નાની વહુ જાહનવીએ પ્રેગ્નન્સી પછી કામ મૂક્યું. પરંતુ એ પહેલાં તે જ્યારે ક્લાસિસમાં ભણાવવા જતી ત્યારે અમુક દિવસો ઓવરટાઇમ થઈ જાય તો તેના ઘરેથી ભાભીઓ ચા અને ગરમ નાસ્તો મોકલતાં. એ વાત યાદ કરતાં જાહનવી કહે છે, ‘હું વૈષ્ણવ છું અને અહીં જૈન છે.
રંજન ડગલીનો પરિવાર
વડીલ રંજન ડગલીના આ પરિવારમાં બિઝનેસ અને કિચન બન્ને એક જ છે. સામાન્ય રીતે પપ્પાનો બિઝનેસ છોકરાઓ સંભાળતા હોય છે પણ ડગલી પરિવારમાં મમ્મી રંજનબહેને ૨૦૦૧માં એટલે કે તેઓ જ્યારે ૬૦ વર્ષનાં હતાં ત્યારે દીકરાઓ માટે બિઝનેસ ઊભો કર્યો હતો. તેમનાં ત્રણ દીકરા અને વહુઓ પ્રેમથી એકબીજા સાથે જીવે છે. તેમનાં સંતાનો ભણવા અને કામ કરવા માટે અમેરિકા ગયાં હતાં અને લાગતું હતું કે તેઓ પાછાં નહીં ફરે, પણ પરિવાર સાથે રહેવા તેઓ ભારત પાછાં ફર્યાં છે અને અહીં જ બધાં સાથે પ્રેમથી રહે છે
બોરીવલીમાં ૮૫ વર્ષનાં રંજન ડગલીએ પોતાના ૧૧ જણના સંયુક્ત જૈન પરિવારને એક તાંતણે મજબૂત બાંધી રાખ્યો છે. ત્રીજી પેઢી પણ અમેરિકાની જાહોજલાલી છોડી પરિવાર સાથે રહેવા માટે મુંબઈ પાછી ફરેલી છે. જીવનના તડકા-છાયા એકબીજાની સાથે જોયા છે એટલે તેમના પરિવારનું થડ અને મૂળિયાં સુધ્ધાં ખૂબ જ મજબૂત છે.
ADVERTISEMENT
આ પરિવારનો બિઝનેસ અને કિચન બધું એક છે. ટાઇલિંગના હોલસેલર્સનો બિઝનેસ બીજા કોઈએ નહીં, રંજનબહેને ખુદ બાળકોને સેટ કરી આપ્યો હતો. એ વિશે વાત કરતાં રંજનબહેન કહે છે, “મારા પતિ બે વર્ષ પહેલાં ગુજરી ગયા. તેઓ એ સમયે અકાઉન્ટન્ટ હતા. મારા ત્રણ દીકરાઓ અલગ-અલગ જગ્યાએ નોકરી કરતા હતા. મને લાગ્યું કે આમ તો નહીં ચાલે. મારા ભાઈઓ ટાઇલ્સનો જ બિઝનેસ કરતા હતા. એ સમયે મારો વચલો દીકરો મારા એક ભાઈને ત્યાં નોકરી કરતો હતો એટલે કે કામ શીખતો હતો. ભાઈઓ પાસેથી મૂડી લઈને મેં જ આ કામ શરૂ કર્યું. ધીમે-ધીમે બિઝનેસ જમાવતી ગઈ અને ત્રણેય દીકરાઓને ટ્રેઇન કરીને આ બિઝનેસમાં જ સેટ કરી દીધા. ધીમે-ધીમે તેમની પકડ જામી પછી મેં કામે જવાનું છોડ્યું. આજે પણ ઘણું સામાજિક કામ મારું ચાલુ છે. ઉંમરનો કોઈ બાધ નથી. હું સતત ઍક્ટિવ રહેવામાં માનું છું અને કામ કરવામાં આનંદ અનુભવું છું.’
પરિવાર
રંજનબહેનના મોટા દીકરા હિમાંશુભાઈ અને રીનાબહેનનાં લગ્નને લગભગ ૪૦ વર્ષ જેવો સમય થયો ત્યારથી પરિવાર ઘડાવાની શરૂઆત થઈ. તેમની દીકરી પ્રિયાબહેન મુંબઈમાં જ પરણેલાં છે અને તેમને પણ એક નાનો દીકરો છે. બીજા નંબરના દીકરા વિરલભાઈ અને તેમનાં પત્ની પ્રીતિબહેન છે. એ બન્નેનો દીકરો પાર્થ અને તેની પત્ની ચિનાર બન્ને અમેરિકામાં ભણેલાં છે અને ત્યાં કામ પણ કરતાં હતાં. તેમને ત્યાં સેટલ થવું હોય તો પરિવારને કોઈ જ પ્રૉબ્લેમ નથી પરંતુ એ બન્નેને અહીં બધાં સાથે જ રહેવું છે અને અમેરિકાનો કોઈ મોહ નથી. સૌથી નાના ભાઈ કલ્પેશભાઈ અને તેમની પત્ની જાહનવીબહેન છે જેમની દીકરી મૈત્રી ૨૩ વર્ષની છે. તે હાલમાં જ અમેરિકાથી ભારત પછી આવી છે. પોતાની વાત કરતાં મૈત્રી કહે છે, ‘હું ત્યાં બિઝનેસ ઍનાલિસિસનું ભણવા ગયેલી. મમ્મી-પપ્પાને લાગતું હતું કે આને હવે અમેરિકા જ ગમશે, તે પછી નહીં આવે. પણ એવું થયું નહીં. મને ત્યાં H1 વીઝા મળી ગયેલા પણ મને અહીં પાછાં આવવું હતું. પરિવાર પાસે. બધાં સાથે રહેવું હતું. હું મારો ફૅમિલી બિઝનેસ જ જૉઇન કરીશ એવો નિર્ણય લઈને હું પાછી આવી ગઈ.’
બહેનપણાં
સાસુ રંજનબહેન અને તેમની ત્રણેય વહુઓ વચ્ચે ગજબ મૈત્રી છે. આ સંયુક્ત પરિવારમાં રીનાબહેનના આવ્યા પછીના દસકામાં બીજી બન્ને વહુઓ આવી. આ ત્રણેય દેરાણી-જેઠાણી વચ્ચે એવાં તો બહેનપણાં છે કે એકબીજા વગર તેમને ચાલતું નથી. છોકરાઓ પણ તેમને બેસ્ટી કહીને બોલાવતા હોય છે. ઘરનાં મોટાં વહુ રીનાબહેન કહે છે, ‘સાચું કહું તો અમને બહાર મિત્રોની જરૂર જ નથી. અમે ત્રણેય એકબીજા માટે ઘણાં થઈ પડીએ છીએ. અમારાં સાસુ પણ અમને ખૂબ પ્રેમપૂર્વક રાખે છે.’ ત્રણેયમાંથી કોઈ પણ થોડું પણ બીમાર હોય તો બીજી સ્ત્રીઓ તેને પલંગ પરથી ઊઠવા પણ ન દે અને ખૂબ કાળજી લે. પહેલી બન્ને વહુઓ હાઉસવાઇફ હતી અને ત્રીજી વહુ જ્યારે લગ્ન કરીને આવી તો તેણે કામ કરવાની ઈચ્છા બતાવી. આ વાત યાદ કરતાં વચલાં વહુ પ્રીતિબહેન કહે છે, ‘હું લગ્ન પહેલાં ટ્યુશન કરતી હતી પણ લગ્ન પછી મેં કામ છોડ્યું. જાહનવી ઘરમાં આવી ત્યારે તેને કામ કરવું હતું તો અમે તેને પૂરો સપોર્ટ કર્યો. મને કરવા ન મળ્યું તો તેને કેમ એવું મેં નથી વિચાર્યું. ઊલટું એવું લાગતું કે તું બિન્દાસ કર.’
સપોર્ટ
નાની વહુ જાહનવીએ પ્રેગ્નન્સી પછી કામ મૂક્યું. પરંતુ એ પહેલાં તે જ્યારે ક્લાસિસમાં ભણાવવા જતી ત્યારે અમુક દિવસો ઓવરટાઇમ થઈ જાય તો તેના ઘરેથી ભાભીઓ ચા અને ગરમ નાસ્તો મોકલતાં. એ વાત યાદ કરતાં જાહનવી કહે છે, ‘હું વૈષ્ણવ છું અને અહીં જૈન છે. આ ઘરમાં શરૂઆતમાં આવી ત્યારે મારાં સાસુએ મને કહ્યું હતું કે તને જે ભગવાનમાં શ્રદ્ધા છે એ જ પકડી રાખજે. જૈન ધર્મ વિશે હું આ ઘરમાં આવીને શીખી. આ ઘરમાં મારી પહેલી દિવાળી હતી ત્યારે સમસ્ત પરિવારે શ્રીનાથજીની ટ્રિપ પ્લાન કરી મને સરપ્રાઇઝ આપેલી અને એ પછી દર વર્ષે અમે બધાં ત્યાં જઈએ જ છીએ. હરવા, ફરવા, ખાવા, પીવામાં બધે અમે સાથે જ હોઈએ પણ એકબીજાની લાગણીઓને માન આપવું, કહ્યા વગર સમજી જવું અને એકબીજાની પડખે ગજબ સપોર્ટ બનીને ઊભા રહેવું એ જ સાચી મૈત્રી છે જે અમે એકબીજા પ્રત્યે નિભાવીએ છીએ.’
ફાયદા
સંયુક્ત પરિવારના ફાયદા જણાવતાં કલ્પેશભાઈ કહે છે, ‘સંયુક્ત પરિવારમાં જવાબદારીના ભાર નીચે તમે દબાવ નહીં કારણ કે તમારો ભાર વહેંચાઈ જાય છે. જે વ્યક્તિ જે કામમાં એક્સપર્ટ છે એ કામ તે ઉપાડી લે છે એટલે બધું જ તમારે એકલા હાથે નથી કરવું પડતું. અમારા વચલા ભાઈને વહેવારમાં ભારે સમજ છે એટલે તે કહે તે ફાઇનલ જ હોય. એમાં અમારે બીજો વિચાર કરવાનો જ ન હોય. સૌથી વધુ ફાયદો કટોકટી વખતે હોય. એક સમય એવો હતો કે પપ્પા-મમ્મી બન્ને માંદાં હતાં. એ સમયે એક ભાઈ-ભાભી હૉસ્પિટલમાં જ રહેતાં. બાકીના ઘર અને બિઝનેસ સાંભળી લે એટલે કોઈ જગ્યાએ ખેંચ ન પડે. અમારાં બાળકો પણ કઝિન્સની જેમ ઊછર્યાં નથી, ભાઈ-બહેનની જેમ જ ઊછર્યાં છે. ત્રણેય ભાઈને એક-એક બાળક હતું એટલે ઘરનાં ત્રણ બાળકો એકબીજાનાં ભાઈ-બહેન બનીને જ જીવે છે. ફરિયાદ કરતાં અમને કોઈને આવડતું જ નથી જે પપ્પા પાસેથી અમે શીખ્યા છીએ. સાથે રહેવાની હકારાત્મક અને નકારાત્મક બન્ને બાજુ હોઈ શકે પણ અમે તો ફક્ત હકારાત્મક જોઈએ છીએ. અમારું ફોકસ જ એના પર હોય છે એટલે એના નુકસાન તરફ અમારું ધ્યાન જતું જ નથી.’
સંયુક્ત પરિવારની જરૂરિયાત
આજે ઘણા લોકો એકલા રહેવા ઇચ્છે છે અને બધાને પોતપોતાની સ્પેસ જોઈએ છે. એ વિશે વાત કરતાં જાહનવીબહેન કહે છે, ‘અમારો અનુભવ એ કહે છે કે જો તમે સંયુક્ત પરિવારમાં રહેતા હો તો તમને ડિપ્રેશન નહીં આવે. મિત્રો આજે છે અને કાલે નથી પણ પરિવાર હંમેશાં તમારી સાથે રહે છે. આ ઉપરાંત સંયુક્ત પરિવારનાં બાળકોને શીખવવું નથી પડતું કે તમારે વડીલોને આદર આપવાનો છે. તોછડાઈ નહીં જોઈએ. સંસ્કાર આપવા નથી પડતા, તેમનામાં જાતે રેડાતા હોય છે. તેમને શૅરિંગ ઇઝ કૅરિંગના પાઠ ભણાવવાની જરૂર નથી. તેમના જીવનનો એ ભાગ હોય છે. લોકો કહે છે કે ચાર વાસણ હોય તો એ ખખડે પણ સાચું કહું તો સંયુક્ત કુટુંબમાં એ ખખડાટ પણ મીઠો રણકાર બની જતો હોય છે.’
