Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મનની માંદગી કેમ પહોંચી રહી છે ઘેર-ઘેર અને ઠેર-ઠેર

મનની માંદગી કેમ પહોંચી રહી છે ઘેર-ઘેર અને ઠેર-ઠેર

Published : 18 June, 2026 12:17 PM | IST | Mumbai
Jayesh Chitalia

મેન્ટલ હેલ્થ ઉર્ફે મનની-માનસિક માંદગી વર્તમાન સમયનો બહુ મોટો અને ગંભીર પડકાર બનતો જાય છે

પ્રતીકાત્મક તસવીર

PoV

પ્રતીકાત્મક તસવીર


મેન્ટલ હેલ્થ ઉર્ફે મનની-માનસિક માંદગી વર્તમાન સમયનો બહુ મોટો અને ગંભીર પડકાર બનતો જાય છે. આ માંદગી દરદીઓને ખુદને પણ સમજતાં યા સ્વીકારતાં વાર લાગે છે. ઘણાને તો સમજાતી જ નથી, જ્યારે પરિવાર માટે પણ સમજવાનું કઠિન બને છે. આ માંદગીનાં કારણો અને એનું પ્રમાણ વધતાં જાય છે એમ સમાજજીવનમાં કાઉન્સેલિંગ, સાઇકોલૉજિસ્ટ અને સાઇકિયાટ્રિસ્ટનું મહત્ત્વ વધતું જાય છે. આને સમજવા આપણે આપણા મન પાસે જ જવું પડશે, મનને સમજવું પડશે. જોકે મનને સમજવું આસાન નથી.

આપણે ગયા વખતે શરીરની માંદગીની વાતો કરી. આ વખતે મનની માંદગીઓની વાત કરીએ; જે ક્યાંક શરીર કરતાં પણ વધુ ગંભીર હોય છે, મોટી યા લાંબી હોય છે અથવા કહો કે શરીર પર ભારે અસર કરનારી પણ હોય છે. શરીર તો ચોક્કસ સમય સૂઈ પણ જાય, મનનો કોઈ ભરોસો નહીં. શરીરની માંદગી દેખાય છે, મનની તો દેખાય ઓછી અને સમજાય પણ ઓછી. અમુક પ્રકારના ડૉક્ટરોને પણ એ સમજાતી નથી. પરિણામે આ માંદગીના ખાસ ડૉક્ટરો એટલે કે સાઇકોલૉજિસ્ટ અને/અથવા સાઇકિયાટ્રિસ્ટ પાસે જવું પડતું હોય છે. ત્યાં જવામાં આજે પણ આપણો સમાજ હજી પૂરતો જાગ્રત ન હોવાથી સંકોચ અનુભવે છે. પોતાના વિશે સમાજમાં યા નજીકના વર્તુળમાં-પરિવારમાં કે સગાંસંબંધી-મિત્રોમાં ગેરસમજ થશે એવો ભય અને ચિંતા પણ આવી માંદગીનો શિકાર બનેલાને થયા કરે છે. આજની મેડિકલ ભાષામાં એને ઍન્ગ્ઝાયટી, ડિપ્રેશન, સ્ટ્રેસ, ઍડિક્શન, ફિયર કે ઇનસિક્યૉરિટીની ફીલિંગ વગેરે કહેવાય છે. અલબત્ત, આવી મનની માંદગીઓનાં સંવેદનશીલ કારણો સંબંધો (રિલેશનશિપ), લાગણીઓ (ઇમોશન્સ)ની ખામીઓ અને અભાવ પણ હોય છે.



મનની માંદગી જીવનના કડવા અનુભવો, પડકારો અને સંઘર્ષ કે નિષ્ફળતામાંથી ઉદ્ભવે છે. શરૂમાં તો દરદી તો વ્યક્તિના પરિવારને પણ ખબર કે સમજણ પડતી નથી. દરદી પોતે પણ છુપાવે 
છે અથવા એની ઉપેક્ષા કરે છે કે પછી એને ટેમ્પરરી-કામચલાઉ બાબત માને છે.


વિદેશોમાં મેન્ટલ હેલ્થના કિસ્સાઓ મોટા પ્રમાણમાં હોય છે અને તેમની ડિમાન્ડ પણ જોરમાં રહે છે. છેલ્લાં થોડાં વરસોથી ભારતમાં આ બીમારી બાળકોમાં પણ પ્રસરી રહી છે. યુવા વર્ગમાં પણ આ રોગ અતિ ઝડપથી ફેલાઈ રહ્યો છે. બાકી ઘડપણના ઇશ્યુ વળી સાવ જુદા. અલબત્ત, હવેના સમયમાં મનોરોગ ઘરે-ઘરે, ઑફિસ-ઑફિસ, સંબંધ-સંબંધમાં પ્રસરતો જાય છે. વ્યક્તિ જેટલી વધુ ઇમોશનલ-સંવેદનશીલ એટલી એની આમાં ઝડપાવાની સંભાવના વધુ ઊંચી રહે.

મનની માંદગીનાં કારણો આ રહ્યાં


પાયાનો સવાલ એ છે કે માણસનું મન માંદું કેમ પડે છે? કારણો ઘણાં પણ સમજાય ઓછાં. સતત વધતો જતો મૂડીવાદ, ભૌતિકવાદ, માત્ર ધન-પદ અને સત્તાનું મહત્ત્વ, કટ્ટર હરીફાઈ, પીઅર પ્રેશર, વધુપડતી મહત્ત્વાકાંક્ષા, ઈર્ષ્યા, લાલચ-લોભ, કન્ઝ્યુમરિઝમ (ભોગવાદ), તુલના, દેખાડો, અસલામતીની સતત વધતી લાગણી જેવાં અનેકવિધ પરિબળો મનની બીમારીના જન્મદાતા ગણાય. સંબંધોમાં વધતી પોકળતા-કૃત્રિમતા, ઘટતી ઉષ્મા, વધતો સ્વાર્થ, અપરિપક્વતા, કટુતા બળતામાં ઘીની જેમ કામ કરે છે. ઘરે-ઘરે માટીના ચૂલા, ઘર હોય તો વાસણો ખખડે, મતભેદો તો બધે રહેવાના; પણ હવે મનભેદ વધવા લાગ્યા, જનરેશન ગૅપ પણ કૉમન હોય; પરંતુ હવે જનરેશનમાં પણ નવું જનરેશન ઉમેરાવું લાગ્યું. આજે જેન-ઝી, આલ્ફા વગેરેની અલગ માનસિકતા છે. પરિપવક્તા વિના દરેકની પોતાની જુદી-જુદી વિચાધારા વિકસી રહી છે. આ તમામ બાબતો હવે એની ચરમસીમાથી બહાર નીકળવા લાગી છે. દરેક જણ લક્ષ્મણરેખાને ઓળંગીને જીવવા માગે છે. ત્યાં બહાર રાક્ષસો સમાન પરિબળો ઊભાં જ હોય છે, જે એનાં દુષ્પરિણામો બતાવે છે.

સોશ્યલ મીડિયા પણ કારણ

ફિઝિકલ હેલ્થ માટે જેમ ખોરાકથી માંડીને લાઇફસ્ટાઇલ જવાબદાર છે એમ મેન્ટલ હેલ્થ માટેનાં કારણોમાં સોશ્યલ મીડિયા પણ એક જવાબદાર પરિબળ બન્યું છે જ્યાં સતત આડેધડ વૈચારિક આક્રમણ થતું રહે છે. સોશ્યલ મીડિયા એટલી હદ સુધી ઍડિક્શન બનતું રહ્યું છે કે એના દબાણ હેઠળ માનવીઓ, ખાસ કરીને યુવા વર્ગ પોતાની જાતને મૂલવતો રહે છે. પોતાને લાઇક્સ ઓછી મળે તોય આજની જનરેશન ડિપ્રેશનમાં ચાલી જાય છે. માણસનું મન સતત ભટકતું જાય છે. ડગલે ને પગલે એને ડિસ્ટ્રેક્ટ કરનારાં પરિબળો હાજર જ છે. મન જેટલું કાચું, બીમાર પડવાનું એનું એટલું જ પાકું.

મન માણસને આત્મહત્યા તરફ લઈ જઈ શકે

સમાજમાં પ્રસરતી જતી આ માંદગીના પ્રમાણને ધ્યાનમાં રાખી કૉલેજોમાં આ વિષય અભ્યાસ માટે પસંદ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી રહી છે. આપણા દેશમાં તો આ બીમારીના વધતા જતા કેસો સામે ડૉક્ટરોની સંખ્યા બહુ ઓછી હોવાથી ડિમાન્ડ વધી રહી છે અને હજી વધશે એ પણ નક્કી છે. વ્યક્તિગત ક્લિનિક ઉપરાંત હૉસ્પિટલોમાં, કૉર્પોરેટ હાઉસિસમાં, સ્કૂલો-કૉલેજોમાં ખાસ કાઉન્સેલર રાખવાનો ટ્રેન્ડ વધતો જાય છે, કેમ કે આ મનોરોગ-મેન્ટલ હેલ્થની ગંભીરતા ફેલાતી જાય છે. સમાજમાં ડિપ્રેશન, સ્ટ્રેસ જેવા મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ દરદીને ગમે ત્યારે સુસાઇડ (આપઘાત-આત્મહત્યા) તરફ ખેંચી જાય છે. જે પણ પરિવારમાં આવા કિસ્સા બને છે ત્યાં સતત સૌ ચિંતામાં રહે છે.

મન માંદું ન પડે તો નવાઈ

જેમ શરીરની બીમારીઓ માટે ખાઉગલીઓ, ખોરાકની ભેળસેળ, કેમિકલ્સનો દુરુપયોગ, જન્ક-ફૂડ અને ચોક્કસ લાઇફસ્ટાઇલ જવાબદાર હોય છે એમ મનની માંદગીઓ માટે માણસો-માણસો વચ્ચે સંબંધોનાં બદલાતાં સમીકરણો, વધુપડતી અપેક્ષાઓ, બંધનો, ઇમોશનલ અત્યાચારો, એક યા બીજા કારણસર વધતું જતું માનસિક દબાણ અને તનાવ જવાબદાર છે. માણસ બીજા માણસ સાથે લડ્યા કરે છે, માણસ માણસને નડ્યા કરે છે. માણસ પોતાના મન સાથે પણ યુદ્ધ કર્યા કરે છે. દેશો જ નહીં, માણસો-માણસો વચ્ચે એક યા બીજું યુદ્ધ ચાલુ જ હોય છે. હદબહાર થાકી જાય એવા માહોલમાં સતત ભટકતું રહેતું માનવીનું મન માંદું ન પડે તો જ નવાઈ. 

Whatsapp-channel Whatsapp-channel

18 June, 2026 12:17 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK