Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > કૉલમ > વાંચવું એટલે જે હાથ લાગ્યું એ વાંચવું નહીં, આપણને વધુ ઊંચે લઈ જાય એવું વાંચવું

વાંચવું એટલે જે હાથ લાગ્યું એ વાંચવું નહીં, આપણને વધુ ઊંચે લઈ જાય એવું વાંચવું

26 July, 2024 07:32 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તાજેતરમાં ગુજરાતી ભાષાના એક ઉત્તમ માસિક ‘કુમાર’ની શતાબ્દી નિમિત્તે એક સુંદર કાર્યક્રમ મુંબઈમાં ઊજવાયો હતો

પ્રતીકાત્મક તસવીર

સોશ્યોલૉજી

પ્રતીકાત્મક તસવીર


થોડા દિવસ પહેલાં છાપામાં એક નાનકડા સમાચાર વાંચ્યા હતા : ‘૨૨થી ૩૦ જુલાઈ સુધી રાજ્યમાં ઊજવાશે મહાવાંચન ઉત્સવ’. લગભગ ૧૭ જુલાઈએ આવેલા એ સમાચાર કેટલા લોકોની નજરે ચડ્યા હશે એ ખબર નથી, કેમ કે બીજા સમાચારોની જેમ રોજ-રોજ એને લગતા સમાચારો રિપીટ નહોતા થયા. વિદ્યાર્થીઓમાં વાંચનની ભૂખ અને આદત કેળવાય એવા ઉમદા હેતુથી મહારાષ્ટ્ર સરકારે આ મહાવાંચન ઉત્સવનું આયોજન કર્યું છે. મહારાષ્ટ્ર પ્રાઇમરી એજ્યુકેશન કાઉન્સિલે એક પોર્ટલ પણ બનાવ્યું હતું. એના વિશે પણ કેટલા વિદ્યાર્થીઓને જાણ હશે અને કેટલાએ એનો લાભ લીધો હશે એની જાણકારી તો હવે આવશે. જોકે પુસ્તકો અને વાંચનના માહોલમાં ઊછરેલા લોકોને વાંચનનો મહાઉત્સવ ઊજવવાના આ સમાચાર ખુશ કરી દેનારા છે.


તાજેતરમાં ગુજરાતી ભાષાના એક ઉત્તમ માસિક ‘કુમાર’ની શતાબ્દી નિમિત્તે એક સુંદર કાર્યક્રમ મુંબઈમાં ઊજવાયો હતો. ભરવરસાદી સાંજે પણ એ કાર્યક્રમમાં દૂર-દૂરથી લોકો હાજર રહ્યા હતા. એનું કારણ ‘કુમાર’એ પીરસેલી ઉચ્ચ કક્ષાની વાચનસામગ્રી હતી. કોઈ પણ અખબાર કે મૅગેઝિન કઈ રીતે શ્રેષ્ઠ સામગ્રી પીરસીને વાચકના કૅરૅક્ટર અને પસંદગીનું ઘડતર કરી શકે એનો ઉત્તમ નમૂનો ‘કુમાર’એ પૂરો પાડ્યો હતો.



એ સંબંધે કાંદિવલીમાં સુંદર સાહિત્યિક પ્રવૃત્તિઓ કરતી સંવિ​ત્તિ સંસ્થાના એક સ્થાપક કીર્તિભાઈએ કરેલી બે વાતો જાણવા અને માણવા જેવી છે. કિશોરવયે તેઓ સેકન્ડહૅન્ડ પુસ્તકો વેચતા એક કાકાની લારી પરથી પોતાના પૉકેટમનીમાંથી પુસ્તકો ખરીદતા. એક વાર ‘કુમાર’ મૅગેઝિન તેમને ત્યાંથી વાંચવા લઈ ગયા. એમાં એટલી બધી સરસ સામગ્રી મળી ગઈ કે તેઓ બીજા અંકો લેવા ગયા. દસ અંકોનો થોકડો પાંચ રૂપિયાનો. એટલા પૈસા તો હતા નહીં. તેમણે કાકાને એ અંકો બાજુ પર રાખવા કહ્યું. કાકાએ તેમને અંકો આપી દીધા. કહ્યું, ‘થાય ત્યારે પૈસા આપજે.’ કીર્તિએ પૂછ્યું, ‘હું પાછો નહીં આવું એવો તમને ડર નથી લાગતો?’ કાકાએ કહ્યું, ‘કુમારનો વાચક એવું કરે જ નહીં એની ખાતરી છે.’ બીજો એક પ્રસંગ. સ્કૂલમાં ગુજરાતીના શિક્ષકે ક્લાસમાં વિદ્યાર્થીઓને એક શબ્દનો અર્થ પૂછ્યો. કીર્તિની બાજુમાં બેઠેલા વિદ્યાર્થીને પૂછ્યો તો તેણે કીર્તિને કહ્યું, ‘સર, તને પૂછે છે.’ શિક્ષકે તરત કહ્યું, ‘તેને નહીં, તને પૂછ્યો છે. તે તો ‘કુમાર’ વાંચે છે.’ આવી હતી ‘કુમાર’માં પ્રગટ થતી વાચનસામગ્રીની શાખ. વાંચવું એટલે જે હાથ લાગ્યું એ વાંચવું નહીં; સારું વાંચવું, એક મનુષ્ય તરીકે અને એક નાગરિક તરીકે આપણને વધુ ઊંચે લઈ જાય એવું વાંચવું. તો જ વાંચન ઉત્સવ બની શકે જેને ઊજવીને આપણે ઊજળા થઈએ.


Whatsapp-channel Whatsapp-channel

26 July, 2024 07:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK