આમ જોવા જઈએ તો ટિટવાલા સિદ્ધિવિનાયક ગણપતિબાપ્પાને કારણે જ જાણીતું થયું છે. અહીં કરવામાં આવતી માનતાઓને બાપ્પા પૂરી કરતા હોવાથી સ્થાનિકો જાગૃત દેવ તરીકે તેમને માને છે.
ટિટવાલાના ગણપતિનાં દર્શન કરવા તો જાઓ છો, પણ એના ઇતિહાસથી પરિચિત છો ખરા?
આમ જોવા જઈએ તો ટિટવાલા સિદ્ધિવિનાયક ગણપતિબાપ્પાને કારણે જ જાણીતું થયું છે. અહીં કરવામાં આવતી માનતાઓને બાપ્પા પૂરી કરતા હોવાથી સ્થાનિકો જાગૃત દેવ તરીકે તેમને
માને છે. આ મંદિરને લઈને જેટલી ઊંડી શ્રદ્ધા બાપ્પા પ્રત્યેની છે એટલો જ રોચક અહીંનો ઇતિહાસ પણ છે જે જાણીને તમને ફરી એક વાર બાપ્પાનાં ચરણોમાં તમારું શીશ નમાવવાનું મન થઈ જશે
ગણેશોત્સવ દરમ્યાન મુંબઈ સહિત આખા રાજ્યમાં બાપ્પાના ભક્તોનું ઘોડાપૂર ઊમટે છે. મુંબઈમાં રોજિંદું ભાગદોડભર્યું જીવન અને સંસારનાં વમળોમાંથી થોડી ક્ષણની શાંતિ મેળવવી હોય તો ટિટવાલાના શ્રી સિદ્ધિવિનાયક મહાગણપતિના મંદિરની મુલાકાત અચૂક લેવી જોઈએ. આ મંદિર એટલું પ્રસિદ્ધ છે કે દૂર-દૂરથી લોકો બાપ્પાનાં દર્શને આવતા હોય છે. જોકે કલ્યાણ નજીક આવેલું આ મંદિર શા માટે ગણેશભક્તો માટે આટલું ખાસ છે એ તમને ખબર છે? મંદિરના ટ્રસ્ટી રામચંદ્ર જોશી પાસેથી આ મંદિર વિશેની રોચક માહિતી જાણીએ.
ADVERTISEMENT
બાપ્પા જ્યારે બન્યા વિવાહવિનાયક
આ સ્થળનો પૌરાણિક સંબંધ મહાકવિ કાલિદાસના અમર નાટક ‘અભિજ્ઞાન શાકુંતલમ્’ સાથે જોડાયેલો છે. એવું માનવામાં આવે છે કે ટિટવાલા જ એ પવિત્ર ભૂમિ છે જ્યાં કણ્વમુનિનો આશ્રમ હતો. અહીં જ રાજા દુષ્યંત અને શકુંતલા વચ્ચે પ્રેમ પાંગર્યો હતો, પણ દુર્વાસા ઋષિના શાપને કારણે રાજા દુષ્યંત શકુંતલાને ભૂલી ગયા અને બન્ને વચ્ચે વિરહ વ્યાપી ગયો. એ કપરા સમયમાં કણ્વમુનિએ શકુંતલાને વિઘ્નહર્તા ગણેશજીની આરાધના કરવા જણાવ્યું અને પૂજા માટે એક ગણેશમૂર્તિ આપી. શકુંતલાની શ્રદ્ધા અને બાપ્પાના આશીર્વાદથી દુષ્યંતની યાદશક્તિ પાછી આવી અને બન્નેનું પુનઃ મિલન થયું. એ સમયથી જ મંદિરની બાપ્પાની આ મૂર્તિ ‘વિવાહવિનાયક’ તરીકે પણ ઓળખાય છે. આજે પણ એવી દૃઢ માન્યતા છે કે જે યુવકો-યુવતીઓનાં લગ્નમાં અડચણો આવતી હોય તેઓ અહીં આવીને જો સાચા મનથી પ્રાર્થના કરે તો બાપ્પા તેમની મનોકામના પૂરી કરે છે.
તળાવમાંથી પ્રગટ થયા બાપ્પા
સ્થાનિક પરંપરા મુજબ વિદેશી આક્રમણોના ભયથી આ પવિત્ર મૂર્તિને રક્ષણ આપવા તળાવમાં પધરાવી દેવામાં આવી હતી. સમય જતાં મંદિર વીસરાઈ ગયું, પણ સાચી ભક્તિ ક્યારેય છુપાયેલી રહેતી નથી. પેશવા માધવરાવ પ્રથમના શાસનકાળ દરમ્યાન આ વિસ્તારમાં પાણીની અછત ઊભી થતાં તળાવનું ખોદકામનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે તેમના કારભારી રામચંદ્ર મેહેંદળેને તળાવના પેટાળમાંથી આ દિવ્ય ગણેશમૂર્તિ મળી આવી. માધવરાવ પેશવાને સ્વપ્નદૃષ્ટાંત થયું અને તેમણે મંદિરનું નિર્માણ કરાવ્યું હોવાનું કહેવાય છે. સમય જતાં જૂનું મંદિર ક્ષતિગ્રસ્ત થતાં ૬૦ના દશકામાં પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ પણ છે. તેમણે પૂજા-સેવા માટે જોશીપરિવારને નીમ્યો. આજે પેઢીઓ વીતી ગઈ હોવા છતાં આજની તારીખમાં પણ જોશીપરિવાર જ પૂરા ભક્તિભાવથી બાપ્પાની સેવા-પૂજા સંભાળી રહ્યો છે.
મૂર્તિનું અદ્ભુત સ્વરૂપ
ટિટવાલા મંદિરમાં બિરાજમાન મહાગણપતિની મૂર્તિ ૩ ફુટ ઊંચી છે અને આસનસ્થ મુદ્રામાં છે. મંદિરમાં સ્થપાયેલી આ મૂર્તિ કાળા પથ્થરની છે અને ભક્તોની માન્યતા મુજબ સ્વયંભૂ છે એવું માનવામાં આવે છે. મૂર્તિની સૂંઢ જમણી તરફ વળેલી હોવાથી તેઓ અત્યંત જાગૃત અને સિદ્ધિ આપનારા સિદ્ધિવિનાયક કહેવાય છે. બાપ્પાની આંખોમાં લાલ માણેક જડવામાં આવ્યા છે, ગળામાં જનોઈ અને વિરાટ ઉદર પર સર્પનો વીંટો છે. તેમની બન્ને બાજુએ તેમનાં ધર્મપત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ બિરાજમાન છે જે ભક્તોને સમૃદ્ધિ અને સિદ્ધિના આશીર્વાદ આપે છે. શ્રદ્ધાળુઓ આ મૂર્તિને જાગૃત દેવ માને છે. એવી દૃઢ માન્યતા છે કે અહીં સાચા મનથી માગેલી મનોકામનાઓ પૂરી થાય છે એટલે એને સ્થાનિક લોકો નવસાચા ગણપતિ એટલે કે માનતા પૂરી કરનારા દેવ તરીકે પણ ઓળખે છે. મંદિરમાં ગણપતિબાપ્પાની મૂર્તિ ઉપરાંત શિવ-પાર્વતી અને કાર્તિકેય તથા હનુમાનજીની મૂર્તિ છે. મંદિરની લગોલગ આવેલા તળાવને અમૃતકુંડ કહેવાય છે જે પેશવાકાળ દરમ્યાન ખોદવામાં આવ્યું હતું. હાલમાં અહીં આવતા ભક્તો માટે બોટિંગ અને બગીચાની સગવડ પણ છે.
સિદ્ધિવિનાયક કે મહાગણપતિ?
ટિટવાલામાં આવેલા આ ગણેશમંદિરને સિદ્ધિવિનાયક મહાગણપતિ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. અહીં સિદ્ધિવિનાયક અને મહાગણપતિ બન્ને નામ પાછળ વિશેષ પૌરાણિક અને માહાત્મ્યપૂર્ણ કારણો રહેલાં છે. મંદિરમાં સ્થાપિત મૂર્તિ સિદ્ધિવિનાયક રૂપની છે, જેમાં તેમની સૂંઢ જમણી તરફ હોય છે. ઋષિ કણ્વે શકુંતલાને સિદ્ધિવિનાયકરૂપે જ બાપ્પાની પૂજા કરવા કહ્યું હતું. માન્યતા મુજબ ગણેશજીએ શકુંતલાને મનોકામનાની સિદ્ધિ આપી હોવાથી તેઓ અહીં સિદ્ધિવિનાયક તરીકે પૂજાય છે. મહારાષ્ટ્રની પ્રાચીન પરંપરામાં આ વિગ્રહ પવિત્ર અને પ્રભાવશાળી ગણાય છે. એવી માન્યતા છે કે આ મૂર્તિ શક્તિશાળી જાગૃત દેવ છે. મહારાષ્ટ્રનાં ૮ પ્રસિદ્ધ ગણપતિ મંદિરોમાંનું આ એક મંદિર છે.
આધુનિક શ્રદ્ધાકેન્દ્ર
ટિટવાલા મંદિર ટ્રસ્ટ માત્ર આધ્યાત્મિકતા પૂરતું મર્યાદિત નથી, સાચા અર્થમાં જનસેવા એ જ જનાર્દનસેવાના મંત્રને સાર્થક કરે છે. ગંભીર બીમારીઓ અને ઑપરેશન માટે જરૂરિયાતમંદ દરદીઓને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. સ્થાનિક હૉસ્પિટલો અને મેડિકલ કૅમ્પ દ્વારા હજારો લોકોને મદદ કરવામાં આવે છે. આ ઉપરાંત બાળકોને ભણતર માટે દૂર ભટકવું ન પડે એ માટે સ્કૂલ બનાવી છે જ્યાં બાલવાડીથી લઈને બારમા ધોરણ સુધીનું શિક્ષણ ઉપલબ્ધ છે. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા ટ્રસ્ટ દ્વારા ૧૨ એકર જમીન પર આયુર્વેદ-જ્યોતિષ પર આધારિત નક્ષત્ર ઉદ્યાન બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
શા માટે જવું જોઈએ?
મંગળવાર, અંગારકી ચતુર્થી કે ગણેશચતુર્થી હોય ત્યારે અહીં ભક્તોનો મહાસાગર ઊમટે છે. આ મંદિરથી આશરે એક કિલોમીટર દૂર રુક્મિણીનું પ્રાચીન મંદિર આવેલું છે અને આને જ કારણે ટિટવાલા ડબલ તીર્થધામ તરીકે પણ ઓળખાય છે.
દર્શનનો સમય : સવારે પાંચ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહે છે. બપોરે એકથી બે વાગ્યા સુધી અને સાંજે છથી પોણાસાત વાગ્યા દરમ્યાન દર્શન બંધ રાખવામાં આવે છે.
કેવી રીતે પહોંચવું? : સેન્ટ્રલ રેલવેની ટિટવાલા જતી ટ્રેન પકડીને રેલવે-સ્ટેશન ઊતરશો ત્યારે મંદિર તરફ જતી રિક્ષાઓ ત્યાંથી મળી જશે. રેલવે-સ્ટેશનથી આ મંદિર આશરે ૩ કિલોમીટરના અંતરે આવેલું છે.
