ધ્રુમિલ પટેલનો જીવ લેનારો બેફામ સગીર ૧૭ વર્ષનો છે એટલે કાયદાની પકડમાં નથી આવ્યો એ બાબતે ભારે રોષ
ઘાટકોપરના અકસ્માતમાં મૃત્યુ પામેલા ધ્રુમિલ પટેલની ગઈ કાલે યોજાયેલી પ્રાર્થનાસભામાં જનમેદની એકઠી થઈ હતી. સરકાર શા માટે મોટર વ્હીકલ ઍક્ટમાં સગીર બાળકની વયમાં બદલાવ ન કરી શકે એવાં પ્લૅકાર્ડ્સ સાથે ધ્રુમિલના મિત્રો અને પરિવારજનોએ પ્રદર્શન કર્યું હતું.
સરકાર શા માટે મોટર વ્હીકલ ઍક્ટમાં બદલાવ ન કરી શકે એવા સવાલ સાથે દાદરના યોગી સભાગૃહમાં કાલે યોજાયેલી શ્રદ્ધાંજલિ સભામાં મિત્રોએ અને પરિવારજનોએ પ્લૅકાર્ડ્સ સાથે પ્રદર્શન કર્યું
વિદ્યાવિહાર-ઈસ્ટની સોમૈયા કૉલેજની બહાર રાતના ૧૦.૪૫ વાગ્યે તિલકનગરના ૧૭ વર્ષના ટીનેજરે તેની કારથી ઘાટકોપરના પટેલ દંપતીનો ભયંકર અકસ્માત કર્યો હતો. એમાં ૩૨ વર્ષના ધ્રુમિલ પટેલનું અકસ્માતના ૧૦ દિવસ પછી મૃત્યુ થયું હતું. ગઈ કાલે દાદરના યોગી સભાગૃહમાં યોજાયેલી પ્રાર્થનાસભામાં પટેલ દંપતીને ન્યાય મળે એવી માગણી કરતાં પોસ્ટરો ઠેર-ઠેર લગાડવામાં આવ્યાં હતાં અને પ્રાર્થનાસભા પછી ધ્રુમિલના મિત્રો અને પરિવારજનોએ સરકાર શા માટે મોટર વ્હીકલ ઍક્ટમાં સગીર બાળકની વયમાં બદલી ન કરી શકે એવાં પ્લૅકાર્ડ્સ સાથે પ્રદર્શન કર્યું હતું.
ADVERTISEMENT
આ ગંભીર અકસ્માતના ૧૫ દિવસ પછી પણ કાયદાના રક્ષકો ટીનેજર સામે કાયદાકીય ઍક્શન લેવામાં નિષ્ફળ ગયા છે એમ જણાવતાં ધ્રુમિલના મિત્રો અને પરિવારના યુવાનોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લાઇસન્સ વગર કાર ડ્રાઇવ કરી રહેલા ટીનેજર અને તેની કારના માલિક તેના પિતા સામે પોલીસે ગુનો નોંધ્યો છે, પણ એક માતાએ તેના એકના એક પુત્રને આ અકસ્માતમાં ગુમાવ્યા પછી પણ પોલીસ હાથ જોડીને બેઠી છે જે ખૂબ દુઃખજનક છે. ધ્રુમિલનો જીવ ગયો અને તેની પત્ની મીનળ પટેલ હજી પણ હૉસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે. આમ છતાં પોલીસ ખૂબ જ શાંતિથી કાર્યવાહી કરી રહી છે જેનો વિરોધ દર્શાવવા અને સમાજમાં જાગૃતિ લાવવા માટે અમે ગઈ કાલની ધ્રુમિલની પ્રાર્થનાસભામાં સરકાર શા માટે મોટર વ્હીકલ ઍક્ટમાં સગીર બાળકની વયમાં બદલી ન કરી શકે એવાં પ્લૅકાર્ડ્સ સાથે પ્રદર્શન કર્યું હતું. આનાથી કદાચ પોલીસ જાગે અને ધ્રુમિલનાં મમ્મી પ્રતીક્ષાબહેનને ન્યાય અપાવવા માટે સક્રિય બને.’
ધ્રુમિલના કાકા મહેશ પટેલે ઍડ્વોકેટ રુબેન મૅસ્કરેન્હૅન્સ મારફત એક અરજી દાખલ કરી છે, જેમાં મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ કોર્ટ વિક્રોલી સમક્ષ ટીનેજરના પિતાની જામીનઅરજીની સુનાવણીમાં હસ્તક્ષેપ કરવાની માગણી કરી છે. કોર્ટે એને બુધવારે મંજૂરી આપી હતી. આજે જામીનઅરજી પર નિર્ણય લેતાં પહેલાં પીડિતાના પરિવારને કોર્ટ દ્વારા સાંભળવામાં આવશે. સગીર ડ્રાઇવરના પિતાએ જામીનઅરજી દાખલ કરી છે અને દાવો કર્યો છે કે કાર તેમના પુત્ર દ્વારા તેમની જાણ અને સંમતિ વિના ચલાવવામાં આવી હતી.
