હવે છેલ્લો પ્રશ્ન, ‘શું તમે મને મારા મિત્ર વિશે અને તેણે મારા વિશે કહેલી જે કાંઈ વાતો કહેવા જઈ રહ્યા છો એ અમને કોઈ રીતે ઉપયોગી છે ખરી?’
પ્રતીકાત્મક તસવીર
પ્રખ્યાત તત્ત્વચિંતક સૉક્રેટિસને મળવા માટે એક માણસ આવ્યો અને બોલવા લાગ્યો, ‘આપનો એક મિત્ર આપના વિશે સમાજમાં ખરાબ વાતો ફેલાવી રહ્યો છે.’ આ માણસ આગળ કંઈ બોલે એ પહેલાં જ સૉક્રેટિસે તેને અટકાવતાં પૂછ્યું, ‘આપ મને મારા મિત્ર વિશે કાંઈ પણ કહો એ પહેલાં મારા ત્રણ પ્રશ્નોના જવાબ આપો, પછી હું તમારી વાત સાંભળીશ.’
પહેલો સવાલ એ છે ‘શું તમે ચોક્કસપણે જાણો છો કે તમે મારા મિત્ર વિશે જે કહેવા માગો છો એ સંપૂર્ણ સત્ય છે?’ પેલા માણસે જવાબ આપ્યો, ‘ના, સો ટકા સત્ય છે કે નહીં એ તો ખબર નથી પણ મેં ઘણા માણસો પાસેથી એ સાંભળ્યું છે.’ ‘હવે મારા બીજા પ્રશ્નનો જવાબ આપો. શું તમે મને મારા મિત્ર વિશે જે કાંઈ કહેવા માગો છો અને મારા વિશે તેણે જે કહ્યું છે એ સારું છે?’
ADVERTISEMENT
પેલા માણસે જવાબ આપ્યો, ‘ના.’
હવે છેલ્લો પ્રશ્ન, ‘શું તમે મને મારા મિત્ર વિશે અને તેણે મારા વિશે કહેલી જે કાંઈ વાતો કહેવા જઈ રહ્યા છો એ અમને કોઈ રીતે ઉપયોગી છે ખરી?’
પેલા માણસે જવાબ આપ્યો, ‘ના, બિલકુલ નહીં.’ પછી સૉક્રેટિસે હસીને કહ્યું, ‘ભાઈ, તમે મને મારા જ મિત્ર વિશે જે કહેવા માગો છો એ સાચું નથી, સારું નથી અને અમને ઉપયોગી પણ નથી તો પછી શા માટે મારે તમારી વાત સાંભળવી જોઈએ?’
આખી વાતનો સાર એ છે કે લોકો તો તમારા મિત્રો વિશે ઘણુંય કહેશે, તમારે મિત્રતા ટકાવી રાખવી હોય તો લોકોની વાત ન સાંભળશો. કોઈ તમારા મિત્ર વિશે કાંઈ કહે એ પહેલાં તમારે પૂરી તપાસ કરવી જોઈએ; કારણ કે લોકો જે કહે છે એ હંમેશાં સાચું પણ નથી હોતું, સારું પણ નથી હોતું અને તમને ઉપયોગી પણ નથી હોતું. માણસ જેટલો પોતાને નથી ઓળખતો એટલો તેનો દોસ્ત તેને ઓળખતો હોય છે. આપણો મિત્ર દિલથી જ્યારે આપણું સારું થાય એવું કંઈક કરવાનું કહે છે ત્યારે ખુદ ઈશ્વરે પણ તેના લેખ બદલવા પડે છે. આપણે સફળતા મેળવી શકીએ છીએ કારણ કે ઈશ્વરે આપણને બે અનેરી વ્યક્તિઓ જીવનમાં બક્ષિસ તરીકે આપી છે. એક મા અને બીજો મિત્ર. મા આપણને જીવન આપે છે અને જીવનને જીવવા જેવું બનાવે છે, મિત્ર... સાચો મિત્ર એ છે કે જે આપણી તમામ ઊણપો, ખામીઓ અને અવગુણો જાણતો હોવા છતાં તે આપણને ચાહતો રહે છે. તેના પ્રેમની મોટરગાડીને ખામીઓનું સ્પીડબ્રેકર નડતું નથી હોતું. હા, દોસ્તી અકબંધ રાખીને તે આપણી ખામીઓ દૂર કરવા પ્રયત્નો જરૂર કરતો રહે છે. કદાચ એટલે જ જીવનમાંથી અંગત મિત્રની વિદાય થાય ત્યારે સૌથી વધારે આઘાત લાગતો હોય છે.


