Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જીવનો જગત સાથેનો સંબંધ કાચો છે, ઈશ્વર સાથેનો સંબંધ જ સાચો અને પાક્કો

જીવનો જગત સાથેનો સંબંધ કાચો છે, ઈશ્વર સાથેનો સંબંધ જ સાચો અને પાક્કો

Published : 17 April, 2026 04:54 PM | Modified : 17 April, 2026 05:28 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુખ્યત્વે પાંચ ભાવથી ભગવાનની ભક્તિ થાય છે. એમાં સૌથી પહેલાં આવે છે વાત્સલ્યભાવ. એ પછીના ૪ ભાવની વાત કરીએ તો મધુર અથવા શ્રૃંગારભાવ, સખ્યભાવ, દાસ્યભાવ અને પાંચમો ભાવ છે શાંત ભાવ.

ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

સત્સંગ

ભાઈશ્રી રમેશભાઈ ઓઝા


ધર્મનું અવલંબન કરનારા ભક્તો અલગ-અલગ પ્રકારે ભક્તિ કરે છે અને તેમની અભિવ્યક્તિના પ્રકાર અલગ-અલગ હોય છે. 
મુખ્યત્વે પાંચ ભાવથી ભગવાનની ભક્તિ થાય છે. એમાં સૌથી પહેલાં આવે છે વાત્સલ્યભાવ. એ પછીના ૪ ભાવની વાત કરીએ તો મધુર અથવા શ્રૃંગારભાવ, સખ્યભાવ, દાસ્યભાવ અને પાંચમો ભાવ છે શાંત ભાવ. 
નંદ-યશોદા શ્રીકૃષ્ણની વાત્સલ્યભાવથી ભક્તિ કરે છે. માતા-પિતા બાળકનું લાલન-પાલન વાત્સલ્યભાવથી કરે છે. ભગવાનની વાત્સલ્યભાવે ભક્તિ કરનારે બે નિયમ પાળવા પડે છે. પ્રથમ, બાળક પાસે માગણી ન કરાય. બાળકની ઇચ્છા મુજબ તેને ભોગ ધરાવવો પડે છે. બીજો નિયમ એ છે કે બાળક આગળ રુદન કરાય નહીં. સાંસારિક મુશ્કેલી હોય એ બાબતે બાળક સામે રુદન કરવાથી બાળક મૂંઝાઈ જાય છે અને તે પણ રડવા લાગે છે. આથી બાળક આગળ રડાય નહીં. 
જે કાર્ય કરો એ ભગવાનની સ્મૃતિ સાથે કરો. ભગવાનને સ્નાન, પ્રક્ષાલન, શણગાર, ભોગ ધરાવતી વખતે સતત પ્રભુના સાંનિધ્યમાં રહેવાનું હોય છે. 
પરમાત્મા શ્રીકૃષ્ણ સુખ-દુઃખથી પર, આનંદ-સ્વરૂપ છે. આ જીવને પણ સુખ-દુઃખથી પર થઈને પરમાત્મા શ્રીકૃષ્ણને મળવું છે, પ્રભુ સાથે એકરૂપ થવું છે. જીવાત્માને સુખ-દુ:ખથી પર થવાનો ઉપાય સંતોએ બતાવ્યો છે. જીવ લૌકિક સુખને દુ:ખરૂપ સમજે છે, કારણ કે લૌકિક સુખ વધારે સમય ટકતું નથી. એ મેળવવા માટે અને મેળવ્યા પછી એને સાથે રાખવા માટે મહેનત પણ વધારે કરવી પડે છે. વળી લૌકિક સુખ વધારે મળે તો શરીર આળસુ અને પ્રમાદી બને છે. પરમાત્માને જીવ ભૂલી જાય છે. તેથી આ લૌકિક સુખને વૈષ્ણવો દુઃખરૂપ માને છે અને દેહ-દુ:ખને સુખરૂપ માને છે, કારણ કે દેહ-દુઃખમાં દુઃખની અસર પણ ઓછી થાય છે. શ્રીકૃષ્ણના સ્મરણમાં તન્મયતા થાય તો દુ:ખની અસર પણ ઓછી થાય. દેહથી આત્મા ભિન્ન છે. દેહ-ધર્મથી આત્મ-ધર્મને મહાપુરુષો શ્રેષ્ઠ માને છે. પ્રભુમાર્ગમાં જનાર સાધકે માન-મોહ, સંગ, કામનાઓ, દ્વંદ્વો ઇત્યાદિથી બહુ સાવધાન રહેવાનું હોય છે. જો સાવધાની દાખવવામાં થાપ ખાઈ ગયા તો પત્યું ભાઈ.
પરમાત્માનો માર્ગ અનેકને સાથે રાખીને ચાલવાનો માર્ગ નથી. એ માર્ગે તો એકલા જ જવાનું છે. પ્રભુનો માર્ગ બહાર ફરવાનો નથી પરંતુ અંદર જવાનો માર્ગ છે. એટલે વિષયોમાં, ઇન્દ્રિયોમાં, ઇન્દ્રિયોમાંથી મનમાં, મનથી બુદ્ધિમાં અને બુદ્ધિથી અંદર બિરાજેલા ચૈતન્ય સ્વરૂપ નારાયણમાં લીન થવાનું છે.
જગતમાં સૌ ધર્મશાળામાં ભેગા થયેલા યાત્રીઓ સમાન છે. ઋણાનુબંધ અને પ્રારબ્ધકર્મ અનુસાર બધા ભેગા થાય છે. સંબંધ પૂરો થયો કે જીવ ચાલતો થાય છે. સંસારનો સંયોગ વિયોગ માટે જ થાય છે. જીવનો જગત સાથેનો સંબંધ કાચો છે, ઈશ્વર સાથેનો સંબંધ જ સાચો છે.


Whatsapp-channel Whatsapp-channel

17 April, 2026 05:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK