Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > નવું, નોખું વિચારવાની આદત માણસને ક્યાંથી ક્યાં પહોંચાડી દે

નવું, નોખું વિચારવાની આદત માણસને ક્યાંથી ક્યાં પહોંચાડી દે

Published : 06 March, 2026 11:39 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વર્ષના જાન્યુઆરી મહિનામાં રાજસ્થાન નૅચરલ ફાર્મિંગ કોલિશન દ્વારા જયપુરની કૃષિ સંશોધન સંસ્થામાં નૅચરલ ફાર્મિંગ વિશે બે દિવસનો એક પરિસંવાદ યોજાયો હતો

સંતોષ પચાર

PoV

સંતોષ પચાર


દુનિયામાં ચોતરફ યુદ્ધ અને વિનાશનો માહોલ જામ્યો છે. આવામાં શું લખવાનું આવો વિચાર આ લેખ શરૂ કરતાં પહેલાં મગજ પર ગાળિયો નાખે છે. પણ નક્કી જ કર્યું છે કે આપણે આજે એ વિનાશકતાની વાત નહીં પણ કાળમીંઢ પથ્થર ચીરીને ઊગતી કૂંપળની વાત કરવી છે. પરમ દિવસે ૮ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને આપણે વાત કરવી છે એક અજાણ છતાં અસાધારણ સ્ત્રીની.

રાજસ્થાનના સિકર જિલ્લાના એક નાનકડા ગામની આઠ ચોપડી ભણેલી સંતોષ પચારને ભારતના રાષ્ટ્રપતિભવનમાં બે અઠવાડિયાં મહેમાન બનવાની તક મળી હતી! આ નાનકડું આશ્ચર્યચિહ્‍ન આપણી આંખો પહોળી કરી દે એવું છે પણ રાષ્ટ્રપતિના હાથે સન્માનિત થનારી સંતોષ નામની આ ગ્રામીણ મહિલા ખેડૂતની આઉટ ઑફ ધ બૉક્સ વિચારશૈલીએ ખેતીના ક્ષેત્રે કરેલી શોધ તો આપણી આંખ સાથે મોઢું પણ પહોળું કરી દે એવી છે. સંતોષે અઢી-ત્રણ ફીટ લાંબાં ગાજર ઉગાડ્યાં છે. કદમાં આવડાં મોટાં અને સ્વાદમાં મીઠાં મધ જેવાં ગાજર ઉગાડવાની પદ્ધતિ તેણે પોતે વિકસાવી છે. સંતોષની આ શોધે તેને બબ્બે રાષ્ટ્રીય અવાૅર્ડ્‍સ અપાવ્યા છે. અને હા, સંતોષે આ સીડ્સની પેટન્ટ લઈ લીધી છે. તેમ છતાં તે ગામના ખેડૂતોને પોતાની
ખેતી-પદ્ધતિ શીખવે છે, એય મફતમાં.



આ વર્ષના જાન્યુઆરી મહિનામાં રાજસ્થાન નૅચરલ ફાર્મિંગ કોલિશન દ્વારા જયપુરની કૃષિ સંશોધન સંસ્થામાં નૅચરલ ફાર્મિંગ વિશે બે દિવસનો એક પરિસંવાદ યોજાયો હતો. ત્યાં આવાં લાંબાં-લાંબાં સિંદૂરી અને કાળા રંગનાં ગાજર હાથમાં લઈને ઊભેલી સંતોષ પચારને જોઈને હાજર સૌની આંખ ચાર થઈ ગઈ હતી.


સૌને સવાલ થાય કે આ આઠમી પાસ ગામડાની છોકરીને આવું સંશોધન કરવાનો વિચાર કઈ રીતે આવ્યો હશે? જવાબમાં  સંતોષ પોતાના બાળપણની યાદોની શેરીઓમાં પહોંચી જાય છે, ‘નાનપણમાં હું ને મારો ભાઈ ગામના કૂવા પાસેની એક વાડીમાં દોડી જતાં. એ ખેડૂત અમને એક ગાજર અને એક મૂળો આપતો. ત્યારથી મને ગાજર બહુ ભાવતાં અને મારા ભાઈને મૂળા.’

બાર વર્ષની ઉંમરે સંતોષ પરણીને સાસરે આવી. અહીં તેનો પતિ પોતાની વાડીમાં ગાજર ઉગાડતો એટલે હવે સંતોષને કોઈની વાડી ભણી દોટ મૂકવાની જરૂર ન રહી. પણ તેણે જોયું કે ગાજર બહુ પાતળાં, વળેલાં અને સ્વાદમાં પણ સાધારણ હતાં. આ જ કારણે તેમનાં ગાજરના બજારમાં સારા ભાવ નહોતા મળતા. સંતોષ અને તેના પતિને મોટાં–મીઠાં ગાજર ઉગાડવાની હોંશ હતી. પોતાના ગાજરનાં બીજ સારાં નહોતાં એ તેમને સમજાઈ ગયું. પછી પતિ-પત્ની બન્નેએ સરકાર દ્વારા યોજાતા કૃષિમેળાઓ અને પરિસંવાદોમાં જવાનું શરૂ કર્યું અને જુદાં-જુદાં શાકભાજી-ફળો ઇત્યાદિની ખેતી વિશે નવી ટેક્નિક્સ અને જાણકારી મેળવવા માંડી. આવા મેળાવડામાં આવતા નિષ્ણાતો સમક્ષ પોતાના પ્રશ્નો રજૂ કરતાં અને માર્ગદર્શન માગતાં પણ સંતોષ અચકાતી નહીં. આમ જ્ઞાનના દ્વારે તેમને ઘણું શીખવા મળ્યું અને તેઓ નવા-નવા પ્રયોગો કરવા લાગ્યાં.


૧૯૯૭-’૯૮માં તેને અકવા ગામમાંથી સારી ક્વૉલિટીનાં ગાજર મળ્યાં. તેણે ઑર્ગેનિક પદ્ધતિથી પોતાના ખેતરમાં એને માવજતથી વાવ્યાં અને એનાં બીજ લણી ફરી એ વાવ્યાં. આમ ચાર-પાંચ વર્ષ સુધી બીજ ઉગાડી અને વાવ્યાં. પછી એમાં સંતોષે એક નવો પ્રયોગ કર્યો. તેણે ગાજરનાં બીજને મધ અને ઘીના મિશ્રણમાં નાખીને ખેતરમાં જ્યાં આકરો તડકો ન આવતો હોય એવી જગ્યાએ સૂકવી દીધાં. સંતોષે વિચાર્યું કે બીજમાં પણ જીવનતત્ત્વ છે તો એ પેલા મિશ્રણમાંથી પોષણ મેળવી શકે. ટૂંકમાં આ પ્રયોગ થકી ઘીની ચમક અને મધની મીઠાશ પોતાના ગાજરના પાકમાં અવતારવાનો તેનો હેતુ હતો. તેના આ પ્રયોગ માટે પતિ અને ઘરના લોકોએ તો તેને સાથ આપ્યો, જોકે બહારના લોકો તેના આવા અખતરા પર હસતા. પરંતુ સંતોષનો એ અખતરો ફળ્યો. તેના ગાજરના પાકમાં ફરક પડવા માંડ્યો. ચાર-પાંચ ફસલ પછી ગાજરનું કદ મોટું થયું, એનો સિંદૂરી રંગ ચમકતો હતો અને ત્વચા લીસી હતી. એમાં કાંટા પણ બહુ ઓછા હતા અને સૌથી વધુ તો એ સ્વાદમાં વધુ મીઠાશ હતી. સંતોષનો આઉટ ઑફ ધ બૉક્સ અને તાર્કિક તુક્કો ફળ્યો. દોઢથી અઢી ફીટ જેવડાં ગાજર ઝડપથી ઊગવા લાગ્યાં. આસપાસના ગામના ખેડૂતો અને કૃષિનિષ્ણાતો તેમનાં ગાજર જોવા ખાસ તેમના ખેતરમાં આવતા. ૨૦૦૨માં શરૂ થયેલા પ્રયોગની સફળતા સ્થાપિત થતાં આઠેક વર્ષ લાગી ગયાં. ૨૦૧૦માં તેણે પોતાનાં એ સંશોધિત બીજ રાજ્યના કૃષિવિભાગને આપ્યાં. એ અધિકારીઓએ એ બીજની ચકાસણી કરી, અજમાવ્યાં અને એ બીજ તદ્દન નવી વરાઇટીનાં હોવાનું પ્રમાણપત્ર આપ્યું. સંતોષ અને તેના પતિએ એનું નામ એસ.પી.એલ. ૧૦૧ રાખ્યું અને એની પેટન્ટ પણ લઈ લીધી.

તેમણે ગાજરના વેચાણ ઉપરાંત એક નર્સરી પણ શરૂ કરી જેમાં તેઓ એ વિશિષ્ટ બીજમાંથી ઉગાડેલા ગાજરના છોડ વેચવા લાગ્યાં અને તેમની કમાણી અનેકગણી થઈ ગઈ. અગાઉ જે પારંપરિક ખેતીમાંથી માંડ દોઢ-બે લાખ રૂપિયા કમાતાં, વર્ષો પછી હવે એમાંથી  તેઓ ૨૦ લાખ રૂપિયા કમાવા લાગ્યાં. તેમનાં બન્ને સંતાનો - પુત્રી અને પુત્ર - સુશિક્ષિત છે અને વ્યાવસાયિક કારકિર્દી ઘડી રહ્યાં છે.

ગાજરની ખેતીમાં કરેલા આ મૌલિક અને નાવીન્યસભર સંશોધન બદલ સંતોષને ૨૦૧૩માં રાષ્ટ્રપતિના હસ્તે અવૉર્ડ અને ત્રણ લાખ રૂપિયાનો પુરસ્કાર મળ્યો હતો એટલું જ નહીં, એ અવૉર્ડ મેળવનારને ૧૫ દિવસ રાષ્ટ્રપતિભવનના મહેમાન થવાની તક મળે છે. એટલે સંતોષે બે અઠવાડિયાં સુધી રાષ્ટ્રપતિભવનની મહેમાનગતિ પણ માણી. ફરી ૨૦૧૭માં પણ સંતોષને અવૉર્ડ મળ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં સંતોષે હજારો ખેડૂતોને આ ઑર્ગેનિક પદ્ધતિએ ગાજરની ખેતી કરતાં શીખવ્યું છે. આમ એક ગ્રામીણ મહિલાની વર્ષોની મહેનતે માત્ર તેના પરિવારને જ નહીં, બીજા હજારો લોકોને સફળતાનો મીઠો સ્વાદ ચખાડ્યો છે.

સત્તાધીશ માંધાતાઓ પોતાનાં અહમ અને મમતમાં દુનિયાના લાખો-કરોડો લોકોના જીવનને દોજખ બનાવી દેતો વિનાશ વેરી રહ્યા છે ત્યારે સંતોષ જેવા સાધારણ માનવીઓ પોતાની જ નહીં, અન્યોની જિંદગીને પણ સંવારવાનું કામ સહજપણે કરી રહ્યા છે.

- તરુ મેઘાણી કજારિયા

Whatsapp-channel Whatsapp-channel

06 March, 2026 11:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK