આ વર્ષના વર્લ્ડ ફૂડ ડેની થીમ છે ઇનોવેટ એટલે કે નવું શોધો. એના તમામ હેતુઓની દિશામાં કંઈક નવું કરવાનું, નવેસરથી કે નવી શૈલીએ કરવાનું વિચારો
અર્પિત મહેશ્વરી અને સાક્ષી ભાટિયા
આજે ૧૬ ઑક્ટોબરે વર્લ્ડ ફૂડ ડે છે. ૨૦૨૬ના વર્લ્ડ ફૂડ ડેનું લક્ષ્ય છે વૈશ્વિક ભૂખમરા પરત્વે દુનિયામાં જાગૃતિ કેળવાય, ખેતીની ટકાઉ પદ્ધતિઓને વેગ મળે, પૌષ્ટિક આહારના ઉત્પાદનને અને સ્વસ્થ અને સલામત આહારના વપરાશની આદતોને પ્રોત્સાહન મળે એવી ખાદ્ય સામગ્રી દુનિયાના લોકોને પરવડી શકે એવા દરે મળી રહે અને સૌથી મહત્ત્વનું તો અન્નનો બગાડ ન થાય એની તકેદારી જનમાનસમાં સતત રહે. આવા હેતુઓ સાથે દર વર્ષે ૧૬ ઑક્ટોબરે આ દિવસ ઊજવાય છે. આજે સોશ્યલ મીડિયાના પગપેસારા સાથે સદ્નસીબે દુનિયાભરના લોકોમાં બીજાં અનેક ક્ષેત્રોની જેમ આરોગ્ય અને આહાર પ્રત્યેની જાણકારી સારી પેઠે વિકસી છે. પ્રોટીન, કૅલ્શિયમ, ફાઇબર ઇત્યાદિ પોષક તત્ત્વો પોતાના રોજિંદા ખોરાકમાં સામેલ કરવાની તકેદારી સામાન્ય કે ગરીબ વર્ગના લોકો પણ રાખતા જોવા મળે છે. આ જ કારણ છે કે લીલાં શાકભાજી, ફળો કે સૂકો મેવો જેવા મોંઘા ખાદ્ય પદાર્થોની ખરીદી હવે તમામ સ્તરના લોકો પોતપોતાની શક્તિ અનુસાર કરતા થયા છે. ઘરકામ કરીને પોતાના પરિવારનું પૂરું કરતી સ્ત્રી કે આકરી મજૂરી કરીને ઘર ચલાવતો પુરુષ પણ આજે પોતાનાં બાળકો અને પરિવાર માટે ફળો કે સૂકો મેવો ખરીદતો જોવા મળે છે. વર્લ્ડ ફૂડ ડેને દિવસે આ બદલાવને યાદ કરતાં પ્રસન્નતા અનુભવાય.
જોકે બીજી બાજુ ફાસ્ટ-ફૂડ અને જન્ક-ફૂડ માટેનો ક્રેઝ પણ યુવા પેઢીમાં એટલો જ વ્યાપક બનતો જઈ રહ્યો છે. સ્વાસ્થ્ય અને સ્વાદ વચ્ચેની લડાઈમાં સ્વાદનું પલડું જ ભારે પુરવાર થાય છે. મેંદાનાં નૂડલ્સની અવેજીમાં ઘઉંનાં આટા-નૂડલ્સ બજારમાં ઉપલબ્ધ છે; પરંતુ ‘ના, એ નહીં, એ અમને નથી ભાવતાં’ કહીને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય એ મેંદાનાં નૂડલ્સ જ ખાનારા કે ગમે એટલું નુકસાન કરતાં હોય તો પણ પૅક્ડ કોલ્ડ ડ્રિન્ક્સ પીનારાં બાળકોનો વર્ગ બહુ મોટો છે. તેમને નારિયેળપાણી, છાશ કે તાજાં ફળોના રસનો વિકલ્પ આપો તો તેઓ એને નકારી દેશે. પોષક તત્ત્વોની અને આરોગ્યપ્રદ ખોરાકની વાતો તેમના માટે ‘બધા ગ્રૅન્ડપેરન્ટ્સની એક જ આદત’ છે.
ADVERTISEMENT
બીજી એક વાત તમે સૌએ કદાચ નોંધી હશે. મોટા ભાગના યુવાનો અને બાળકોને અનાજનો બગાડ કરવામાં કોઈ તકલીફ નથી થતી. આની પાછળ તેમના ઉછેર અને ઍટિટ્યુડનો હાથ છે. જમવા બેઠા હોય અને બાળક પોતાની મમ્મી કે પપ્પાને જ થાળીમાં ખાવાનું પડતું મૂકતાં જુએ છે. હવે એ જ બાળકને જ્યારે તેની દાદી કે નાની થાળીમાં પીરસાયેલી બધી જ ચીજો પૂરી કરવાની તાલીમ આપે તો તે તેમની વાતો માનશે કે મમ્મી-પપ્પાના વર્તનને અનુસરશે? ડબલ ઇન્કમ ધરાવતા આધુનિક યુવાનો પણ પોતાનાં મા-બાપની ‘અન્નનો એક પણ દાણો વેડફાય નહીં’ એવી વાતોને તેમની જુનવાણી વિચારશૈલી કે વળગણ માને છે, તેમની એ વણમાગી શીખની મોટા ભાગે ઉપેક્ષા કરવામાં આવે છે. સમજુ મા-બાપ સમસમીને બેસી જાય છે અને મોટિવેશનલ સ્પીકર્સની સલાહ માનીને પોતાની માન્યતાઓ સંતાનો પર થોપવાનું પાપકર્મ કરવાનું ટાળે છે. આમ અનાજનો બગાડ જોઈને જેમનો જીવ કપાઈ જતો એ પેઢી સંકોચાતી જાય છે, પરંતુ વિશ્વસ્તરે વિકટ બનતી જતી અન્ન-સમસ્યા અને એના પ્રત્યે યોગ્ય ધ્યાન નહીં અપાય તો દુનિયાના ટોચના અર્થકારણીઓ અને અન્નપુરવઠા-નિષ્ણાતો પાસેથી ભવિષ્યમાં થનારી અન્નની તંગી વિશેની મળી રહેલી ચેતવણીઓ આપણા વડીલોની એ શીખ કેટલી સાચી અને દૂરંદેશીભરી હતી એ પુરવાર કરે છે. ખેર...
આ વર્ષના વર્લ્ડ ફૂડ ડેની થીમ છે ઇનોવેટ એટલે કે નવું શોધો. એના તમામ હેતુઓની દિશામાં કંઈક નવું કરવાનું, નવેસરથી કે નવી શૈલીએ કરવાનું વિચારો. મને કહેતાં ઘણો જ આનંદ થાય છે કે આજના અનેક યુવાનો આ દિશામાં પ્રવૃત્ત છે. વિદેશમાં કે દેશમાં તગડા પગારની કૉર્પોરેટ જૉબ છોડીને કે પોતાના શૈક્ષણિક બૅકગ્રાઉન્ડ અને ડિગ્રીઓને બાજુએ રાખીને ખેતીવાડીના ક્ષેત્રમાં ઝુકાવનારા કેટલાય યુવાનો કંઈક નવું-નોખું કરવાનાં પોતાનાં સપનાં સાકાર કરી રહ્યા છે.
આ યુવાનો ખેતીવાડી ક્ષેત્રે વગર વિચાર્યે કૂદી નથી પડતા. પોતાને જે ફળો કે શાકભાજી કે અનાજ વાવવું છે એના વિશે ઊંડુ સંશોધન તેઓ કરે છે. ખેતીના ક્ષેત્રમાં રહેલી પાણી, મોસમ, દુકાળ ઇત્યાદિ પાયાની સમસ્યાઓને નાથવા તેઓ આધુનિક ટેક્નૉલૉજી અને વૈજ્ઞાનિક સંશોધનોનો ઉપયોગ કરીને વિકસાવાયેલી વિશિષ્ટ પદ્ધતિઓ અપનાવે છે. વળી પોતાના પાક માટે સીધી બજાર ઊભી કરવા સીધા ગ્રાહક સુધી પહોંચે છે અથવા ઑનલાઇન માર્કેટિંગ માટેની વ્યવસ્થા ઊભી કરે છે. આ લોકો ખેતીવાડી કરીને કૉર્પોરેટમાં કમાતા હતા એટલું કે એનાથીયે વધુ કમાઈ લે છે. વળી કુદરતની સાથે રહેવાનો આનંદ પણ માણે છે.
આવા અનેક યુવા કૃષિકારો પોતાની આ માહિતી અને ટેક્નિક આધારિત ખેતીપદ્ધતિ તેમ જ માર્કેટિંગ વ્યવસ્થા પોતાના વિસ્તારના અનેક ખેડૂતોને શીખવે છે. IITનાં ગ્રૅજ્યુએટ્સ સાક્ષી ભાટિયા અને અર્પિત મહેશ્વરી અમેરિકામાં માઇક્રોસૉફ્ટ અને ગોલ્ડમૅન સૅક્સ જેવી કંપનીઓની ઊંચા પગારની નોકરી છોડીને કુદરતના સાંનિધ્યમાં જીવવા ભારત પાછાં ફર્યાં. મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાના બડનગર ગામમાં તેઓ ફળો, શાકભાજી અને કેટલાંક ધાનની ખેતી કરે છે; પણ તેમની ખેતીની રીત તદ્દન અનોખી છે. તેમના ખેતરમાં ન કોઈ મશીન ચાલે છે, ન કોઈ રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે. તેઓ પર્માકલ્ચર પદ્ધતિએ ખેતી કરે છે જેમાં ધરતી, પર્યાવરણ અને કુદરતના નિયમોને આદર અપાય છે, માનવીના શ્રમની કદર કરાય છે અને સૌને પોતાનો હિસ્સો મળે છે. સાક્ષીએ પહેલાં પર્માકલ્ચર પદ્ધતિનો અભ્યાસ કર્યો અને એ પદ્ધતિને સમજી. આ પદ્ધતિમાં જમીન, પાણી, જંગલ અને વન્યજીવનની કાળજી લેવામાં આવે છે. ફરતા-ફરતા પાક લેવામાં આવે છે, જેનાથી જમીનની ફળદ્રુપતા વધે છે. અહીં ખેતરમાં વાવેલાં ગીચ વૃક્ષો જંગલની ફીલ આપે છે. અહીં દરેક શ્રમિક સાથે પણ સન્માનપૂર્ણ વ્યવહાર થાય છે એટલું જ નહીં, તેના જીવન અને પરિવારની પણ કાળજી કરાય છે. આમ વ્યવસાય સાથે પ્રકૃતિ અને સમાજ પ્રત્યેની જવાબદારી પણ નિભાવતું આ યુગલ પોતાના વપરાશનાં ૮૫ ટકા જેટલાં શાકભાજી, ફળો અને ધાન પોતે જ ઉગાડી લે છે. આ પર્યાવરણ-ફ્રેન્ડ્લી સાહસને તેમણે નામ આપ્યું છે – જીવન્તિકા.
આવા અનેક સફળ પ્રયોગો દેશભરનાં જુદાં-જુદાં રાજ્યોમાં આપણા શિક્ષિત યુવાઓ દ્વારા થઈ રહ્યા છે એ હકીકત આજના દિવસે ખેતીવાડીના આ વ્યવસાયમાં જ્ઞાન, વિજ્ઞાન, સંશોધન અને ટેક્નૉલૉજીની મદદથી તેમ જ નૈતિક દૃષ્ટિકોણથી કામ કરનાર માટે આર્થિક દૃષ્ટિએ પણ સક્ષમ થઈ શકે છે એની પ્રતીતિ કરાવી જાય છે.
પત્રકારત્વ માટે લાઇફ-ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી નવાજાયેલાં લેખિકા તરુ મેઘાણી કજારિયાએ અભિનય ક્ષેત્રે પણ કામ કર્યું છે
- તરુ મેઘાણી કજારિયા
