Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શબ્દોનું મૂલ્ય ત્યારે સમજાય જ્યારે શબ્દો ચૂપ રહેતા હોય

શબ્દોનું મૂલ્ય ત્યારે સમજાય જ્યારે શબ્દો ચૂપ રહેતા હોય

10 June, 2021 11:47 AM IST | Mumbai
JD Majethia

સંવાદો થઈ રહ્યા છે, વાતચીત થઈ રહી છે ત્યારે અબોલા લઈને કે ન બોલીને ભવિષ્યનો અફસોસ બાંધવા કરતાં તો બહેતર છે કે શબ્દો છે ત્યારે જ અબોલાની દીવાલ તોડી નાખો

શબ્દોનું મૂલ્ય ત્યારે સમજાય જ્યારે શબ્દો ચૂપ રહેતા હોય

શબ્દોનું મૂલ્ય ત્યારે સમજાય જ્યારે શબ્દો ચૂપ રહેતા હોય


આપણે વાત કરીએ છીએ ડાબા હાથની ભાષાની. મેં તમને કહ્યું એમ બાપુજી હવે બોલતા નથી. તેમનો જમણો હાથ બહુ શ્રમ લઈ શકતો નથી. જમણા હાથની અવેજીમાં તેઓ ડાબો હાથ વાપરે અને ડાબા હાથથી વાતો કરે. આમ તેમણે ડાબા હાથની ભાષા ઇન્વેન્ટ કરી છે. ડાબા હાથના ઇશારાની આ ભાષાથી વાત સમજાવી શકાય એમ ન હોય કે પછી પોતાને જે કહેવું છે એ કહી ન શકે તો તેમની પાસે પાટી-પેન હોય. આ પાટી-પેન મારાં ભાઈ-ભાભીએ તેમને આપ્યાં છે. બાપુજી પાટી પર સાવ ઝીણા અક્ષરોમાં લખે. લખતાં-લખતાં તેમના અક્ષરો આડાઅવળા થાય. વંચાય નહીં એટલે ભાભી-ભાઈ તેમને કહે કે તમે મોટું લખો, મોટા અક્ષરે લખો. વળી પાછું બાપુજી પાટીમાં લખ્યું હોય એ ભૂંસે અને મોટું લખે. બાપુજી જે લખે એમાંથી એકાદ-બે વાત વંચાઈ જાય, સમજાઈ જાય એટલે ખબર પડે કે બાપુજી આવું કશુંક કહેવા માગે છે. આટલું સમજાય એટલે નવેસરથી વાર્તાલાપ શરૂ થાય. આ ઇશારાની ભાષા પરથી મને એક વાત સમજાઈ કે ભગવાને શરીરના દરેક અંગને એક બોલી આપી છે. જરૂર એ ભાષાને ઓળખવાની-પારખવાની હોય છે. હું બાપુજીને મળ્યો એ દિવસે તેમણે ડાબા હાથની આ ભાષાથી મને ઘણુંબધું કહ્યું, સમજાવ્યું.
અમુક વાત સમજાય, અમુક ન સમજાય. ન સમજાય એટલે બાપુજીનો ડાબો હાથ પાછો શરૂ થાય. હા કહે, ના કહે. હું ઊભો થાઉં અને ચીજવસ્તુ દેખાડીને પણ વાત સમજવાની કોશિશ કરું. કોઈ વાર લાગે કે મને હવે સમજાતું નથી કે તેમને શું કહેવું છે એટલે એ વાત પડતી મૂકે. વાત પડતી મૂક્યા પછી ફરીથી તેઓ એ જ વાત કહે અને એમાં આ ઉંમરે હોય એવી બાળહઠ પણ દેખાય. હા, બાપુજીમાં હવે બાળહઠ પણ આવી છે. એવી બાળહઠ જે જોઈને આનંદ થાય, પ્રેમ જન્મે, વહાલ જન્મે. બહુ મજા આવે. તેમની પાસે આમ જોઈએ તો અમારા માટે કોઈ ફરિયાદ ન હોય. સ્માઇલ સતત તેમના ચહેરા પર હોય અને પેલી ડાબા હાથની ભાષા સમજાઈ, ન સમજાઈવાળી અવસ્થામાં એકદમ હસાહસી પણ થાય. તેમને પણ મજા આવે. બહુ મસ્તી-મજાક થાય.
મારો ભાઈ રસિક આવે ત્યારે તો જે મારા બાપુજીને હસાવે. અમે બહુ જ મસ્તી કરીએ. એવી રીતે હું પણ પ્રયત્ન કરું. મેં એવું કર્યું એટલે તેમણે મારો હાથ પકડી લીધો. આજે પણ બાપુજીના હાથની પકડ એવી મજબૂત છે કે તમે તેમના હાથમાંથી છૂટી ન શકો. મેમરી પણ એટલી જ શાર્પ. તેમને બધા જ હિસાબો અને બધી જ વાતો યાદ હોય. કોને કેટલા પૈસા આપ્યા છે, ક્યાંથી કેટલા પૈસા લેવાના છે જેવી વાતોથી માંડીને મારે શું વ્યવહાર કરવાનો છે એ બધું તેમને ખબર હોય અને એ કહી પણ દે. અફકોર્સ, આ બધું તેમનું એક ઇશારા, એક ભાષા સાથે ચાલતું હોય.
ડાબા હાથની ભાષા.
અમને સતત ચિંતા થાય કે બાપુજી વાત બરાબર નથી કરી શકતા, પણ તેઓ તો તેમની બધી વાત અમને કન્વે કરી દે. અમે વાતો કરતા હતા ત્યારે તેમના હાથમાં પીઠ ખંજવાળવાનું એક બ્રશ હતું. હું બહાર દરવાજા પાસે જતો હતો ત્યારે તેમણે એ બ્રશ ટેબલ પર ત્રણ વાર જોરથી પછાડ્યું એટલે હું સમજી ગયો કે તેઓ મને પાછો બોલાવે છે. બ્રશથી જ આપણને પાસે બોલાવે, હાથના ઇશારાથી આપણે કોઈને નજીક બોલાવીએ એવી રીતે. આમ તેમણે બધું કામ એટલી સરસ રીતે ગોઠવી નાખ્યું છે કે આપણે કલ્પના પણ ન કરી શકીએ. બાપુજીનો ડાબો હાથ સતત ઍક્ટિવ રહે. બધેબધું તે અમને ડાબા હાથે સમજાવતા જાય. હું તો કહીશ કે બાપુજીનો ડાબો હાથ મારા અને આપણા જેવા જમણેરીને શીખ છે કે તમારા શરીરનો એકેએક અવયવ તમને કામમાં આવે, તમે એમને કામમાં લેતાં શીખો તો. આ જ કારણે હું કહું છું કે બને તો બધાને મેઇન્ટેઇન રાખો અને ક્યારેય હેલ્થને હળવાશથી ન લો. હેલ્થ સાચવી રાખશો તો તમે કોઈ પણ ઉંમરે ગમે એવી પરિસ્થિતિમાં કમ્યુનિકેટ કરી શકશો. 
તમે તમારી વ્યક્તિને આ પરિસ્થિતિમાં જુઓ ત્યારે તમને સમજાય કે શબ્દો હતા, વાતચીતનો વ્યવહાર થઈ શકતો હતો ત્યારે કેમ બરાબર કમ્યુનિકેશન ન કર્યું? અત્યારે ઘણી વાતોમાં, ઘણા સંબંધોમાં મિસકમ્યુનિકેશન થતું હોય છે. હું કહીશ કે એને દૂર કરવાનું કામ સાવ સરળ છે. સરળતાથી વાત કરીને જે વાતને રસ્તામાંથી કાઢી શકતા હો એને એ લેવલ પર જવા જ ન દેતા કે આવી પરિસ્થિતિમાં વાત ન કરી શકો, સમજી ન શકો, સમજાવી ન શકો અને ઇચ્છા હોય સમજાવવાની એટલે સામાન્ય અને સરળ હોય એવી વાત સમજાવવામાં પણ બહુ મહેનત કરવી પડે. એવું ન થાય એનું ધ્યાન રાખજો. 
ઍનીવે, આપણે બાપુજીની વાત કરીએ. વાત કરતાં-કરતાં તેમણે મને ફરી સમજાવ્યું કે બહારગામ જવું છે. મેં મથુરાની તો ના પાડી હતી એટલે હવે મારે પૂછવાનું હતું કે બીજે ક્યાં જવું છે. મેં પૂછ્યું તો મને પાસે, નજીક બોલાવીને કાનમાં સાવ ધીમેથી બોલ્યા, અમદાવાદ. 
મારો ભાઈ રસિક હવે અમદાવાદ શિફ્ટ થઈ ગયો છે. બાપુજીને રસિકને ત્યાં જવાનું મન છે. ઘરમાં એક ને એક બેડ પર કંટાળી ગયા છે. કોરોનાની હાડમારીમાંથી બધા બહાર આવીએ તો મારી પણ ઇચ્છા છે કે સરસ બધી જ સુસજ્જ સગવડ સાથે ઍમ્બ્યુલન્સમાં બાપુજીને અમદાવાદ રસિકના ઘરે લઈ જઈએ, કારણ કે આગળ કહ્યું એમ રસિક તેમને બહુ મજા કરાવે, હસાવે. બાપુજીને અમદાવાદ જવું છે. 
મનમાં સહેજ ગ્લાનિ થાય કે બા-બાપુજીની ઇચ્છાઓ પૂરી કરવાનું મન છે, ક્ષમતા છે પણ સમય સાથ નથી આપતો. આનાથી એક લેસન લેવાનું છે, મારે અને તમારે બધાએ. આપણે ઘણી વાર વિચારતા હોઈએ કે ભવિષ્ય માટે બધું સાચવીને રાખીએ, પણ હવે એવું નહીં કરતા. સમય અને કાળ એવો બદલાયો છે કે ભવિષ્યની કોઈને કશી ખબર નથી. સચવાયું, ન સચવાયું એ બધું તો ઠીક છે, પણ હમણાંના સમયમાં મા-બાપની ઇચ્છા પૂરી કરવાનો એક પણ મોકો જવા નહીં દેતા. જો એ આજે પૂરી થતી હોય તો કાલની રાહ નથી જોવાની.
મારી બહુ ઇચ્છા છે કે મારા બાપુજીના મનમાં આવતી દરેકેદરેક ઇચ્છા હું પૂરી કરું. પ્રયત્નો પણ બધા કરીએ છીએ. બધાં ભાઈઓ, ભાભીઓ, બહેન, આખો પરિવાર. તમને પણ આ જ વાત કહીશ હું. માબાપની દરેક ઇચ્છા પૂરી કરવાનો પૂરો પ્રયત્ન કરજો અને તેમની સેફ્ટીનું પણ બહુ ધ્યાન રાખજો. બીજી વાત, અત્યારના આ સમયમાં પરિવારમાં જો તમને પણ એવું લાગે તો અત્યારથી બાપુજી જેવી સાઇન લૅન્ગ્વેજ ઇન્વેન્ટ કરી નાખવી જોઈએ જેથી બહારની વ્યક્તિ સામે ક્યારેક આપણે વાત કરવી હોય તો ફૅમિલીના બધાને ખબર હોય કે આપણે શું વાત કરીએ છીએ. આપણી વાતો થઈ જાય અને કોઈને અંદાજ પણ ન આવે અને બીજો લાભ, મોટી ઉંમરે કોઈને તકલીફ આવે તો એ સાઇન લૅન્ગ્વેજ બધાને કામ આવે. 
હું તો કહીશ કે દરેક પરિવારની ડાબા હાથની એક ભાષા ઇન્વેન્ટ થવી જ જોઈએ. આ જ વિષય પર મારે વધારે વાત કહેવી છે, પણ હું અત્યારે ઇમોશન્સમાં થોડો ગૂંચવાયો છું અને પરિસ્થિતિ પણ એવી જ છે કે આપણે બધા મિક્સ ઇમોશનમાં ગૂંચવાયા છીએ, સ્પષ્ટપણે કશું દેખાતું નથી. બસ, થોડો સમય રાહ જોઈએ. આ સમય પણ પસાર થઈ જશે અને ફરીથી જીવન સ્પષ્ટ, ઉમદા બનશે. 

આપણે ઘણી વાર વિચારતા હોઈએ કે ભવિષ્ય માટે બધું સાચવીને રાખીએ, પણ હવે એવું ન કરતા. સમય બદલાયો છે. ભવિષ્યની કોઈને ખબર નથી રહી અને એટલે જ કહું છું કે હમણાંના સમયમાં મા-બાપની ઇચ્છા પૂરી કરવાનો એક પણ મોકો જવા ન દેતા. જો આજે પૂરી થતી હોય તો કાલની રાહ નથી જોવાની. 


Whatsapp-channel Whatsapp-channel

10 June, 2021 11:47 AM IST | Mumbai | JD Majethia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK