હરિયાણાનો કિસ્સો ગાજ્યો દેશભરમાં : પુત્રની અને વારસદારની ઘેલછાનો આરોપ નકાર્યો પિતાએ, પણ તેને બધી પુત્રીઓનાં નામ યાદ નથી એવો વિડિયો વાઇરલ થયો
નવજાત દીકરા સાથે પિતા (ઇન્સેટ) અને તેની દીકરીઓ.
હરિયાણામાં ૩૭ વર્ષની એક મહિલાએ ૧૦ દીકરીઓને જન્મ આપ્યા બાદ અગિયારમી ડિલિવરીમાં પુત્રને જન્મ આપ્યો હતો. જોકે પુત્રના જન્મ પહેલાં આ મહિલા પર સફળ મેડિકલ પ્રોસીજર કરવામાં આવી હતી. ડિલિવરી હાઈ રિસ્ક હતી અને માતાને ૩ યુનિટ લોહી ચડાવવું પડ્યું હતું. પુત્રની ઇચ્છા માટે આ મહિલાએ તેના સ્વાસ્થ્ય સામે જોખમ લીધું હતું અને તેથી લોકોમાં એવી ચર્ચા ઊભી થઈ હતી કે વારસદાર માટે ઘણા પરિવારો અંતિમવાદી પગલાં ભરતાં હોય છે. પુત્ર જન્મે એ માટે દેશના કેટલાક ભાગોમાં હજી પણ લોકો આવાં જોખમ લે છે. ૨૦૦૭માં આ મહિલાનાં લગ્ન થયાં હતાં અને ૧૯ વર્ષના લગ્નજીવનમાં તેણે ૧૧ બાળકોને જન્મ આપ્યો છે.
આ મહિલાને ૩ જાન્યુઆરીએ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને બીજા દિવસે તેણે બાળકને જન્મ આપ્યો હતો. દૈનિક મજૂર તરીકે કામ કરતા બાળકના ૩૮ વર્ષના પિતા સંજયકુમારે જણાવ્યું હતું કે ‘અમને એક દીકરો જોઈતો હતો અને મારી કેટલીક મોટી દીકરીઓ પણ ભાઈની ઇચ્છા રાખતી હતી. મોટા ભાગની દીકરીઓ સ્કૂલમાં જાય છે, જેમાં સૌથી મોટી દીકરી બારમા ધોરણમાં અભ્યાસ કરે છે. મર્યાદિત આવક હોવા છતાં હું મારી દીકરીઓને સારું શિક્ષણ આપવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યો છું. જે કંઈ થયું છે એ ભગવાનની ઇચ્છા છે અને હું એનાથી ખુશ છું.’
ADVERTISEMENT
આ પરિવારની વાતનો સોશ્યલ મીડિયામાં એક વિડિયો સામે આવ્યો હતો. એમાં સંજયકુમાર તેમની ૧૦ દીકરીઓનાં નામ યાદ કરવામાં સંઘર્ષ કરી રહ્યા હતા. આના કારણે કોઈએ કમેન્ટ કરી કે વારસદાર માટે આ બધું થઈ રહ્યું છે, પણ પિતાએ કહ્યું હતું કે આ બધું ખોટું છે; આજે છોકરીઓ કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા સક્ષમ છે.
બહેનોએ ભાઈનું નામ દિલખુશ રાખ્યું
૧૦ બહેનોએ તેમના નવજાત ભાઈનું નામ દિલખુશ રાખ્યું છે. ૧૯ વર્ષની લાંબી રાહ પછી પુત્રના જન્મથી પરિવારમાં આનંદ અને ખુશી આવી છે. સૌથી મોટી ૧૮ વર્ષની પુત્રી સરીના બારમા ધોરણમાં સરકારી સ્કૂલમાં અભ્યાસ કરે છે. ત્યાર બાદ અમૃતા અગિયારમા ધોરણમાં અભ્યાસ કરે છે. સુશીલા સાતમા ધોરણમાં, કિરણ છઠ્ઠા ધોરણમાં, દિવ્યા પાંચમા ધોરણમાં, મન્નત ત્રીજા ધોરણમાં, કૃતિકા બીજા ધોરણમાં અને અમનિષ પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે. નવમી અને દસમી પુત્રીઓ લક્ષ્મી અને વૈશાલી છે.


