Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > નિંદા અનાથ છે એટલે જ સહાનુભૂતિપૂર્વક સૌ એને સાચવે છે

નિંદા અનાથ છે એટલે જ સહાનુભૂતિપૂર્વક સૌ એને સાચવે છે

Published : 16 August, 2026 08:02 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ખેડૂત ખેતરમાંથી નીંદામણ કાઢી નાખે, પણ આપણે આપણા જીવનમાંથી નકામી એવી નિંદા કાઢતા નથી

સાંઈરામ દવે

સાંઈરામ દવે


ખેડૂતે ખેતરમાં જે પાક વાવ્યો હોય એ સિવાયનું જે ઊગી નીકળે એ નીંદામણ કહેવાય. સમયાંતરે ઉદ્યમી ખેડૂત નીંદામણ વાઢી નાખે, નહીંતર લાંબા ગાળે પાક અને ખેતરને નુકસાની જાય. નીંદામણ ખેતર માટે હાનિકારક છે અને નિંદા જીવતર માટે. ગામના સરપંચ જશાભાઈથી માંડીને પ્રિયંકા જોનસ સુધીના લોકોની નિંદા કરવામાં આપણે પાવરધા છીએ.
હજારો વર્ષ પહેલાં રચાયેલાં આપણાં શાસ્ત્રોની વાર્તાઓ આજના જીવનના રોડમૅપનું દિશાસૂચન કરવા સક્ષમ છે, પરંતુ ક્યાંક આપણા DNAમાં ગુલામી ઘૂસી ગઈ છે. સ્વામી વિવેકાનંદ વાયા શિકાગો અપ્રૂવ્ડ થઈને આવે ત્યારે જ તેમને વધાવીએ છીએ. આપણા દેશનો કોઈ પવિત્ર સાધુ કે બ્રાહ્મણ કથા-વાર્તા કરે, પરંતુ એમાં આપણને બહુ ઇન્ટરેસ્ટ નથી પડતો. એની એ જ કોઈ અંગ્રેજીમાં કરશે તંઈ આપણે હરખુડા થઈને એને વધાવીશું. મિત્ર જય વસાવડાએ એક સુંદર વાત કહી, ‘સાંઈ, રામાયણમાં શક્તિશાળી રાવણ જે રામ-સીતાને અલગ ન કરી શક્યો એ કામ અયોધ્યાના એક કપડાં ધોનારા નિંદકે સુપેરે કરી બતાવ્યું.’ 
આ છે પાવર ઑફ નિંદાઝ! 
નિંદા કરવાની પ્રથમ શરત એ કે જે-તે વ્યક્તિ ત્યાં સદેહે હાજર ન હોવી જોઈએ. બીજું એ કે તે બહુ સફળ હોવી જોઈએ. ત્રીજું, તે વ્યક્તિ વિશે બધા સારું બોલતા હોવા જોઈએ.
પ્રથમ શરત મુજબ કોઈની ગેરહાજરીમાં તેની નિંદા કરવામાં નિંદકના ચહેરા પર વિજયસ્મિત લહેરાતું હોય છે. ઘણી વાર તો ધરતી પર હાજર ન હોય એવા લોકોની નિંદા કરતાં લોકો સહેજ પણ ખચકાતા નથી.
નિંદા એટલી હદ સુધી માનવસ્વભાવમાં વ્યાપી ચૂકેલી છે કે નરસૈંયાનું પ્રસિદ્ધ પદ ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ...’ કોઈ સરસ લલકારતું હોય એમાં ‘નિંદા ન કરીએ કોઈની રે...’ એ કડી આવે ત્યારે પણ અમુક શ્રોતાઓ ગાયકની નિંદા કરતા નજરે ચડતા હોય છે.
નિંદા એક એવો મધપૂડો છે જેમાં પાણો માર્યા પછી એની માખી તમને અચૂક કરડે છે. નિંદા એક એવો નેગેટિવ રોગ છે જે એક વાર લાગુ પડ્યા પછી એમાંથી છૂટવું લગભગ અશક્ય છે. એક સમયે ગામનો ચોરો અને પાનનો ગલ્લો નિંદાનું ઉદ્ગમકેન્દ્ર ગણાતા. વખત જતાં એમનું સ્થાન સોશ્યલ મીડિયાએ પચાવી પાડ્યું. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આવતાં ખાનગી નિંદકોને પ્રમોશન મળ્યું. તેમને પીળો પરવાનો મળી ગયો જેથી તેઓ વિશ્વકક્ષાની વિભૂતિઓને પણ નિંદતા થયા. તેમનું કામ અને સ્વાધ્યાય વધ્યાં. નિંદાએ નાનકડી શેરીમાંથી હવે ટ્રોલિંગનું વૈશ્વિક સ્વરૂપ લઈ લીધું.
નિંદાથી કોને શું ફાયદો થાય એ કોઈ શાસ્ત્રમાં ક્યાંય દર્શાવાયું નથી. કોઈની નિંદા કર્યા પછી પાચનક્રિયા સક્રિય થાય અને મસ્તિષ્કમાં ચેતાતંતુ વિકાસ પામે એવું પણ ક્યાંય મેડિકલમાં સંશોધિત થયું નથી તો પણ નિંદા એ આદિઅનાદિ કાળથી ચાલતી વાઇરલ પ્રવૃત્તિ છે. નિંદાનો જન્મ-કાળ તેમ જ માતા-પિતા, જ્ઞાતિ કે જાતિના સંદર્ભો કોઈ પુરાતત્ત્વવિદોને આજ સુધી પ્રાપ્ત થયા નથી. કદાચ નિંદા અનાથ છે એટલે જ સહાનુભૂતિપૂર્વક સૌ એને સાચવે છે અને ઉછેરી રહ્યા છે. આ અનાથ એવો અહેસાન-ફરામોશ છે કે પાલકને જ ડંખતાં સહેજ પણ શરમાતો નથી.
વ્યક્તિની અંદર નિંદા સુષુપ્ત જ્વાળામુખીની જેમ દબાઈને પડી હોય છે જે સમય થતાં દાવાનળની જેમ ભભૂકી ઊઠે છે. તાવ માપવાનું જેમ થર્મોમીટર હોય છે એવું નિંદા માપવાનું નિંદોમીટર શોધાવું ન જોઈએ?
નિંદા ચેપી છે. એકાદ જણ શરૂ કરે એ સાથે અન્ય આપોઆપ એમાં વણનોતર્યે જોડાઈ જાય. વળી અચરજની વાત એ છે કે કલાકો સુધી નિંદા કરવા છતાં થાકોડો વર્તાતો નથી. નિંદકને સહેજ પણ અશક્તિ જેવું લાગતું નથી.
ફેસબુકડાઓ, ઇન્સ્ટકૂકડાઓ જાગો! કોઈની પણ પોસ્ટ પર લાગલગાટ નિંદાની કૉમેન્ટુ કરવામાં ચેતજો. ગામને તરત ખબર પડી જાય છે કે આ બહેન કે ભાઈ સાવ વકવિહીન એટલે કે નવરા છે. બીજું, તમારી નિંદાથી સામા પક્ષે કશો ફરક પડતો નથી, માત્ર તમારો મોબાઇલ ડેટા વપરાય છે માટે હે સોશ્યલ મીડિયા પરના સફળ નિંદકો, પાછા વળો. શ્રેષ્ઠ નિંદા કરનારના સન્માનસમારંભો આજ સુધી યોજાયા નથી. નાનપણમાં વડીલો બહુ બોલકણા બાળકને કહેતા કે તારી જીભડીને કાબૂમાં રાખ. નિંદાથી પીડિત વ્યક્તિને વિનંતીસહ ભલામણ કે ‘તારાં ટેરવાં અને ટેગવાનું કાબૂમાં રાખ મિત્ર...! એમાં જ તારી ભલાઈ છે.’
નિંદાને વધુ ક્લિયર કરવા માટે દાદીમા પાસેથી સાંભળેલી એક વાર્તા કહું. એક નગરમાં એક રાજા હતો. ખૂબ સરસ રીતે રાજ્ય કરતો. પ્રજા તેને ખૂબ પ્રેમ કરતી. એક વાર રાજા વેશ બદલીને શિકારે ગયો. જંગલમાં ભૂલો પડ્યો. રસ્તો ભૂલેલો રાજા દિશાવિહીન થયો. ઘોડાની લગામ પકડીને રાજમહેલનો રસ્તો શોધતાં-શોધતાં તે જંગલમાં ભટકતો હતો. એવા સમયે એક સાધુ રાજા પાસે આવીને ‘ભિક્ષાનદેહી’ કરતા ઊભા રહ્યા. રાજાએ ભૂખ-તરસને લીધે પોતાનો સ્વાભાવિક વિવેક ખોયો. દિશાહીન થવાનો ગુસ્સો પેલા સાધુ પર ઉતાર્યો. અશ્વની જમીન પર પડેલી મુઠ્ઠી લાદ તેણે સાધુના ભિક્ષાપાત્રમાં નાખીને સાધુની નિંદા કરી.
સાધુ તો લાદની ભિક્ષા માથે ચડાવીને સ્મિત સાથે રવાના થઈ ગયા. થોડી વારમાં રાજાને મહેલનો રસ્તો મળી ગયો. પરંતુ આ શું? રાજાનો આખો મહેલ ઘોડાની લાદથી ખદબદતો હતો. મહેલમાં જ્યાં નજર પડે ત્યાં લાદ હતી. રાજાને તરત ભૂલ સમજાણી. તેણે કુળગુરુને સઘળી વીતક સંભળાવી.
કુળગુરુએ કહ્યું, ‘એક સાચા સાધુને તેં લાદ આપીને સતાવ્યા માટે તારો મહેલ લાદથી ખરડાયો. હવે તો લોકો જેમ-જેમ તારી નિંદા કરે એમ આ લાદ ઓછી થશે.’ 
રાજા મુશ્કેલીમાં મુકાયો. પ્રજા કેમ પણ કરીને રાજાની નિંદા કરવા તૈયાર નહોતી. તેથી લાદ મહેલમાંથી ઘટવાનું નામ નહોતી લેતી. રાજાએ એક યુક્તિ કરી. રાજાએ પોતાની જ ભત્રીજી સાથે લગ્ન કરવાનું ફરમાન કર્યું. આ સાંભળીને પ્રજામાં રાજાની બેફામ નિંદા શરૂ થઈ અને ધડાધડ મહેલની લાદ ગાયબ થઈ ગઈ. હવે રાજાના શયનકક્ષ પાસે એકાદ મૂઠી જેટલી લાદ જ વધી હતી. એ કોઈ પણ હિસાબે ગાયબ થતી નહોતી.
કુળગુરુએ કહ્યું, ‘રાજા, આ તારી નિંદાની લાદ છે. તેં સાચા સાધુની નિંદા કરી એટલે હવે તે સાધુ જો તારી નિંદા કરશે તો જ આ લાદ ગુમ થશે, નહીંતર તારે આ લાદ ખાવી પડશે. તો જ તને આ લાદના શાપમાંથી મુક્તિ મળશે.’
રાજાને પેલો સાધુ જંગલમાં ગોત્યો જડ્યો નહીં. અંતે શાપમુક્ત થવા સ્વયં રાજાએ એ મુઠ્ઠી લાદ ખાવી પડી. આ રાજા જેવું જો આજે આપણી સાથે થાય તો શું આપણે જીવનભર બીજું કશું ખાઈ શકીએ? 
શાંતિથી વિચારજો, જવાબ તમારે જ શોધવાનો છે.


Whatsapp-channel Whatsapp-channel

16 August, 2026 08:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK