ચૂંટણીમાં મત આપવાનું ફરજિયાત કરવાની અરજી ફગાવી દઈને સુપ્રીમ કોર્ટે કહી દીધું...
સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે ગુરુવારે દેશમાં મતદાનને ફરજિયાત કરવાની માગણી કરતી અરજી નકારી કાઢી હતી. જનહિતની યાચિકામાં અજય ગોયલે અરજી કરી હતી કે જે લોકો જાણીકરીને મત આપતા નથી તેમને મળતી સરકારી સુવિધાઓ અટકાવી દેવી જોઈએ. કોર્ટે કહ્યું હતું કે આ આદેશ નીતિગત વિષય છે, ન્યાયવ્યવસ્થા આવો આદેશ ન કરી શકે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જૉયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે કહ્યું હતું કે જાણીકરીને મત ન આપનારા લોકો પર દંડાત્મક કાર્યવાહી કરવાની અને મતદાનને ફરજિયાત બનાવવાની સુનાવણી કોર્ટ ન કરી શકે. ચીફ જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું હતું કે ‘જો કોઈ નાગરિક વોટ આપવા ન જાય તો એમાં કોર્ટ શું કરે? શું અમારે તેની ધરપકડ કરવાનો નિર્દેશ આપવો જોઈએ? જો કોઈ ગરીબ વ્યક્તિ કહે કે મારે એ દિવસની મજૂરી કમાવા જવાનું છે, હું વોટ આપવા મારા વતન કઈ રીતે જાઉં? તો એમાં કોર્ટ શું કરે?’
