણુની પકડમાંથી છૂટતા નથી.

કાલ અને આજ

આવા વ્યાવહારિક પ્રસંગોએ ગઈ કાલે સૌ એકત્રિત થતા અને પછી જે શોકનો પ્રસંગ હતો એમાં પરસ્પર સાંત્વન આપતા, હૈયાધારણ આપતા અને સૌ સાથે હોવાથી જે પરિવારમાં શોક આવ્યો હોય એ પરિવારને હળવાશ આપતા.

પણ હવે આજે એવું તો કંઈ છે નહીં. આજે આવવું-જવું એ ભારે કપરું કામ થઈ ગયું છે. એમાંય વડીલો માટે તો ક્યારેક એ સજારૂપ પણ થાય છે. એટલું જ નહીં, વડીલો સાથે તેમને દોરીને લઈ જવા માટે કોઈકે બે-ચાર દિવસનો સમય પણ મેળવવો પડે છે. આવો પ્રસંગ બહારગામ ન હોય અને મુંબઈ કે અમદાવાદ જેવા મહાનગરમાં હોય ત્યારે આ પ્રસંગે આવવું-જવું એ ભલે એક જ દિવસનું કામ હોય, પણ આ એક દિવસ પેલા વડીલોને થકવી નાખે એવો હોય છે. સવારથી સાંજ ટ્રાફિક અને પછી આરામ વિનાની દોડ. જ્યાં તમને કોઈ ભાગ્યેય ઓળખે એવા પ્રસંગે પણ તમારે વ્યવહાર સાચવવો પડે છે. અહીં યજમાનના મોઢે હરખ કરીને તમે આરામ કરવાનો એકાદ ખૂણો શોધી કાઢો છો. આમ છતાં હરખ કરવાનું ભૂલતા નથી. મરણ પ્રસંગને હવે સાદડી નથી કહેતા, પ્રાર્થનાસભા કહે છે. આ સારો શબ્દ છે. મરનાર જીવની શાંતિ એ પ્રાર્થના છે અને જેઓ મરનારની નિકટ રહ્યા હોય તેમણે આવી પ્રાર્થના કરવી પણ જોઈએ. આવી પ્રાર્થનાને હવે ગુણાનુવાદ સભા પણ કહે છે. સ્વર્ગવાસી વ્યક્તિ નરી સદ્ગુણી જ હોય એ જરૂરી નથી. જીવતરનાં વર્ષો દરમ્યાન તેમના ગુણ અને અવગુણ એ બન્નેનો આપણને વ્યવહારમાં અનુભવ થયો હોય છે, પણ હવે આપણને અવગુણ સંભારતા નથી. હવે તેમના આત્મા માટે આપણે પ્રાર્થના કરીએ છીએ અને એમાં માત્ર ગુણો જ સંભારીએ છીએ (ખોટા હોય તો પણ).

ચાંદલો તો કરવો પડે

લગ્નપ્રસંગે વર અને કન્યાના હાથમાં આપણે ભેટ આપીએ છીએ. આ ભેટ ખરેખર તો વર અને કન્યાના લગ્નપ્રસંગના હિસાબમાં જમા થતી હોય છે. કોણ કેટલો ચાંદલો આપે છે એનું પણ ત્રાંસી આંખે ધ્યાન રાખવામાં આવે છે. પોતાને ત્યાં આવો પ્રસંગ હતો ત્યારે અમુક સમય પહેલાં આ સામેવાળા લોકોએ શું ભેટ આપી હતી કે ચાંદલો કર્યો હતો એની નોટબુક તપાસવામાં આવે છે. આ તપાસકામ ભારે ઝીણવટભર્યું હોય છે. મારા ઘરે એ દિવસોમાં જો ૧૦૧ રૂપિયા આવ્યા હોય તો આજે અમારે એનું વળતર કરવું પડે, કારણ કે અમે વ્યવહારમાં છીએ. ભોજન સમારંભમાં સપરિવાર છે કે માત્ર એક કે બે જણ છે એની પણ તપાસ કરવામાં આવે છે. આટલું કર્યા પછી જ ચાંદલો નિશ્ચિત થાય છે.

કેટલાક સમાજમાં તો મરણ પ્રસંગની ધાર્મિક વિધિ વખતે પણ આવો વ્યવહાર કરવાની પ્રથા હોય છે. શ્રાદ્ધ વિધિ માટે જે કોઈ બેઠું હોય તેના કપાળે ચાંદલો કરીને તેના હાથમાં કેટલીક રોકડ રકમ મૂકવામાં આવે છે. મોટા ભાગે કોઈ ચીજવસ્તુ ભેટરૂપે અપાતી નથી.

દરેક સમાજમાં સમયે-સમયે વિધિવિધાનો અને વ્યવહારો બદલાતાં રહે છે, પણ વર્તમાન સમય ભારે ભીડભાડવાળો છે. અહીં રેલવેની ટિકિટ મેળવવી કે ટૅક્સીનો ઉપયોગ કરવો પહેલાંની જેમ સરળ નથી રહ્યું. ખાસ કરીને વડીલજનોએ પોતાની જાત અને સ્વાસ્થ્યને મુશ્કેલીમાં મૂકીને બીજા કોઈને વ્યાધિરૂપ થવું જોઈએ નહીં. આનો અર્થ એવો નથી કે આવા પ્રસંગોએ આપણે પરસ્પર આનંદ કે શોક વહેંચવા ન જોઈએ. પરસ્પર વહેંચણી સૌને ગમે છે, એનો અમલ પણ બને ત્યાં સુધી થવો જોઈએ; પણ એ સજા નથી - સખ્ય છે.

Whatsapp-channel Whatsapp-channel

22 November, 2026 02:31 PM IST | Mumbai | Dr. Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK