Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લો બોલો, મુંબઈની આ ડિસેમ્બરની અત્યંત ખરાબ હવા ગયા વર્ષ કરતાં તો સારી જ છે

લો બોલો, મુંબઈની આ ડિસેમ્બરની અત્યંત ખરાબ હવા ગયા વર્ષ કરતાં તો સારી જ છે

Published : 08 December, 2025 06:52 AM | Modified : 08 December, 2025 10:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૪ના ડિસેમ્બરમાં શહેરનો ઍવરેજ AQI ૧૪૮ હતો, જે આ વર્ષે ૧૨૨ છે અને હાઇએસ્ટ ૧૯૯ હતો, જે આ વર્ષે ૧૩૮ જ છે

મુંબઈમાં ગઈ કાલે સ્મૉગ છવાયેલું જોવા મળ્યું હતું.તસવીરઃ આશિષ રાજે

મુંબઈમાં ગઈ કાલે સ્મૉગ છવાયેલું જોવા મળ્યું હતું.તસવીરઃ આશિષ રાજે


મુંબઈનો ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) હાલ ‘મધ્યમ’ કૅટેગરીની આસપાસ નોંધાઈ રહ્યો છે, જે ખાસ કરીને શ્વાસોચ્છ્વાસની બીમારીથી પીડાતા હોય કે પછી હાર્ટની તકલીફ હોય કે પછી અસ્થમા હોય તેમને માટે મુશ્કેલી ઊભી કરી રહ્યો છે. ડિસેમ્બરનું આખું પહેલું અઠવાડિયું ‘મધ્યમ’ કૅટેગરીની આસપાસ AQI નોંધાયો છે. નવેમ્બરના પહેલા અઠવાડિયામાં AQI સૅટિસ્ફૅક્ટરી લેવલમાં નોંધાયો હતો. દર વર્ષે શિયાળામાં, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં મુંબઈમાં ખરાબ AQI નોંધાતો જોવા મળે છે.  

સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડે નોંધેલા આંકાડાઓ મુજબ મુંબઈની હવા સતત ખરાબ થતી હોવા છતાં ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં ઍવરેજ AQI ૧૨૨ નોંધાયો છે જે ગયા વર્ષે આજ સમયગાળા દરમિયાન ૧૪૮ હતો. ગયા વર્ષે તો આ સમયે ઓઝોનના કારણે રચાયેલા સ્મૉગને લીધે AQI ૧૭૪ સુધી પહોંચી ગયો હતો જે એ વખતના પૉલ્યુશનનું એક મુખ્ય કારણ રહ્યું હતું. ૨૦૨૪ના ડિસેમ્બરનો સૌથી ખરાબ AQI ૧૯૯ નોંધાયો હતો. આ વર્ષે અત્યાર સુધી ડિસેમ્બરમાં હાઇએસ્ટ AQI ૧૩૮ સુધી પહોચ્યો છે અને એમાં નાઇટ્રોજન ડાયૉક્સાઇડ સ્મૉગ માટે મુખ્ય ભાગ ભજવી રહ્યો હોવાનું જણાઈ આવ્યું છે. સ્મૉગ કન્સ્ટ્રક્શન સાઇટ પર ઊડતી ધૂળ, ઇન્ડસ્ટ્રિયલ પૉલ્યુશન અને અન્ય ઍર પૉલ્યુશનનાં પરિબળો દ્વારા તૈયાર થતું ધુમ્મ્સ છે. 



શું છે સ્મૉગ?
સ્મૉગ નરી આંખે દેખાતું ઍર પૉલ્યુશન હોય છે જેમાં નાઇટ્રોજન ઑક્સાઇડ (Nox) હોય છે જે ખાસ કરીને વાહનોમાંથી બહાર નીકળતા ધુમાડા અને ઇન્ડસ્ટ્રીઝના ધુમાડામાં જોવા મળે છે. કોલસો બાળવાથી કે ડીઝલ બાળવાથી ઉત્પન્ન થતા સલ્ફર ડાયૉક્સાઇડ (SO2) અને ગ્રાઉન્ડ લેવલ ઓઝોન પણ એ માટેનું મુખ્ય પરિબળ ગણવામાં આવે છે. આ અઠવાડિયામાં ઘાટકોપર સૌથી વધુ પૉલ્યુટેડ વિસ્તાર જણાયો હતો જ્યાં ૪ ડિસેમ્બરે ૧૮૬ AQI નોંધાયો હતો.


મુંબઈમાં નવાં પાંચ ઍર ક્વૉલિટી મૉનિટરિંગ સ્ટેશન ઇન્સ્ટૉલ થશે
મુંબઈની હવામાં પૉલ્યુશનની માત્રા ચેક કરતાં નવાં પાંચ ઍર ક્વૉલિટી મૉનિટરિંગ સ્ટેશન બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) શરૂ કરશે. મુલુંડ વેસ્ટના સી. ડી. દેશમુખ પાર્ક, દાદર વેસ્ટના પ્રમોદ મહાજન પાર્ક, ગોરેગામ ઈસ્ટના આરેમાં આવેલા છોટા કાશ્મીરમાં, દહિસર ઈસ્ટના ડૉ. બાબાસાહેબ આંબેડકર રેક્રીએશન ગ્રાઉન્ડ અને અંધેરી વેસ્ટમાં આવેલી BMCની કે–વેસ્ટ વૉર્ડની ઑફિસમાં આ સ્ટેશન ઇન્સ્ટૉલ કરવામાં આવશે. આ પાંચ નવાં સ્ટેશન સાથે મુંબઈનાં ઍર ક્વૉલિટી મૉનિટરિંગ સ્ટેશનની સંખ્યા ૩૩ પર પહોંચી જશે. એ સિવાય BMC ઍર ક્વૉલિટી ચેક કરવા માટે વધુ ચાર મોબાઇલ વૅન પણ લેવાની છે. હાલ BMC પાસે આવી એક જ વૅન છે. 
૦૦

કેવા AQIની કેવી અસર?

૦-૫૦ સારી. ભાગ્યે જ કોઈ વિપરીત અસર થાય.


૫૧થી ૧૦૦ સંતોષકારક. સંવેદનશીલ વ્યક્તિને શ્વાસ લેવામાં નજીવી તકલીફ થઈ શકે.

૧૦૧થી ૨૦૦ થોડી ખરાબ. અસ્થમા, હાર્ટની અને ફેફસાંની તકલીફ ધરાવતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે.

૨૦૧થી ૩૦૦ ખરાબ. ઘણા સમય સુધી આવા વાતાવરણમાં રહેવાથી મોટા ભાગના લોકોને શ્વાસની તકલીફ થઈ શકે.

૩૦૧થી ૪૦૦ બહુ ખરાબ. લાંબા સમય સુધી આવા વાતાવરણમાં રહેવાથી શ્વસનને લગતી બીમારી થઈ શકે.

૪૦૧થી ૫૦૦ ગંભીર. સ્વસ્થ લોકોને પણ અસર કરે અને જેને કોઈ બીમારી હોય એવી વ્યક્તિ પર તો આવા વાતાવરણની ગંભીર અસર થઈ શકે છે

- ઇશાનપ્રિયા એમ. એસ.

Whatsapp-channel Whatsapp-channel

08 December, 2025 10:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK