Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નાટક, નાટક અને નાટક

નાટક, નાટક અને નાટક

13 September, 2021 07:33 AM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

હા, ૨૦૦૩નું વર્ષ મારા માટે બિલકુલ આવું જ રહ્યું. ઘણાં નાટકો કર્યાં અને એ નાટકોમાંથી મોટા ભાગનાં નાટકો સુપરહિટ થયાં

‘મસાલા મામી’ની વાત ચાલે છે ત્યારે દીકરી કેતકી દવે સાથે કરેલા ‘મંજુલા મારફતિયા બીએ વિથ ગુજરાતી’ નાટકનો આ ઇન્ટરેસ્ટિંગ ફોટો વાપરવાની લાલચ કેવી રીતે રોકી શકાય.

‘મસાલા મામી’ની વાત ચાલે છે ત્યારે દીકરી કેતકી દવે સાથે કરેલા ‘મંજુલા મારફતિયા બીએ વિથ ગુજરાતી’ નાટકનો આ ઇન્ટરેસ્ટિંગ ફોટો વાપરવાની લાલચ કેવી રીતે રોકી શકાય.


અમારા હિન્દી નાટક ‘ચુપકે ચુપકે’ની અમેરિકાની ટૂર શરૂ થઈ એ પહેલાં હું અહીં એક નાટક ફાઇનલ કરીને ગયો હતો. એ નાટક વિનોદ સરવૈયાએ લખ્યું હતું. ઓરિજિનલી નાટક એકાંકી હતું અને વિનોદે જ પરાગ વિજય દત્ત ડ્રામા ઍકૅડેમી માટે લખ્યું હતું, જે જોઈને મને થયું કે આના પરથી કમશિર્યલ નાટક બની શકે. મેં વિનોદને કહ્યું કે તું ફુલ લેન્થ નાટક ડેવલપ કર.
અમેરિકાની ટૂર પર જતાં પહેલાં મેં એનું કાસ્ટિંગ અને બીજાં કામો મારા ડિરેક્ટર વિપુલ મહેતા અને પાર્ટનર કૌસ્તુભ ત્રિવેદી પર છોડ્યાં અને હું અમેરિકા ગયો. અમેરિકાથી પાછો આવ્યો ત્યારે એ નાટકનાં રિહર્સલ્સ ચાલતાં હતાં. નાટકની ટીમ મોટી અને ઇન્ટરેસ્ટિંગ હતી. નાટકની વાર્તા કહું તમને. 
નાટકમાં કુલ ચાર કપલ. ચારેચાર કપલના પુરુષોને એવું લાગે કે તેમનાં મૅરેજ ખોટી વ્યક્તિ સાથે થયાં છે. જો આ વાઇફ મળી એના કરતાં મારી વાઇફ આવી હોત તો બહુ સારું થાત. એક સિચ્યુએશન પર ચારેય છોકરીઓના એટલે કે વાઇફના આત્મા બદલાઈ જાય છે અને પતિઓની ઇચ્છા મુજબનું તે બિહેવ કરે છે. શરૂઆતમાં તો પતિઓ ખૂબ રાજી થાય છે, પણ એ પછી તેમને એમાંની ખામી સમજાતી જાય છે. છેલ્લે બધા સ્વીકારે છે કે આના કરતાં જે ઓરિજિનલ વાઇફ હતી એ જ બરાબર હતી. નાટકમાં ચાર કપલ અને બે સૂત્રધાર. આ સૂત્રધાર નાટકમાં અલગ-અલગ ભૂમિકામાં આવ્યા કરે અને ઑડિયન્સ સાથે સંવાદ પણ સાધે. 
સૂત્રધારમાં ધર્મેશ વ્યાસ અને રૂપા દિવેટિયા. પહેલા કપલની વાત કરું તો દિશા વાકાણી અને મનીષ મહેતા. બીજા કપલમાં સંતુ રાજડા અને રાજેશ સોની. રાજેશ ત્રણેક વર્ષ પહેલાં જ ગુજરી ગયો. નાટકના ત્રીજા કપલમાં સુચેતા અને અંકિત ત્રિવેદી. આ સુચેતા એક જ નાટક પૂરતી લાઇનમાં આવી હતી. અત્યારે તે ક્યાં છે એ મને ખબર નથી. ચોથા કપલમાં હેમંત કેવાણી અને છોકરીનું નામ અત્યારે મને યાદ નથી. અમેરિકાથી હું આવ્યો ત્યારે આ નાટકનાં રિહર્સલ્સ ચાલતાં હતાં. સાચું કહું તો નાટકની વાર્તા અને સીન્સને લઈને બધા સહેજ મૂંઝવણમાં હતા. મેં આવીને નાટકમાં થોડા સુધારા-વધારા સૂચવ્યા અને નાટક મારી રીતે રેડી કરાવ્યું. નાટકનું નામ રાખ્યું ‘ચાલ ચંદુ પરણી જઈએ’.
૨૦૦૩ અને ૪થી મેની સાંજ.
નાટક ઓપન થયું અને સુપરહિટ ગયું. લોકોને બહુ મજા આવી.
અમેરિકાથી પાછા આવ્યાના બે-ત્રણ દિવસ પછી મને ખબર પડી કે વિપુલ મહેતા અને કૌસ્તુભ ત્રિવેદીએ રાઇટર જયેશ મહેતાની એક વાર્તા સાંભળીને એ નાટક કરવાનું નક્કી કર્યું છે. અફકોર્સ પહેલાં ‘ચાલ ચંદુ પરણી જઈએ’ જ ઓપન થવાનું હતું અને એ પછી આ જયેશ મહેતાવાળું નાટક ઓપન થવાનું હતું. એ નાટક કૌસ્તુભ ત્રિવેદીના પ્રોડક્શન હાઉસમાં થવાનું હતું અને એ પ્રોડક્શન હાઉસમાં હું પાર્ટનર નહીં. મને એ પણ ખબર પડી કે એ નાટકમાં આપણાં પદ્મશ્રી ઍક્ટર સરિતા જોશી લીડ કૅરૅક્ટર કરવાનાં છે. જાણીને મને ખૂબ આનંદ થયો. નાટકના મુહૂર્તમાં પણ હું ગયો હતો. અમેરિકાથી પાછા આવ્યા પછી નાટકમાં મારી પાસે કંઈ બહુ કામ હતું નહીં એટલે રોજ સાંજે નિરાંત હોય. આ નિરાંતમાં હું મારા માટે નવા સબ્જેક્ટ શોધવામાં લાગી જતો.
આ બાજુ સરિતાબહેનવાળા નાટકના એટલે કે ‘મસાલા મામી’ નાટકનાં રિહર્સલ્સ ચાલે. નાટકમાં સરિતાબહેન મુખ્ય રોલમાં તો તેમના પતિનો રોલ સંદીપ મહેતા કરે. નાટકમાં ફોઈબાનું કૅરૅક્ટર હતું એ દેવિયાની પટેલ કરતાં, જેમણે પછી ટીવી-સીરિયલના ડિરેક્ટર ભાવિન ઠાકર સાથે લગ્ન કર્યાં અને દેવિયાની ઠાકર બન્યાં. દેવિયાનીબહેનનું ત્રણેક વર્ષ પહેલાં અવસાન થયું. ખૂબ સારાં ઍક્ટ્રેસ. આ ઉપરાંત નાટકમાં ગાયત્રી રાવલ અને ઉર્વી ગાલા પણ હતી. ઉર્વીએ બે-ત્રણ નાટકો કર્યાં અને એ પછી તે મૅરેજ કરીને ઠરીઠામ થઈ ગઈ તો ગાયત્રી આજે પણ નાટકો સાથે જોડાયેલી છે.
નાટકની વાર્તા બહુ સરસ હતી, પણ કૌસ્તુભને સરિતાબહેન માટે એ વાર્તા બહુ મજા નહોતી આવતી એટલે તે સહેજ મૂંઝવણમાં હતો. ગ્રૅન્ડ રિહર્સલ્સનો ટાઇમ આવી ગયો. ગ્રૅન્ડ રિહર્સલ્સ પહેલાં કૌસ્તુભે મને કહ્યું કે ‘તું જઈને નાટક જો અને જોઈને મને કહે કેવું બન્યું છે? જો કોઈ સુધારા-વધારા હોય તો એ પણ મને સૂચવજે.’
મેં આખું નાટક જોયું. નાટકમાં કોઈ કમી નહોતી. મને નાટક ખૂબ ગમ્યું. મેં કૌસ્તુભને કહ્યું કે નાટકની ચિંતા કરવાની જરૂર નથી, નાટક સારું બન્યું છે. એમ છતાં કૌસ્તુભની અવઢવ અકબંધ હતી એટલે મેં તેને કહ્યું કે ‘સાચું કહું છું. જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. જો નાટક ફ્લૉપ જાય તો તારું નુકસાન તું મારી પાસેથી લઈ લેજે. જરા પણ ટેન્શન ન રાખ.’ 
મેં જે કહ્યું હતું એ સાવ જ સાચું કહ્યું હતું અને નાટક ખરેખર ખૂબ સરસ હતું, પણ કોણ જાણે કેમ મેં જેવું નુકસાન ભરપાઈ કરવાનું કહ્યું કે તરત કૌસ્તુભે મને કહ્યું કે ‘એવું જ હોય તો આજથી તું પણ આ નાટકમાં પાર્ટનર. લૉસ થાય તો તારે ભોગવવાનો અને પ્રૉફિટ થાય તો આપણે અડધા-અડધા કરી લઈશું.’ મને તો નાટક પર વિશ્વાસ હતો એટલે મેં તો તરત હા પાડી અને આમ મારી ‘મસાલા મામી’માં એન્ટ્રી થઈ. મિત્રો, મને ખાતરી હતી કે નાટક ચાલવાનું જ છે. નાટક સારું બન્યું હતું, વાર્તા સારી હતી અને ત્રીજી અગત્યની વાત, મારી વર્ષોની ઇચ્છા હતી કે સરિતાબહેન મારા નાટકમાં કામ કરે અને જોગાનુજોગ ‘મસાલા મામી’માં સરિતાબહેન હતાં જ. એ વાત જુદી છે કે એ પછી તો સરિતાબહેને મારાં બીજાં નાટકોમાં પણ કામ કર્યું, પણ એ સમયે મેં તેમની સાથે કામ નહોતું કર્યું એટલે બહેન સાથે કામ કરવા મળે એ મારું ત્યારે સપનું હતું અને આ સપનું મારું સાકાર થતું હતું.
૨૦૦૩ અને જૂન મહિનો.
નાટક તેજપાલમાં ઓપન થયું અને સાહેબ, નાટક હિટ.
૨૦૦૩ હજી અડધું પૂરું થયું હતું અને મેં તમને અગાઉ કહ્યું એમ આ વર્ષ મારી કરીઅરમાં બહુ મહત્ત્વનું હતું. 
‘મસાલા મામી’ હિટ થઈ ગયું એટલે એ નાટક પોતાની રીતે દોડતું થઈ ગયું. હવે મારે મારા પ્રોડક્શનમાં એક નાટક કરવાનું હતું, જેના માટે મારા મનમાં એક વિચાર હતો. એક મરાઠી નાટક હતું. ટાઇટલ એનું ‘કાલાય તસ્મેય નમઃ’. આ નાટક પરથી અમોલ પાલેકરે ફિલ્મ ‘અનકહી’ પણ બનાવી હતી અને એના પરથી ગુજરાતી નાટક પણ થયું હતું, પણ એ ફ્લૉપ ગયું હતું. આ નાટક મારે કરવું જોઈએ એવું મારા મનમાં સતત ચાલતું હતું. મેં વાત વિપુલને કરી અને વિપુલને પણ વિષય ગમ્યો અને નાટકની વાર્તા તો મને ગમતી જ હતી.
નાટકનો વિષય જ્યોતિષશાસ્ત્ર પર આધારિત હતો. મિત્રો, જ્યોતિષશાસ્ત્રએ મને હંમેશાં આકર્ષણ આપ્યું છે અને એ જ કારણે જાતઅનુભવે એના વિશે મેં થોડું-ઘણું જ્ઞાન પણ મેળવ્યું છે. ઍનીવે, અમે નક્કી કર્યું કે આપણે આ નાટક કરીશું. નાટકના ગુજરાતીકરણ પછી અમે એનું ટાઇટલ ‘લાઇફ પાર્ટનર’ રાખ્યું હતું. આ નાટકના સર્જન વિશે વધારે વાત આવતા સોમવારે કરીશું, પણ એ પહેલાં તમને કહું કે ‘લાઇફ પાર્ટનર’ અને ‘મસાલા મામી’ બન્ને નાટક યુટ્યુબ પર છે. તમે જોજો. તમને બહુ મજા આવશે.

 ‘‘મસાલા મામી’ સારું બન્યું હતું, વાર્તા સારી હતી અને ત્રીજી અગત્યની વાત, એમાં સરિતા જોષી હતાં. એ વાત જુદી છે કે ‘મસાલા મામી’ પછી સરિતાબહેને મારાં બીજાં નાટકોમાં પણ કામ કર્યું. જોકે એ સમયે મેં તેમની સાથે કામ નહોતું કર્યું એટલે બહેન સાથે કામ કરવા મળે એ મારું ત્યારે સપનું હતું.


Whatsapp-channel Whatsapp-channel

13 September, 2021 07:33 AM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK